હિન્દી સિનેજગતે મોનિકા બેદીને નવ ગજના નમસ્કાર જ કર્યા!
ગોડફાધર્સ :- શીલા રાવલ
પંજાબના એક નાનકડા ગામમાંથી જીવન શરૂ કરનાર મોનિકા બેદીએ પોતાના નાના ગામથી શરૂઆત કરીને પોર્ટુગલની જેલ સુધી ખુબ લાંબી મુસાફરી કરી હતી. એ હિન્દી ફિલ્મોની આશાસ્પદ અભિનેત્રી હતી. હિરોઈન તરીકે ફિલ્મો કરી ચૂકી હતી, પરંતુ પછી ફિલ્મના હીરો કરતાંય વધુ ડેશિંગ અને ડેરિંગ ધરાવતો અબુ સાલેમ એના જીવનમાં આવ્યો અને જિંદગીનો રસ્તો જ બદલાઈ ગયો. જે રસ્તો પ્રેમ, પ્રસિદ્ધિ અને ગ્લેમરથી છલકાતો સુહાનો લાગતો હતો એની સુંવાળપની નીચે ભયાનક અણિયાળા કાંટા ક્યાં તો મોનિકાને દેખાયા નહીં હોય અથવા એને શરૂઆતમાં એની કાતિલ ઈજાઓનો ખ્યાલ નહીં આવ્યો હોય!
મોનિકા પંજાબના નાના ગામમાં જન્મી અને ઉછરી હતી, પરંતુ એની આંખમાં કોઈપણ તરૂણીની જેમ મોટા મોટા સપનાં હતાં. એને સિનેમાના પડદે ચમકીને પ્રસિદ્ધિ અને પૈસો બંને છલોછલ મેળવવાં હતાં. એ મુંબઈની ફિલ્મનગરીમાં આવી અને પ્રગતિ માટે સમાધાન પણ સ્વીકાર્યા, એને હિરોઈન તરીકે ફિલ્મ પણ મળી, પરંતુ હિરોઈન તરીકે ગ્લેમર બતાવીને કે અભિનયના જોરે ગજબનાક ભુમિકા ભજવીને એણે હજી તો પોતાની ઓળખ પણ બનાવી નહોતી. એવામાં એને એક પાર્ટીમાં એક અનોખો આકર્ષક યુવાન મળ્યો. એ યુવાનને બધાં જે રીતે માન આપી રહ્યા હતા અને એ કોઈ હીરોને પણ ટક્કર મારે એવો હેન્ડસમ દેખાતો હતો એ જોઈને મોનિકાના મનમાં એક વિચાર જાગ્યો હશે. આ માણસ મારી કરિયરને જબરજસ્ત બૂસ્ટ આપી શકશે! ખરેખર સાવ ઓછી જાણીતી મોનિકા બેદી અબુ સાલેમની પ્રેમિકા તરીકેની ઓળખ મળતાં જ આખા દેશમાં જ નહીં આખા જગતમાં જાણીતી બની ગઈ. અબુ સાલેમ આંતરરાષ્ટ્રીય ધોરણે વોન્ટેડ ગુનેગાર હતો એટલે આખા જગતમાં એના સમાચાર પ્રગટ થતા રહેતા હતા. હવે એની સાથે મોનિકાનું નામ પણ જડાવા લાગ્યું. શરૂઆતમાં તો મોનિકા અબુના નામે ફિલ્મોમાં હિરોઈનના રોલ મેળવવાના જ સોણલાં જોતી હતી, પરંતુ ધીમે ધીમે સમજાયું કે ફિલ્મની હિરોઈન તરીકે જે સુખ-સાહ્યબી મળે એના કરતાં ક્યાંય અદકેરી સાહ્યબી તો આ માણસની પ્રેમિકા તરીક મળી શકે છે.
સપ્ટેમ્બર ૨૦૦૨માં પોર્ટુગલમાં નકલી પાસપોર્ટની મદદથી દાખલ થવાના આરોપસર લિસ્બનની પોલીસે અબુ સાલેમ સાથે મોનિકા બેદીની પણ ધરપકડ કરી લીધી. બંનેએ બે વર્ષ પોર્ટુગલન જેલમાં વીતાવ્યા. એ પછી ભારત સરકારે પ્રત્યાર્પણ સંધિ કરીને અબુ સાલેમ તથા મોનિકા બેદીને ભારત લાવવામાં સફળતા મેળવી. ૧૧ નવેમ્બર ૨૦૦૫ના રોજ અબુ સાલેમ અને મોનીકા બેદીને પોર્ટુગલથી ભારત રવાના કરવામાં આવ્યા.
ભારત સરકારે પોર્ટુગલ સરકારને વચન આપ્યું હતું કે અબુ સાલેમને ગુનેગાર ઠર્યા પછીય ૨૫ વર્ષની કેદથી વધારે સજા કરવામાં નહીં આવે. એને કોઈપણ સંજોગોમાં મૃત્યુદંડ તો નહીં જ કરવામાં આવે. સીબીઆઈએ મોનીકા બેદી સામે કલમ ૪૨૦(છેતરપીંડી) ૧૨૦બી (ગુનાઈત માવતરસં) અને પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ (નકલી નામે પાસપોર્ટ મેળવવો) જેવા ગુનાઓ માટે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મોનિકાને નકલી પાસપોર્ટના ગુના હેઠળ ગુનેગાર ઠરાવી. સ્વાભાવિક જ આવા ગુનાની સજા ૧૦ વર્ષ સુધીની હોય છે. એમાંથી બે વર્ષ તો મોનિકાએ જેલમાં વીતાવી જ દીધા હતા. સજા ૫ામ્યાના બે જ વર્ષમાં મોનિકા બેદી બિગ બોસ નામના રિયાલિટી શોમાં ચમકી તો બધાને આશ્ચર્ય થયું હતું. શોની વ્યૂઅરશિપ આકાશને આંબી ગઈ હતી. એને જેલમાંથી જામીન પર છોડવામાં આવી હતી. મોનિકાએ શોમાં જાતજાતની વાતો કરી હતી એમાં એનો સૂર એવો હતો કે અબુ સાલમે એને છેતરીને ભોગ બનાવી હતી. એમાં મોનિકાએ કબૂલ કર્યું કે બિગ બોસમાં આવવાનો એનો આશય એવો છે કે પોતાની કરિયર નવેસરથી શરૂ કરી શકે.
ખરેખર એને બિગ બોસ પછી ઝલક દિખલા જા નામનો શો મળી ગયો. પછી રાઝ પિછલે જનમ કા નામની સીરિયલ પણ મળી ગઈ. એની સાથે દેસી ગર્લ અને સરસ્વતિચન્દ્ર જેવી સીરિયલો પણ મોનિકાને મળી ગઈ. એ પછી એને સ્થાનિક ભાષાની ફિલ્મો મળવા લાગી, પરંતુ હિન્દી સિનેમાએ કોઈ અકળ કારણસર એનાથી અંતર બનાવી જ રાખ્યું. ઈન્ડસ્ટ્રીને કદાચ બીક હશે કે મોનિકાને ફિલ્મમાં લેવી એટલે અન્ડરવર્લ્ડ સાથે નકામો સંપર્ક કરવો!
દમિયાન મોનિકા બેદી પોતાના પાસપોર્ટ માટે કોર્ટમાં ગઈ. મોનિકા બેદીએ કોર્ટમાં કરેલી આ પિટીશનના પ્રતિભાવમાં સ્થાનિક પાસપોર્ટ ઓફિસે એફિડેવિટ કરી આપી કે મોનિકા બેદીને મુંબઈ હાઈકોર્ટ દ્વારા પાસપોર્ટ ઈશ્યુ થવો જોઈએ. પાસપોર્ટ ઓફિસે ખુલાસો કર્યો કે મોનિકા બેદી સામે મૂકવામાં આવેલા આરોપસર કોઈપણ ક્રિમિનલ કોર્ટમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ચાલી રહી હોય તો અમારી કચેરી તેને પાસપોર્ટ આપી શકે નહીં. આ કામ મુંબઈ હાઈ કોર્ટની દરમિયાનગીરીથી જ થઈ શકે. જવાબમાં મુંબઈ હાઈ કોર્ટે સ્થાનિક પાસપોર્ટ ઓફિસને સુચન કર્યું કે મોનિકા બેદીની પાસપોર્ટ અરજી પ્રોસેસ કરવી. જરૂરી તમામ દસ્તાવેજો ચકાસીને એની ખરાઈ કર્યા પછી અને બધી જ વિધિ પૂર્ણ કર્યા પછી આપવાયોગ્ય લાગે તો જ પાસપોર્ટ ઈશ્યુ કરવો.
કોર્ટની આ સુચના પ્રમાણે મોનિકા બેદીની પાસપોર્ટ અરજીની કડક તપાસ કર્યા પછી જ્યારે પાસપોર્ટ કચેરીએ તેને ડિસેમ્બર ૨૦૧૪માં પાસપોર્ટ ઈશ્યુ કરી દીધો તો મોનિકા બેદીની કાયદા સામેની લડાઈ સમાપ્ત થઈ ગઈ. સપ્ટેમ્બર ૨૦૦૬માં સીબીઆઈ કોર્ટે એની સામેના કેસમાં ચુકાદો આપ્યો એના થોડા જ સમય પહેલાં હું એને મળવા અને ખરેખર મોનિકા બેદી કેવી છે એની જાતતપાસ કરવા માટે હૈદરાબાદ જઈને તેને મળી હતી. શું એ હિન્દી સિનેજગતમાં જોડી નં.:૧ અને આશિક મસ્તાના જેવી ફિલ્મોની હિરોઈન બન્યા પછીય ભૂલી જવા યોગ્ય અભિનેત્રી હતી? કે પછી રમિલ કમાલ મલિકનું નામ ધારણ કરનાર અબુ સાલેમને પરણવા માટે ધર્મપરિવર્તન કરીને સના મલીક કમાલ બનનાર મહિલા હતી? કે પછી જે નામે એનો નકલી પાસપોર્ટ બન્યો હતો અને જે પાસપોર્ટ વાપરીને એ આખું જગત ફરતી રહી હતી એ ફૌઝિયા ઉસ્માન હતી.
હું જે દિવસે એને મળવાની હતી એ જ દિવસે એના કેસોનો ચુકાદો આવવાનો હતો. મેં એના એડવોકેટ સાથે વાત કરીને નક્કી કર્યું હતું કે હું મોનિકા બેદીને માત્ર ૧૫ મિનિટ માટે કોર્ટના પરિસરમાં જ ખાનગીમાં મળવા માગું છું. એડવોકેટે મને ચુકાદો આવ્યા પછી કહ્યુ, પ્રોસિક્યુશન ઓફિસ કે બહાર વેઈટ કિજિયે!
એડવોકેટને ખાતરી હતી કે મોનિકા બેદી મુલાકાત આપવાની ના નહીં જ પાડે, પરંતુ મારા આટલા વર્ષના અનુભવે હું સમજી ચૂકી હતી કે એડવોકેટે હજી મોનીકા બેદી સાથે મારી મુલાકાતની વિનંતિ અંગે વાત જ નથી કરી.
એ દિવસે નામપલ્લી કોર્ટનુ પરિસર પત્રકારોથી ખીચોખીચ ભરેલું હતું. બધાની નજર મોનિકા બેદી ઉપર અને એની સામેના કેસોમાં શું ચુકાદો આવે છે એ જાણવા પર હતી. આખરે મોનીકા બેદી સુતરાઉ સલવાર-કમીઝ પહેરીને બહાર આવી. એના વાળ ખુબ ચીવટથી ક્લિપ કરેલા હતા. તે એક બેન્ચ ઉપર બેઠી. એની આંખો નીચે ફર્શ ઉપર જડાયેલી હતી. મને લાગ્યું કે જેલવાસના કારણે એ ખુબ જ નમ્ર બની ગઈ હતી. મને જાણવા મળ્યું હતું કે તેને જેલમાં પૂરવામાં આવી તો એ માનસિક શાંતિ મેળવવા માટે યોગ અને આદ્યાત્મ તરફ વળી હતી.
(ક્રમશઃ)
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હિન્દી સિનેજગતે મોનિકા બેદીને નવ ગજના નમસ્કાર જ કર્યા! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/hindi-cinejagate-monica-b/
via Best Gujarati News
0 Comments