ખાનગી ટયુશન ક્લાસીસઃ એક અનિવાર્ય અનિષ્ટ
સમયની આરપાર :- નરેન વઢવાણા
સુરતમાં આગ લાગવાની જે દુર્ઘટના બની એ તો અકસ્માત હતો. એવો અકસ્માત ગમે ત્યાં બની શકે. એમાં બાંધકામનું અણઘડ આયોજન અને સંચાલકથી માંડીને સામાન્ય માણસો સુધી બધાની બેદરકારી સામે આવે છે. આવી કોઈ ઘટના ન બને તો પણ કોચીંગ ક્લાસિસ-ટયુશન ક્લાસિસ સમાજ માટે શરમજનક ગણાવા જોઈએ. એને બદલે ગર્વનો વિષય બની રહ્યા છે!
આમ જોવા જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસનો સતત મોટો થઈ રહેલો રોલ સમાજ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. પણ આપણે ત્યાં વાતાવરણ જ એવું ઊભું કરી દેવામાં આવ્યું છે કે આર્થિક રીતે શોષણ થતું હોવા છતાં, કોઈ વ્યક્તિ તેની જરૂરિયાત બાબતે ઈનકાર કરી શકે તેમ નથી. હવે તો એવા સંશોધન પણ સામે આવ્યાં છે, જેમાં દાવા કરાયા છે કે કોચિંગ ક્લાસિસને કારણે જે તે સ્પર્ધક પર ન માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ સર્જાય છે, પરંતુ તેનાં શરીરમાં પણ અનેક તકલીફે પેદા થાય છે. ભોપાલ એઈમ્સનાં ડોક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવેલાં એક સંશોધન પરથી ખ્યાલ આવે છે કે કારકિર્દી બનાવવાનાં સપનાં બતાવતાં કોચિંગ ક્લાસો વિદ્યાર્થીઓને બિમાર પાડી રહ્યા છે. સંશોધન મુજબ કોચિંગ સેન્ટરોમાં એક જ જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાથી, પીઠને આરામ ન મળવાથી વિદ્યાર્થીઓમાં સ્નાયુઓનાં દર્દની ફ્રિયાદો વધી રહી છે. રિસર્ચમાં સામેલ ૧૬ થી ૨૨ વર્ષનાં ૮૭ ટકા વિદ્યાર્થીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. આ પહેલાં તેમને કોઈ ફ્રિયાદ નહોતી. સંશોધનકર્તા ડોક્ટરનું કહેવું હતું કે, મોટાભાગનાં કોચિંગ ક્લાસોમાં વિદ્યાર્થીઓ એવી બેંચોમાં બેસતાં હોય છે જ્યાં પીઠનાં ભાગે કશો ટેકો હોતો નથી. વળી ભણવામાં ધ્યાન આપવાને કારણે આ વિદ્યાર્થીઓ કોઈ હલનચલન પણ નથી કરતાં, જેનાં કારણે સ્નાયુઓ નબળાં પડી જાય છે. આડા પડીને કે ત્રાંસા બેસીને ભણવાથી સમસ્યા વધારે વકરે છે.
જો કે વિદ્યાર્થીઓનાં માતાપિતાને ખ્યાલ હોય છે કે કોંચિંગ સેન્ટરોમાં લાખો રૂપિયા ખર્ચ્યાં પછી પણ જીવનમાં સફ્ળ થવાની કોઈ ગેરંટી નથી હોતી, છતાં તેઓ કારકિર્દી મામલે કોઈ જોખમ લેવા તૈયાર નથી હોતાં. આ સિવાય બીજાની દેખાદેખીમાં અથવા કોચિંગ સેન્ટરોની લોભામણી જાહેરાતોથી લલચાઈને પણ તેઓ પોતાની બચતનો મોટો હિસ્સો કોચિંગ સેન્ટરો પાછળ ફળવે છે છતાં બદલામાં તેમને કશું મળતું નથી. આજે મેડિકલ અને એન્જિનીયરીંગમાં એડમીશન માટે મોટાભાગનાં વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ પર નિર્ભર રહેવું મોટી સમસ્યા બની ગયું છે. જો કે કોચિંગ સેન્ટરોની જાહેરાતોની માયાજાળ ભલભલાં માતાપિતાને ફ્સાવવામાં માહેર હોય છે. એ હકીકત છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણાં દેશમાં કોચિંગ ક્લાસો રાત્રે ન વધે એટલાં દિવસે અને દિવસે ન વધે એટલાં રાત્રે વધી રહ્યાં છે. ભણવાનો અને પરીક્ષાઓની તૈયારીઓ કરાવવાનો આ મામલો હવે પ્યોર બિઝનેસમાં ફેરવાઈ ગયો છે. કોચિંગ સેન્ટરો મધ્યવર્ગીય માબાપોની નસ બરાબર જાણતા હોઈ રૂપિયા પડાવવાની કે પોતાનો ધંધો વધારવાની એકેય તક જતી કરતાં નથી. હોંશિયાર વિદ્યાર્થીઓને મફ્ત રહેવાનું, જમવાની સગવડ અને ઉત્તમ શિક્ષકો પુરાં પાડવાની સાથે સફ્ળ વિદ્યાર્થીને બાઈકથી લઈને કાર સુધીની ગિફ્ટ આપવી વગેરે બિઝનેસ વધારવાનો એક ભાગ જ હોય છે. જો કે કોચિંગ ક્લાસો દ્વારા થતી તગડી કમાણીની સામે આ રોકાણ સાવ નજીવું હોય છે. આવા ઈનામોની લ્હાણી કરીને તેઓ સમગ્ર દેશમાં પોતાનાં વિદ્યાર્થીની સફ્ળતાનો ઢંઢેરો પીટતાં રહીને વર્ષોવર્ષ કરોડોની કમાણી કરતાં રહે છે. આર્થિક જગતની જાણીતી સંસ્થા એસોચેમનાં એક અંદાજ મુજબ ૨૦૧૫ સુધીમાં દેશમાં ખાનગી કોચિંગ સેન્ટરોનો કારોબાર ૪૦ અબજ ડોલર સુધી હતો. જ્યારે દુનિયાભરમાં ૨૦૨૨ સુધીમાં આ આંકડો ૨૨૭ અબજ ડોલર સુધી પહોંચી જવાનો અંદાજ છે. એમાં પણ ભારત અને ચીન જેવા દેશો ઘણાં આગળ હશે, કેમ કે અહીં વધતી જતી વસ્તીની તુલનામાં રોજગારીની તકો ઝડપથી ઘટી રહી છે. આજે પ્રાથમિકમાં ભણતાં ૮૭ ટકા અને માધ્યમિકમાં ભણતાં લગભગ ૯૫ ટકા બાળકો ટયુશન કે કોચિંગ લે છે જેનાં કારણે માતાપિતાનાં ખિસ્સાં પર તગડો બોજો પડયો છે. પણ બાળકનાં ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરવા ન માગતા હોઈ તેઓ કોચિંગ ક્લાસિસ સામે વાંધો લેતાં નથી. આ સર્વેમાં ૭૮ ટકા માતાપિતાએ સ્વીકાર્યું હતું કે આજે બાળકો પર વધારે માર્ક્સ લાવવાનું દબાણ છે અને ટયુશન વિના તે શક્ય નથી.
ટયુશન કે કોચિંગ ક્લાસિસ વિશે આપણો સમાજ પહેલાં માનતો હતો કે શિક્ષણમાં તે એક સહાયક પરિબળ છે. ક્લાસિસનો સહારો લઈને ભણવામાં નબળાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થઈ શકે છે. પણ જ્યારથી દેશમાં મેડિકલ અને એન્જિનીયરીંગ કોલેજોની બોલબાલા વધી છે ત્યારથી દરેક વ્યક્તિ પોતાનાં બાળકને આ જ ક્ષેત્રમાં મોકલવા હોડ લગાવી રહ્યો છે. આજે સ્થિતિ એ છે કે દેશની તમામ એન્જિનિયરીંગ કોલેજોમાં કુલ મળીને ૪૦ હાજર સીટો છે. મેડીકલ કોલેજોમાં પણ આ જ સ્થિતિ છે. પણ આ સીટો પર એડમીશન માટે દર વર્ષે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. આ સ્થિતિનો ફયદો કોટા, દિલ્હીથી લઈને અમદાવાદ, રાંચી, લખનઉ જેવા દરેક નાનામોટાં શહેરોનાં ગલી નાકાઓ પર ખૂલી ચુકેલાં કોચિંગ ક્લાસો લઈ રહ્યાં છે. જેઓ પોતાનાં એકાદ પૂર્વ વિદ્યાર્થીની સફ્ળતાનો ઢોલ વગાડીને છોકરાંઓને એન્જિનીયર, ડોક્ટર બનાવી દેવાનાં સપનાં બતાવીને માબાપ પાસેથી લાખો રૂપિયા પડાવવામાં સફ્ળ રહે છે.
સવાલ એ છે કે આપણો સમાજ કોચિંગ સેન્ટરોને એક અનિષ્ટની રીતે કેમ નથી જોતો? વિદ્યાર્થીઓની વધતી જતી આત્મહત્યાઓને લઈને ખુદ માનવ સંસાધન મંત્રાલયે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે છતાં આપણે હજુ કેમ તેને એક સમસ્યા તરીકે જોતા નથી? આશ્ચર્યની વાત એ છે કે નાનકડી સ્કૂલ ખોલવા માટે સરકારની મંજૂરી જરૂરી છે પણ કોચિંગ ક્લાસ ખોલવા માટે કોઈ લાયસન્સની જરૂર નથી. જેનાં કારણે આજે સ્થિતિ એ છે કે માબાપ પોતાનાં બાળકોને સરકારી શાળામાં ભણવા ભલે ન મોકલે, પણ એ ખાનગી કોચિંગ ક્લાસમાં જરૂર મોકલે છે જ્યાં સરકારી શિક્ષક ભણાવે છે. ખાનગી કોચિંગ ક્લાસોને કારણે જ આજે આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ જેઓ કંઈક મૌલિક વિચારે છે તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનાં પહોંચાવાની શક્યતાઓ ખતમ થઈ ગઈ છે, જ્યારે ગોખણપટ્ટી કરતાં વિદ્યાર્થીઓની ભરમાર છે. આ કેવી શિક્ષણ વ્યવસ્થા છે, જે કોચિંગ ક્લાસનાં સહારે માત્ર ગોખણપટ્ટી કરતાંને આગળ કરે છે અને કંઈક નવું વિચારતાં યુવાનો માટે જીવન અને રોજગારનાં રસ્તા બંધ કરતી નજરે પડે છે. વિચારજો.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખાનગી ટયુશન ક્લાસીસઃ એક અનિવાર્ય અનિષ્ટ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/private-tuition-classes-a-a/
via Best Gujarati News
0 Comments