મેનેજમેન્ટ ગુરુ :- સરદાર

સરદાર-નેહરુની જોડીમાં સરદાર વધુ મક્કમ અને ઠરેલ હતા, જ્યારે નેહરુ વધુ સ્વપ્નશીલ અને લાગણીશીલ હતા. બન્ને એકમેકની ખૂબી-ખામીથી ખાસ્સા પરિચિત હતા. સરદારના જીવનના છેલ્લા વર્ષમાં બિનસાંપ્રદાયિકતાની નીતિના ચુસ્ત પાલનના મામલે નેહરુએ સરદારને બે પત્રો લખ્યા અને પછી સરદારે અત્યંત લાંબા જવાબ દ્વારા નેહરુને કઈ રીતે શાંત પાડયા અને કઈ રીતે સરદારે નેહરુને સાથ આપ્યો એ આખો મામલો ખાસ સમજવા જેવો છે. પહેલાં જોઈએ, ૧૯૫૦ના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નેહરુએ સરદારને લખેલા એ બે પત્રો, જેમાંના પ્રથમ પત્રમાં નેહરુએ બંગાળમાં તથા સમગ્ર દેશમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય કાબૂમાં લેવા માટે દિલ્હી (વડા પ્રધાન તરીકેની કામગીરી) છોડીને બંગાળમાં જઈને કોમી શાંતિ માટે કામમાં પૂરેપૂરા ખૂંપી જવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી. સરદારનો ઠરેલ પ્રતિભાવ સમજવા માટે પહેલાં નેહરુની બેચેનીને જાણીએ…

જવાહરલાલ નેહરુનો સરદાર પરનો પત્ર

૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૦  

…અલબત્ત હું તમારી સાથે પૂરેપૂરી ચર્ચા કર્યા વિના કંઈ પણ પગલું નહીં લઉં. આ બાબતો જેમની સાથે ચર્ચી શકાય તેવા બહુ થોડા માણસો છે, અને મેં આ બાબત રાજેન્દ્રબાબુ સિવાય બીજા કોઈને વાત કરી નથી… હું કોઈ પગલું ઉતાવળે નહીં લઉં… મને એવી લાગણી થાય છે કે બંગાળની (કોમી તંગદિલીની) આ ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવા કંઈક ધ્યાન ખેંચે તેવું કરવું જોઈએ અને આ લાગણી પ્રતિદિન વધુ બળવાન થતી જાય છે. મારા મનમાં અત્યારે સૌથી મોટું કામ પૂર્વ અને પિૃમ બંગાળની બાબત છે. પૂર્વ અને પિૃમ બંગાળની સ્થિતિને લીધે અને ત્યાં રહેતા કરોડો માણસોના ભાવિને લીધે આ પ્રશ્ન મોટો છે. પણ પ્રશ્ન એથીયે વધુ મોટો છે કારણકે એ આખા ભારતને ગ્રસી જાય એવો સંભવ છે.

…નવી દિલ્હીમાં મારી ઉપયોગિતા મોટે ભાગે ખલાસ થઈ ગઈ છે અથવા, બીજી રીતે કહું તો, હું મારી જાતને અન્ય પ્રવૃત્તિથી વધારે ઉપયોગી બનાવી શકું. હું રોજનાં સો નાનાંમોટાં કામ કરું છું અને એનું કંઈક મૂલ્ય પણ હશે. પણ તાત્વિક દૃષ્ટિએ એ બધાં ગૌણ છે અને કટોકટી દરમિયાન તો પહેલી વસ્તુ જ પહેલી આવવી જોઈએ.

ગઈ કાલે મેં તમને સંસદના ઘણા સભ્યોની વધતી જતી અશિસ્ત અને બિનજવાબદારી વિશે લખ્યું હતું… પણ વધુ અગત્યની વાત તો સમગ્ર સંસદની અને મારી વચ્ચેના (ખાસ તો કોમવાદના મામલે જોવા મળી રહેલા) દૃષ્ટિભેદની છે. તેઓ મને નભાવી લે છે તેનું કારણ તેમની મારી પ્રત્યેની મૈત્રીની ભાવના, એમની લાગણી અને અમુક ભૂતકાળનો ઈતિહાસ અને અમુક રીતે વર્તવાની ટેવ. પણ મન અને હૃદયથી તેઓ મારાથી વધુ ને વધુ દૂર જઈ રહ્યા છે… એટલે મને લાગે છે કે મારે અને સંસદને બંનેને માટે એ સારું છે કે પરસ્પરની હતાશાની લાગણી દૂર કરવી અને મર્યાદિત ક્ષેત્રમાં પરસ્પરને કાર્યની અમુક સ્વતંત્રતા આપવી. એવું પણ બને કે કોઈ નાટયાત્મક પગલું હું લઉં તો તે અહીં પણ પરિસ્થિતિ ઉપર સારી અસર કરે. એને લીધે લોકોને ખ્યાલ આવશે કે બંગાળમાં જ નહીં પણ આપણા સમગ્ર જાહેર જીવનમાં ગંભીર વાસ્તવિક્તા આપણી સામે ખડી છે. જ્યારે ઠંડા ચિત્તે વિચાર કરવાની અને સાથે સાથે દૃઢતાની જરૂર છે ત્યારે આપણે બિન-જવાબદાર ન બની શકીએ કે લાગણીના ઊભરાથી કામ ન કરી શકીએ…

કોંગ્રેસના દૃષ્ટિબિંદુથી પણ, હું જે પગલું લેવા માગું છું તે કોંગ્રેસીઓને હચમચાવી મૂકશે અને તેમને નાની નાની તકરારોમાંથી અને ઈર્ષામાંથી બહાર કાઢશે. આપણે બધા આપણી જાતને ખંખેરી નાખીએ તે માટેનો સમય પાકી ગયો છે. આપણે અતિશય આત્મસંતોષી અને સંકુચિત દૃષ્ટિના થઈ જઈએ છીએ. આપણા મનમાં અને આપણી પ્રવૃત્તિમાં જરાક અગ્નિની જરૂર છે.

આમ દરેક દૃષ્ટિબિંદુથી મારી દરખાસ્ત વાજબી ગણાય છે. જો તમને એમ લાગે કે એથી આપણા અહીંના બીજા કામમાં કંઈ મુશ્કેલી આવશે તો તમે થોડાક સાચા ઠરો, પણ બહુ નહીં. કામકાજ પોતાની ગતિથી આપો-આપ ચાલ્યા કરે છે અને કોઈપણ સંજોગોમાં તમે તો દોરવણી આપવા માટે હશો જ. તમારી ઉપર વધારાનો બોજો નાખવાનો મને અણગમો છે. પણ બીજી દૃષ્ટિએ, મને લાગે છે કે હું આ માર્ગ લઉં તો એ બોજો હળવો પણ થાય. હું સાવ જતો તો નથી જ રહેવાનો. મારો સંપર્ક કરી શકાય એટલો નજીક તો હું હઈશ જ અને જ્યારે મને લાગશે કે મારું કામ એવું થયું છે કે હવે હું પાછો આવું તે વાજબી ગણાય, ત્યારે હું પાછો આવીશ. થોડાક મહિનામાં અહીં બહુ ફેર પડી જવાનો નથી. એ થોડાક મહિનાથી બીજે અને લોકોનાં મનમાં કદાચ ફેર પડે પણ ખરો. મારે આ કામ કરવું હોય તો વડા પ્રધાન તરીકે ચાલુ રહીને કરવું સારું નથી. એથી તો હું જે અસર કરવા માગું છું તે થોડેઘણે અંશે મારી જાય…

ટૂંકમાં, દિલ્હીનું બધું જ કામ સરદારના માથે નાખીને નેહરુએ બંગાળ જવા વિશે જે રીતે વિચાર્યું તેની પાછળ વિચાર કરતાં લાગણીનો ધક્કો વધુ હતો. આવા લાગણીશીલ સાથી સાથે ‘મેનેજમેન્ટ ગુરુ સરદારે’ કઈ રીતે પનારો પાડયો તે જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે.

(ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઇમોશનલ સાથી સાથે કઈ રીતે પનારો પાડવો? appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/emotional-companion-with-the-way/
via Best Gujarati News