લાઈવ વાયર :- મયુર પાઠક

દેશના પંદરમા વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની ફરી વાર તાજપોશી થઇ ગઇ છે. આજે ૨૯મી મે છે. આજનો દિવસ દેશના પાંચમા વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની મૃત્યુતિથિનો દિવસ છે. ગુજરાતીઓ ચૌધરી ચરણસિંહને એ રીતે યાદ કરે છે કે દેશના પહેલા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇને વડા પ્રધાન પદેથી ઊથલાવવામાં ચરણસિંહની મુખ્ય ભૂમિકા હતી. ચૌધરી ચરણસિંહ રાજકારણમાં એવું નામ છે કે જેમણે સત્તાની લાલચ માટે પોતાની જ સરકાર ઊથલાવી પાડી હતી. આ એક કાર્ય માટે ચૌધરી ચરણસિંહ રાજકારણમાં બદનામ થઇને રહ્યા.

રાજકારણમાં હંમેશાં તમારું છેલ્લું કાર્ય મહત્વનું હોય છે. આખી જિંદગી તમે લોકોની સેવામાં વિતાવી દીધી હોય પરંતુ છેલ્લે એક એવો ડાઘ તમારા પર લાગી જાય તો તમારી ઓળખ એ ડાઘ બનીને રહી જાય છે અને રાજકારણમાં તમારી પ્રતિષ્ઠા પળવારમાં ધૂળમાં મળી જતી હોય છે. ચૌધરી ચરણસિંહની આખી જિંદગી ખેડૂતો માટેની લડાઇમાં વિતી ગઇ. જિંદગીનાં શરૂઆતનાં ૨૬ વર્ષ સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યાં અને અભ્યાસ પર ધ્યાન આપ્યું. ૧૯૨૩માં તેમણે બી.એસસી. કર્યું. ૧૯૨૫માં તેમણે એમ.એ. કર્યું અને ૧૯૨૮માં વકીલાતની સાથે સાથે રાજકારણમાં પણ ઝપલાવ્યું. તે સમય કોંગ્રેસનો હતો. ૧૯૩૭માં ઉત્તરપ્રદેશમાં ધારાસભ્ય બન્યા. ખેડૂતોનાં દેવાં માફ કરાવવા માટે ૧૯૩૯માં બ્રિટિશ સરકાર સામે તેમણે બાંયો ચઢાવી હતી અને ખેડૂતોનાં ખેતરોની હરાજી થતી અટકાવી હતી. ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં તેઓ જોડાયા. આઝાદી મળ્યા બાદ પણ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા. ૧૯૫૨માં તેમના પ્રયાસોથી જ ઉત્તર પ્રદેશમાં જમીનદારી પ્રથા દૂર થઇ અને ગરીબોને જમીન પર અધિકાર મળ્યો. ૧૯૬૭માં અને ૧૯૭૦માં બે વખત તેઓ યુપીના મુખ્ય મંત્રી પણ રહ્યા. કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ જવાહરલાલની નેહરુની નીતિઓ સાથે સંમત ન હતા. સત્તામાં રહીને પણ એ પરિવર્તનની કોશિશ કરતા રહ્યા અને પંડિત નેહરુનો સીમિત અને યથા સંભવ વિરોધ કરતા રહ્યા. આઝાદી પછી તરત તેઓ નેહરુના સમાજવાદનો અને અંગ્રેજી પરત્વેના મોહનો શરૂઆતમાં ધીરેથી અને પછી ખુલ્લી રીતે વિરોધ કરતા રહ્યા. ચરણસિંહનું માનવું હતું કે કમનસીબી એ છે કે દેશનું શાસન એવાં લોકોનાં હાથમાં છે કે જેઓ વિદેશોમાં ભણીને આવ્યાં છે, જેમને ગામ, ગરીબ અને ખેડૂતો અંગે સહેજ પણ ખ્યાલ નથી. સાચું ભારત શું છે તે આ લોકોને ખબર નથી. નેહરુજી જ્યારે બોલતા હતા કે અસલી ભારત ગામડામાં વસે છે ત્યારે ચરણસિંહને લાગતું હતું કે તેઓ ગોખેલું વાક્ય બોલી જાય છે. નહેરુને ગામડાંનો સહેજ પણ પરિચય નથી. પંડિત નેહરુએ જ્યારે રશિયાની પદ્ધતિથી દેશમાં સહકારી ધોરણે ખેતી કરવાની વાત કરી ત્યારે ખેડૂત નેતા તરીકે ચરણસિંહે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. પંડિત નેહરુ ચરણસિંહની ખેડૂત નેતા તરીકેની લોકપ્રિયતા જાણતા હતા એટલે આખરે સહકારી ખેતીનો વિચાર તેમણે પડતો મૂક્યો. પંડિત નેહરુ સાથે વિરોધ હોવા છતાં તેઓ નેહરુ જીવ્યા ત્યાં સુધી કોંગ્રેસમાં રહ્યા. નેહરુ પછી જ્યારે કોંગ્રેસની બાગડોર કે. કામરાજ અને ઇન્દિરા ગાંધીના હાથમાં આવી ત્યારે ચરણસિંહ પોતાને હાંસિયામાં ધકેલાયેલા મહેસૂસ કરવા લાગ્યા. ચરણસિંહ હાંસિયામાં બેસી રહેનાર નેતા ન હતા. આ સંજોગોમાં તેમણે યુપીમાં ખેડૂતો પર રાજ્ય સરકાર દ્વારા નાખવામાં આવેલા વધારે મહેસૂલનો વિરોધ કર્યો અને પોતાની જ સરકાર સામે આવેદનપત્ર આપ્યું. આખરે ચરણસિંહે કોંગ્રેસ છોડવાની તૈયારી કરી લીધી. કોંગ્રેસ પર બ્રાહ્મણ, વાણિયા અને રાજપૂતોનો કબજો છે તેવો આરોપ લગાવીને ૧૯૬૭માં કોંગ્રેસ છોડી દીધી. ચરણસિંહે ભારતીય ક્રાંતિદલ નામની પોતાની પાર્ટી બનાવી. તેમની સાથે કોંગ્રેસના ૧૬ ધારાસભ્યો પણ જોડાયા. ૧૯૬૭માં પહેલીવાર ચૌધરી ચરણસિંહે યુપીમાં ગેરકોંગ્રેસી સરકાર બનાવી જેમાં તેમને જનસંઘ, કોમ્યુનિસ્ટ પાર્ટી, સમાજવાદીઓનો સાથ મળ્યો. મુખ્યમંત્રી બનતાંની સાથે જ તેમણે ખાતર પરથી સેલ્સ ટેક્સ હટાવી દીધો. સિલિંગમાં મળેલી જમીનો ખેતમજૂરોને આપવાનું શરૂ કર્યું. જો કે ત્યારે અંદરથી વિરોધ થતાં તેમની સરકાર તૂટી પડી. ૧૯૬૯માં ફરીવાર તેઓ યુપીના મુખ્યમંત્રી બન્યા. ૧૯૭૪માં તેમણે લોકદળ પાર્ટી બનાવી. કટોકટી બાદ ચરણસિંહની લોકદળ પાર્ટી જનતા દળમાં વિલીન થઇ ગઇ. હવે ચરણસિંહ હાંસિયાના નેતા રહ્યા ન હતા. કેન્દ્રના એક મજબૂત નેતા તરીકે તેઓ ઊભરી આવ્યા હતા.

દેશમાં ૧૮ મહિનાની કટોકટી પછી જ્યારે ૧૯૭૭માં લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે દેશભરના તમામ વિપક્ષો એક નિશાન અને એક પક્ષના નેજા હેઠળ ચૂંટણી લડે તેવો જયપ્રકાશ નારાયણનો આગ્રહ હતો. કટોકટીમાં બેવડ બની ગયેલા વિપક્ષો પાસે ઇન્દિરા ગાંધી સામે એકલા હાથે લડવાની કોઇ તાકાત ન હતી. આખરે વિપક્ષો માની ગયા, નવી બનનારી પાર્ટીનું નામ જેપીએ જનતા દળ આપ્યું જે સૌએ માન્ય રાખ્યું. સવાલ એ હતો કે હવે આ પાર્ટીના પ્રમુખ કોણ બને? દિલ્હીમાં યોજાયેલી મિટિંગમાં તમામ વિપક્ષી નેતાઓ હાજર હતા. આ મિટિંગમાં જેપીએ નેતા તરીકે મોરારજી દેસાઇનું નામ સૂચવ્યું. જેપીનું કહેવું હતું કે સિનિયોરિટીમાં મોરારજીભાઇ સૌથી આગળ છે અને તેમની પ્રમાણિકતા માટે મારે કોઇને કંઇ કહેવાની જરૂર નથી. જેપીના પ્રભાવ હેઠળ ત્યારે તો કોઇ કાંઇ નહીં બોલ્યા, પરંતુ મીટિંગમાંથી બહાર નીકળતાં જ ચરણસિંહે રાજનારાયણનો હાથ દબાવીને કાનમાં કહ્યું કે, હવે આપણે આ ૮૦ વર્ષના બુઢ્ઢાની આગેવાનીમાં ચૂંટણી લડવાની છે? રાજનારાયણે ત્યારે હસતાં હસતાં ચરણસિંહને કહ્યું, હજુ ચૂંટણી તો જીતવા દો. પછી જોઇશું આગળ શું થાય છે.

માર્ચ ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી ભારતીય ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઇ ગઇ. ચૂંટણીમાં જનતાદળને સ્પષ્ટ બહુમતી મળી અને કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં. દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર સ્થપાવા જઇ રહી હતી ત્યારે વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ત્રણ નામો ઊભરી આવ્યાં. મોરારજી દેસાઇની સાથે જ ચૌધરી ચરણસિંહ અને જગજીવનરામ માટે પણ ચૂંટાયેલા સાંસદોમાં લોબિંગ શરૂ થઇ ગયું. ફરી જયપ્રકાશ નારાયણે વીટો વાપરવો પડયો અને મોરારજી દેસાઇના નામ પર સૌને સંમત કર્યા.

૨૩ માર્ચ ૧૯૭૭ના દિવસે મોરારજી દેસાઇ વડા પ્રધાન બન્યા, નાયબ વડાપ્રધાન તરીકે ચૌધરી ચરણસિંહને બેસાડવામાં આવ્યા. ચૌધરી ચરણસિંહના મનમાં પહેલા દિવસથી જ એક ખટકો હતો કે યુપીમાંથી સૌથી વધારે સાંસદો અમે જીતીને આવ્યા છીએ ત્યારે ગુજરાતના આ મોરારજી દેસાઇને કેવી રીતે વડા પ્રધાન પદ તરીકે જેપીએ બેસાડી દીધા? મોરારજી દેસાઇની સરકાર દેશભરમાં લોકપ્રિયતા મેળવવા માંડી હતી. મોંઘવારી દૂર થઇ ગઇ હતી. પ્લાસ્ટિકનાં ચંપલનાં સાટામાં ખાંડ મળતી થઇ ગઇ હતી. લોકો ખુશ હતાં. પરંતુ ચરણસિંહ અને તેમની ટોળકી નાખુશ હતા. મોરારજી દેસાઇની સરકારને દોઢ વર્ષ થઇ ગયું હતું. નાયબ વડા પ્રધાન તરીકે બેઠેલાં ચરણસિંહને ૮૧ વર્ષના તેજતર્રાર મોરારજી દેસાઇને જોઇને લાગતું ન હતું કે આમની વિકેટ ગબડી શકે. ચરણસિંહની આ માનસિકતાથી ઇન્દિરા ગાંધી વાકેફ હતાં. ચરણસિંહનાં બંગલે એક દિવસે એક ખાનગી મીટિંગ થઇ. આ મીટિંગ બાદ ચરણસિંહે રાજનારાયણને ફોન જોડયો અને મોરારજી દેસાઇને ઊથલાવવાનો પ્લાન ઘડાઇ ગયો.

ચરણસિંહના નેતૃત્વ હેઠળ લોકદળ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો. સરકાર લઘુમતીમાં આવી ગઇ અને મોરારજી દેસાઇ સરકારનું પતન થયું. ૧૫ જુલાઇ ૧૯૭૯ના રોજ મોરારજી દેસાઇએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું.

કોંગ્રેસ અને સીપીઆઇના સમર્થનથી ચૌધરી ચરણસિંહ ૨૮ જુલાઇ ૧૯૭૯નાં રોજ દેશના પાંચમા વડા પ્રધાન બન્યા. રાષ્ટ્રપતિ નિલમ સંજીવ રેડ્ડીએ નવા ચૂંટાયેલા વડા પ્રધાન ચરણસિંહને ૨૦ ઓગસ્ટ સુધીમાં લોકસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનું કહ્યું. હવે આખી ગેઇમ ઇન્દિરા ગાંધીના હાથમાં હતી. ચરણસિંહને લોકસભામાં ૨૦ ઓગસ્ટે બહુમતી સાબિત કરવાની હતી તેના એક દિવસ પહેલાં જ ૧૯ ઓગસ્ટે ઇન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે સંસદમાં કોંગ્રેસ ચરણસિંહની સરકારને ટેકો નહીં આપે. ચરણસિંહની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઇ ગઇ. આખરે ચરણસિંહે લોકસભાનો સામનો કર્યા વગર જ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપી દીધું. ૨૪ દિવસના વડા પ્રધાન ચરણસિંહ ભારતના પહેલા વડા પ્રધાન હતા કે જેમણે લોકસભાનો સામનો કર્યા વગર રાજીનામું આપી દેવું પડયું.

પહેલી ગેરકોંગ્રેસી સરકારને તોડવાનું આળ ચૌધરી ચરણસિંહને માથે આવ્યું અને દેશના રાજકારણમાં ચૌધરી ચરણસિંહ સત્તાલાલચુ તરીકે ચિતરાઇ ગયા. ૨૯ મે, ૧૯૮૭ના દિવસે ચૌધરી ચરણસિંહનું અવસાન થયું પરંતુ ભારતનું રાજકારણ આજે પણ ચૌધરી ચરણસિંહને તેમની ખેડૂતો પ્રત્યેની કામગીરીને લીધે નહીં પરંતુ વડાપ્રધાન પદની લાલચે પોતાની જ સરકાર પાડી નાખનાર રાજકારણી તરીકે ઓળખે છે.

શોર્ટર્સિકટ

જનતા પાર્ટીની સરકાર બની ત્યારે ચરણસિંહ અને જગજીવનરામના કહેવાથી જ કટોકટીમાં ગુજારાયેલા અત્યાચારો માટે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી પર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. રાજકારણમાં સત્તા માટે કેટલી હદે સમાધાનો થાય છે તે ચરણસિંહે બતાવ્યું. જ્યારે વડા પ્રધાન બનવાનું થયું ત્યારે આ જ ચરણસિંહે ઇન્દિરા ગાંધીનો ટેકો માગ્યો અને વડાપ્રધાન બન્યા. જો કે ઇન્દિરા ગાંધી વધારે ચતુર ખેલાડી નીકળ્યા. ટેકાનું વચન આપ્યું, પરંતુ ટેકો આપ્યો નહીં. પરિણામે ચરણસિંહને ૨૪ દિવસમાં જ વડાપ્રધાન પદ ગુમાવવું પડયું.

mayur.pathak@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ વડા પ્રધાને લોકસભાનો ક્યારેય સામનો કર્યો જ નહીં appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/the-prime-minister-loksabha-q/
via Best Gujarati News