અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પહેલુ પોસ્ટર શનિવારે લોન્ચ થયું હતું. જેમાં અક્ષય કુમાર પાવરફુલ લૂકમાં દેખાયો હતો. આ ફિલ્મમાં અક્ષય એક ટ્રાન્સજેન્ડર ભૂતનો રોલ પ્લે કરવાનો છે. ફિલ્મનું ફર્સ્ટ લુક ઘણું ચર્ચામાં છે. જોકે માત્ર એક દિવસ પછી જ આ ફિલ્મને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર રાઘવ લોરેંસે ફિલ્મ છોડી દીધી છે. ડાયરેક્ટરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે.

ડાયરેક્ટર રાઘવ લોરેંસે એક નોટ પોસ્ટ કરી જેમાં લખ્યું કે,‘તમિલમાં એક કહાવત છે કે જે ઘરમાં સન્માન ન મળે એ ઘરમાં ન જવું જોઈએ. આ દુનિયામાં સંપત્તિ અને ખ્યાતિથી વધુ સ્વાભિમાન જરૂરી છે. તેથી હું લક્ષ્મી બોમ્બ છોડી રહ્યો છું. હું કારણનો ખુલાસો નથી કરવા માંગતો કારણે કે ફિલ્મ છોડવા પાછળ ઘણા કારણ છે. પરંતુ, આ કારણોમાંથી એક કારણ એ છે કે ફિલ્મનું પહેલું પોસ્ટર મારી જાણ વગર રિલીઝ કરવામાં આવ્યું. મારી સાથે આ વિશે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી. મને એક ત્રીજા વ્યક્તિએ આ વિશે કહ્યું. એક નિર્દેશક માટે આ ખુબજ દુઃખદાયક છે. મને આ ખુબજ અપમાનજનક અને નિરાશાજનક લાગે છે. કોઈ પણ નિર્દેશક સાથે આવું ક્યારે ના થવું જોઈએ.’

રાઘવે કહ્યું કે તેઓ ઇચ્છે તો ફિલ્મની સ્ક્રિપ્ટ પાછી લઈ શકે છે. પરંતુ આ પ્રોફેશનલ વ્યવહાર નથી અને તેઓ સ્ક્રિપ્ટ આપવા માટે તૈયાર છે. કારણ કે રાઘવ અક્ષય કુમારનું ઘણું સન્માન કરે છે. રાઘવે કહ્યું કે,‘અક્ષય કુમાર ઈચ્છે તો મારી જગ્યાએ કોઈ અન્ય ડાયરેક્ટરને રાખી શકે છે. હું અક્ષય સરથી મળીને સ્ક્રિપ્ટ આપી દઈશ. પૂરી ટીમને શુભેચ્છા. આશા છે કે ફિલ્મ સફળ થાય.’

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તમિલ હોરર ફિલ્મ ‘કંચના’ની હિન્દી રિમેક છે જેમાં ફિલ્મમાં અક્ષય કુમારના ઓપોઝિટ કિઆરા અડવાણી દેખાશે. જે તેની પત્નીનો રોલ પ્લે કરશે. ઉપરાંત ફિલ્મમાં બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન પણ નજરે આવશે. ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મ આવતા વર્ષે 2020માં 5 જૂને રિલીઝ થશે. જોકે હવે ડાયરેક્ટરના ફિલ્મ છોડ્યા બાદ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘ફર્સ્ટ લુક’ લોન્ચના એક દિવસ બાદ જ અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’માં થયો મોટો ધડાકો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/akshay-kumar-film-laxmmi-bomb-director-quits-after-first-look/
via Best Gujarati News