। લંડન ।

ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર સિટીએ એફએ કપની ફાઈનલમાં વેટફોર્ડને ૬-૦થી પરાજય આપીને ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. આ વિજય સાથે જ તેણે એક જ સિઝનમાં ઈંગ્લેન્ડની ત્રણ મોટી ટૂર્નામેન્ટ જીતવાનો અનોખો વિક્રમ બનાવી દીધો છે. તે ઈંગ્લેન્ડની આવી પહેલી ક્લબ ટીમ બની ગઈ છે. વેમ્બલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં માન્ચેસ્ટર સિટીના ખેલાડી સ્ટર્લિંગે હેટ્રિક ગોલ કર્યા હતા. તે ઉપરાંત ડેવિડ સિલ્વા, કેવિન ડી બ્રુએન તથા ગેબ્રિયલ જેસુસે ગોલ કર્યા હતા.

સિટીએ મેચની દમદાર શરૂઆત કરી હતી અને બોલ સતત પોતાની પાસે રાખીને નિયંત્રીત રીતે રમતા તેણે વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ૨૬મી મિનિટે ડેવિડ સિલ્વાએ ગોલ કરીને પોતાની ટીમને ૧-૦થી સરસાઈ અપાવી હતી. ત્યારબાદ જેસુસે બીજો ગોલ કરીને સિટીને ૨-૦થી સરસાઈ અપાવી દીધી. ત્યારબાદ સિટીના ખેલાડીઓએ જે આક્રમક રમત બતાવી તેના કારણે વેટફોર્ડને ગેમમાં વાપસીનો અવસર જ મળ્યો નહીં.

આ સિઝનમાં સિટીનો ૫૦મો વિજય

એફએ કપની ફાઈનલ જીતવાની સાથે જ માન્ચેસ્ટર સિટીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ સિઝનમાં સતત ૫૦મા વિજય સાથે માન્ચેસ્ટર સિટી ઈંગ્લેન્ડની પહેલી ક્લબ બની ગઈ છે. ૨૦૧૭-૧૮ની સિઝનમાં ટીમે કુલ ૪૪ વિજય મેળવ્યા હતા. સિટીનો ખેલાડી સ્ટર્લિંગ ૬૬ વર્ષમાં પહેલો ફૂટબોલર બન્યો હતો જેણે એફએ કપની ફાઈનલમાં હેટ્રિક ગોલ કર્યો હતો. આ પહેલાં ૧૯૫૩માં બ્લેકપૂલના મોર્ટેંસેને બોલ્ટોની સામે હેટ્રિક ગોલ કર્યા હતા. સ્ટર્લિંગ આ સિઝનમાં ૩૯ ગોલમાં ભાગીદાર બન્યો છે જેમાંથી ૨૪ ગોલ તેણે પોતે ફટકાર્યા છે અને ૧૫ ગોલ તેણે આસિસ્ટ કર્યા છે.

સેકન્ડ હાફ પણ સિટીની નામે જ રહ્યો

માન્ચેસ્ટર સિટી દ્વારા સેકન્ડ હાફમાં અત્યંત આક્રમક રમત દાખવવામાં આવી હતી. તેના પરિણામે સમગ્ર સેકન્ડ હાફ તેના નામે જ રહ્યો હતો. મેચની ૬૧મી મિનિટે સિટીએ સરસ મૂવ બનાવ્યો. આ વખતે કેવિન ડે બ્રૂનેને અવસર મળ્યો અને તેણે ગોલ કરવામાં કોઈ ચૂક કરી નહીં. ડે બ્રૂને આ ગોલની સાત મિનિટ પછી જેસુસને બોલ પાસ કર્યો અને તેણે ગોલ કરીને સ્કોર ૪-૦ કરી દીધો. સ્ટર્લિંગે અંતિમ ૧૦ મિનિટમાં પોતાની અનોખી રમતનું પ્રદર્શન કર્યું હતું. ૮૧મી મિનિટે તેણે પોતાનો પહેલો ગોલ કર્યો અને ૮૭મી મિનિટે ફરીથી ગોલ કરીને પોતાની ટીમને ૬-૦થી આગળ વધારી દીધી અને આ સાથે જ તેણે ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો. આ વિજય સાથે જ સિટીએ પોતાનો છઠ્ઠો એફએ કપ જીતી લીધો.

મારો જવાનો સમય થઈ ગયો છે : સિટીના સુકાની વિન્સેન્ટે ક્લબ છોડી

માન્ચેસ્ટર સિટીના સુકાની વિન્સેન્ટ કોમ્પનીએ ક્લબ છોડવાનો નિર્ણય કરી લીધો છે. એફએ કપમાં વિજય મળ્યા બાદ તેણે પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. કોમ્પનીએ જણાવ્યું કે હવે મારો જવાનો સમય થઈ ગયો છે. આ  સીઝન અત્યંત સારી રહી. હું એ તમામ લોકોનો આભારી છું જેઓ  મારી આ યાત્રામાં મને સમર્થન આપતા હતા. હું એ ક્યારેય નહીં  ભુલુ કે સિટીના ફેન્સે સારા અને ખરાબ બંને સમયમાં મારો  સાથ આપ્યો છે અને મારું સમર્થન કર્યું છે. તેમણે ક્યારે મને  હાર નહીં માનવા માટે પ્રેરિત કર્યો છે. તેઓ સતત મને વફાદાર  રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તે ૧૧ વર્ષ ટીમ સાથે જોડાયેલી હતો. કોમ્પનીએ ક્લબ માટે ૨૦૦૮થી ૨૦૧૯ સુધી ૩૬૦ મેચ રમી હતી. બેલ્જિયમના ડિફેન્ટર કોમ્પનીએ ક્લબની સાથે ચાર પ્રીમિયર લીગ, ચાર લીગ કપ અને બે એફએ કપ તથા બે કમ્યુનિટી શિલ્ડ જીત્યા છે. તેના સુકાનપદે રમાયેલી અંતિમ મેચમાં સિટીએ વેટફોર્ડને એફએ કપની ફાઈનલમાં ૬-૦થી પરાજય આપીને ટાઈટલ જીતી લીધું.

૧૧૬ વર્ષ બાદ એફએ કપમાં આવો વિજય

એફએર કપની ફાઈનલના ઈતિહાસમાં ૧૧૬ વર્ષ બાદ માન્ચેસ્ટર સિટીએ આવો વિજય મેળવ્યો હતો. સિટીએ ૧૧૬ વર્ષ બાદ ૬-૦થી ફાઈનલમાં વિજય મેળવ્યો હતો. આ પહેલાં ૧૯૦૩માં બ્યૂરીએ ૬-૦થી ર્ડિબ કાઉન્ટીને પરાજય આપ્યો હતો. સિટી આ ટૂર્નામેન્ટમાં ૧૧ વખત ફાઈનલ રમી ચૂકિ છે જેમાંથી ૬ ફાઈનલ જીતી ગઈ છે. વેટફોર્ડની ટીમ બીજી વખત ફાઈનલમાં પરાજિત થઈ છે. આ પહેલાં ૧૯૮૪માં તેને એવર્ટને ૨-૦થી પરાજય આપ્યો હતો. વેટફોર્ડ અત્યાર સુધીમાં પ્રીમિયર લીગ અને લીગ કપ પણ જીતી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માન્ચેસ્ટર સિટી : ઇંગ્લેન્ડની આ સિઝનની ત્રણ મોટી ટૂર્નામેન્ટ જીતનારી પહેલી ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/manchester-city-england/
via Best Gujarati News