દુનિયાના આ 5 ઓલ-રાઉન્ડર ક્રિકેટરોથી ગભરાય છે તમામ વિરોધી ટીમો!
૨૦૧૯ના વર્લ્ડ કપમાં આ વખતે ઓલરાઉન્ડરો તેમની ટીમોની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સૌથી મહત્ત્વના પાંચ ઓલરાઉન્ડરોમાં ભારતના હાર્દિક પંડયાનું પણ સ્થાન છે. ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં પણ પાંચ ઓલરાઉન્ડરો એવા છે જેમનાથી વિરોધી ટીમો ડરે છે.
૧. રાશિદ ખાન
આ પ્લેયર અફઘાનિસ્તાન ક્રિકેટનો સૌથી મોટો ખેલાડી છે. ૨૦૧૫માં આયરલેન્ડ સામે પહેલી વન-ડે મેચ રમનારો રાશિદ ખાન આઈસીસી રેન્કિંગ અનુસાર સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. આઈસીસીએ ૩૫૬ રેટિંગ સાથે તેને ટોચ પર મૂક્યો છે. આઈપીએલમાં તેણે પોતાની લેગ બ્રેક બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને નચાવ્યા હતા. અફઘાનિસ્તાનમાં રહેતા આ ખેલાડીનું આખું નામ રાશિદ ખાન અરમાન છે. ૫૭ વન-ડેમાં તેણે ૧૨૩ વિકેટો લીધી છે. તેણે ચાર વખત પાંચ વિકેટ લેવાનું પરાક્રમ કર્યું છે. તેણે ચાર હાફ સેન્ચુરી પણ બનાવી છે.
૨. હાર્દિક પંડયા
ICCની સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરની સૂચિમાં ૨૧૬ રેટિંગ ધરાવતો હાર્દિક પંડયા વિરોધી ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઘરઆંગણે ક્રિકેટમાં વડોદરા માટે રમતો હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. આ વખતે આ ટૂર્નામેન્ટમાં તેણે વિરોધી ટીમોના બોલર્સની ધુલાઈ કરી હતી. IPLમાં સારા પ્રદર્શનના કારણે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. ૨૦૧૫માં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે કરિયરની શરૂઆત કરનારા હાર્દિક પંડયાએ ૪૫ મેચોમાં ૭૩૧ રન બનાવ્યા છે જેમાં ૪ હાફ સેન્ચુરી ફટકારી છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૮૩ રન છે. ૪૫ મેચોમાં તેણે ૪૪ વિકેટ લીધી છે, સૌથી શ્રેષ્ઠ દેખાવ ૩૧ રનમાં ૩ વિકેટનો છે.
૩. શાકિબ અલ હસન
બાંગ્લાદેશનો આ ઓલરાઉન્ડર બોલિંગ, બેટિંગમાં ગમે ત્યારે કરિશ્મા બતાવવામાં સક્ષમ છે. આઈસીસીની ઓલરાઉન્ડરોની સૂચિમાં ૩૪૧ રેટિંગ સાથે અફઘાનિસ્તાનના રાશિદ ખાન બાદ બીજા નંબરે છે. ૨૦૦૬માં ઝિમ્બાબ્વે સામે તેણે વન-ડે કરિયરની શરૂઆત કરી હતી. તેણે ૧૯૮ મેચોમાં ૫,૭૧૭ રન બનાવ્યા છે જેમાં ૭ સદી અને ૪૨ હાફ સેન્ચુરીનો સમાવેશ છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૧૩૪ અણનમ છે. તેણે ૧૯૮ મેચોમાં ૨૪૯ વિકેટ લીધી છે. તેના બેસ્ટ બોલિંગ ફિગર ૪૭ રનમાં પાંચ વિકેટ છે.
૪. બેન સ્ટોક્સ
ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર ખેલાડી ક્રિકેટ જગતમાં સૌથી ઘાતક પ્લેયર માનવામાં આવે છે. તેનું આખું નામ બેન્ઝામિન એન્ડ્રિવ સ્ટોક્સ છે. આઈસીસી ઓલ રાઉન્ડર લિસ્ટમાં તેનું ૨૫૩નું રેટિંગ દર્શાવે છે કે ડેથ ઓવર્સમાં તે ખતરનાક સાબિત થાય છે. ૨૦૧૧માં આયરલેન્ડ સામે વન-ડેમાં કરીઅર શરૂ કરનારા બેન સ્ટોક્સે ૮૩ મેચોમાં ૨,૧૯૬ રન બનાવ્યા છે જેમાં ૩ સદી અને ૧૫ હાફ સેન્ચુરીનો સમાવેશ છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૧૦૨ અણનમ છે. તેણે ૬૩ વિકેટ લીધી છે. તેનો સૌથી શ્રેષ્ઠ દેખાવ ૬૧ રનમાં પાંચ વિકેટનો છે.
૫. આંદ્રે રસેલ
વિન્ડીઝના આ વિસ્ફોટક ઓલરાઉન્ડરને એકદમ ખતરનાક માનવામાં આવે છે. IPLમાં એનો વિસ્ફોટક અંદાજ લોકો જોઈ ચૂક્યા છે. ઓલરાઉન્ડરોની શ્રેણીમાં એને ટોચમાં રાખવામાં આવે છે. તેનું આખં નામ આંદ્રે ડ્વેન રસેલ છે. તેને આઈસીસી ઓલરાઉન્ડરોની સૂચિમાં ૧૩૫ની રેર્ટિંગ આપવામાં આવી છે. ૨૦૧૧માં વન-ડેમાં કરિયર શરૂ કરનારા આંદ્રે રસેલે બાવન મેચોમાં ચાર હાફ સેન્ચુરી સાથે ૯૯૮ રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૯૨ રન છે. આટલી મેચોમાં તેણે ૫૬ વિકેટો લીધી છે. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ૩૫ રનમાં ચાર વિકેટ લેવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દુનિયાના આ 5 ઓલ-રાઉન્ડર ક્રિકેટરોથી ગભરાય છે તમામ વિરોધી ટીમો! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/all-the-opposing-teams-are-afraid-of-the-worlds-all-rounder-cricketer/
via Best Gujarati News
0 Comments