રોકાણકારોની જંગી લેવાલીએ શેરબજારમાં ઝંઝાવાતી તેજી
। મુંબઈ ।
એક્ઝિટ પોલથી ઉત્સાહિત બનેલા રોકાણકારોએ શેરબજારમાં સોમવારે નાણાંની રેલમછેલ કરી દીધી હતી. રોકાણકારોની ધૂમ ખરીદીને પરિણામે સેન્સેક્સે એક જ દિવસમાં ૧,૪૨૨ પોઇન્ટના ઉછાળા સાથે એક દાયકાનો રેકોર્ડ તોડયો હતો. નિફ્ટી પણ ૪૨૧ પોઇન્ટ વધી મજબૂતાઈ સાથે બંધ થયો હતો. દેશમાં આગામી સરકાર ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ દ્વારા રચાશે એવી એક્ઝિટ પોલની આગાહી બાદ શેરબજાર ઊંચકાયું હતું. સેન્સેક્સ ૯૪૨ પોઇન્ટ ઊંચો ખુલ્યો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧,૪૨૧.૯૦ પોઇન્ટ વધી ૩૯,૩૫૨.૬૭ અને નિફ્ટી ૪૨૧.૧૦ પોઇન્ટ વધી ૧૧,૮૨૮.૨૫ ઉપર બંધ થયા હતા.
લુપિને ૨૦૧૮-૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૮૯.૬ કરોડનો ચોખ્ખો સંગઠિત નફો કર્યો હતો કે જે સામે કંપનીએ સમાન ગાળામાં રૂ.૭૮૩.૫ કરોડની ખોટ કરી હતી. જીએસકે ફાર્માનો ચોખ્ખો નફો ૧૬.૫ ટકા વધી રૂ.૧૨૩ કરોડ થયો હતો. જોકે, કંપનીની આવક ઘટીને રૂ.૭૫૧.૨ કરોડ થઈ હતી. ડો.રેડ્ડીઝ લેબનો શેર એક તબક્કે ૬.૭ ટકા ઘટી રૂ.૨,૫૭૧ થયો હતો. માર્ચમાં કંપનીની ત્રિમાસિક ગાળાની આવક વધીને રૂ.૪,૦૧૭ કરોડ થઈ હતી જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૩,૫૩૫ કરોડ હતી. કંપનીનો ચોખ્ખો સંગઠિત નફો ૪૪ ટકા વધી રૂ.૪૩૪ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૩૦૨ કરોડ હતો. એસ્ટ્રોન પેપરનો ચોખ્ખો નફો ૨૭.૭ ટકા વધી રૂ.૬.૬ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વેના સમાન ગાળામાં રૂ.૫.૨ કરોડ હતો. ભારત ફોર્જનો ચોખ્ખો નફો રૂ.૨૯૯.૫ કરોડ થયો હતો. કંપનીની આવક રૂ.૧,૬૬૮ કરોડ થઈ હતી. એસબીઆઈ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન સાથે કંપનીએ એકવારની પતાવટ કરી હોવાના અહેવાલ બાદ એ ટુ ઝેડ ઇન્ફ્રા એન્જિનિયરિંગમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.
શોભા લિમિટેડનો માર્ચ ત્રિમાસિક ગાળાનો નફો ૭૩.૨ ટકા વધી રૂ.૧૧૩ કરોડ થયો હતો. આથી, શેર એક તબક્કે ૧૦.૭ ટકા વધી રૂ.૪૯૭.૭૦ ઉપર પહોંચ્યો હતો. એસબીઆઈનો શેર દોઢ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શેર ૭.૫૨ ટકા વધી રૂ.૩૪૩.૨૫ થયો હતો જે ૨૦૧૭ના નવેમ્બર બાદ સૌથી વધુ વધારો દર્શાવે છે. એસબીઆઈ અને યસ બેન્કમાં અનુક્રમે ૮ ટકા અને ૬ ટકા વધ્યા હતા. લાર્સન, આઇસીઆઇસીઆઇ બેન્ક, તાતા મોટર્સ, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૪થી૫ ટકા વધ્યા હતા. બાયોકોન, જ્યુબિલીઅન્ટ, જે પી ઇન્ફ્રાટેક, મોન્સાન્ટો અને વી. બી. ઇન્ડસ્ટ્રીઝ સહિત ૧૨૦ કંપનીઓના શેર્સ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. અદાણી ગ્રૂપની કંપનીઓ પૈકી અદાણી એન્ટરપ્રાઇઝમાં ૨૦%, અદાણી પોર્ટમાં ૮ ટકા અને અદાણી પાવરમાં ૧૫%ની તેજી જોવા મળી હતી. અદાણી ગ્રીન અને અદાણી ગેસમાં અનુક્રમે ૧૩.૫ ટકા અને ૧૩%નો વધારો થયો હતો. અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનનું માર્કેટ કેપ અનુક્રમે રૂ.૧૭,૮૯૬ કરોડ અને રૂ.૨૪,૬૯૦ કરોડ વધ્યું હતું. અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સ પણ વધ્યા હતા. રિલાયન્સ કેપિટલના શેરમાં ૬ ટકાનો વધારો જોવાયો હતો. આગલા બંધ ભાવ રૂ.૧૧૪.૯૫ સામે આજે ભાવ વધીને રૂ.૧૨૫.૬૦ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ વધીને રૂ.૩,૦૭૭ કરોડ થયું હતું. રિલા. પાવરનું માર્કેટ કેપ રૂ.૧,૮૨૯ કરોડ અને રિલાયન્સ ઇન્ફ્રાનું માર્કેટ કેપ રૂ.૩,૦૭૭ કરોડ થયું હતું. રિલા. હોમ ફાઇનાન્સ અને રિલા. નવલનું માર્કેટ કેપ અનુક્રમે રૂ.૧૨,૪૩૮ કરોડ અને રૂ.૬૦૮ કરોડ થયું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ.૪૫,૦૦૦ કરોડ વધ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૭થી ૮ ટકાની તેજી એક તબક્કે જોવા મળી હતી. ઇન્ટ્રા ડેમાં શેર રૂ.૧,૩૩૬.૫૦ ઉપર પહોંચ્યો હતો. શુક્રવારે શેરનો બંધ ભાવ રૂ.૧,૨૬૫.૭૦ હતો. સોમવારે તેજીને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ.૪૫,૦૦૦ કરોડ વધીને રૂ.૮.૪૭ લાખ કરોડ ઉપર પહોંચ્યું હતું જે શુક્રવારે રૂ.૮.૦૨ લાખ કરોડ હતું.
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ નવી ઊંચાઈએ
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૩૦,૬૭૯ની નવી ઊંચાઈએ પહોંચવા સાથે બેન્કિંગ શેર્સ ઝળક્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૮ ટકા વધ્યો હતો. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેન્ક અને કેનેરા બેન્ક ૯ ટકાથી વધુ વધ્યા હતા જ્યારે એસબીઆઈ અને પીએનબી ૭થી ૮ ટકા વધ્યા હતા.
બેન્ક અને ફાઇનાન્સ શેર્સ બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ
રોકાણકારોની નવેસરની ભારે લેવાલી નીકળતા બેન્ક અને ફાઇનાન્સ કંપનીઓના શેર્સ બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. તેમાં ડીસીબી બેન્ક, ફેડરલ બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઈનો સમાવેશ થતો હતો.
૨૩મી મે પછી પણ તેજી ચાલુ રહેશે । એનડીએની બેઠકોનો આંકડો ૩૦૦ને પાર કરશે તો ૨૩મી મે પછી પણ તેજી ચાલુ રહેશે, એમ એન્જેલ બ્રોકિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મયૂરેશ જોશીએ જણાવ્યું હતું.
કંપનીઓના શેર્સમાં સર્કિટ । શેરબજારમાં આજે ૧૧૫ કંપનીઓના શેર્સમાં ઉપલી અને ૧૧૯ કંપનીઓના શેર્સમાં નીચલી સર્કિટ લાગી હતી.
રૂપિયો બે સપ્તાહની ઊંચાઈએ । ફોરેક્સ બજારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો અને રૂ.૬૯.૭૩નો ભાવ એક તબક્કે મુકાયો હતો. શુક્રવારે ડોલર સામે બંધ ભાવ રૂ.૭૦.૨૨ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રોકાણકારોની જંગી લેવાલીએ શેરબજારમાં ઝંઝાવાતી તેજી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/investors-massive-buying/
via Best Gujarati News
0 Comments