કમલનાથ પર મોટો આક્ષેપ : કોંગ્રેસના ૧૧ ઉમેદવારોને કરોડોનું ચૂંટણી ફંડ અપાયું!
। નવી દિલ્હી ।
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ફરી એક વખત કમલનાથના સહયોગીઓ દ્વારા કરાયેલા કથિત ૨૮૭ કરોડના બેનામી લેવડદેવડનું ભૂત ધૂણ્યું છે. ટાઈમ્સ નાઉના એહવાલ પ્રમાણે ૨૮૭ કરોડની રકમ વિવિધ સરકારી સ્કીમોમાં ફળવાયેલી હતી તે અટકાવીને કમલનાથ દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા થોડા સમય પહેલાં જે બેનામી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે આ જ રકમ હોવાના દસ્તાવેજો સામે આવ્યા છે. કમનલનાથ દ્વારા રાજ્યના ગરીબ બાળકો અને અન્ય લોકોની કલ્યાણ યોજનાઓમાંથી આ રકમ ખેંચીને ચૂંટણીમાં લુંટાવવામાં આવી હોવાના અહેવાલ ટાઈન્સ નાઉ દ્વારા રજૂ કરાયા છે. તેણે એમ પણ જણાવ્યું કે, આઈટી વિભાગે આ મુદ્દે ૯૨ પાનાનો એક અહેવાલ તૈયાર કરીને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો છે. અહેવાલ સીબીઆઈને પણ સોંપવામાં આવ્યો છે અને તપાસ માટે અપીલ કરવામાં આવી છે. અહેલવામાં જણાવવામાં આવ્યું છે કે, આ કૌભાંડમાં કમલનાથથી માંડીને દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર સંભાળતા અને ગાંધી પરિવારની નજીકના નેતા એપી પણ સંકળાયેલા છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ૮૭ ઉમેદવારોને રૂપિયા ૧૭.૯ કરોડ આપવામાં આવ્યા હતા. આ સિવાય, મધ્ય પ્રદેશના ૧૧ કોંગ્રેસી ઉમેદવારોને લોકસભા ચૂંટણીમાં કથિત નાણાં આપવા અંગેની તપાસના અહેવાલો આવકવેરા વિભાગે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાવી દીધા છે. તે ઉપરાંત કોંગ્રેસને અપાયેલા રૂપિયા ૨૦ કરોડ પણ સવાલોના ઘેરામાં છે. ૭મી એપ્રિલે આવકવેરા વિભાગના દરોડામાં એમપીના સીએમ કમલનાથના પાંચ નિકટના વ્યક્તિઓના બેન્ક ખાતાઓના રેકોર્ડ જુબાનીઓ સાથે મેળ ખાઈ રહ્યાં છે. આવકવેરા વિભાગે વોટ્સએપ ચેટ અને ફોન કોલ્સના આધારે મની ટ્રાન્સફરને શોધી કાઢયું છે.
કોને મળ્યાં ચૂંટણી ફંડ
- દિગ્વિજયસિંહ, મીનાક્ષી નટરાજન, કમલ મારાવી, પ્રમિલાસિંહ, અજયસિંહ રાહુલ, દેવાશિષ જરારિયા, શૈલેન્દરસિંહ દીવાન, કવિતાસિંહ નટીરાજા, પ્રતાપસિંહ લોઢી
તપાસ અહેવાલ બતાવે છે કે, લોકસભા ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહને આઈટીના દરોડામાં સંકળાયેલા વ્યક્તિઓ તરફથી સૌથી વધુ રૂપિયા ૯૦ લાખ ચૂંટણીફંડ મળ્યું હતંુ. આ માહિતી લલિત કુમાર ચાલાનીના કોમ્પ્યૂટરમાંથી મળી આવી છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોને ૨૫થી ૫૦ લાખ રૂપિયા સુધીનું ચૂંટણી ભંડોળ ચાલાની દ્વારા ફાળવવામાં આવ્યું હતું. ફક્ત બે ઉમેદવારોએ પેમેન્ટ મળ્યાની રિસિપ્ટ પર હસ્તાક્ષર કર્યાં હતાં. ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં કરાયેલા ખર્ચના સ્ટેટમેન્ટ જૂનના અંત સુધીમાં આવશે તેથી પગલાં માટે રાહ જોવી પડશે.
કથિત અહેવાલ પ્રમાણે તમામ લેવડદેવડમાં એ.પી. સંકળાયેલા હતા
આવકવેરા વિભાગની તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશના સરકારી વિભાગો પાસેથી મોટા પાયે ભંડોળ ઉઘરાવવામાં આવ્યું હતું. કમલનાથના પૂવ ઓએસડી પ્રવીણ કક્કરના વોટ્સએપ મેસેજ પરથી જાણવા મળ્યું હતું કે ટ્રાન્સપોર્ટ વિભાગ પાસેથી રૂપિયા ૫૪.૪૫ કરોડ, એક્સાઇઝ વિભાગ પાસેથી ૩૬.૬૨ કરોડ, ખાણ વિભાગ પાસેથી ૫.૫૦ કરોડ, પીડબ્લ્યૂડી પાસેથી રૂપિયા ૫.૨૦ કરોડ અને સિંચાઈ વિભાગ પાસેથી રૂપિયા ૪ કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા. આઈટીએ તપાસ માટે સીબીઆઈને જે અહેવાલો સોંપ્યા છે તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ૨૦ કરોડ જેવી રકમ ૧૦ જનપથ ખાતે મોકલાવવામાં આવી છે, જેની જાણ એ.પી.ને છે. આ તપાસ માટે આઈટી વિભાગ દ્વારા એપ્રિલમાં કોંગ્રેસના ચીફ એકાઉન્ટન્ટ એસ. પી. મોઈનને ત્યાં મોડીરાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એહમદ પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા.
CBIને કેસ સોંપો તો પણ કશું થવાનું નથી : કમલનાથ
મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે જણાવ્યું હતું કે, મારે આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને આ કેસ સીબીઆઈને સોંપવા દો. તેનાથી કશું થવાનું નથી. તેઓ જે ઇચ્છે તે કહી શકે છે. આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા તેમાંની એક વ્યક્તિ હિમાંશુ શર્માએ ટીવી પર જણાવ્યું છે કે તે ભાજપ માટે કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કમલનાથ પર મોટો આક્ષેપ : કોંગ્રેસના ૧૧ ઉમેદવારોને કરોડોનું ચૂંટણી ફંડ અપાયું! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kamal-nath-on-moto-accused-who/
via Best Gujarati News
0 Comments