આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકો ખરીદેલી મિનરલ પાણીની બોટલમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી જવા પામી છે, ગ્રાહકે મિનરલ વોટર કંપનીની આ ગંભીર બેદરકારી અંગે સોમવારે આણંદના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં ફરિયાદ આપી છે, આઈએસઆઈ માર્કા ધરાવતી પાણીની બોટલમાંથી ગરોળી નીકળવાની ઘટનાએ મિનરલ પાણીની શુદ્ધતા સામે સવાલો ઊભા કર્યા છે.

મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા ભીમદેવપુરામાં રહેતા યોગેશભાઈ રાઠોડે ગઈકાલે સાંજના સુમારે પોતાના નાના દીકરા માટે ભાવીન પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાંથી બાંસુરી બ્રાન્ડની મિનરલ વોટરની એક લિટરની બોટલ ઘરે લઈ ગયા હતા, અને સાંજે જમવા બેસતી વખતે તેઓએ પાણીની બોટલ કાઢચા અચાનક તેઓની નજર બોટલમાં પાણીમાં કોઈ પદાર્થ પર પડતા તેઓ ચોંકી ઊઠયા હતા અને તેઓએ તુર્ત જ ભાવીન પ્રોવીઝન સ્ટોરના માલિક પવન જૈનને વાત કરતાં તેઓે પણ પાણીની બોટલમાં મૃત ગરોળી જોઈને ચોંકી ઊઠયા હતા.

જેથી તેઓએ આ અંગે કંપનીના સત્તાધીશો તેમજ આણંદ સ્થિત ડિલરને પાણીની બોટલમાં મૃત ગરોળીના ફોટા પાડી મોકલ્યા હતા અને આજે બાસુરી કંપનીનો મિનરલ વોટરનો તમામ જથ્થો ડિલરને સુપરત કરી દીધો હતો.

સામાન્ય રીતે પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા લોકો મિનરલ વોટરની બોટલો ખરીદીને મિનરલ પાણી પીવે છે, પરંતુ હવે 20 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખર્ચની પણ ખરીદેલું મિનરલ પાણીની બોટલોમાં આવતું મિનરલ પાણી પણ શુદ્ધ નથી.

આ બનાવ અંગે આજે યોગેશભાઈ રાઠોડે આણંદની ફુડ એન્ડ ડ્રગ્સ કચેરીનાં ફુડ ઇન્સ્પેક્ટર એસ.આર. ભગતને મળીને મિનરલ વોટરની સીલબંધ બોટલમાંથી મળેલી ગરોળી અંગે ફરિયાદ કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી મિનરલ વોટરનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે પગલા ભરી મિનરલ પાણીના ઉત્પાદનમાં બેદરકારી દાખવતા તત્ત્વો સામે પગલા ભરવાની માગ કરી છે.

આ અંગે યોગેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમદાવાદમાં વટવા જીઆઈડીસી પાછળ રામોલ ખાતે આવેલી માયા બેવેરેજીસ કંપનીમાં તા. 10મી મે 2019ના રોજ આ બોટલનું પેકિંગ થયેલું છે, અને ગઈકાલે સાંજે તેઓએ આ બોટલ ખરીદી હતી.

જો કદાચ તેઓએ આ બોટલ ચેક કરી ના હોત અને બોટલનું સીલ તોડીને આ બોટલ જો તેઓના માસૂમ પુત્રને મિનરલ વોટર પીવડાવ્યું હોત અને તેના કારણે બાળકને કોઈ ગંભીર અસર થઈ હોત તો જવાબદારી કોની, જેથી તેઓએ ગંભીર બેદરકારી દાખવનાર આ કંપનીનો પરવાનો રદ કરી કંપનીના મિનરલ પાણીનું ઉત્પાદન પર રોક લગાવવાની માગ કરી હતી.

આ અંગે આણંદ ક્ષત્રિય સેનાના પ્રમુખ સુનીલસિંહે કહ્યું હતું કે, જો આ બોટલનું પાણી બાળકો પી ગયા હોત તો તેઓ માટે આ પાણી જીવલેણ નીવડે તેમ હતું, અને જો બાળકો સાથે કોઈ અનહોની સર્જાઈ હોત તો જવાબદારી કોની તેવો સવાલ ઊભો થયો છે.

સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા મિનરલ વોટરની કંપનીઓની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી અને તેનાં કારણે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી કંપનીઓની ચેકિંગમાં પણ બેદરકારી દાખવનાર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે પણ પગલા ભરવા જોઈએ.

આ અંગે આણંદની ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એસ.આર. ભગતે જણાવ્યું હતું કે પાણીની સીલબંધ બોટલમાંથી ગરોળી મળવાની ફરિયાદ મળી છે, અને તે અંગે તપાસ કરવામાં આવશે તેમજ બાસુરી પેકેજિંગ એન્ડ બેવરેજીસના પ્લાન્ટમાં પણ તપાસ કરી કંપની સામે યોગ્ય પગલા ભરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આણંદમાં સીલબંધ મિનરલ પાણીની બોટલમાંથી નીકળ્યું કંઇક એવું કે…જોતા જ ઉડી ગયા હોંશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anand-gujarat-lizard-found-in-mineral-water-bottle/
via Best Gujarati News