કવર સ્ટોરી :- અમિતા મહેતા

પરિવર્તનની હવાએ અનેક માન્યતાઓ અને પરંપરાનાં વૃક્ષોને ધરાશાયી કરી નાંખ્યાં છે. મહિલાઓ માટે સુરક્ષિત ગણાતી ૧૦થી ૫ની જોબને બદલે પાયલટની, બિઝનેસ ટ્રિપવાળી તથા નાઈટ શિફ્ટની જોબ્સનું પ્રમાણ વધ્યું છે. એ સાથે નવાં નવાં પડકારો-સમસ્યાઓનો સામનો પણ આજની મહિલાઓએ કરવો પડે છે. આ બધી આંટીઘૂંટીઓ અને તેમાંથી બહાર નીકળવાના માર્ગો વિશે થોડું જાણીએ.

સ્પર્ધા અને મલ્ટીનેશનલ કંપનીઓમાં જોબને કારણે મોડી રાત સુધી કે નાઈટ શિફ્ટમાં કામ કરવું એ સમયની માંગ છે. સમાનતાના આ સમયમાં કોઈ સ્ત્ર્રી હોવાને કારણે પોતાના વ્યવસાયિક જવાબદારીમાંથી છટકી શકે નહીં પરંતુ નાઈટ શિફ્ટમાં જે રીતે મહિલાઓની સંખ્યા વધી રહી છે એ રીતે એમની સુરક્ષામાં વધારો થયો નથી. હોસ્પિટલો અને બી.પી.ઓ. જેવાં ક્ષેત્રમાં કામ કરતાં લોકોમાં અડધાથી વધુ સંખ્યા મહિલાઓની છે અને આવનારા સમયમાં દર વર્ષે આ પ્રમાણ ૧૦ ટકા જેટલું વધવાનો અંદાજ છે. જે ક્ષેત્રમાં આટલી બધી મહિલાઓ છે એમની સુરક્ષા અજાણ્યા ડ્રાઈવર અને સુરક્ષાકર્મીઓના હાથમાં છે.

નાઈટમાં કામ કરતી મહિલાઓનો પહેલો પ્રશ્ન સુરક્ષાનો છે. એક સ્વંયસેવી સંસ્થા દ્વારા નાઈટ શિફ્ટમાં કામ કરનારી મહિલાઓ પર થયેલા સર્વે મુજબ એક ચોંકાવનારું તથ્ય એ બહાર આવ્યું હતું કે સુરક્ષાને લગતી સમસ્યાઓની પોલિસ ફ્રિયાદમાં માંડ ૧૦ ટકા કેસોમાં જ યોગ્ય ન્યાય મળતો હોવાથી મહિલાઓ ફ્રિયાદ કરવાનું ટાળે છે. રાત્રે એકલા જતી વખતે ચોર લૂંટારાઓનો ભય પણ રહે છે. ચેન સ્નેચિંગ અને હવે મોબાઈલ સ્નેચિંગ એ ખૂબ સામાન્ય ઘટના છે. તેથી ઓફ્સિથી ઘર સુધી જવામાં કોઈની કંપની જરૂરી છે.

રાત્રે ઘરે જતી વખતે ઓલા- ઉબેર કે અન્ય ટેકસીને બદલે પોતાનાં નગર પરિવહન કે કંપનીનાં વ્હીકલનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. ઘરે જલદી પહોંચવા માટે અજનબીથી લિફ્ટ લેવી એ સામેથી ખતરાને આમંત્રણ આપવા જેવું છે. સુરક્ષા માટે, ગોલ્ડ જ્વેલરી પહેરવાનું ટાળવું અને મોબાઈલમાં લોકલ પોલીસની મહિલા સુરક્ષા સંબંધિત એપ્સ અવશ્ય ડાઉનલોડ કરો જેથી મુશ્કેલીનાં સમયમાં જેથી મુશ્કેલીના સમયમાં તરત જ મદદ મળી શકે. રાત્રે કામ કરતી મહિલાઓએ સેલ્ફ્ ડિફેન્સની ટેકનીક શીખવા ઉપરાંત પેપર સ્પે, મિર્ચ સ્પ્રે કે સ્ટોન ગન રાખી શકે. ઓફ્સિથી નીકળવાનો સમય અને વ્હીકલ નંબર અવશ્ય ફેમિલીને મેસેજ કરી દો. જેથી મોડું થાય તો તેઓ તપાસ કરી શકે.

અલબત્ત, નાઈટશિફ્ટમાં કામ કરવાના પડકારો મહિલાઓ બખૂબી ઝીલી રહી છે. સમાજશાસ્ત્ર્રી ડો. ઋતુ સારસ્વતના મતે છોકરાઓની તુલનાએ છોકરીઓ વધારે સક્ષમ અને જવાબદાર છે. તે એક સાથે અનેક કામ કરી શકે છે. અને દિવસ-રાતની મહેનત બાદ તેઓએ માતા-પિતા અને પરિવારનો ભરોસો મેળવ્યો છે. આજે ૭૦ ટકા પેરેન્ટ્સ રાત્રે બહાર કામ કરવા માટે દીકરીઓને દીકરા જેટલી જ સક્ષમ સમજે છે અને બદલાયેલી માનસિકતાને કારણે કામ માટે જેન્ડર આધારિત જે પૂર્વગ્રહો અને ખોટી ધારણાઓ હતી તે પરિવર્તન પામી છે. બીજું, આઈ.ટી. જેવા સેક્ટરમાં અડધાથી વધુ સ્ત્ર્રીઓ હોવાને કારણે એમનાં શોષણ સામે આંખ આડા કાન કરવા એ કંપનીને જ ભારે પડી શકે એમ છે. તો કંપની મહિલાઓને સુરક્ષા અને સગવડો બંને પૂરી પાડે છે.

સલામતી પછી બીજા ક્રમે સ્વાસ્થ્યનો મુદ્દો આવે છે. આપણે ત્યાં આ અંગે ખાસ રિસર્ચ થયાં નથી. પરંતુ વિદેશમાં અનેક રિસર્ચ થયાં છે. એક મેડીકલ રીસર્ચ મુજબ અગર કામનાં કલાકોને કારણે દિમાગ પર તણાવ હાવી રહે તો બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા પણ રહે છે. બ્રિટનના ડેઇલી મીરરના જણાવ્યા મુજબ મોડી રાત સુધી કામ કરવાના તનાવને કારણે બીમારીઓથી લડવાની ક્ષમતા ઓછી થાય છે. સ્વીડનમાં ત્રણ હજાર મહિલાઓને ૧૪ વર્ષ સુધી ઓબ્ઝવેર્શનમાં રાખીને એક સર્વે થયો હતો. તેમાં જે ૮૦૦ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર ડીટેક્ટ થયું, એમાંની ૬૦૦ મહિલાઓ નાઇટશિફ્ટમાં કામ કરનારી હતી.

આ અંગે હજુ એકદમ સાયન્ટીફીક રીસર્ચ થયા નથી પરંતુ કહેવાય છે કે તણાવને કારણે એસ્ટ્રોજન નામના હોર્મોનનું લેવલ વધવાથી સ્તન કેન્સર થવાની શક્યતા વધી જાય છે. નિષ્ણાતોના મત મુજબ જેને શરીરનું રિપેરિંગ, મેઇન્ટેનન્સ અને સર્વિસિંગ કહી શકાય એવી ઘણી કામગીરી ઊંઘના કલાકોમાં પાર પડતી હોય છે. પૂરતી ઊંઘ ન થવાથી શરીરની એ કામગીરીમાં ગરબડ પેદા થાય છે. સરવાળે, પાચન કથળે છે અને પેટની બીમારીઓ તથા અલ્સર રહેવાની શક્યતા રહે છે. આ સિવાય દિલની બીમારી, ઓબેસીટી અને ડાયાબીટીઝની શક્યતા પણ વધે છે.

જો કે ઘણી સ્ત્ર્રીઓની દલીલ એવી છે કે આમેય આજે લાઇફ્સ્ટાઇલ બદલાઇ છે. દિવસમાં કામ કરતી સ્ત્ર્રીઓ પણ રાત્રે બાર-સાડાબાર વાગ્યે ઉંઘે છે અને સવારે સાડાચાર પાંચ વાગ્યે ઉઠે છે. ઓછી ઊંઘ એ આજનાં સમયનો મોટો અભિશાપ છે અને સ્ત્રીઓ ધીમે ધીમે તેની સાથે પનારો પાડવાની શીખી ગઈ છે. બોમ્બે હોસ્પિટલમાં નાઇટડયુટી કરતી નર્સ કહે છે કે શરીરને જેમ કેળવીએ તેમ કહેવાય અને રોગો તો દસ કલાક ઉંઘનારને પણ થાય જ છે. તેથી હું તો હકારાત્મક વિચારીને કામ કરું છું. ૪૫ વર્ષથી થઇ. ૨૦ વર્ષથી નાઇટ ડયૂટી કરુ છું. ખાસ કોઇ સમસ્યા ઉભી નથી થઇ.

કોર્પોરેટ કંપનીમાં કામના ઓડ અવર્સ હોય છે. અને શિફ્ટ ચેન્જ થતી રહે ત્યારે સમસ્યા ઉદ્ભવે છે. આઠ કલાકની ડયૂટી સ્ત્ર્રીઓ રાત્રે એડજસ્ટ કરી લે પરંતુ ૧૦ થી ૧૨ કલાકની ડયૂટી સ્ત્ર્રીઓને અકાળે વૃધ્ધ બનાવી દે છે. હોટલમાં પી.આર.ઓ. તરીકે કામ કરતી નેહા રૂપારેલ કહે છે કે મારી ડયૂટી રાતના ૮થી  સવારના ૮ની છે. પગાર સારો છે. રાત્રે ઉંઘવાનું પણ મળી જાય. પરંતુ હું ઘરે પહોંચુ ત્યારે બાળકો અને પતિ નીકળી ગયાં હોય. ઘરનાં બધાં કામ હેલ્પરને આધારે થાય. મારી ઊંઘ દિવસે પૂરી કરું. સાંજે બાળકોને પણ સમય આપી શકું. પરંતુ સવારે સ્કૂલે મોકલવાથી લઇને રાત્રે ઊંઘાડવાના સુધીનાં તમામ કામો પતિ અને સાસુ કરે છે. તેઓ મારી સાથે એટલા એટેચ્ડ નથી જેટલા એમના પપ્પા સાથે છે. સોશિયલ લાઇફ ઝીરો છે. તેથી સગાં-સંબંધીઓ સાથે ખાસ લગાવ નથી. ઘણી વખત ખૂબ એકલતા અનુભવું છું. મારી ગેરહાજરીની ખોટ હું સગવડો દ્વારા પૂરી પાડુ છું. લગ્ન જીવન પણ ખોરંભે ચડી ગયેલું લાગે.

નેહાની આ વાતને સમર્થન આપતાં સાલ્વી કપૂર કહે છે કે નાઇટ શિફ્ટ કરનાર સ્ત્ર્રીઓની સમસ્યા અન્ય વર્કીંગ વીમેન કરતાં અલગ છે. સી.સી.ટી.વી કેમેરા, સેફ્ટી-એપ્સ વગેરેની મદદથી સુરક્ષાનો પ્રશ્ન તો હલ કરી શકાય પણ ફેમિલી લાઇફ તો ડિસ્ટર્બ થાય જ. હું સવારે ઊંઘી લઉં તેથી કામો પણ સરસ પતી જાય. પરંતુ પતિ-પત્ની સન્ડે સિવાય શાંતિથી વાત ન કરી શકીએ. કમ્યુનિકેશન ગેપ ઘણી મિસ અન્ડરસ્ટેન્ડીંગ કરે છે. બાળકોને પણ નથી ગમતું. પર્સનલ કેર માટે સમય નથી મળતો. બાયોલોજીકલ રીઘમ એક સરખી ન રહેવાથી સ્વભાવ ચીડિયો બની ગયો છે. જો કે હવે સેટરડે, સન્ડે બે દિવસ રજા મળતી હોવાથી થોડી સ્થિતિ સુધરી હોય એવું લાગે. નાઇટ ડયૂટી એટલે મારી દૃષ્ટિએ સ્વાસ્થ્ય અને શાંતિ બંને સામે સતત લટકતી તલવાર…

અનેક સમસ્યાઓ હોવા છતાં કરિયરનાં એક ઓપ્શન તરીકે અનેક સ્ત્ર્રીઓ વિના સંકોચે નાઇટ ડયૂટી કરે છે. જો, કે નાના શહેરોમાં મેડીકલ ફીલ્ડ સિવાય સ્ત્ર્રીઓ નાઇટ ડયૂટી ઓછી પ્રીફ્ર કરે છે. જ્યારે મેટ્રો સીટીઝમાં એવો કોઇ છોછ નથી.

amitamehta11@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ સામેના પડકારો, જાણો વિગતે appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/challenges-against-the-women-working-in-the-knight-shift/
via Best Gujarati News