ખાંડ ઉત્પાદકોને ફટકો, નીચા વપરાશથી તેજીની શક્યતા નહીં
કોમોડિટી વોચ : મિનિતા દવે
શુગર મિલો-શેરડી ઉત્પાદક ખેડૂતો માટે ખાંડ કડવાશ ઊભી કરી રહી છે. ચાલુ વર્ષે મિલો-ખેડૂતોને નુકસાની રહ્યા બાદ આગામી વર્ષે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારથી સર્જાઈ છે. સામાન્ય કરતા નબળા ચોમાસાનો ભય, શેરડી ઉત્પાદક ખેડૂતોને ચાલુ વર્ષના પૂરતા નાણાં ન મળવાના કારણે ખેડૂતો શેરડીના બદલે અન્ય પાક તરફ વળી શકે છે. ઉત્પાદકો તથા શુગર મિલોને નુકસાનીમાંથી ઉગારવા માટે કેન્દ્ર સરકારે રાહત આપવા માટે ઇથેનોલના ઉત્પાદન પર ભાર મૂક્યો છે. ઈંધણમાં ૮ ટકા મિશ્રણને મંજૂરી આપી છે અને ઇથેનોલનું ઉત્પાદન બમણું કરવાના નિર્ણય.
સરકારે ઇથેનોલને પ્રાધાન્ય આપવા માટે ૪,૪૦૦ કરોડના પેકેજની મંજૂરી આપી ઇથેનોલના ઉત્પાદનને વેગ આપવામાં આવી રહ્યો હોવા છતાં ખાંડના ભાવમાં હજુ સુધી વધારો જોવા મળ્યો નથી. તેમજ ખાંડના ઉત્પાદનમાં ગત વર્ષ કરતા ઘટાડો થશે છતાં તેજી ન થતા મિલોને મોટા પાયે નુકસાની પહોંચી છે. સરકાર ખેડૂતોને શેરડીના વધુને વધુ ભાવ અપાવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ શુગર મિલોને પેરિટી ન હોવાથી મોટા પાયે નુકસાની છે જેના કારણે શુગર મિલો ખેડૂતોને સમયસર નાણાં ચૂકવી શકતા નથી. ખેડૂતોને દેવાનો બોજો વધીને ૨૫,૦૦૦ કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે. લેઇટ ચોમાસાની શરૂઆત અને સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહીના કારણો છતાં વૈશ્વિક નીચા ભાવના કારણે ખાંડમાં સુધારાની શક્યતા ટ્રેડરો નકારી રહ્યાં છે.
વૈશ્વિક મંદીના માહોલના કારણે દેશમાંથી નિકાસ ધારણા મુજબની રહી નથી. નિકાસ માટે સરકારી પ્રોત્સાહનો છે તેમજ કરન્સી માર્કેટમાં ડોલરનો સપોર્ટ પણ પુરતો છે પરંતુ વૈશ્વિક મંદીના કારણે નિકાસ વેપારો નબળા રહ્યાં છે. સ્થાનિકમાં ખાંડનો વપરાશ ઘટવાના કારણે ખાંડના ભાવ નીચા રહ્યાં છે. દેશમાં ખાંડના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૨,૯૫૦થી ૩,૩૦૦ની વચ્ચે બોલાઇ રહ્યાં છે. શુગર મિલોને પ્રતિ ક્વિન્ટલ ૩,૫૦૦-૩,૬૦૦ના ભાવની પડતર છે આમ જોતા સરેરાશ ૨૦૦-૪૦૦ સુધી પ્રતિ ક્વિન્ટલ હજુ નુકસાની ભોગવી રહ્યાં છે. ખાંડનું ઉત્પાદન ૨૦૧૮-૧૯માં ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન દ્વારા સુધારીને ૩૩૦ લાખ ટન કરવામાં આવ્યું છે. જેમાંથી એપ્રિલ શરૂઆત સુધીમાં ૩૨૨ લાખ ટનનું ઉત્પાદન થઇ ચૂક્યું છે.
ચાલુ સિઝનમાં ૧૦૦ લાખ ટનથી વધુ કેરીઓવર સ્ટોક રહ્યો હતો જેના કારણે કુલ ઉપલબ્ધિ ૪૩૦ લાખ ટનથી વધુ રહેશે સામે વપરાશ માત્ર ૨૬૦ લાખ ટન આસપાસનો છે જેના કારણે આગામી સિઝનમાં ૧૭૦ લાખ ટનનો મસમોટો સ્ટોક બાકી રહેશે તેવી ધારણાએ તેજી અટકી રહી છે. વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં ભારત બીજો ક્રમ ધરાવે છે. પહેલા ક્રમે બ્રાઝિલ રહ્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી બ્રાઝિલમાં ઉત્પાદન ઘટી રહ્યું છે જેના પરિણામે આ વર્ષે ભારતે ઉત્પાદનમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ખાંડની મંદીને રોકવા માટે સરકારના અનેક પ્રયત્નો છતાં ખાંડમાં તેજી ધારણા મુજબની આવી નથી. ભારતમાં નિકાસ વેપારને કેટલો વેગ મળે છે તેના પર તેજીનો મુખ્ય આધાર રહેલો છે. કેન્દ્ર સરકારે ખાંડની મંદીને ડામવા માટે આયાત ડયૂટી બમણી કરી ૧૦૦ ટકા કરી દેવામાં આવી પરંતુ ભાવમાં કોઈ સુધારો આવ્યો નથી.
ગુજરાતમાં પણ શેરડીના ઉત્પાદનમાં વધારો થવાના કારણે આ વર્ષે ૧૯-૨૦ મિલોમાં ક્રશિંગની કામગીરી ચાલુ હતી જેમાં ઉત્પાદન ૧૨-૧૨.૫ લાખ ટન રહેવાનો અંદાજ છે. ગુજરાતમાં પણ ધારણા કરતા વધુ સ્ટોક હોવા ઉપરાંત અન્ય રાજ્યોમાંથી નીચા ભાવે માલો આવી રહ્યાં હોવાથી તેજી અટકી રહી છે.
ચૂંટણી પૂર્ણ થતા શુગર મિલો પર આકરા પગલાંની શક્યતા
ચૂંટણી પૂરી થયા બાદ શુગર મિલો પર સરકાર આકરા પગલા ભરવાની ફ્રિાકમાં છે. મિલોને અનેક સબસિડીની લહાણી કરી છે પરંતુ મિલો શરતોનું પાલન ન કરવા ઉપરાંત સબસિડીનો લાભ લઇ રહી હોવાના અહેવાલે પગલા ભરાવામાં આવી શકે છે. જોકે, અત્યારે મહારાષ્ટ્રની ૧૫થી વધુ શુગર મિલોને નોટિસ ફ્ટકારાઇ છે. દેશમાં ખાંડનો સરપ્લસ સ્ટોક ઘટાડવાના હેતુથી ૫૦ લાખ ટનનો ક્વોટા ફળવ્યો છે સાથે સબસિડી પણ આપી છે પરંતુ મિલો દ્વારા અપૂરતા નિકાસ વેપારથી હવે સબસિડી અટકાવી દેવામાં આવે તેવી પણ શક્યતા છે. નિકાસ ક્વોટા પૂરો ન કરનાર મિલો પર આકરા પગલાં લેવાશે.
ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં ઘટી શકે : યુએસડીએનો મત
દેશમાં નબળા ચોમાસાનો ભય અને ખેડૂતોને સમયસર શેરડીના નાણાં મળ્યા ન હોવાથી નવી સિઝનમાં શેરડીના વાવેતર વિસ્તારમાં ઘટાડો થવા સાથે ઇથેનોલનો વપરાશ વધી રહ્યો હોવાથી ખાંડનું ઉત્પાદન ૨૦૧૯-૨૦માં સરેરાશ ૮.૪ ટકા ઘટી ૩૦૩ લાખ ટન રહેવાનો અંદાજ યુએસડીએ દ્વારા મૂકવામાં આવ્યો છે. જે ચાલુ વર્ષે ૩૩૦ લાખ ટન આસપાસ ઉત્પાદન રહી જશે. ખાંડની નીચી કિંમતોના કારણે શુગર મિલો ખાંડના બદલે ઇથેનોલના ઉત્પાદન તરફ ડાઇવર્ટ થઇ રહી છે. વધુમાં નવી સિઝનમાં બ્રાઝિલમાં ખાંડના ઉત્પાદનમાં વધારો થવાના સંકેતો મળી રહ્યાં છે જેના કારણે શુગર મિલોની સાથે શેરડી પકવતા ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ખાંડની નિકાસ ૫૦ લાખ ટનના લક્ષ્યાંકના ૪૦ ટકા ઘટી
સરકારે ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સબસિડી સાથે ૫૦ લાખ ટનનો નિકાસ લક્ષ્યાંક મૂક્યો હતો પરંતુ અપૂરતી સબસિડી અને વૈશ્વિક નીચા ભાવના કારણે એપ્રિલ સુધીમાં માત્ર ૨૮.૫૩ લાખ ટનની નિકાસ થઈ છે. અત્યાર સુધીમાં કુલ ૩૦ લાખ ટનના નિકાસ કરારો થયાના અહેવાલ છે. જોકે, ગત વર્ષે ખાંડની માત્ર ૫ લાખ ટનની જ નિકાસ રહી હતી. નિકાસ સબસિડીમાં વધુ રાહત મળે તો નિકાસને વેગ મળી શકે તેમ છે. અત્યારે સૌથી વધુ બાંગ્લાદેશ, શ્રીલંકા, અફ્ઘાનિસ્તાન, સોમાલિયા અને ઇરાનમાં નિકાસ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખાંડ ઉત્પાદકોને ફટકો, નીચા વપરાશથી તેજીની શક્યતા નહીં appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/sugar-growers-do-not-have-the-possibility-of-boom-low-consumption/
via Best Gujarati News
0 Comments