ચિત્રકાર અપર્ણા કૌર
એક સે બઢકર એક :- સંગીતા અગ્રવાલ
અપર્ણા કૌર એક એવાં ચિત્રકાર છે, જે રંગો દ્વારા કેનવાસ પર પોતાના વિચારોને ચિત્રિત કરે છે. હું જ્યારે તેમને મળી ત્યારે મારો પરિચય એક એવાં ચિત્રકાર સાથે થયો જે પોતાના વિચારો ફક્ત નારીના શોષણ અને ગૂંગળામણ સુધી સીમિત રાખવાને બદલે વ્યાપક સામાજિક વિસંગતીઓને પોતાના રંગો દ્વારા કેનવાસ પર ઉતારતાં હતાં. એ સામાજિક કાર્યો કરે છે, પણ પોતાને સમાજસેવિકા નથી કહેવડાવતાં. સમાજ માટે કામ કરતી વખતે તેમનો અભિગમ ‘કર્ણ’ જેવો હોય છે. ડાબો હાથ દાન કરે તો જમણાને ખબર ન પડે અને જમણો હાથ દાન કરે તો ડાબાને ખબર ન પડે. એમનાં જ્ઞાાન, સાહસ અનેે લગનના સરવાળે જે રંગ ઊભરે છે તેનાથી તેઓ ઘડાયા છે.
અપર્ણા કૌરનો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૫૪માં માતા અજીત કૌર અને પિતા રાજેન્દ્ર સિંહના ઘરમાં થયો. એમને એક બહેન હતી, પણ એ નાની ઉંમરે જ ગુજરી ગઈ. અને પિતાએ પણ વહેલી વિદાય લીધી. નાનપણમાં એ બહુ શરમાળ હતાં. પોતાના વિશે એ ખૂલીનેે કહે છે…
પેઇન્ટિંગ તો હું ત્રણ વર્ષની ઉંમરથી જ કરતી હતી, પણ મારામાં ક્યારેય એવી હિંમત કે આત્મવિશ્વાસ નહોતો કે એક દિવસ હું મોટી પેેઇન્ટર બનીશ. મારી માતા લેખિકા છે અને અગાઉ એ અધ્યાપિકા પણ રહી ચૂકી છે. એટલે મારા ઘરમાં વાંચવાનું અને સાદગીનું વાતાવરણ હતું. હું વિચારતી કે માની માફક અધ્યાપિકા બનીશ અને સાથોસાથ પેઇન્ટિંગ પણ કરતી રહીશ. મારી મા નાનપણથી જ સંઘર્ષ કરતી રહી છે. એમના સંઘર્ષે મને પણ સ્વાવલંબી બનવા પ્રેરીત કરી. મારું પ્રાથમિક ભણતર ત્રણ સ્કૂલોમાં થયું, જેમાં લેડી ઇરવિન સ્કૂલ મુખ્ય હતી. જ્યારે હું લેડી શ્રીરામ કોલેજમાં લિટરેચરનો અભ્યાસ કરી રહી હતી ત્યારે ૧૯૭૪માં એમ. એફ. હુસૈને છાપાંમાં જાહેરાત આપી કે તેઓ ઉભરતા ચિત્રકારોને શોધી રહ્યા છે. મને મારી ચિત્રકળા પર ભરોસો નહોતો, એટલે એકદમ ડરતાં ડરતાં મેં મારાં ત્રણ પેઇન્ટિંગ્ઝ બનાવીને એમને મોકલ્યાં. હું હંમેશાં મારાં પેઇન્ટિંગ્ઝ મોટા કદમાં બનાવું છું. એ દિવસોમાં રંગો અને કેનવાસ બહુ મોંઘાં પડતાં. દિલ્હીમાં ત્યારે ફક્ત બે જ ગેલેરીઝ હતી, હવે તો ઢગલાબંધ છે. ત્યારે ચિત્રોના ગ્રાહકો માંડ બે-ચાર હતા, આજે હજારો છે. હવે પત્રકારો પણ કલાકારોના કામમાં રસ લઈ રહ્યા છે. મને પહેલાં ક્યારેય એવો વિચાર નહોતો આવ્યો કે કલાકારો પણ આરામણદાયક અને સુખ-ચેનની જિંદગી જીવી શકે.
૧૯ વર્ષની ઉંમરે જ ચિત્રકારોની દુનિયામાં પોતાનું સ્થાન મેળવનાર અપર્ણાજી પોતાનાં ચિત્રોને જ પોતાનું જીવન ગણાવે છે. ૧૯૭૪માં એમણે પહેલી વાર પોતાનાં ચિત્રોનું પ્રદર્શન યોજ્યું. ૧૯૮૨માં એમના ‘જગલર’ નામના પેઇન્ટિંગને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સ્થાન મળ્યું. એમાં સમાજ દ્વારા નારીનું જે શોષણ થાય છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. ચિત્રમાં એક સ્ત્રી બેઠેલી દેખાય છે અને આખો સમાજ તથા અન્ય નારીઓ પણ તેના તરફ પીઠ કરીને બેઠી છે. એ સ્ત્રી સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવનારું કોઈ નથી. ‘વુમન ઇન ઇન્ટીરિયર્સ’માં બંધ કમરાઓમાં ગૂંગળાતી મહિલાઓની જિંદગીને એમણે રજૂ કરી. સ્ત્રીની સરખામણીમાં પુરુષ પોતાની સ્વચ્છંદ જિંદગી જીવી રહ્યો છે. પેઇન્ટિંગમાં એમણે એક પુરુષને પતંગ ચગાવતો દેખાડયો છે. મોટા શહેરોનું જીવન દર્શાવતું જે પેઇન્ટિંગ એમણે રચ્યું તેમાં એમણે ‘મેલ ફિગર’નો પ્રયોગ કર્યો.
૧૯૭૯માં અપર્ણાજીએ એમના મેલ સર્વન્ટ શ્રેણીના ચિત્રોમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ દર્શાવીને સામાજિક વિષમતા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું. અમીરીના પ્રતીક તરીકે તેમણે છત્રીનો ઉપયોગ કર્યો. એટલે કે એક મહિલા જે છત્રી પકડીને ઊભી છે, એ અમીરીનું પ્રતીક છે. બાકી બધી મહિલાઓ ખુલા આકાશ નીચે છત્રી વિના ઊભી છે, એ ગરીબી સૂચવે છે. તેમની આ શ્રેણી એટલી સફળ રહી કે લોટસ નામની પત્રિકામાં આઠ પેઇન્ટિંગ્ઝ છપાયાં.
એ જ વર્ષે એમણે બહુચર્ચિત માયા ત્યાગી કાંડ વિશે પણ પેઇન્ટિંગ બનાવ્યું. એનું શીર્ષક રાખ્યું, ‘કાનૂન કે સંરક્ષક’. એમાં ત્રણ બોક્સ બનાવીને એવું દર્શાવવામાં આવ્યું કે પોલીસ, જે રક્ષક છે, એ ભક્ષક બની ગયો છે. ત્રણ પોલિસવાળા અને એક નગ્ન મહિલા છે અને સ્ત્રીનો પોષાક ઝંડા તરીકે વપરાયો છે. એમનું આ એ પહેલું પેઇન્ટિંગ હતું જે એમ. એફ. હુસૈને ખરીદેલું. બેંગ્લોરના એક સંગ્રહાલયમાં આજે પણ આ પેઇન્ટિંગ મોજુદ છે.
(ક્રમશઃ)
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચિત્રકાર અપર્ણા કૌર appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/painter-aparna-kaur/
via Best Gujarati News
0 Comments