ફાઇબરયુક્ત ડાયટથી રહો ફીટ એન્ડ ફાઇન
ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર
અવારનવાર કબજિયાતની સમસ્યા, પેટ ખરાબ રહેવું, ખાટા ઓડકાર, વારંવાર મોઢું આવી જવું વગેરે ફરિયાદ રહેતી હોય તો એ માટે ફાઈબરની ખામી કારણભૂત હોઈ શકે છે. ફાઈબરવાળો ખોરાક એટલે રેસાથી ભરપૂર ભોજન. ફાઈબર શરીરને ઊર્જાવાન બનાવે છે. એના સેવનથી પેટ સાફ રહે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે છે. સ્ત્રીઓ માટે દિવસમાં ૨૫ ગ્રામ અને પુરુષો માટે લગભગ ૩૫થી ૪૦ ગ્રામ ફાઈબર જરૂરી છે. ફાઈબર મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય ફાઈબર અને ઈન્સ્યોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય ફાઈબર. દ્રાવ્ય ફાઈબર ધીરે-ધીરે ઓગળીને પચી જાય છે અને હૃદયરોગનું જોખમ ઓછું કરવું, લોહીમાં શર્કરાના પ્રમાણ પર નિયંત્રણ રાખવું, ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરવો વગેરે જેવા કાર્યો કરે છે. અદ્રાવ્ય ફાઈબર પાચનક્રિયા દરમિયાન પચતું નથી અને મળત્યાગની પ્રક્રિયા સરળ બનાવે છે. આજે વાત કરીએ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ એવા ફાઈબરના મહત્વપૂર્ણ કેટલાક સ્ત્રોતો વિશે.
ઓટ્સ
શરીરમાં ફાઈબરની જરૂરિયાત પૂરી કરવા માટે ઓટ્સ એક સારો આહાર છે. સો ગ્રામ ઓટ્સમાં અંદાજે ૧.૭ ગ્રામ ફાઈબર હોય છે.
નાસપતિ
નાસપતિ ફાઈબરના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક છે. એક મધ્યમ આકારના નાસપતિમાં લગભગ ૫ ગ્રામ ફાઈબર હોય છે.
રાસબરી
દેખાવમાં નાની લાગતા સ્વાદિષ્ટ ફળ રાસબરીમાંથી ફાઈબર મળે છે. એક રાસબરીમાં લગભગ ૮ ગ્રામ જેટલું ફાઈબર રહેલું હોય છે.
ફળો
છાલ સાથે સફરજન ખાવાથી સારી એવી માત્રામાં ફાઈબર મળી રહે છે. ૧૦૦ ગ્રામ સફરજનમાં અંદાજે ૨.૪ ગ્રામ ફાઈબર હોય છે. એ જ રીતે ૧૦૦ ગ્રામ કેળામાંથી ૨.૬ ગ્રામ અને ચેરીમાંથી ૧.૬ ગ્રામ જેટલું ફાઈબર મળી રહે છે.
બ્રાઉન રાઈસ
સ્વાસ્થયની દૃષ્ટિએ બ્રાઉન રાઈસ, વ્હાઈટ રાઈસ કરતાં ઉત્તમ છે. પોલિશ કર્યા વિનાના ચોખા એટલે કે બ્રાઉન રાઈસમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. એક કપ બ્રાઉન રાઈસમાં આશરે ૩.૫ ગ્રામ ફાઈબર હોય છે.
લીલા વટાણા
લીલા વટાણામાંથી પણ શરીર માટે જરૂરી ફાઈબર પ્રાપ્ત થાય છે. ફોઝન હોય કે બાફેલા, સૂકા હોય કે ફ્રેશ વટાણાનો કોઈપણ સ્વરૂપમાં ભોજનમાં સમાવેશ કરવાથી શરીરમાં ફાઈબરની માત્રા વધારી શકાય છે. ૧૦૦ ગ્રામ વટાણામાંથી આશરે પાંચ ગ્રામ ફાઈબર મળી રહે છે.
કઠોળ
કઠોળમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બંને પ્રકારનો ફાઈબર સમાવિષ્ટ હોય છે, જેથી કબજિયાતની સમસ્યા અટકાવે છે તથા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તેમજ ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
રાજમા અને વાલ
ઉત્તર ભારતીય લોકોના મનપસંદ રાજમા અને ગુજરાતીઓની રસોઈમાં જેાવા મળતા વાલ ફાઈબરનો સારો સ્ત્રોત છે. ૧૦૦ ગ્રામ રાજમામાંથી લગભગ ૧૬ ગ્રામ જેટલું ફાઈબર મળી રહે છે.
દાળ
પીળી મગની દાળમાં ૪૮% ફાઈબર હોય છે. ૧૦૦ ગ્રામ ચણા, અડદ, તુવેર અને ફોતરાવાળી દાળમાં અનુક્રમે ૧૦ ગ્રામ, ૧૮ ગ્રામ, ૧૫ ગ્રામ અને ૧૬ ગ્રામ જેટલું ફાઈબર સમાવિષ્ટ હોય છે.
બ્રોકોલી
બ્રોકોલી એટલે ફ્લાવરનો જ એક પ્રકાર કહી શકાય. ડાયેટ કોન્સિયસ લોકો આહારમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. બ્રોકોલી એટલે ફાઈબરનો વધુ એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત. બ્રોકોલીનો ઉપયોગ ખૂબ જ સારી રીતે ધોઈને કરવો જોઈએ.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફાઇબરયુક્ત ડાયટથી રહો ફીટ એન્ડ ફાઇન appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/stay-fiber-fiber-diet/
via Best Gujarati News
0 Comments