વાર્તા :- અમૃત વડિયા

અનુરાધાના મેરેજની તૈયારી ચાલી રહી હતી, આજે મહેંદીની રસમ વેળા કેટલીક ફ્રેન્ડ્ઝ સાથે તે હસીમજાક કરી રહી હતી. ત્યાં જ મિલી અને મોહક આવ્યા. આખું ગ્રૂપ જ કોલેજ ફ્રેન્ડ્ઝનું એકત્ર થઈ ગયું હતું. મિલી બહુ લાંબા સમય પછી મળી રહી હોવાથી અનુરાધા ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ તેની સાથે મોહકને જોઈને એને આશ્ચર્ય થયું. મોહક એનો ફ્રેન્ડ હતો અને ક્યારેય મિલી સાથે બોલતો કે હરતો ફરતો પણ જોયો ન હતો. મોહકથી એ પોતે ખૂબ જ મોહિત હતી. પરંતુ એ એની સાથેની ફ્રેન્ડશિપને વધુ ક્લોઝ એટલા માટે કરવા નહોતી માંગતી કે તે અન્ય કેટલીક ગર્લ્સ સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ ધરાવતો હોવાનું બધા કહેતા હતા. જોકે પછી એને ખરી હકીકત જાણવા મળી હતી, તે મુજબ મોહકને કોઈ સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ હતી જ નહીં… કેટલીક ગર્લ્સ એની સાથે ફ્રેન્ડશિપ કરવા માંગતી હતી, પરંતુ મોહક ભાવ ના આપતો હોવાથી તેઓએ જ મોહકને તો ઘણી ગર્લ્સ સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ હોવાની વાત ઉડાવી હતી. એ પોતે આમ પણ કોઈ બોય સાથે ક્લોઝ ફ્રેન્ડશિપ કરવામાં માનતી ના હતી. તેના મનમાં ક્લોઝ ફ્રેન્ડશિપ એટલે સેક્સ સંબંધ એવો અર્થ ઘૂસી ગયો હતો. એ બાબત પણ પછી સમજાઈ અને મોહક અંગેની વાતો ખોટી હોવાનું જાણ્યા પછી એની એ ખોટી માન્યતા પણ નીકળી ગઈ હતી. એ પછી એ મોહકની સાથે વધુ મળતી થઈ ત્યાં જ એના એન્ગેજમેન્ટ નક્કી થઈ ગયા. એટલે એની સાથેની ફ્રેન્ડશિપ વધુ ક્લોઝ ના થઈ શકી. ત્યારબાદ મળવાનું ઓછું થઈ ગયું અને એની ફ્રેન્ડ ગણાતી મિલી પણ મળતી બંધ થઈ ગઈ. આજે એ બંને સાથે આવતા એણે આશ્ચર્યથી પૂછયું શું વાત છે? મિલી તું અને મોહક ક્યાં મળી ગયા? બંને કઈ રીતે સાથે થઈ ગયા?

અનુરાધાના આ પ્રશ્નનો જવાબ મિલી આપે તે પહેલા જ તેઓની અન્ય એક ફ્રેન્ડ રીમા બોલી, ઓહ… શું તને ખબર જ નથી? આ બે તો ખાસ ફ્રેન્ડ છે. એન્ગેજમેન્ટ પછી તું કોલેજમાં ભાગ્યે જ આવતી એટલે તને ખબર નહીં હોય?

હૈં? શું વાત કરે છે? ખરેખર? અનુરાધાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને મિલી સામે જોઈ બોલી, સોરી મિલી… મને ખબર ન હતી. આ હીરો તો મારો ફ્રેન્ડ હતો, પણ મને ક્યારેય ખ્યાલ પણ ના આવવા દીધો ને? બંને છૂપારૂસ્તમ નીકળ્યા…!

ના…ના… એવું કંઈ નથી. મિલીએ ક્ષોભ અનુભવતાં કહ્યું. આ તો મારા લક કે મને મોહક ફ્રેન્ડ તરીકે મળ્યો. બાકી તો એ તારો જ ફ્રેન્ડ હતો અને આજે ય છે જ! મિલીએ કહ્યું.

એ તો છે જ… મિલી થેંક્યુ, તું મોહકને લઈ આવી… મોહક આઈ એમ રિયલી હેપ્પી, કહી અનુરાધાએ તેની સામે સ્મિત કર્યું. એટલામાં જ મિલી બોલી, એય અનુરાધા… હું મોહકને નથી લાવી, એ મને લઈ આવ્યો છે… મને તો તારા મેરેજની ખબર જ ન હતી, તેં મને ક્યારે ઇન્વિટેશન મોકલ્યું હતું બોલ?

ઓહ… એમ વાત છે? મેં આપણા ફ્રેન્ડ્ઝના બધા ગ્રૂપમાં મારા મેરેજનું ઇન્વિટેશન કાર્ડ મૂક્યું હતું અને બધાને ખાસ આવવા લખ્યું હતું… હા, પણ આ મોહકે મારું ધ્યાન દોર્યું અને આજે મહેંદી રસમ હોવાથી આવ્યાં… બાકી તું તો ભૂલી જ ગઈ હતી…! મિલીએ મોહક સામે અને અનુરાધા સામે વારાફરતી જોતા કહ્યું…

ઓકે બાબા… સોરી.. નાઉં એન્જોય… મને હવે મહેંદીમાં એન્ગેજ થવા દો… નહીં તો કઈ લોચો થઈ જશે… અનુરાધાએ કહ્યું એ પછી મહેંદી મુકાઈ તે દરમિયાન એને મોહકના જ વિચાર આવતા રહ્યા. એ એને ખરેખર ગમતો હતો પરંતુ આગળ વધવું શક્ય જ ના બન્યું. એણે વધુ રિસ્પોન્સ આપ્યો હોત તો કદાચ રિલેશન આગળ વધી શક્યાં હોત… પરંતુ હવે એવું કંઈ વિચારવાનો અર્થ ના હતો. તેની એન્ગેજમેન્ટ જેની સાથે થઇ છે એ રસેશ દેખાય છે તો સારો… પણ સાવ નિરસ..! બહુ મોટા ફેમિલીનો છે એટલે એમ વર્તતો હશે? મેરેજ પછી એને ખૂબ રસ લેતો કરી દેવામાં કોઈ વાર નહીં લાગે…! એ મહેંદી જોતા જોતા વિચારતી હતી ત્યાં જ એની મમ્મી દોડતી આવી અને જોરથી બરાડી ,અનુરાધા… પડતી મૂક આ મહેંદી એનો કોઈ અર્થ નથી… પેલો રસેશ તો એની કોઈ સગલીની સાથે ભાગી ગયો છે… એ નાલાયકે આપણને ક્યાંયના રહેવા નથી દીધા… આ વાત સાંભળતા જ બધા આશ્ચર્ર્ય અને આઘાતથી હોહા કરવા માંડયા. અનુરાધાની બધી ફ્રેન્ડ્ઝ સ્તબ્ધ થઈ ગઈ…!

અનુરાધાના ઘરના સૌ ભારે ટેન્શનમાં આવી ગયા હતા. મેરેજની બધી જ તૈયારી થઈ ગઈ હતી. હવે શું કરવું એ જ સમજ પડતી નોહતી.

બધી ફ્રેન્ડ્ઝ અનુરાધાને ઘેરી વળીને સાંત્વના આપી રહી હતી, ત્યાં જ મોહકે મિલીને બોલાવી અને તેને દૂર લઈ જઈને ધીમેથી કંઈ કહ્યું. તેની વાત સાંભળીને પછી એ ગંભીર ચહેરા સાથે અનુરાધા પાસે આવી અને તેને એકાંતમાં વાત કરવાનું કહીને બીજા રૂમમાં લઈ ગઈ અને તેનો હાથ હાથમાં લઈ બોલી, અનુરાધા… મોહકે મને એવું કહ્યું છે કે તું ગભરાતી નહીં. એ તને ખૂબ લવ કરે છે અને તું તૈયાર હોય તો એ તારી સાથે મેરેજ કરવા તૈયાર છે…! બોલ… તું શું કહે છે?

હેં? શું વાત કરે છે? ઓહ… માય.. ગોડ.. પણ એ તો તારો ક્લોઝ ફ્રેન્ડ છે? અનુરાધાએ આશ્ચર્યથી પૂછયું…

હા.. એ તો તું મળે એમ નહોતી એટલે એણે મારી સાથે ફ્રેન્ડશિપ રાખી છે. બાકી એ તને લવ કરે છે એની મને ખબર છે…!

હું હમણાં જ મારા મમ્મી-પપ્પાને વાત કરું છું. તેઓ ના નહીં જ પાડે અને ના પાડશે તો ય હવે તો હું મોહકને જ પરણીશ… એમ કહી અનુરાધા તેના મમ્મી-પપ્પા પાસે ગઈ અને થોડી જ વારમાં એ પાછી આવી અને ખૂબ ખુશ થઈ એ મોહકને ભેટી પડી. એણે મોહકને તેના મમ્મી-પપ્પા તૈયાર હોવાનું કહેતા જ મોહકે તેને ‘ડોલી સજા કે રખના…! હું મારા ઘરે જાઉં છું અને કાલે જ જાન લઈને આવીશ…! મારું ફેમિલી કોઈ વાંધો લેવાનું નથી…! ઈશ્વરે આખરે મારું સાંભળ્યું ખરું ‘કહી એ મિલી સાથે રવાના થયો…

naari@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ડોલી સજા કે રખના…  appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/dolly-sentence-k-rakhana/
via Best Gujarati News