લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે એ કઈ રીતે નક્કી થાય ?
નવી દિલ્હી :
લોકસભા ચૂંટણી ૨૦૧૯ ખતમ થઈ ગઈ છે અને હવે નવી સરકારની રચનાની રાહ જોવાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મેના દિવસે બીજી વખત વડા પ્રધાન પદના શપથ લેશે. એ બાદ પાંચ કે ૬ જૂનથી ૧૭મી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ શકે એમ છે. સત્રની શરૂઆત પહેલાં એ જાણી લઈએ કે સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદ લોકસભામાં ક્યાં બેસશે, તે માટે સંસદની એક નિયમાવી છે અને ફોર્મ્યુલા દ્વારા પ્રત્યેક સાંસદની બેઠક નક્કી કરાય છે.
ગૃહ કેવું છે ?
લોકસભાને ૬ બ્લોકમાં વહેંચવામાં આવ્યું છે, જે સ્પીકરના સ્થાનની ડાબે- જમણે અને સામે હોય છે. આ બ્લોકમાં સાંસદોની બેઠક હોય છે અને વચ્ચે ગેલેરી હોય છે. દરેક બ્લોકમાં ૧૧ લાઇન હોય છે, જેને લીલા રંગથી સજ્જ સીટો પર સાંસદો બેસે છે. સ્પીકરની બરાબર નીચે રહેતી બેઠકો પર લોકસભા મહાસચિવ સહિત સચિવાલયના અધિકારી બેસે છે, જે ગૃહને સુચારુ રીતે ચલાવવામાં સ્પીકરની મદદ કરે છે, એ સાથે જ દિવસભરની કામગીરીનો રેકોર્ડ પણ રાખે છે. સ્પીકરની ડાબી અને જમણી બાજુએ જે બે બ્લોક છે, તેમાં ૯૭-૯૭ બેઠકો હોય છે. બાકી વચ્ચેના ૪ બ્લોકમાં ૮૯-૮૯ બેઠક હોય છે.
સીટની ફોર્મ્યુલા શું છે ?
સ્પીકર કોઈ પણ પક્ષના સભ્યોની સંખ્યાના આધારે તેમના બેસવાની જગ્યા નક્કી કરે છે. એ માટે એક ફોર્મ્યુલા છે, જેમાં કોઈ પક્ષ કે ગઠબંધનની પાસે કુલ બેઠકોને એ લાઇનની કુલ સીટોની સંખ્યા સાથે ગુણાકાર કરાય છે. એ બાદ જે સંખ્યા આવે તેને લોકસભાની કુલ સંખ્યાથી વિભાજિત કરાય છે. આ ફોર્મ્યુલા મુજબ આ વર્ષે એનડીએને મળેલી ૩૫૩ બેઠકોના આધારે સમજીએ તો એનડીએને મળેલી કુલ બેઠકોને જો પહેલી લાઇનની કુલ બેઠકોથી ગુણીએ અને પછી ગૃહની કુલ સંખ્યાથી વિભાજિત કરીએ તો પરિણામ ૧૨.૮૩ આવે છે. પૂર્ણાંકની દૃષ્ટિએ આ વખતે એનડીએના ૧૩ સાંસદોને આગળની લાઇનમાં સ્થાન મળશે.
સિનિયોરિટીને મહત્ત્વ
આ ફોર્મ્યુલા ૫ કે તેથી વધુ બેઠકોવાળા પક્ષ પર જ લાગુ પડે છે. જો કોઈ પક્ષના સભ્યોની સંખ્યા પાંચથી ઓછી હોય તો સ્પીકર અને પક્ષના નેતા એકબીજાના સહમતીથી તેમની બેસવાની સીટ નક્કી કરે છે. સ્પીકર કોઈ પક્ષના સભ્યની સિનિયોરિટીને જોઈ તેમને પહેલી હરોળમાં સ્થાન આપી શકે છે. ગઈ વખતે સપાના મુલાયમસિંહ યાદવ અને જેડીએસના એચડી દેવગૌડાને આગળની હરોળમાં સ્થાન અપાયું હતું, જ્યારે તેમના પક્ષની પાસે આગળની હરોળમાં બેસવાલાયક સંખ્યાબળ ન હતું.
સાસંદો કેટલા ?
સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં સાંસદોની સંખ્યા મહત્તમ ૫૫૨ સુધી હોઈ શકે છે, જેમાં ૫૩૦ સભ્યો અલગ અલગ રાજ્યોના હોય છે અને ૨૦ સુધીના સભ્યો ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોના હોઈ શકે છે, તે સિવાય ૨ સભ્યો રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરાઈ શકે છે. લોકસભાને હાઉસ ઓફ ધ પીપલ્સ પણ કહેવાય છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ૫૪૨ સંસદ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. ઘણી રોકડ રકમ મળતા વેલ્લોરની બેઠક પર ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે એ કઈ રીતે નક્કી થાય ? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-keyo-mp-kya/
via Best Gujarati News
0 Comments