। નવી દિલ્હી ।

લોકસભાની ચૂંટણીમાં કરારી હારની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસનાં પ્રમુખપદેથી રાજીનામું આપવાની રાહુલ ગાંધીએ રાજહઠ પકડી છે. તેમણે પોતાનો વિકલ્પ શોધવા પક્ષનાં વરિષ્ઠ નેતા અહમદ પટેલ અને કે સી વેણુગોપાલને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું છે. એક મહિનામાં પક્ષનાં નવા પ્રમુખ ચૂંટવા તાકીદ કરી છે. અલબત્ત સંસદમાં કોંગ્રેસનાં નેતા તરીકે પોતાની જવાબદારી અદા કરવા તૈયારી દર્શાવી છે.

રાહુલનાં રાજીનામાનું કોકડું ઉકેલવા નવી ફોર્મ્યુલા નક્કી કરાઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસમાં નવા પ્રમુખનું નામ નક્કી કરીને તેમની નિયુક્ત કરવાનાં મુદ્દે ત્રણ મહિનામાં નિર્ણય લેવાશે. કોંગ્રેસનાં સંગઠનોની પુનઃ રચના કરાશે. રાહુલ ગાંધી સંગઠનમાં તેમની ભૂમિકા નિભાવતા રહેશે.

રાહુલને પાર્ટી અને સંગઠનનું કલેવર બદલવા માટે છુટ્ટો દોર આપવામાં આવે તેવી શક્યતા છે. તેમની મરજી મુજબ પાર્ટીમાં ફેરફાર કરવા અને પાર્ટી ચલાવવા માટે રાહુલને સંપૂર્ણ સત્તા આપવામાં આવે તેવી સંભાવના છે. જરૂર પડે તો આ માટે પાર્ટીનાં બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવશે. અહમદ પટેલ અને પ્રિયંકા ગાંધી સાથે લાંબી વાતચીત પછી રાહુલ આ મુદ્દે સંમત થયા હોવાનું જાણવા મળે છે.

રાહુલ પછી કોણ? કોંગ્રેસની પેનલ કે CWC નિર્ણય લે તેવી અટકળો

રાહુલનું રાજીનામું સ્વીકારવું કે અન્યને પક્ષનું સૂકાન સોંપવું તે મુદ્દો ચર્ચવા પાર્ટી દ્વારા થોડા દિવસમાં ફરી કોંગ્રેસ કારોબારીની બેઠક બોલાવવામાં આવે અથવા તો કોંગ્રેસની પેનલ દ્વારા નિર્ણય લેવાય તેવી પણ શક્યતા છે. પાર્ટીનાં પ્રમુખ કોને બનાવવા તે મુદ્દે કોકડું ગૂંચવાયું છે  ત્યારે કોગ્રેસ કારોબારી સમિતિની વધુ એક બેઠક એક દિવસ માટે  યોજવામાં આવે તેવી શક્યતા છે. તેમાં નવા પ્રમુખની  ચૂંટણી કે વરણી થઈ શકે છે. એવું માનવું છે કે સોનિયા  ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મંજૂરી વિના પાર્ટી  માટે નવા પ્રમુખની વરણી કે પસંદગી મુશ્કેલ છે. આમ ત્રણ  ગાંધી હુકમના એક્કા છે.

રાહુલને મનાવવા નેતાઓનો ચર્ચાનો દોર : સોમવારે એેપાઈન્ટમેન્ટ આપ્યા છતાં રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત સહિત પક્ષનાં સીનિયર નેતાઓને મળવાનો ઈનકાર કર્યા પછી કોંગ્રેસમાં સંકટ ઘેરાયું હતું. મંગળવારે સવારે રાહુલને મનાવવા માટે નેતાઓની મુલાકાતનો દોર ચાલ્યો હતો. પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા, રાહુલ ગાંધીના નિવાસે પહોંચ્યા હતા અને પાર્ટીને કટોકટીમાંથી બહાર લાવવા લંબાણપૂર્વક મંત્રણા કરી હતી. રાહુલનાં વિશ્વાસુ કે સી વેણુગોપાલે પણ રાજીનામું આપવાની જીદ છોડવા રાહુલને મનાવ્યા હતા.

રાહુલની મદદ માટે ત્રણ કાર્યકારી અધ્યક્ષની સંભાવના

રાહુલની મદદ માટે પાર્ટીનાં ત્રણ વરિષ્ઠ નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની પણ વાત છે.આ માટે એ કે એન્ટની, અહમદ પટેલ અને કેપ્ટન અમરિન્દર સિંહનાં નામ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશમાં કમલનાથને બદલે સિંધિયાને પ્રદેશ પ્રમુખ બનાવવા માગણી થઈ છે.

નેતાઓનાં પુત્રમોહ અંગે રાહુલ નારાજ

આ અગાઉ શનિવારે કોંગ્રેસની કારોબારીમાં રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી જેને કારોબારીએ ફગાવી હતી. પક્ષને રાહુલનાં નેતૃત્વની જરૂર છે તેવો મત સૌએ વ્યક્ત કર્યો હતો. આમ છતાં રાહુલ રાજીનામું આપવા મક્કમ હોવાનું જાણવા મળે છે. નવા પ્રમુખ શોધી લેવા તેમણે ફરી પક્ષનાં નેતાઓને તાકીદ કરી હતી. ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરવાને બદલે પોતાનાં પુત્રો માટે ટિકિટ મેળવવાથી માંડીને તેમને જીતાડવાનો પુત્રમોહ રાખનાર વરિષ્ઠ નેતાઓ ચિદમ્બરમ, ગેહલોત અને કમલનાથ પ્રત્યે રાહુલે નારાજગી દર્શાવી હતી.

પાર્ટીનો નબળો દેખાવ : લોકસભાની ચૂંટણીમાં રાહુલ અને પ્રિયંકાએ પાર્ટીને જીતાડવા ભારે મહેનત કરવા છતાં પક્ષને ફક્ત ૫૨ સીટથી સંતોષ માનવો પડયો હતો. કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠીમાંથી રાહુલની હાર થઈ હતી. પાર્ટી ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતું પણ ખોલાવી શકી ન હતી. આ પછી પાર્ટીમાં પ્રદેશ પ્રમુખો સહિત ૧૩ રાજીનામા પડયા હતા.

રાહુલ દ્વારા રાજીનામું આપીને ૧૯૯૮માં સોનિયાની જેમ પાઠ ભણાવવાનો વ્યૂહ

રાહુલનાં પક્ષ પ્રમુખપદેથી રાજીનામાને ૧૯૯૮ની ઘટના સાથે જોડવામાં આવે છે. સોનિયા ગાંધીએ પાર્ટીનાં પ્રમુખ પદેથી સીતારામ કેસરીને હટાવીને તેમણે જાતે પક્ષનું સૂકાન સંભાળ્યું હતું. આમ તે વખતે પાર્ટીમાં ગાંધી પરિવારનો દબદબો અને મહત્વ છવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કારમી હારના આઘાત પછી કોંગ્રેસમાં રિસામણા અને મનામણાનો દોર… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/crushing-harness-after-kong/
via Best Gujarati News