અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની બેદરકારીથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાનગી સ્કૂલો, ટયુશન ક્લાસિસ, હોસ્પિટલો અને અન્ય એકમોએ ગેરકાયદે બાંધકામો ઉભા કરી દીધાં છે જે ફાયર સેફ્ટીના મુદ્દે ખુબ જ જોખમી છે. સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ. તંત્રના અધિકારીઓના પગની નીચે રેલો આવ્યો છે જેથી આખરે આ તમામ ગેરકાયદે બાંધકામો ઉપર હથોડો ચલાવવાની ફરજ પડી રહી છે.

અમદાવાદ મ્યુનિ.એ મંગળવારે ફાયર સેફ્ટીના મુદ્દે ૩૨૭ ટયુશન ક્લાસીસ સહિત અન્ય એકમોને નોટિસ ફટકારી હતી. જ્યારે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી થલતેજની ઝેબર સ્કૂલ, જોધપુરની ઉદગમ સ્કૂલ, હાથીજણની દૂન સ્કૂલ સહિતની ૧૪ સ્કૂલોના વધારાના બાંધકામ ઉપર હથોડા ઝીંકવામાં આવ્યા હતા.

સાથે શહેરમાં ૧૨ ટયુશન ક્લાસના વધારાના શેડ પ્રકારના બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. સાલ હોસ્પિટલ સહિત ચાર હોસ્પિટલના વધારાના બાંધકામ તોડાયા હતા. મ્યુનિ.એ આજે એક જ દિવસમાં ૩૯ એકમોનું ૭૫૪૧.૬૦ ચો.મી. બાંધકામ તોડયું હતુ.

અમદાવાદ મ્યુનિ.ના દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા આજે માનસી સર્કલ પાસે સમાન કોમ્પલેક્ષના ચોથા માળે ટેરેસ ઉપર ટયુશન ક્લાસીસના છ ઓરડા બનાવવામાં આવ્યા હતા તે તોડી પાડયા હતા. શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા અર્જુન ટાવરના બિલ્ડીંગના સેલર તથા પોડિયમ ટેરેસના કરેલા પાંચ યુનિટનું ગેરકાયદે બાંધકામ તોડાયું હતુ.

જોધપુરના ઉદગમ સ્કૂલવાળી જગ્યામાં માર્જિન તથા થર્ડ ફ્લોર ટેરેસ ઉપર કરાયેલા શેડ પ્રકારના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા આજે ગોતામાં વંદેમાતરમ આર્કેડ, અપર સ્ટ્રીપ કાફે, એલન કેરિયર ઇન્સ્ટીટયુટના શેડ તથા અન્ય પ્રકારના બાંધકામ તોડયા હતા જ્યારે થલતેજની ઝેબર સ્કૂલ દ્વારા ટેરેસ ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરાયું હતુ.

થલતેજ સાલ હોસ્પિટલ, ગોતા લિટલ કીડઝ અને ચાંદલોડિયા અક્ષર વિદ્યાલયના બેઝમેન્ટ અને ટેરેસ ઉપર કરાયેલા બાંધકામ દૂર કરાયા હતા. પશ્ચિમ ઝોન દ્વારા અખબારનગરના શ્વેની કોમ્પલેક્ષ અને નવરંગપુરાના સીજી રોડના ચંદ્રોમૌલી કોમ્પલેક્ષના વધારાના બાંધકામો તોડી પાડયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં રામોલ, નરોડા, નારોલ, ઓઢવ, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી.

શહેરની સ્કૂલ, ક્લાસિસ તથા અન્ય એકમો ઉપર હથોડા ચાલ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શહેરમાં AMCનો હથોડા ચાલ્યા, ઉદ્ગમ અને 14 સ્કૂલો, 12 ટયૂશન ક્લાસ સહિત 39 બાંધકામો તોડાયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-amc-in-39-constructions-including-origination-and-14-schools-12-tuition-classes-broke/
via Best Gujarati News