આયું નવું! અ’વાદના ટયૂશન ક્લાસિસોને ફાયર પ્રૂફ બનાવવા છે, પણ બજારમાં સાધનો જ ક્યાં?
સુરતની દુર્ઘટનાના પગલે અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સત્તાવાળાઓ ટયૂશન, કોચિંગ, એક્ટિવિટિ ક્લાસિસથી માંડી બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા જાણે મરણિયા બન્યા હોય તેમ મચી પડયા છે.
છસ્ઝ્રના જ એક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં ૧,૫૦૦ જેટલા ટયૂશન સહિતના ક્લાસિસ ચાલે છે. આ દરેકને જો નિયમાનુસાર ફાયર સેફ્ટીના તમામ ઉપકરણો, સાધનોથી સજ્જ કરવા હોય તો બજારમાં ફાયર એક્સ્ટિંગ્વીશર, સાઈન બોર્ડ, સ્ટેન્ડ બકેટ, સ્મોક ડિટેક્શન સિસ્ટમના દરેકના કમ સે કમ ૩૦ હજાર નંગ ઉપલબ્ધ હોવા જોઈએ. વાસ્તવિકતા એ છે કે, હાલ બજારમાં તેના માત્ર ૩૦ ટકા જ ઉપલબ્ધ છે.
ફાયર ડિપાર્ટમેન્ટ અને ફાયર સેફ્ટીના સાધનો સાથે સંકળાયેલા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, આની પહેલી અસર એ છે કે, બજારમાં એકાએક જ માગ વધી છે. સામે પુરવઠો માત્ર ૩૦ ટકા હોવાથી જે માલ છે તેની કિંમતો આસમાનને આંબશે અથવા તો કાળા બજાર થશે. બીજું ભયસ્થાન એ ગણાવાય છે કે, માગને પહોંચી વળવા અનેક વેપારીઓ, ડીલર્સ નીચી ગુણવત્તાવાળો સામાન બજારમાં ખડકી નફો રળી લેવા દોડશે.
હાલ ફાયર સેફ્ટીની ફૂલ પ્રૂફ સિસ્ટમ ગોઠવવા માટે અત્યારે ૩૦ હજાર સેટની તાતી જરૂર છે. તમામ ક્લાસિસ ઉપરાંત બિલ્ડીંગ્સને પણ ફરજ પાડવામાં આવે તો આ જરૂરીયાત એક લાખે પહોંચે તેમ છે. હવે માગ વધવાથી બજારના સૂત્રો કહે છે કે, દરેક સાધન દીઠ રૂ.૫૦૦-૧,૦૦૦નો તત્કાળ વધારો કરી દેવાયો છે. આમ, અત્યારથી જ ભાવવધારો અને કાળા બજાર શરૂ થઈ ગયા છે. બીજી તરફ, વધેલી માગને પહોંચી વળવા લેભાગુ તત્ત્વો પણ સક્રિય થતાં ઉતરતી કક્ષાના સાધનો પણ બજારમાં ખડકાવા માંડશે.
વેપારી પર નિયંત્રણ વિના બેફામ ભાવવધારાનો ભય
અમદાવાદના જ એક હજાર કલાસીસની વાત કરી છે. આ જ રીતે અમદાવાદની જ રેસ્ટોરન્ટ તેમ જ હોસ્પિટલોની વાત કરીએ. ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો આ સેટની સંખ્યાનો આંક લાખ્ખોની સંખ્યામાં પહોંચી જશે.
ઉપલબ્ધ સ્ટોક નહીવત છે. હાલમાં પણ મુંબઈ તેમ જ અન્ય રાજયોમાંથી માલ મંગાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યાં સુધી કે તાત્કાલિક ઉત્પાદન કરાવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જો ડીલરો પર નિયંત્રણ રાખવામાં નહીં આવે બેફામ ભાવ વધારો થશે. તેની સાથે ગુણવત્તામાં પણ ગેરરિતી સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી સરકારના અન્ય વિભાગોએ પણ સજાગ રહેવું પડશે.
પોલીસ ચોકીની જેમ ફાયર ચોકી ઊભી કરાશે
સફાળા જાગેલા તંત્રએ હવે ક્લાસિસ અને બિલ્ડીંગ્સની સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પણ વધુ સજ્જ અને સક્ષમ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ઝડપથી આગ બુઝાવવા પહોંચી શકાય તે માટે હવે પોલીસ ચોકીઓની જેમ જ ફાયર ચોકીઓ ઊભી કરવાનું વિચારાયું છે. દરેક ચોકી દીઠ બે ફાયર ફાઈટર સહિતના વાહનો રહેશે. અમદાવાદના દરેક વોર્ડમાં ફાયર ચોકી ઊભી કરવા જગ્યાઓ મંગાશે.
આ ઉપરાંત, રિવર ફ્રન્ટની બન્ને બાજુ પણ ફાયર ચોકી ઉભી કરવા પણ વિચારાયું છે. ચોકીઓ વધતાં અત્યારની ખાલી જગ્યાઓ ભરવા ઉપરાંત નવું મહેકમ મંજુર કરવા પણ કહેવાશે. અમદાવાદ શહેરનો ૪૬૬ ચો.કિ.મી. વિસ્તાર છે.
નિયમ પ્રમાણે ૧૦ ચો.કિ.મી.એ એક ફાયર સ્ટેશન હોવું જોઇએ. નિયમ પ્રમાણે શહેરમાં ગણતરી કરવા જઇએ તો ૪૬ ફાયર સ્ટેશન હોવા જોઇએ. તેની સામે અમદાવાદ શહેરમાં હાલ ૧૬ ફાયર સ્ટેશન કાર્યરત છે. બીજા ત્રણ નવા શરુ થવાના છે. આમ ૧૯ ફાયર સ્ટેશન થશે.
બિલ્ડિંગ દીઠ ૧૫ હજાર રૂપિયા ચૂકવાય તો ૯૦ લાખે આંક પહોંચે
અમદાવાદમાં ૨૭૦૦ હાઈરાઇઝ અને ૧૦ હજારથી વધુ લો રાઇઝ બિલ્ડીંગો છે. આ હાઇરાઇઝમાંથી ૬૦૦ કોમર્શીયલ બિલ્ડીંગમાં સીસ્ટમ કાર્યરત છે. તેના સરવેમાં ૨૦૦ બંધ હાલતમાં હોવાનું જોવા મળ્યા છે. કેટલાંક બિલ્ડીંગમાં તો ઇન્સ્પેકશન વગર જ NOC અપાયાની પણ ચર્ચા છે.
નામ નહીં આપવાની શરતે એક હાયરાઇઝ બિલ્ડીંગના હોદ્દેદારે કહ્યું કે, બિલ્ડીંગમાં જરુરી તમામ સાધનો હોવા છતાં ૧૫ હજાર રુપિયા ફાયર વિભાગના અધિકારીને ચૂકવવા પડશે નહીંતર એક યા બીજા કારણોસર હેરાન કરવામાં આવે છે. શહેરમાં ૬૦૦ બિલ્ડીંગોમાં સિસ્ટમ લગાવવા બિલ્ડીંગ દીઠ ૧૫ હજારની ગણતરી કરવા જઇએ તો આંકડો ૯૦ લાખ પર પહોંચી જાય છે.
ફૂલ પ્રૂફ ફાયર સેફ્ટી માટે જરૂરી સાધનો
- એક ફાયર એક્સ્ટિંગ્વીશર
- ફાયરનું એક સાઈન બોર્ડ
- એક સ્ટેન્ડ બકેટ (જેમાં રેતી ભરેલી હોય)
- સ્મોક ડિટેક્શન સિસ્ટમ (બંધિયાર જગ્યા માટે)
- ફાયર સિસ્ટમના સાધનો અને કિંમત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આયું નવું! અ’વાદના ટયૂશન ક્લાસિસોને ફાયર પ્રૂફ બનાવવા છે, પણ બજારમાં સાધનો જ ક્યાં? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-tuition-classes-fire-proof-market-tools-either-the-same/
via Best Gujarati News
0 Comments