પાર્ટનરશિપ ફર્મ પણ SME એક્સ્ચેન્જીસ ઉપર લિસ્ટ થઇ શકે
SME વોચ : મધુ લુણાવત
એસએમઇ એક્સ્ચેન્જિસ રોકાણકાર અને ઉદ્યોગ સાહસિક બંન્નેને સંખ્યાબંધ લાભો પૂરાં પાડે છે. આ પ્લેટફોર્મના માધ્યમથી એસએમઇ કંપનીઓ વિસ્તરણ અને વૃદ્ધિ માટે જરૂરી ભંડોળ એકત્ર કરી શકે છે, જ્યારે કે રોકાણકારો ઉભરતી કંપનીઓમાં રોકાણ કરીને સારું વળતર પ્રાપ્ત કરી શકે છે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થઇને અત્યાર સુધીમાં સંખ્યાબંધ કંપનીઓએ કામગીરીને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારી છે અને વિશેષ ઓળખ પ્રસ્થાપિત પણ કરી છે. અત્યાર સુધીમાં એસએમઇ એક્સ્ચેન્જિસ ઉપર ૪૮૮ એસએમઇ લિસ્ટ થઇ છે અને તેમની માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૬,૦૨૭ કરોડથી પણ વધુ છે. બીજી તરફ એસએમઇ કંપનીઓના લિસ્ટિંગ સંબંધિત નિયમો પણ હળવા કરવામાં આવ્યાં છે. પાર્ટનરશીપ ફર્મ પણ એસએમઇ એક્સચેન્જ ઉપર લિસ્ટ થઇ શકે છે.
પાર્ટનરશીપમાંથી કંપનીમાં પરિવર્તન
ઇન્ડિયન કંપનીઝ એક્ટ હેઠળ ઓછામાં ઓછા સાત ભાગીદારો ધરાવતી પાર્ટનરશિપ ફર્મને કંપનીમાં તબદીલ કરી શકાય છે. આ એકદમ સરળ પ્રક્રિયા છે, જેને એક પખવાડિયામાં પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત પાર્ટનરશિપ ફર્મમાંથી કંપનીમાં તબદીલીમાં એસેટ ટ્રાન્સફર ઉપર ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧માંથી રાહત મળે છે, જેમાં નીચેની શરતો સામેલ છેઃ
- કંપનીની તમામ મિલકતો અને જવાબદારીઓ ટ્રાન્સફર થાય છે.
- તમામ ભાગીદારો સરખી માત્રામાં શેરધારક હોવા જોઇએ, જે પ્રમાણે કંપનીની બુકમાં તેમના કેપિટલ એકાઉન્ટ્સ દર્શાવવા જોઇએ.
- ભાગીદારો શેર્સ સિવાય અન્ય કોઇપણ મેળવતા હોવા જોઇએ નહીં.૫૦ ટકા ભાગીદારો કંપનીમાં પાંચ વર્ષ સુધી જળવાઇ રહેવા જોઇએ.આઇપીઓ અને લિસ્ટિંગ સંબંધિત સેબીના નિયમો અનુસાર પાર્ટનરશીપ ફર્મ એક કંપનીમાં રૂપાંતરિત થયાં બાદ તે કંપની તરીકે ધ્યાનમાં લેવાય છે. આથી પાર્ટનરશિપ ફર્મ પોતાની જાતને કંપનીમાં તબદીલ કર્યાં બાદ એસએમઇ એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ માટે આગળ વધી શકે છે. મિનિમમ ટ્રેક રેકોર્ડ, અનુભવ, પ્રમોટરના યોગદાન વગેરે સંબંધિત નિયમો સ્ટોક એક્સ્ચેન્જ ઉપર લિસ્ટ થતી પાર્ટનરશિપ ફર્મને લાગુ પડતું નથી કારણકે કન્વર્ટ કરાયેલી કંપનીના અસ્તિત્વ અને કેપિટલાઇઝેશનને ધ્યાનમાં લેવામાં આવે છે.
એસએમઇ એક્સચેન્જ ઉપર સફળ લિસ્ટિંગઃ
કેટલીક પાર્ટનરશીપ ફર્મે પહેલેથી જ આ માર્ગ અપનાવીને એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટિંગના લાભો હાંસલ કર્યાં છે. અમદાવાદ સ્થિત મંગલમ્ સીડ્સ લિમિટેડ આ પ્રકારની જ એક કંપની છે કે જે ઓગસ્ટ ૨૦૧૫માં એસએમઇ એક્સચેન્જ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થઇ હતી. આ કંપની એગ્રીકલ્ચર જિનેટિક ટેકનિકના ઉપયોગ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સીડ્સનું ઉત્પાદન અને ડિલિવરી કરે છે. આ ઉપરાંત શિવા ગ્રેનિટો એક્સપોર્ટ લિમિટેડ મૂળ પાર્ટનરશીપ એક્ટ, ૧૯૩૨ હેઠળની પાર્ટનરશીપ ફર્મ તરીકે રજિસ્ટર્ડ હતી અને તેનું નામ મેસર્સ શિવા એક્સપોર્ટ કંપની હતું. શિવા ગ્રેનિટો એક્સપોર્ટ લિમિટેડ એન્જિનિયર્ડ સ્ટોન સ્લેબ્સ, વિવિધ ગ્રેડના રેઝિન, ક્વાર્ટ્ઝ પાઉડરના ઉત્પાદન સાથે સંકળાયેલું છે.
ઉપસંહાર
કોર્પોરેટાઇઝેશન ઘણાં લાભ છે અને તે સમયની જરૂરિયાત પણ છે. સમગ્ર વિશ્વ ગ્લોબલ માર્કેટની દિશામાં આગળ વધી રહ્યું છે અને દેશો વચ્ચેના વ્યાપારિક અવરોધો પણ ઘટી રહ્યાં છે. આ સંજોગોમાં અસંગઠિત કંપની વૈશ્વિક સ્તરે પ્રગતિ સાધી શકે નહીં. એસએમઇ લિસ્ટિંગ દ્વારા કંપની પોતાની છૂપી પ્રતિભાને બહાર લાવીને વૈશ્વિક સ્તરે કામગીરી વિસ્તારવા સક્ષમ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પાર્ટનરશિપ ફર્મ પણ SME એક્સ્ચેન્જીસ ઉપર લિસ્ટ થઇ શકે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/partnership-firm-even-sme-exc/
via Best Gujarati News
0 Comments