સામાન્યપણે ભાજપની વોટ બેન્ક મનાતા મુંબઈના ગુજરાતી મતદારો માટે આ વખતની લોકસભા ચૂંટણીમાં અજીબ અસમંજસ ઊભી થઈ છે. ચૂંટણી માટે ભાજપ-શિવસેના વચ્ચે ફરીથી યુતિ થઈ છે. એ યુતિ અન્વયે દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈની સીટ શિવસેનાના ભાગમાં આવી છે. આ ત્રણ મતદાર સંઘમાં શિવસેનાના ઉમેદવારોને મત આપવો કે નહીં એની દ્વિધા મુંબઈગરાં ગુજરાતીઓને સતાવી રહી છે.

મરાઠી – ગુજરાતી વચ્ચેનો ગજગ્રાહ દાયકાઓ જૂનો છે. ભૂતકાળમાં શિવસેનાએ ગુજરાતીઓને મરાઠી માણૂસના હક પર તરાપ મારતા બહારના લોકો ગણાવ્યા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પર્યુષણ દરમિયાન આઠ દિવસ કતલખાના બંધ રાખવાની જૈન સમાજની માગણીનો નજીકના ભૂતકાળમાં વિરોધ કર્યો હતો. છતાં 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ ઉક્ત 3 સીટ પર શિવસેનાના ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા કારણ કે એ સમયે આખા દેશમાં પ્રચંડ મોદીવેવ હતી, પરંતુ આ વખતે એ મોજું થોડું ઓસરી ગયું હોય એવું લાગે છે. બીજું, છેલ્લા સાડા ચાર વરસમાં શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપી નેતાઓની ટીકા કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હવે ચૂંટણી આવી એટલે ભાજપ સાથે યુતિ કરી મોદીના વખાણ કરવાની સેનાની કાંચિંડાની જેમ રંગ બદલતી નીતિ ગુજરાતીઓના એક વર્ગને ખૂંચે છે.

દક્ષિણ મુંબઈમાંથી શિવસેનાના અરવિંદ સાવંત, દક્ષિણ મધ્ય મુંબઈમાંથી સેનાના રાહુલ શેવાળે અને વાયવ્ય મુંબઈમાંથી સેનાના જ ગજાનન કીર્તિકર ચૂંટણી મેદાનમાં છે. આ ત્રણેય મતવિસ્તારોમાં ગુજરાતી અને મારવાડીઓના વેપારી વર્ગની ખાસ્સી હાજરી છે. સવાલ એ છે કે આજ સુધી ભાજપને સાથ આપતા આવેલા આ બંને સમાજ શિવસેનાને મત આપવા તૈયાર થશે ખરા?

નોટબંધી અને જીએસટી સામેનો રોષ ઓસરી ગયો

પહેલા નોટબંધી અને પછી જીએસટીને કારણે મુંબઈમાં વેપાર-ધંધાને ખાસ્સી અસર થઈ હતી. એથી ગુજરાતી, મારવાડી અને જૈનોનો વેપારી વર્ગ સરકારથી નારાજ હતો. જોકે, નોટબંધીને લાંબો અરસો થઈ ગયો અને સરકારે સુધારા કરીને જીએસટીની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે વેપારી વર્ગનો રોષ ઓસરી ગયો હોવાનું મનાય છે. બીજું, એર સ્ટ્રાઇક બાદ મજબૂત નેતા તરીકે ઊભરી આવેલા વડા પ્રધાન મોદીનો વેપારી વર્ગને વિપક્ષમાં કોઈ વિકલ્પ જડતો નથી. એટલે ફરી કળશ મોદી પર ઢોળાઈ શકે છે.

શિવસેનાને આપેલો વોટ અંતે ભાજપને જવાનો છે

દક્ષિણ મુંબઈના ઝવેરી બજારના એક જ્વેલર ગુજરાતી વેપારી વર્ગની દ્વિધાને વાચા આપતા કહે છે, ‘અમને તો એમ હતું કે ભાજપ અને શિવસેના સ્વબળે ચૂંટણી લડશે. કમનસીબે, સિનારિયો બદલાઈ ગયો છે, બંનેએ યુતિ કરી લીધી છે. એ સંજોગોમાં હવે શિવસેનાના ઉમેદવારને વોટ આપવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. બીજું, અમે જાણીએ છીએ કે અમારો વોટ અપ્રત્યક્ષ રીતે ભાજપને જ જવાનો છે. એને લીધે કેન્દ્રમાં ફરી સ્થિર સરકાર આવશે અને વેપાર-ઉદ્યોગના વિકાસ માટે સ્થિર સરકાર બહુ જરૂરી છે.’

આ વીડિયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM મોદીની આકરી ટીકા કરવી શિવસેનાને પડશે ભારે? મુંબઈના ગુજરાતીઓ ભણાવશે પાઠ? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/will-gujarati-areas-go-with-shiv-sena-in-lok-sabha-2019/
via Best Gujarati News