ચિટ ચેટ ઓન GST : નયન શેઠ

ગુજરાતના વેટ કાયદાની કલમ ૧૧(૩)(બ) હેઠળ વેપારી દ્વારા કરપાત્ર માલની રાજ્ય બહાર જાંગડ રવાનગી અથવા બ્રાન્ચ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં ૪% લેખે કપાત કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આ કલમમાં ઉત્પાદિત માલની જાંગડ રવાનગી કે બ્રાન્ચ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટમાંથી આવા ઉત્પાદિત માલમાં સમાવેશ ગુજરાતમાંથી ખરીદેલ કરપાત્ર કાચા માલની  ખરીદ કિંમતના ૪% તેમજ ઉત્પાદનમાં  ગુજરાતમાંથી ખરીદેલ અને બળતણ તરીકે વપરાયેલ માલની ખરીદ કિંમતના ૪% લેખે કપાત કરવાની જોગવાઈ છે. કાચા માલમાં બળતણનો પણ સમાવેશ થાય છે. આથી બળતણ તરીકે વપરાયેલ માલ અંગે ઈનપુટ ટેક્સ ક્રેડિટમાંથી કપાત એક વખત કરવાની કે બે વખત તેવો પ્રશ્ન અનેક કેસોમાં ઉપસ્થિત થયો હતો. આ જોગવાઈનું અર્થઘટન કરતા માન. વેટ પંચ અને માન. ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ કે આ જોગવાઈ હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડિટમાંથી બળતણની ખરીદીની કપાત એક જ વખત કરી શકાય. માન. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને ખોટો ઠરાવી માન. સુપ્રીમ કોર્ટે સ્ટેટ ઓફ ગુજરાત વિ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. ૫૦ GSTR ૧૪ના કેસમાં ઠરાવ્યું કે જ્યારે ઉત્પાદક દ્વારા ઉત્પાદિત માલની રાજ્ય બહાર જાંગડ કે બ્રાન્ચ ટ્રાન્સફર અન્વયે રવાનગી કરવામાં આવે ત્યારે મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટમાંથી બળતણ તરીકે વપરાયેલ ગુજરાતમાંથી ખરીદાયેલ માલની  ખરીદ કિંમતના ૪% લેખે બે વખત કપાત કરવાની રહે. સિવાય કે આવી કપાત બળતણ તરીકે વપરાયેલ માલની મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટથી વધુ થવી જોઈએ નહીં. માન. પંચ અને માન. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓના કારણે સ્વાભાવિક જ છે કે ઉત્પાદકોએ તેમના પત્રકોમાં અને તેમની આકારણીમાં તે ચુકાદાઓ અનુસાર મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટમાંથી બળતણની ખરીદીના એક જ વખત ૪% લેખે કપાત કરવામાં આવી હોય. એ એક સ્થાપિત સિદ્ધાંત છે કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો સિવાય કે કોર્ટે તેના ચુકાદાના અમલની તારીખ નક્કી કરેલ હોય. જ્યારથી જે તે કાયદાનો અમલ શરૂ થયો હોય ત્યારથી જ તે ચુકાદો લાગુ પડે. પાછળથી આવેલ માન. સુપ્રીમ કોર્ટના ઉપરોક્ત ચુકાદાના કારણે રાજ્યના મોટાભાગના ઉત્પાદકોને પાછલી તારીખથી વધારાનો વેરો ભરવાની જવાબદારી ઊભી થઈ શકે છે અને અધિકારીઓ દ્વારા આવા કિસ્સામાં વ્યાજ અને દંડ પણ લાદવામાં આવે અને આમ વેપારીઓને મોટી જવાબદારી ઊભી થઈ શકે. વેપારીઓની રજૂઆતને માન્ય રાખીને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા તા. ૭-૩-૨૦૧૯ના રોજ એક ઠરાવ પસાર કરીને આવા કેસોમાં વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવી છે. આ ઠરાવની માહિતી આ લેખમાં આપેલ છે.

ઠરાવનો લાભ લેવા કરવાની કાર્યવાહી

  1. ઠરાવનો લાભ લેવા માટે વેપારીએ નીચે મુજબના બે સંજોગો ટાંકીને અરજી કરવાની રહેશે

જે કેસોમાં આકારણી, ફેરઆકારણી,  અપીલ કે રિવિઝનની કાર્યવાહી ચાલુ હોય તે કેસોમાં વેપારીએ ઠરાવની તારીખથી ૩ માસમાં આ મુદ્દા અંગેની વેરાની રકમ ભરીને ઠરાવનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. જે અધિકારી પાસે આવી કાર્યવાહી ચાલુ હોય તેઓએ અરજીની તારીખથી ૬  માસમાં માગણાની નોટિસ અને રેમિશનનો આદેશ પસાર કરવાનો રહેશે. રેમિશનનો આદેશ પસાર કરવા માટેની આવી ૬ માસની સમયમર્યાદા જે કેસો અન્ય કોઇ સબ જ્યુડિશ બાબતનો સંકળાયેલ હોય અને તેથી આદેશ પસાર કરી શકાય તેમ ન હોય તેને લાગુ પડશે નહીં. જ્યાં આકારણી, ફેરઆકારણી, અપીલ કે રિવિઝનના આદેશમાં વેપારીએ પોતાની મેળે ભરેલ રકમ કરતા વધુ રકમ ભરવાપાત્ર ઠરે તો તેવી તફાવતની રકમ વ્યાજ સહિત ભરવાની રહેશે.

  1. જે કેસોમાં આકારણી, ફેરઆકારણી, અપીલ કે રિવિઝનની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તે કિસ્સામાં ઉપસ્થિત થયેલ માગણા પૈકી આ મુદ્દા પેટે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ કરીને વેપારી આ યોજનાનો લાભ લેવા માગે છે તે મુજબની અરજી ઠરાવની તારીખથી ૩ માસમાં કરવાની રહેશે અને આવી અરજી પરનો રેમિશનનો આદેશ અધિકારીએ અરજીની તારીખથી ૩ માસમાં કરવાનો રહેશે.

વ્યાજ અને દંડ માફી માટેની શરતો

ઠરાવ મુજબ વ્યાજ અને દંડમાં માફી મેળવવા માટે નીચેની શરતોનો અમલ કરવાનો રહેશે :

  1. જે કેસોમાં માન. સુપ્રીમ કોર્ટનો ઉપર જણાવેલ રિલાયન્સના કેસનો ચુકાદો લાગુ પડતો હશે તેવા જ કેસોમાં આ ઠરાવ અનુસાર વ્યાજ અને દંડમાં રાહત મળવાપાત્ર રહેશે.
  2. આવા કેસોમાં કાયદા અનુસાર કરવાની આકારણી, ફેરઆકારણી, અપીલ કે રિવિઝનની  કાર્યવાહી કરી વેરા, વ્યાજ અને દંડનું માગણું ઉપસ્થિત કરવાનું રહેશે.
  3. આ મુદ્દાના કારણે ઉપસ્થિત થયેલ કે થનાર માગણાં પૈકીની વેરાની રકમ ઠરાવની તારીખથી ૩ માસમાં સંપૂર્ણપણે ભરવાની રહેશે. આ મુદ્દા અંગેની વેરાની રકમ પૂરેપૂરી ભરાયા બાદ જ વ્યાજ અને દંડની રકમનું રેમિશન આપવામાં આવશે.
  4. રેમિશન ફક્ત રિલાયન્સના કેસના ઉપરોક્ત ચુકાદાના કારણે ઉપસ્થિત થતા માગણા પેટેના વ્યાજ અને દંડમાં આપવામાં આવશે. અન્ય કોઈ મુદ્દાને કારણે કોઈ વેરાનું માગણું ઉપસ્થિત થતું હશે તો તેના પરના વ્યાજ અને દંડમાં આ ઠરાવ હેઠળ રાહત આપવામાં આવશે નહીં.
  5. ઠરાવની તારીખ પહેલાં ભરાયેલ રકમને કાયદાની કલમ ૩૦(૬) અન્વયે પ્રથમ વ્યાજ પેટે સરભર કરવામાં આવશે. ત્યાર બાદ જો કોઈ ભરેલ રકમ વધતી હશે તો તેને દંડ પેટે સરભર કર્યા બાદ કોઈ રકમ વધતી હશે તો તેને વેરા પેટે સરભર કરવામાં આવશે. આ શરત અયોગ્ય છે અને જે વેપારીઓએ અગાઉ આ મુદ્દા પેટે આંશિક રકમ ભરેલ હોય તેને અન્યાયકર્તા છે.
  6. જે વેપારીઓએ આ ઠરાવ અગાઉ વેરો, વ્યાજ અને દંડ ભરી દીધેલ હોય તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર નથી અને તેમણે ચૂકવેલ રકમનું રિફંડ પણ તેમને મળવાપાત્ર નથી.
  7. આ ઠરાવ હેઠળ પસાર થયેલ આદેશ સામે તેનો લાભ લેનાર વેપારી અપીલ કરી શકશે નહીં.
  8. આવા કેસોમાં કરવાની કાર્યવાહીમાં વેપારીએ સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે જેથી વાણિજ્યિક વેરા ખાતા દ્વારા ઠરાવને લગતી કાર્યવાહી સમયસર પૂર્ણ કરી શકાય.

અસર પામેલ વેપારીઓએ  લાભ લેવો જોઈએ

કાયદાના આ મુદ્દા બાબતે માન. સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે વેપારીની  વેરાકીય જવાબદારી નિશ્ચિત થઈ ચૂકેલ છે. આ સંજોગોમાં જે વેપારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેઓએ સમયસર વેરાની રકમ ભરીને આ યોજનાનો લાભ લઈ લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ITCમાં બળતણની બેવડી કપાતના કેસોમાં વ્યાજ અને દંડની માફી યોજના appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/in-fuel-fuel-dual-deductible-c/
via Best Gujarati News