ટેક્સની વસુલાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ
GST ના આટાપાટા : પરેશ દવે
સર્વિસ ટેક્સના કાયદાની કલમ ૭૩ હેઠળ બદઈરાદાથી હકીકત છુપાવીને કે ખોટી હકીકતો રજૂ કરી સર્વિસ ટેક્સ નહીં ભરનાર સામે પાંચ વર્ષની સમય મર્યાદા સુધીમાં નોટિસ આપી કરની વસૂલાતની જોગવાઈ આજ પ્રકારની સેન્ટ્રલ એક્સાઈઝના કાયદાની કલમ ૧૧ એ પ્રમાણે જ છે, તેથી ના. સુપ્રીમ કોર્ટના કલમ ૧૧ એ માટેના ચુકાદાઓ અને આ કલમનું અર્થઘટન સર્વિસ ટેક્સના કાયદાના અર્થઘટન માટે પણ લાગુ પડશે તે આપણે જોયું. જ્યારે અધિકારીને પાંચ વર્ષના લાંબા સમય માટે નોટિસ આપવી હોય ત્યારે એ સાબિત કરવું જરૂરી છે કે કરદાતા ખરેખર બદઈરાદો ધરાવતો હતો , અને તેને પક્ષે કોઈ જાતનું confusion નહોતું. આ બાબતો પણ ના. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી ઠરાવવામાં આવેલ છે.
કલેક્ટર વિ. એચ.એમ.એમ.લિ.નો ચુકાદો
આ ચુકાદો જે ૧૯૯૫ (૭૬) ઈ.એલ.ટી. પેજ નં. ૪૯૭ પર રિપોર્ટ થયો છે તેમાં ના. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છેૈ કે જ્યારે ખાતું લાંબા સમયની નોટિસ આપી કરની વસૂલાત કરવા માગતું હોય ત્યારે નોટિસમાં ફ્રોડ કે બદઈરાદો કે મેળાપીપણું કે જાણીબૂઝીને હકીકત છુપાવવી કે ઈરાદાપૂર્વક ખોટી મોહિતી આપવા અંગેનો આક્ષેપ કરવો જરૂરી છે, અને જો આવો કોઈ આક્ષેપ કરેલો ન હોય તો આવા સંજોગોમાં સામાન્ય સમય માટેની જ નોટિસ આપી શકાય, નહીં કે લાંબા (extended limitation) સમયની. એવું પણ આ ચુકાદામાં ઠરાવવામાં આવ્યું છે કે જો નોટિસ લાંબા સમયની હોય પણ તેમાં ઉપર મુજબનો કોઈ આક્ષેપ ન હોય તો આવી નોટિસ કાયદેસરની ન ગણાય.
ચોક્કસ પ્રકારના આક્ષેપને લગતાં ચુકાદાઓ
ના.સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવ્યું છે કે બદદાનતથી કરેલું ફ્રોડ, હકીકતની છુપામણી, જાણીબૂઝીને ખોટી માહિતી આપવી વગેરે તત્ત્વો જુદી જુદી પરિસ્થિતિ સૂચવે છે, અને તેથી કરદાતાએ આ બધી પરિસ્થિતિઓમાંથી ક્યાં પ્રકારનો ગુનો કર્યો છે તે બાબતનો સ્પષ્ટ આક્ષેપ નોટિસમાં કરવો જરૂરી છે.
રાજબહાદુર નારાયણસિંહ સુગર મિલનો ચુકાદો જે ૧૯૯૬ (૮૮) ઈ.એલ.ટી. ૨૪ તથા કૌર એન્ડ સિંઘનો ચુકાદો જે ૧૯૯૭ (૯૪) ઈ.એલ.ટી. ૨૮૯ ઉપર નોંધાયેલ છે તેમાં ના. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે લાંબા સમયની નોટિસ આપવા માટેના કાયદામાં કહેલાં સંજોગો એકથી વધુ છે અને આ પ્રકારના ડિફોલ્ટ પણ અલગ અલગ હોવાથી નોટિસ આપતી વખતે ખાતાએ બતાવવું જ પડે કે કર નહીં ભરનાર વ્યક્તિએ ક્યા પ્રકારનો ગુનો કે ડિફોલ્ટ કર્યો છે. જો આવો સ્પષ્ટ આક્ષેપ ન હોય તો નોટિસ ગેરકાયદેસરની ગણાશે.
કોસ્મિક ડાઈ કેમિકલનો ચુકાદો
આ ચુકાદો ૧૯૯૫ (૭૫) ઈ.એલ.ટી. ૭૨૧ પર નોંધાયેલ છે. આ કેસમાં ઉત્પાદકે નોટિ. નં. ૭૧/૭૮નો લાભ લીધેલો. આ નોટિફિકેશન હેઠળ જો આગલાં બે વર્ષમાં કરેલ વેચાણની કુલ કિંમત ૧૩.૭૫ લાખથી વધુ ન હોય તો ચાલુ વર્ષે રૂ. પાંચ લાખ સુધી કરમુક્તિ હતી. ખાતાનું કહેવું હતું કે ઉત્પાદકે ખોટું ડિક્લેરેશન આપી લાભ લીધેલો કારણ કે આગલા વર્ષનું કુલ વેચાણ ખરેખર રૂ.૧૫ લાખથી પણ વધુ હતું. ઉત્પાદકનું કહેવું હતું કે કુલ વેચાણમાંથી રેપીડોજન નામની વસ્તુની કિંમત બાદ કરતાં બાકીનું વેચાણ રૂ. ૧૩.૭૫ લાખથી ઓછું હતું, અને રેપીડોજન બીજાં એક નોટિ. નં. ૧૮૦/૬૧ હેઠળ કરમુક્ત હોવાથી તેની કુલ કિંમત કુલ વેચાણમાં ગણવાની નહોતી. આ સંજોગોમાં લાંબા સમયની નોટિસ બદઈરાદાથી ખરી વેચાણ કિંમત છુપાવવાના આક્ષેપ હેઠળ આપી શકાય કે નહીં એ બાબત નક્કી કરતાં ના. કોર્ટે ઠરાવ્યું કે રેપીડોજન બીજાં કોઈ નોટિફિકેશનથી કરમુક્ત હોય તો પણ તેની કિંમત કુલ કિંમતમાં ગણાય અને એ પ્રમાણે આ ઉત્પાદકની કુલ વેચાણ કિંમત રૂ. ૧૫ લાખથી પણ વધુ હોવાથી તેને નોટિ. નં. ૭૧/૭૮ નો લાભ મળે નહીં પરંતુ લાંબા સમયની નોટિસની કાયદેસરતા માટે ના. કોર્ટે કહ્યું કે બે હાઇકોર્ટના ચુકાદા એવા હતા કે જે ઉત્પાદિત વસ્તુ કોઈ પણ નોટિફિકેશન હેઠળ કરમુક્ત હોય તેની કિંમત ઉત્પાદકના કુલ વેચાણમાં ન ગણાય, અને આ હાઈકોર્ટના ચુકાદાઓ ખોટા હોવા છતાં આ ચુકાદાઓને કારણે આ ઉત્પાદકે રેપીડોજનની કિંમત કુલ વેચાણમાં ન ગણી એ સંજોગોમાં બદઈરાદાનો આક્ષેપ ન મૂકી શકાય. ના. કોર્ટે એવું પણ કહ્યું કે ભલે હાઈકોર્ટના જજમેન્ટ ખોટા હતા પણ આ જજમેન્ટને કારણે ઉત્પાદકનાં પક્ષે સ્પષ્ટતાનો અભાવ હોય કે confusion થાય તેવી શક્યતા નકારી ન શકાય, અને આવા સંજોગોમાં જાણી જોઈને બદઈરાદાથી ઉત્પાદકે કુલ વેચાણકિંમત ખોટી જણાવી એવું ન માની શકાય. લાંબા સમયની નોટિસ આ કારણથી ના. કોર્ટે રદબાતલ ઠરાવી. આમ કરદાતાના પક્ષે સ્પષ્ટતાનો અભાવ હોય કે અમુક સંજોગોને કારણે મતમતાંતરને અવકાશ હોય તો આવા સંજોગોમાં લાંબા સમયની નોટિસ કાયદેસરની ન ગણાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ટેક્સની વસુલાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/sue-of-tax-collection/
via Best Gujarati News
0 Comments