લોકસભાની ચૂંટણીને પગલે ઈન્કમટેક્સ વિભાગ સક્રિય બન્યું છે. આઈ.ટી. વિભાગની ટીમે શુક્રવારે વહેલી સવારથી જ હરગોવનદાસ અંબાલાલ, માધવલાલ મગનલાલ, આર. સી. એન્ટરપ્રાઈઝ નામની જાણીતી આંગડીયા પેઢીઓની અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ, વગેરે સ્થળે આવેલી ઓફિસો પર દરોડા પાડીને કરોડોની બિનહિસાબી રોકડ જપ્ત કરી છે.

ચૂંટણી ટાણે  ઈન્કમટેક્સ વિભાગે, આંગડીયા પેઢીઓ, એન્ટ્રી ઓપરેટર અને ટુર ઓપરેટરના ઓફિસ, ધંધાકીયસ્થળે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.  અમદાવાદ, ગોધરા,વડોદરા, સુરત સહિત વિવિધ સ્થળે પાડવામાં આવેલા દરોડા, સર્ચ અને સર્વેમાં અત્યાર સુધીમાં રુ. ૮ કરોડ, ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે અને અંદાજે રુ. ૩ કરોડના સોના- ચાંદીના દાગીના, ઝવેરાત જપ્ત કરાયા છે. જાણીતા એન્ટ્રી ઓપરેટર સંજય ટીબરેવાલને ત્યાંથી રુ. ૪૬ લાખની રોકડ જપ્ત કરાઈ છે અને કરોડોની એન્ટ્રીની વિગતો મળી છે. 

આઈ.ટી. અધિકારીઓએ  નવરંગપુરામાં ઓફિસ ધરાવતા ફોર સીઝન હોલીડેઝ પર દરોડા પાડીને રુ. ૪૭. ૨૬ લાખ અને ઝવેરાત કબજે કરી છ. આવકવેરા વિભાગે ૧૦ લોકર સીલ કરાયા છે અને તપાસ ચાલી રહી છે. આ તપાસને અંતે મોટાપાયે કરચોરીનો પર્દાફાશ થશે.લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા મોટાપાયે રોકડની હેરફેર થતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચના આદેશને અનુસરીને આઈ. ટી. વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે અને બાતમીના આધારે અમદાવાદ, રાજકોટ, સુરત, ગોધરા, વડોદરા સહિત રાજ્યમાં વિવિધ જગ્યાએ ત્રાટક્યું છે. આગામી દિવસોમાં આ પ્રકારે રોકડની હેરફેર અટકાવવા સર્ચ અને દરોડાની કાર્યવાહી જારી રખાશે.

ફોર સીઝન હોલિડેઝનું અમેરિકા, માલ્ટા, દુબઈમાં રોકાણ,ઓફિસો

અંશુલ દર્શન શાહ અને દર્શન કુમાર શાહની માલિકીની ફોરા સીઝન હોલીડેઝ ટ્રાવેલ્સમાંથી રુ. ૪૭.૨૬ લાખની રોકડ અને ૧.૪૪ કરોડના સોના-ચાંદીના દાગી, ઝવેરાત જપ્ત  કરાયું છે અને ૧૦ લોકર સીલ કરાયા છે. આ ટુર ઓપરેટરની સરદાર પટેલ કોલોની- નવરંગપુરામાં આવેલ ઓફિસ તેમજ ધનંજય ટાવરમાં આવેલ બંગલોમાં સર્ચ ચાલી રહી છે. અમેરિકા, માલ્ટામાં આવેલી કેટલીક કંપનીઓમાં તેમનું કરોડોનું રોકાણ કરાયાનું અને દુબઈમાં પણ ઓફિસો,કંપની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ટુર ઓપરેટર દ્વારા હવાલા મારફતે વિદેશોમાં કરોડો રુપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું જાણવા મળે છે.

આંગડિયા પેઢીઓ પર વહેલી સવારથી દરોડા

આવકવેરા વિભાગે બે જાણીતી આંગડીયા પેઢી પર શુક્રવારે સવારે ૫ વાગ્યાથી સર્ચ હાથ ધરી છે. હરગોવનદાસ અંબાલાલ અને માધવ મગનલાલ પટેલ નામની આંગડીયા પેઢી પર અમદાવાદ, સુરત, ગોધરા, વડોદરા સહિત વિવિધ સ્થળે સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દરોડામાં રુ. ૧.૧૬ કરોડની રોકડ મળી આવી છે.

ECના આદેશને પગલે ૩૭ સ્થળે સર્ચમાં રૂ.૬.૩૧ કરોડની રોકડ જપ્ત

મતદારોને રીઝવવા રોકડની વ્યાપક હેરફેર થતી હોવાની શક્યતાને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે આપેલી સૂચનાને પગલે રાજ્યમાં ૩૭ સ્થળે પાડેલા દરોડામાં રુ. ૬ કરોડ, ૩૧ લાખ, ૬૮ હજારની  રોકડ જપ્ત કરાઈ છે. જે પૈકી રાજકોટમાં આર. સી. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં રુ. ૧ કરોડ, ૧૪ લાખ, દીવ- દમણમાંથી રુ. ૭.૫૦ લાખ,  દાદરા નગર હવેલીમાંથી રુ. ૫ લાખની રોકડ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણીને લઇને IT વિભાગ હરકતમાં, આંગડિયા પેઢી, એન્ટ્રી ઓપરેટર, ટૂર ઓપરેટરને ત્યાં સપાટો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-it-department-the-angadiya-firm-the-entry-operator-the-tour-operators-thereby-taking/
via Best Gujarati News