કવર પોઈન્ટ : રિપ્પલ એન. ક્રિસ્ટી

આઈપીએલ ૨૦૧૯નો ફીવર ચોમેર છવાયો છે અને ચારેય તરફ ‘કેપ્ટન કૂલ’ ધોનીની ચર્ચા થઇ રહી છે કે બાકીના સુકાનીઓ કરતાં ધોની કયા કારણોસર સુપર સુકાની બની રહ્યો છે. ગયા બુધવારે ધોનીએ પોતાની સફળતાની સિક્રેટ ફોર્મ્યુલા અંગે કશું પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેની કેટલીક વિશેષ લાક્ષણિક બાબતો તેને સુપર સુકાની બનાવે છે. ટૂર્નામેન્ટમાં ખેલાડીનું ફોર્મ હોય, ટોસ હોય કે ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) ધોનીનો જાદુ એટલો બધો છવાયેલો છે કે તમામ પરિસ્થિતિ પર તે રાજ કરતો હોય તેમ લાગે છે.

ધોનીની સફળતા પર નજર નાખીએ તો તેની કેટલીક ખાસિયતો બીજા સુકાની કરતાં ઘણી આગળ છે. લોકો તેની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને બુઢ્ઢા ક્રિકેટરોની ગણાવે છે. પરંતુ તેની ટીમ ૧૧માંથી ત્રણ મેચ હારી છે અને આઠ મેચ જીતી છે. હારેલી મેચોમાંથી એકમાં તે રમ્યો પણ નહોતો. આ બાબતથી એક બાબત સ્પષ્ટ થઇ જાય છે કે પ્રત્યેક મેચમાં ધોનીની કેપ્ટનશિપ મેદાનમાં છવાયેલી રહે છે. ધોની ૩૭ વર્ષનો છે અને ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડયાને પણ ત્રણ વર્ષ થઇ ગયા છે, પરંતુ આઈપીએલમાં પ્રભાવશાળી સુકાની તરીકે તેનો દબદબો જારી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તે સુકાની કોહલીને ઘણી મદદ કરે છે. ધોની સફળ તથા થિંકર સુકાની તરીકે અન્ય કરતાં ઘણો આગળ છે. તેનામાં એક વિશેષ બાબત એ છે કે તે ક્યારેય પોતાની ધીરજ ગુમાવતો નથી અને સ્ટમ્પ પાછળ કે બેટિંગ કરતી વખતે સુપર કમ્પ્યૂટરની જેમ સતત ગણતરી કરતો રહે છે. ધોનીની સફળતાની સિક્રેટ ફોર્મ્યુલાના અન્ય સુકાનીઓેએ પાઠ શીખવાની જરૂર છે.

કૂલ અને પોઝિટિવ : ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે આઇપીએલ, પ્રત્યેક પરિસ્થિતિમાં ધોની એકદમ શાંત રહે છે અને આ સ્થિતિમાં તેની ટીમના વિજયની સંભાવના ઘણી વધી જતી હોય છે. તે સામાન્ય રીતે કૂલ રહે છે, પરંતુ આઈપીએલની વર્તમાન સીઝનમાં બે વખત તે ગુસ્સામાં નજરે પડયો છે. અંતિમ ઓવરમાં તે બોલિંગ ચેન્જ કરતો હોય કે ફિલ્ડિંગમાં ફેરફાર કરતો હોય, પૂરી મેચમાં તે શાનદાર રણનીતિ લઈને રમતો પડે છે. જોકે તે પોતાની રણનીતિ અંગે છેલ્લા સમયે જ સાથી ખેલાડીને કહે છે.

ટેલેન્ટને સપાટી પર લાવવી : ધોની એક એવો સુકાની છે જે ખેલાડીઓની શોધ કરતો નથી, પરંતુ જે છે તેમનામાંથી સર્વશ્રેષ્ઠ ટેલેન્ટ બહાર લાવવાનો પ્રયાસ કરે છે. નવા ખેલાડીઓમાં તે વિશ્વાસ રાખે છે અને તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરે છે. વિકેટકીપર તરીકે પોતાના બોલરમાં ક્યાં અને કેવા સુધારાની જરૂર છે તે તરત જ ધોની જાણી જાય છે. બેટ્સમેન હોવાના કારણે નવા બેટ્સમેનને લોંગ ઇનિંગ્સ કઈ રીતે રમવું તથા રન-રેટનું પ્રેશર કઈ રીતે ખાળવું તેના પાઠ શીખવે છે.

સ્ટમ્પ પાછળથી પણ પ્રેરણા : બાળપણમાં ફૂટબોલર તરીકેની કારકિર્દી ના જામી એટલે ક્રિકેટનો વિકેટકીપર બની ગયો છે, પરંતુ ધોનીનું એક વિકેટકીપર હોવું ભારતીય ક્રિકેટ માટે વરદાન બની ગયું છે. કદાચ આ પોઝિશને પણ તેને સુપર સુકાની બનાવ્યો છે. તે ચાલુ મેચે બોલર્સને ટિપ્સ આપવા ઉપરાંત હરીફ બેટ્સમેનોની નબળાઇને જાણીને તે પ્રમાણે બોલિંગ કરવાની બોલરને સલાહ આપે છે. ધોનીની સલાહ બાદ બોલરે વિકેટ ઝડપી હોય તેવું આપણે ઘણી મેચોમાં જોયું છે. સ્ટમ્પ માઇક્રોફોનમાં પણ ઘણી વખત ધોનીની સલાહ આપણે સાંભળી પણ છે. ૩૭ વર્ષનો હોવા છતાં સ્ટમ્પ પાછળ તે જબરજસ્ત સ્ટેમિના સાથે વિકેટકીપિંગ કરે છે.

તમામ ક્રિકેટરોને જવાબદાર બનાવે છે : ૨૦૧૧માં મુંબઈ ખાતે વર્લ્ડ કપની ફાઇનલની પૂર્વસંધ્યાએ ધોનીએ જણાવ્યું હતું કે તેણે ટીમને અલગ-અલગ ગ્રૂપમાં વહેંચી દીધી છે. પ્રત્યેક ગ્રૂપનો લીડર ખેલાડી અન્ય સાથે રણનીતિ તૈયાર કરીને તેની ચર્ચાવિચારણા કરે છે. ધોનીની આ નીતિ સાથી ખેલાડીઓને અધિકાર આપે છે જે સામાન્ય રીતે સુકાનીઓ કરતા નથી. તે હંમેશાં કશુંક નવું કરવાનું તથા નવું શીખવાની તૈયારી રાખે છે. ધોની ફિલ્ડિંગ વખતે ડીઆરએસના મામલે બોલરને સમર્થન આપે છે અને બેટ્સમેન નોટઆઉટ છે તેવું જાણતો હોય તો પણ તે બોલરને ડીઆરએસ લેવાની તરત જ મંજૂરી આપવા તત્પર રહે છે. પોતાના જજમેન્ટ પાવરથી ધોનીએ લીધેલા ડીઆરએસના નિર્ણય ૧૦૦ ટકા સાચા પડયા છે.

ખેલાડીઓને પૂરેપૂરું સન્માન આપે છે : ક્રિકેટ જગત હોય કે આઈપીએલ, મોટાભાગના સુકાની મેદાન ઉપર જ બોલર ઉપર નિરાશા વ્યક્ત કરે છે, પરંતુ ધોની ક્યારેય આ પ્રકારનું રિએક્શન આપતો નથી. તે હંમેશાં બોલર હોય કે ફિલ્ડર તેમને સન્માન આપે છે અને આ કારણથી તેની ટીમ હંમેશાં મેદાન હોય કે ડ્રેસિંગરૂમ રિલેક્સ હોય છે. ટીમનો પ્રત્યેક ખેલાડી ક્રિકેટની રમતનો આનંદ માણે છે. સુપર કિંગ્સ ટીમ સૌથી શાંત ટીમ છે પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તેના ખેલાડીઓ આક્રમક રમી શકતા નથી.

શાનદાર મેચ ફિનિશર : આજની તારીખમાં પણ ક્રિકેટ વર્લ્ડમાં શાનદાર મેચ ફિનિશરની ચર્ચા થાય તો ધોનીનું નામ સૌથી પહેલું આવે છે. મેચ જેટલી મુશ્કેલ હોય, બેટ્સમેન તરીકે તેટલી જ શાનદાર રીતે તેને ફિનિશ કરે છે. ડેથ ઓવર કહો કે સ્લોગ ઓવર, ધોની એવા પાવરફૂલ શોટ્સ રમે છે કે હરીફ સુકાની પોતાનો ગેમપ્લાન ભૂલી જાય છે. તે પોતાના પ્રદર્શનની સાથે સાથી ખેલાડીઓને પણ પ્રેરણા આપે છે. ધોની જ્યારે પણ મેદાન પર ઊતરે છે ત્યારે હરીફ સુકાનીને પણ ખ્યાલ હોય છે કે હવે તેમનો સામનો એવા એક સુકાની સાથે થઇ રહ્યો છે જે બે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. આઈપીએલની પ્રત્યેક મેચમાં તે જે રીતે કેપ્ટનશિપ કરી રહ્યો છે તેના પર દરેક જણ આફરીન થઇ ચૂક્યા છે.

 “ફેક્ટ ફાઇલ”  

‘લાઇટનિંગ’ ધોની : ૦.૨૦ સેકન્ડમાં સ્ટમ્પિંગ

બાજીરાવની તલવાર અને ધોનીની ઝડપ પર ક્યારેય શંકા ના થાય. ધોની પોતાની કેપ્ટનશિપની સાથે પોતાના ઝડપી સ્ટમ્પિંગથી તમામને દીવાના બનાવી ચૂક્યો છે. બેટ્સમેનની એક ભૂલ અને તેનું કામ તમામ. ક્રિઝની બહાર નીકળ્યા અને સેકન્ડના ૧૦મા કે ૨૦મા ભાગમાં ધોની તેને સ્ટમ્પ આઉટ કરી દે છે. હૈદરાબાદ સામેની મેચમાં ધોનીએ ડેવિડ વોર્નરને સેકન્ડના ૦.૨૦માં ભાગમાં સ્ટમ્પ આઉટ કર્યો હતો. વોર્નર પણ થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોયા વિના પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો.

ripple18765@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post IPLમાં ધોની એકલો સુપર સુકાની કેમ? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/ipl-in-dhoni-alone-super-captain/
via Best Gujarati News