માણસાઈના દીવા  : ઝવેરચંદ મેઘાણી

વાત અહી પહોંચેલી : મોતીની બૈરી પડોશમાં રહેતા રાવણિયા (સરકારી પસાયતા)ના પ્રેમમાં પડીને એની સાથે રહેવા લાગી. એટલું ઓછું હોય તેમ નવા પતિ સાથે મળીને જૂની પત્ની મોતીને ધમકાવતી રહેતી. ખેર, પછી તો મોતીએ બીજું લગ્ન કર્યું. એક દિવસ બપોરે મોતી ખેતરેથી ઘરે આવ્યો ત્યારે એને કકડીને ભૂખ લાગેલી. એની નવી પત્ની રોટલો કરવા બેઠી ત્યાં કોઇ મોતીને પોતાની ભાગેલી ભેંસને પાછી વાળવા  માટે બોલાવવા આવ્યું. ભૂખ્યો મોતી પરાણે એની સાથે નીકળ્યો. રસ્તામાં બે જણ સામેથી આવતા દેખાયા… હવે આગળ વાંચો…

દોડતો મોતી એમને ઓળખવા નવરો નહોતો. મળવા તો બિલકુલ ઉત્સુક નહોતો. એ તો ભેંસોના ધ્યાનમાં જ દોટ કાઢતો જતો હતો. પણ એણે સામે આવતા બે પૈકી એક જણના મોંમાંથી ગાળો પર ગાળો સાંભળી. ગાળો પણ કંઈ જેવી તેવી નહોતીઃ ગલીચમાં ગલીચ ગાળો હતી.

કાળા ક્ષુધાગ્નિને ન ગણકારનારા મોતીના પગ ગાળો સાંભળી ધીમા પડયા. ગાળો દેનાર સરકારી સત્તાધીશ પેલો મોતીની વહુનો યાર રાવણિયો હતોઃ દારૂના કેફમાં ચકચૂર હતો.

ભૂખની આગમાં વેરનું ઘી હોમાયું- અને મોતીએ આજદિન સુધી સાચવેલી સમતા તૂટી પડી. એક સપાટે ધસી જઈને મોતીએ રાવણિયાની છાતીમાં ભાલો ભોંકી દીધો.

પટકાઈ પડેલા રાવણિયાના દેહ ઉપર મોતી ઘડીવાર ઊભો રહ્યો. વિચારે ચડયોઃ ‘ભારી થઈ! રોટલો ખાધો નહીં. વહુ વાટ જોતી હશે. મૂળા કેવા મીઠા જોઈને લાવ્યો હતો, એ પણ પડયા રહ્યા! ને આ તે વેરી થઈ ક્યાંથી અત્યારે આવી પડયો! મને શી ખબર કે આ રાવણિયો સામો આવતો હશે! મૂઓ દારૂ તે ક્યાં જઈને પી આવ્યો હશે! ન પીધો હોત તોયે ગાળો તો દેત જ. પણ મને ભાલા સાથે દેખીને કંઈક હદમાં તો રહેત ને!- અરે, છેવટે કંઈ નહીં તો નાસી છૂટત! આ તો બૂરી થઈ.’

બસ! એને માટે અન્ય માર્ગ નહોતોઃ એ નાસી ગયો.

ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું. બૈરીએ પહેલો રોટલો ઘડીને કલ્યાઢામાં નાખ્યો પણ હતો; બીજાનો લોટ હજુ મસળતી હતી. તે ક્ષણે એને કોઈએ ભાગોળ બહારના બનાવની ખબર કરી. એ પણ જે સ્થિતિમાં હતી એ જ સ્થિતિમાં ઘરને સાંકળ ચડાવીને નાસી ગઈ. અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી.

પોલીસે આવીને જ્યારે ઘર ઉઘાડી જોયું ત્યારે રોટલો હજુ ચૂલા પર કલ્યાઢામાં હતો, ને મૂળા કરમાયેલા પડયા હતા. રોટલો અને મૂળા ત્યાં ને ત્યાં પડયા હતા કારણ કે તેમને પગ નહોતા. તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિશે ચર્ચા કરતા જાણે કે પોલીસને જોઈ ચૂપ બની ગયા હતા.

(૨)

બાર-તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા. ટ્રેન આવી. અંદરથી પોલીસ અધિકારી ઊતર્યા. મહારાજે એમને જેજે કરીને પૂછયું: ‘કાં, પેલાને હજુ પકડતા નથી?’

‘કોને?’

‘રાવણિયાનું ખૂન કરનાર જોશીકૂવાવાળાને.’

‘કયાંથી પકડીએ? જડતો નથી તો!’

‘આને ઓળખો છો?’ એમ પૂછતે પૂછતે મહારાજે પોતાની જોડેનો એક આદમી બતાવ્યો.

‘ના.’

‘એ છે- તમને જે જડતો નથી તે જ.’

પોલીસ અધિકારીનું મોં વકાસ્યું રહ્યું. નાસીને ગાયબ બનેલો, બાર દિવસથી ન પકડાઈ શકતો, આખા પોલીસ-ખાતાને થાપ દેતો એક ધોળા દિવસનો ને ખરા બપોરનો ખૂની વગર બેડીબંધે ને વગર દોરડે, વગર ચોકીપહેરે ને વગર બંદૂકે પોતાની સામે સબૂરીભેર ઊભો હતો! ઝાંખાઝબ થઈ જઈને અધિકારીએ પૂછયું: ‘ક્યાંથી શોધ્યો?’

‘મેં નથી શોધ્યો;’ મહારાજે કહ્યું: ‘એ પોતે જ મને શોધતો આવ્યો હતો.’

‘ક્યાં?’

‘જોશીકૂવે નવું પરું વસાવેલ છે ત્યાં, મારે ઉતારે. મેં કહ્યું કે, હીંડ વડોદરે, સોંપી દઉં. એ કબૂલ થયો. રાતે ને રાતે અમે હીંડી નીકળ્યા. મહી પાર કરીને આવ્યા. તમે ઘેર નહોતા. એટલે સ્ટેશને સામો સોંપવા આવ્યો છું.’

‘તો હવે?’

‘હવે ચાલો પાછા પેટલાદ; ત્યાં સોંપીશ-અહીં નહીં.’

‘વારુ, ચાલો.’

પેટલાદ જઈને વડા પોલીસ અધિકારીએ મોતીને પેટપૂર ખવરાવ્યું. ને પછી મહારાજ મોતીને છેલ્લી વારના મળ્યા. મોતી કહેઃ ‘હેં મહારાજ! વકીલ રાખીને બચાવ કરીએ તો કેમ?’

‘તારી સામે તો બેઉ રસ્તા ખુલ્લા છે, મોતી! એક મારો, ને બીજો વકીલનો; પણ સજા એક, બે કે પાંચ વર્ષની અથવા જનમટીપનીયે થાય, ફાંસી ન થાય અને વકીલને રસ્તે જતાં કાં ફાંસી મળે અથવા તો તદ્ન નિર્દોષ ઠરી છુટાય. તું તારે ઠીક લાગે તે માર્ગ લેજે!’

એમ કહીને મહારાજ ગયા. ‘મોતીને મારપીટ ના કરશો,’ એટલું જ એ પોલીસ અધિકારીને કહી ગયા.

મોતીએ વકીલનો માર્ગ લીધો, ને એ માર્ગે એને દોઢ જ વર્ષની સજા થઈ. બચાવ એવો લાવવામાં આવ્યો કે રાવણિયો જ્યાં ઊભો હતો ત્યાં ટેકરો હતોઃ મોતી નીચે ઊભો હતોઃ રાવણિયો મોતી પર ધસી આવ્યો- ને મોતીએ પોતાના રક્ષણ માટે આડે ધરી રાખેલ ભાલો રાવણિયાની છાતીમાં પરોવાઈ ગયો.

મોતી હયાત છે. મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનું દુઃખ નથી; મોતી બચ્યો તેનો એને આનંદ છે. મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝબકી રહે છેઃ

‘પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર કલ્યાઢામાં રોટલો જેમનો તેમ પડયો હતો, અને મૂળા બે કરમાઈ ગયા હતાં!’

***

બાબરિયાનો બાપ

ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ ‘મહારાજ અમારે ત્યાં ના આવે?’

‘ના શા માટે આવે?’ એમ કહેવરાવીને ચરોતરવાળા એકવાર મહારાજને સાંપરા તેડી ગયા. ત્યાં સાંપરાવાળાઓએ પેટની વાત કહી કે, ‘અમારા ગામમાં હાજરી છે તે ભલા થઈને કઢાવો.’

મહારાજ ત્યાં મહીજી નામના પાટણવાડિયાને ઘેર ઊતર્યા. થોડી વાર બેસી, બીજી-ત્રીજી વાતો કરી મહારાજ પાછા ફર્યા. પછી પોતે સાંપરાની તેમ જ નજીકમાં બીજા બે ગામની હાજરી કઢાવી નાખી. ને ફરી એકવાર મહારાજ મહી-પારથી સાંપરે ગયા. મહીજીની બૈરી મહારાજને મળવા બહાર આવી ત્યારે એના રંગઢંગ બદલી ગયા હતા એના મોં પર રૂપ ફૂટયું હતું. એણે પગે લાગીને કહ્યું કે, ‘મહારાજ, તમારો ચેલો હવે સુધર્યો છે.’ પછી ઘરમાં જઈને શરમાઈ બેઠેલા મહીજીને બહાર તેડી લાવી.

પગે લાગતા મહીજીને મહારાજે પૂછયું: ‘મહીજી, આ સાચું કહે છે?’

મહીજી કહેઃ ‘હા, મહારાજ. આજ સુધી હું કૂતરો હતો. હવે પૂછો આવી આને.’

‘સારું કર્યું, મહીજી!’ બૈરી કહેઃ ‘હવે તમારા ચેલાને કંઈક આલો, મહારાજ!’

(ક્રમશઃ)

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એ ખૂન બદલ દોષી હતાં ભૂખ અને અપમાન appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/a-murder-convicted-guilty-hunger-and/
via Best Gujarati News