અભિસાર, દહેરાદૂનમાં તમારી સાથે ભણતી કલ્યાણી નામની કોઈ છોકરી ગુમ થઈ હતી?
નવલકથા
પ્રકરણ-૧૨
નિસર્ગવિલા.
ડ્રોંઈગરૂમમાં મુંબઈથી આવેલા પ્રાઈવેટ ડિટેક્ટીવ એજન્સીના વડા હર્બર્ટ ડિસોજા અને એડવોકેટ નિલાંજશા બેઠેલાં છે.
નિલાંજશાએ કહ્યું: ‘થેંકસ મી. ડિસોજા…થેંકસ ફોર કમિંગ સો ક્વીકલી…’
ડિસોજા બોલ્યાઃ ‘માય પ્લેઝર…!’
નિલાંજશાએ કહ્યું: ‘મારો ભાઈ અભિસાર એની પત્ની અલંકૃતાની કહેવાતી હત્યાના આરોપસર પોલીસ કસ્ટડીમાં છે. આજે મેં કોર્ટમાં જામીન અરજી મૂકી છે. કાલે હિયરિંગ છે. એને જામીન પર મુક્તિ મળશે કે નહીં તેની મને ખબર નથી. પરંતુ મારે તમારી મદદ જોઈએ છે.’
ડિસોજા બોલ્યાઃ ‘કેસ શું છે?’
‘મારો ભાઈ ડો. અભિસાર ગાયનોલોજિસ્ટ છે. તે અલંકૃતાને લંડનમાં મળ્યો હતો. તેઓ સાથે યુરોપ ફરવા ગયાં હતાં. બંને વચ્ચે મિત્રતા થઈ. અહીં આવીને લગ્ન કરી લીધાં. મારાં ભાભી અલંકૃતા એક સેલિબ્રિટી છે. તે એક મોટિવેશનલ સ્પીકર છે. ગમે તે કારણસર એ બેઉ વચ્ચે કોઈ મતભેદ ઊભો થયો અને અચાનક મારાં ભાભી ગૂમ થઈ ગયાં છે. તેમનો ફોન બંધ આવે છે. ઘરમાંથી લોહીના ડાઘ મળ્યા છે. અલંકૃતાની અંગત ડાયરીમાં અલંકૃતાએ લખ્યું છે કે ગમે ત્યારે તેની હત્યા થઈ શકે છે. પોલીસે અલંકૃતાની હત્યાના આરોપસર મારા ભાઈની ધરપકડ કરી છે.’
ડિસોજાએ પૂછયું: ‘એ બે જણ વચ્ચે મતભેદો કયા કારણસર હતા?’
નિલાંજશાએ કહ્યું: ‘એક રાત્રે પ્રેક્ષ્યા નામની કોઈ છોકરીનો મારા ભાઈ પર ફોન આવ્યો. મારો ભાઈ હોસ્પિટલમાંથી ફોન આવ્યો છે તેમ કહીને રાત્રે બહાર જતો રહ્યો. અલંકૃતાએ બીજા દિવસે મારા ભાઈનો ફોન ચેક કર્યો તો એ ઈનકમિંગ ફોન પ્રેક્ષ્યાનો હતો.’
‘પ્રેક્ષ્યા કોણ છે?’
‘હું જાણતી નથી. એ ફોન પણ મારા ભાઈના નામે જ નોંધાયેલો છે. મારે એ જાણવું છે કે પ્રેક્ષ્યા કોણ છે? અને અલંકૃતા કયાં છે? અલંકૃતાનું બ્રેકગ્રાઉન્ડ શું છે? અલંકૃતાના અન્ય સામાજિક સગપણ વિશે હું કાંઈ જાણતી નથી. મારા ભાઈએ અલંકૃતા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અને લગ્ન વખતે પણ હું હાજર હતી. મારા ભાઈને અલંકૃતા પસંદ હતી અને અલંકૃતાને મારો ભાઈ. મારા માટે એટલું જ જાણવું પૂરતું હતું.’
‘અલંકૃતા કયાં ભણી છે?’
‘મારો ભાઈ દહેરાદૂનની દૂન સ્કૂલમાં ભણેલો છે અને અલંકૃતા હોસ્ટેલમાં રહીને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણી છે. ‘
‘ધેટસ ફાઈન.’ કહેતાં ડિસોજા બોલ્યાઃ ‘મને એક સપ્તાહનો સમય આપો. હું મારા માણસોને કામે લગાડી દઉં છું. અલબત્ત, અલંકૃતાએ કોઈ અંતિમ પગલું ભર્યું હશે તો કે તમારા ભાઈએ કાંઈ ખોટું કર્યું હશે તો એમને બચાવવા મુશ્કેલ છે.’
‘હું જાણું છું.’
અને એટલામાં ઘરકામ કરતા એક નાનકડી છોકરી ટ્રેમાં ચાયના બે કપ મૂકી ગઈ.
ડિસોજા તેમના ફોન પર વ્યસ્ત થઈ ગયા.
***
બીજા દિવસે કોર્ટમાં અભિસારની જામીન પરની મુક્તિના અરજી પર સુનાવણી ચાલી. એડવોકેટ નિલાંજશા કાળા કોટમાં એક તેજસ્વી ધારાશાસ્ત્રી જેવી લાગતી હતી. તેણે ધારધાર દલીલો કરીઃ ‘જ્યાં સુધી અલંકૃતાનો મૃતદેહ મળે નહીં ત્યાં સુધી આ કેસ હત્યાની ઘટના કહી શકાય નહીં. કહેવાતી હત્યા માટે વપરાયેલું શસ્ત્ર પણ હજુ મળ્યું નથી. વળી, કહેવાતી હત્યાનો કોઈ સાક્ષી પણ નથી. મારો ભાઈ અભિસાર એક પ્રતિષ્ઠિત ડોક્ટર છે. તેનો કોઈ ગુનાઈત ઈતિહાસ પણ નથી. તેથી માત્ર શકના આધારે અભિસારને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં.’
એડવોકેટ નિલાંજશાની લાંબી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અભિસારને શહેર નહીં છોડવાની શરતે જામીન પર છોડવા હુકમ કર્યો.
***
અભિસાર નિલાંજશા સાથે તેના નિસર્ગ વિલા પર આવ્યો. પરંતુ પોલીસ કસ્ટડીમાં બે રાત ગુજારવાના કારણે તે વિક્ષુબ્ધ હતો. થાકેલો હતો. હતાશ હતો. નિલાંજશાએ તેને સાંત્વના આપી. તેના માથા પર હાથ ફેરવ્યો.
***
હવે સાંજ પડી ગઈ હતી.
અભિસાર અને નિલાંજશા ડ્રોંઈગરૂમમાં બેઠેલાં હતાં. નિલાંજશાએ ટીવી ચાલુ કર્યું. આજે પણ બધી જ ન્યૂઝ ચેનલ્સ પર ડો. અભિસાર શર્માની જામીન મુક્તિ અને અલંકૃતાના રહસ્યમય ગુમ થવા પર જ ચર્ચા ચાલતી હતી. સ્કાય ટીવી પરની ન્યૂઝ એંકર નિધિ તો ખૂબ ગુસ્સાથી અભિસારની આલોચના કરતી હતી. વચ્ચે વચ્ચે અલંકૃતાએ શહેરમાં અગાઉ આપેલાં પ્રવચનોનાં ક્લીપિંગ્સ બતાવતી હતી. ટીવી પર રજૂ થતાં જૂનાં ક્લીપિંગ્સમાં અલંકૃતા મનમોહક લાગતી હતી. ટીવી પરના ક્લીપિંગ્સમાં સુખી દાંપત્યજીવન માટે તે અનેકવાર બોલી રહી હતીઃ ‘દરેક પુરુષની સફળતામાં એક સ્ત્રીનો હાથ હોય છે અને બરબાદીમાં બે સ્ત્રીઓનો.’
આ કલીપિંગ્સ રજૂ કર્યા બાદ ન્યૂઝ એંકર નિધિ પૂછતી હતી કે ડો.અભિસાર શર્મા અને અલંકૃતાના સુખી દાંપત્યજીવનને નષ્ટ કરી દેનાર ‘પ્રેક્ષ્યા’ નામની યુવતી કોણ છે તે કોઈ જાણતું નથી. પ્રેક્ષ્યાના મુદ્દે અભિસાર મૌન કેમ છે? પોલીસ મૌન કેમ છે? જો અલંકૃતાનો કેસ નહીં સુલઝે તો બીજી અનેક અલંકૃતાઓનો ભોગ લેવાશે.
ન્યૂઝ એંકર નિધિની આ વાત સાંભળી અભિસાર વધુ વિચલિત થઈ જતો હતો.
સ્કાય ટીવી પરથી ન્યૂઝ એંકર નિધિ ફરી બોલીઃ ‘જો ડો. અભિસાર શર્મા નિર્દોષ હોય તો તેઓ અમારા સ્ટુડિયોમાં આવે. અમે તેમને પ્રશ્નો પૂછીશું. તેમનામાં હિંમત હોય તો અહીં આવીને જવાબ આપે.’
નિલાંજશાએ અભિસાર સામે જોયું.
અભિસાર બોલ્યોઃ ‘આ મીડિયા ટ્રાયલ છે. કોર્ટ નક્કી કરી એ પહેલાં મીડિયા જ નક્કી કરી નાંખે છે કે કોણ ગુનેગાર છે. મીડિયા જ વકીલ અને મીડિયા જ જજ…’
નિલાંજશા બોલીઃ ‘તારે આ બધું સહન કરવું જ પડશે. યુ વીલ હેવ ટુ ફેસ ધીસ..પણ હું તને ફરી એકવાર અંગત રીતે પૂછું છું કે અલંકૃતા સાથે કાંઈ અજુગતું કર્યું તો નથી ને? તેં એની ……?’
અભિસાર બોલ્યો : ‘તું પણ મારી પર શક કરે છે?’
નિલાંજશા બોલી : ‘અભિસાર અલંકૃતાની ડાયરી તારી વિરુદ્ધ જાય છે. અલંકૃતાનો ઈન્સ્યોરન્સ વધાર્યો તે પણ તારા માટે સંદેહ ઊભો કરે છે. પ્રેક્ષ્યા કોણ છે તે તું કહેતો નથી. તું સાચો હોય તો પણ તારે આ બધા પ્રશ્નોના જવાબ તો કોર્ટને આપવા જ પડશે. આ પ્રેક્ષ્યા કોણ છે?’
એ પ્રશ્ન સાંભળતાં જ અભિસાર ઊભો થઈ તેના બેડરૂમમાં ચાલ્યો ગયો.
***
દિવસો વીતતા ગયા.
અભિસાર હવે તેની હોસ્પિટલ પણ બહુ ઓછું જતો હતો. તેનો જ સ્ટાફ તેની સામે વિચિત્ર નજરે જોઈ રહેતો. એ સિવાય તેણે બહાર જવાનું બંધ કરી દીધું હતું.
હા, અભિસારને હવે રોજ પોલીસ સ્ટેશને જવું પડતું. રોજ તેની પૂછપરછ થતી હતી. એ દિવસે ડીવાયએસપી મનસ્વી કુલકર્ણીએ અભિસારને પૂછયું: ‘ડો.અભિસાર, તમે દેહરાદૂનની દૂન સ્કૂલમાં ભણેલા છો ને?’
‘હા’
‘ત્યાં તમારા મિત્રો કોણ કોણ હતા?’
‘ઘણા હતા. પ્રદીપ ખન્ના, પ્રતીક મહેતા, કંદર્પ ગુલાંટી, નવરોઝ, અવધૂત પંડિત…’
‘ના…ના…હું એ પૂછું છું કે કોઈ સ્ત્રી મિત્રો હતાં?’
અભિસારે કહ્યું: ‘નેચરલી…સાથે ભણતા હતાં તેમાં ઘણી છોકરીઓ પણ હતી.’
‘કોઈનાં નામ તમને યાદ છે?’
‘હા…એક હતી રોશની કાવીના, બીજી હતી દિનાઝ લાલકાકા, કલ્પના શેઠ, મધુરી ખન્ના…’
‘એ બધામાં તમારે કોઈનીયે સાથે અંગત સંબંધો હતા?’ મનસ્વી કુલકર્ણીએ સીધો અને અણિયારો પ્રશ્ન પૂછયો.
‘તમે જે અર્થમાં પૂછો છો તેવું કાંઈ નહોતું.’
‘તમારી દૂન સ્કૂલની નજીકમાં આવેલી દૂનની બીજી ગર્લ્સ સ્કૂલમાં કલ્યાણી નામની કોઈ છોકરી ભણતી હતી?’
અભિસાર સહેજ સ્તબ્ધ બની ગયો?
એણે પૂછયું: ‘તમને આ નામ કયાંથી ખબર?’
‘તમે દૂન સ્કૂલમાં જે વર્ષની બેચમાં હતા તેની અમે તપાસ કરી છે. તે વખતે દૂનની ગર્લ્સ સ્કૂલમાં ઉપરના ક્લાસમાં ભણતી કલ્યાણી નામની એક સિનિયર સ્ટુડન્ટ અચાનક ગુમ થઈ ગઈ હતી એ વાત સાચી છે?’
‘હા.’
‘કલ્યાણીને તમે ઓળખતા હતા?’
‘હા.’
‘કલ્યાણી કયા ગુમ થઈ? કેમ ગુમ થઈ ગઈ? તે વિશે તમે કાંઈ જાણો છો?’
‘ના. પણ આ પ્રશ્ન મને કેમ પૂછો છો? અભિસારે પૂછયું.’
મનસ્વી કુલકર્ણી બોલ્યાં: ‘કલ્યાણીનો આજ સુધી પત્તો નથી, જે રીતે તમારાં પત્ની અલંકૃતાનો પણ પત્તો નથી.’
‘એટલે?’
નિલાંજશા પણ અભિસાર સામે જોઈ રહી. એણે જોયું તો અભિસાર વધુ અસ્વસ્થ બન્યો હતો ફરી સ્વસ્થતા હાંસલ કરતાં તે બોલ્યોઃ ‘કલ્યાણીના ગુમ થવાનો અલંકૃતાના ગુમ થવા સાથે શું સંબંધ?’
‘સેઈમ મોડેસ ઓપરેન્ડી. બંનેના ગુમ થવામાં એક જ ગુના પદ્ધતિ તો વપરાઈ નથી ને?’ મનસ્વી કુલકર્ણી બોલ્યાં.
અભિસારે કહ્યું: ‘ઈટ્સ સિલી કમ્પેરીઝન. આ સરખામણી જ ગલત છે. અલંકૃતા મારી વાઈફ છે, કલ્યાણી નહીં. તે મારા સમયમાં દહેરાદૂનમાં ભણતી એક સિનિયર સ્ટુડન્ટ હતી.’
અભિસાર પૂરતાં આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યો હતો, પરંતુ એ આત્મવિશ્વાસ સાચો હતો કે કૃત્રિમ તે નક્કી કરવું નિલાંજશા અને મનસ્વી કુલકર્ણી માટે અઘરું હતું.
નિલાંજશાને પણ હવે લાગ્યું કે તેનો ભાઈ અભિસાર વધુ મુશ્કેલીઓના દલદલમાં ફસાતો જતો હતો.
એટલામાં નિલાંજશાનો ફોન રણકી ઊઠયો. સામે ડિટેક્ટીવ એજન્સીના વડા હર્બર્ટ ડિસોજા હતા.
ડિસોજા બોલ્યાઃ ‘મેડમ! એક બહુ જ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી છે….હું તમને મોડેથી ફોન કરું છું. અત્યારે કોઈ મને મળવા આવ્યું છે.’
‘ઓ.કે.’ કહેતાં નિલાંજશાએ ફોન પર વાત સમાપ્ત કરી.
અભિસાર નિશબ્દ હતો. મનસ્વી કુલકર્ણીના સવાલ મુશ્કેલ હતા.
***
રાત પડી
નિલાંજશાએ તેના ભાઈને કહ્યું: ‘અભિસાર, તું સૂઈ જા… તારી સાથે ભણતી કલ્યાણી વિશે કાલે વાત કરીશું…ગુડ નાઈટ.’
અને નિલાંજશા તેના બેડરૂમમાં ચાલી ગઈ.
અભિસાર તેના બેડરૂમમાં ગયો.
રાત આગળ ધપતી રહી. હજુ અભિસાર ઊંઘી શક્તો નહોતો. એણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઊંઘ ના આવી છતાં એણે બેડરૂમની બત્તી બુઝાવી દીધી.
અને પોતાના મનઃ ચક્ષુ સમક્ષ દહેરાદૂનની દૂન સ્કૂલના દિવસો તે યાદ કરવા લાગ્યો. એની સાથે પણ દહેરાદૂનમાં જ અલગ ગર્લ્સ સ્કૂલમાં ભણતી બધી જ વિદ્યાર્થિનીઓ યાદ આવી ગઈ. રોશની કાવીના, દિનાઝ, કલ્પના શેઠ અને કલ્યાણી પણ…એને યાદ આવી ગઈ. કલ્યાણી સુંદર અને નમણી સિનિયર સ્ટુડન્ડ હતી. સ્કૂલ અલગ હતી, પરંતુ બંને સ્કૂલોનો વાર્ષિક સાંસ્કૃતિક દિન સાથે જ ઊજવાતો હતો. કલ્યાણીમાં અભિનયની જબરદસ્ત અભિયોગ્યતા હતી. સ્કૂલમાં ભજવાયેલા એક નાટકમાં તો કલ્યાણીએ એક કરુણપાત્ર ભજવીને ઓડિયન્સને રડાવી દીધું હતું: નાટક પૂરું થયા બાદ અભિસારે મોડે સુધી રોકાઈને કલ્યાણીને અભિનંદન આપ્યાં હતાં. અભિસારે કહ્યું હતું: ‘કલ્યાણી, તેં આજે પ્રેક્ષકોને રડાવી દીધા.’
કલ્યાણી બોલી હતી : ‘થેંકસ’
અભિસાર બોલ્યો હતોઃ ‘તેં અત્યંત વાસ્તવિક અભિનય કર્યો. તું આટલું કરુણપાત્ર કેવી રીતે ભજવી શકે છે?’
કલ્યાણી બોલી હતીઃ ‘મારું જીવન જ કરુણતાથી ભરેલું છે. મેં ઓછી ઉંમરમાં પણ ખુશી ઓછી અને દુઃખ વધુ જોયું છે. મને ખબર નથી કે મારા જીવનમાં સુખ લખ્યું છે કે નહીં’
અભિસાર બોલ્યો હતોઃ ‘આવું ના બોલ, કલ્યાણી.’
કલ્યાણી ધીમેથી બોલીઃ ‘મને લાગે છે કે આવનારા દિવસોમાં મારા જીવનમાં કાંઈક અજુગતું બનશે. મને અત્યારથી જ એના અણસાર આવે છે. મેં ઓછી ઉંમરમાં કંઈક વધુ આગળનાં પગલાં ભર્યાં છે. મારી પર કોઈ આફત તો નહીં આવેને?’
અભિસાર બોલ્યો હતોઃ ‘આવી નકારાત્મક વાતો ના કર, કલ્યાણી. તને કાંઈ જ નહીં થાય.’
‘અને થશે તો?’
‘અભિસાર બોલ્યો હતોઃ ‘તો હું તારી સાથે રહીશ.’
અને કલ્યાણી કોઈની હૂંફ લેવા માંગતી હોય તેમ અભિસારના હાથને સ્પર્શી બોલી હતીઃ ‘થેંકસ અભિસાર, હવે હું જાઉં છું.’
એમ કહી કલ્યાણી એની ગર્લ્સ હોસ્ટેલ તરફ જવા રાતના અંધકારમાં રવાના થઈ હતી.
***
– એ બધું જ અભિસારને આજે યાદ આવી ગયું. એ એકલો એકલો બબડયોઃ ‘કલ્યાણી, તે દિવસે તેં ઓડિયન્સને રડાવ્યું હતું, પરંતુ આજે હું રડી રહ્યો છું. બધાં જ મને પૂછી રહ્યાં છે કે તમે કલ્યાણી નામની વિદ્યાર્થિનીને ઓળખતા હતા? મેં હા પાડી. કારણકે આપણે બંને …એકબીજાના દુઃખમાં સહભાગી હતાં…તું તો સ્ટેજ પર કરુણાંતિકા ભજવીને જતી રહી. હવે હું મારા વાસ્તવિક જીવનની સહુથી ખરાબ ટ્રેજડીમાંથી પસાર થઈ રહ્યો છું. મારી સાથે જ આવું કેમ? પણ તું જ્યાં પણ હોય ત્યાં કોઈ ચિંતા કરતી નહીં. મેં તને આપેલું વચન હું મૃત્યુ પર્યંત પાળીશ. એ…. વિષય પર હું મૌન જ રહીશ, હું એક શબ્દ પણ નહીં બોલું.’
આજે પહેલી જ વાર અભિસાર કલ્યાણીને યાદ કરી એકલો એકલો આંસુ સારી રહ્યો. શાયદ જીવનમાં પહેલી વાર રડયો હતો, પણ એ આંસુ જોવા માટે આજે તેની પાસે કલ્યાણી પણ નહોતી અને અલંકૃતા પણ.
રાત આગળ વધતી હતી. નિસર્ગ વિલાના બહારના બગીચાના એક વૃક્ષ પર બેઠેલી એક ચીબરીએ ચિત્કાર કર્યો. એ જાણે કે પૂછી રહી હતીઃ ‘અભિસાર, આ કલ્યાણી કોણ છે?’
અભિસારે બેડરૂમની બારી બંધ કરી. તે હવે એ પક્ષીનો અવાજ સાંભળવા માંગતો નહોતો.
(ક્રમશઃ)
www.devendrapatel.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અભિસાર, દહેરાદૂનમાં તમારી સાથે ભણતી કલ્યાણી નામની કોઈ છોકરી ગુમ થઈ હતી? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/abhishek-dehradun-tamar/
via Best Gujarati News
0 Comments