વાત વિશેષ : પરવેઝ મલેક

ના આપણે અ વાયરસ વિષે વાત નથી કરવાની. વાત કરવી છે, મેડિકલ પ્રેક્ટિસમાં પ્રવેશી ગયેલા નફાખોરીના વાયરસની. એના કારણે માહોલ જ એવો થઇ ગયો છે કે શાયર અને કવિઓ તો શું ભલભલા ધુરંધરોના પણ દવાખાનાનું નામ સાંભળી ને હાજા ગગડી જાય છે. એનું કારણ દવાખાનાના પનારે પડેલા બધા જ લગભગ જાણે છે. દવાના પ્રિસ્કીપશન, સાહેબોની ફી અને જો બીમારી વકરી તો મોટા મોટા ટ્રીટમેન્ટ પેકેજના નામે ખિસ્સું કપાઈ ગયું હોય એવી લાગણી થઈ આવે. જેનેરિક દવાઓના મુદ્દે લોકો જાગૃત થયા તે સારી વાત છે પણ આજે બહુ ઓછા સાહેબો છે જે પ્રિસ્કિપ્શનમાં જેનેરિક ડ્રગનું નામ લખે. અમુક દવા કંપનીઓની દવાના જેનેરિક નામની જગ્યા એ કોમ્બિનેશનલ દવાના નામ જ લખે છે. આપણને સવાલ થાય કે તેનાથી ફ્રક શું પડે છે? ચાલો, પહેલાં ફરક સમજી લઈએ. પેરાસિટેમોલ ડ્રગ એક જેનેરિક નામ છે તેની ગોળીની કિંમત ૫૦ પૈસા છે. આ જ ડ્રગ જયારે કોઈ દવા કંપનીના પેકિંગમાં કોમ્બિનેશનમાં હોય તો ૫ રૂપિયા સુધીની કિંમતે વેચાય છે. સાહેબો દ્વારા આમ કરવાનું કારણ? સરળતાથી સમજાય એવું છે. સાહેબોને અને દવા કંપનીઓ કમિશન આપે છે. બંને વચ્ચે ની જુગલબંદી આપણા ખિસ્સા પર ભારે પડે છે.

અનેક સેલ્સમેનો પાસેથી જાણવા મળ્યું છે કે દવાની કંપનીઓ દ્વારા સાહેબોને ટાર્ગેટ આપવામાં આવે છે. જો ૧૦ લાખની દવા તમારા પ્રિસ્ક્રિપ્શનથી વેચાશે તો સિંગાપુરની ટ્રીપ, ૧૫ લાખની વેચાશે તો અમેરિકા અને ૨૦ લાખ થી ઉપરની વેચાશે તો ફેમિલી સાથે યુરોપની ટ્રીપ પાકી સમજો. દવાકંપનીઓ અને દવાના વેપારીઓ મનફાવેએવા ભાવ ન લઈ શકે એ માટે રાજય સરકાર દ્વારા દર વર્ષે દરેક ડ્રગના ભાવ નક્કી થાય છે. કોઈ પણ દવાની કંપની જે તે ડ્રગને રાજય સરકાર નક્કી કરેલી કિંમતથી વધુમાં ન વેચી શકે.

પરંતુ ઊંટે કાઢયા ઢેકા તો માણસે કર્યા ઠેકા એ ન્યાયે દવા કંપનીઓ સરકારથી એક કદમ આગળ રહી તે ડ્રગમાં બીજું કોઈ ડ્રગ ઉમેરીને પોતાના એક નવા નામ સાથે બજારમાં મૂકી દે છે. બસ! એ દવા રાજય સરકારની જેનેરિક ડ્રગની કિંમતની ઝંઝટમાંથી બહાર. આતો માત્ર દવાની વાત થઇ ક્યારેય મનમાં એવો પ્રશ્ન થયો છે કે આપણો ઈલાજ કરતા સાહેબો દ્વારા લેવાતી ફી કોણ નક્કી કરે છે? એનાથી પણ એક સ્ટેપ આગળ, આજકાલ ટૂર પેકેજની જેમ વેચાતા હૃદય રોગ, કેન્સર, ઘૂંટણની સર્જરીના વિવિધ પેકેજની કિંમત નક્કી કોણ કરે છે?

ઝટ માનવામાં ન આવે એવી વાત છે. તમે કોઈ એક હોસ્પિટલમાંથી સારવારની કિંમત નક્કી કરી બીજી હોસ્પિટલમાં જઈ ભાવતાલ કરો તો આ પ્રક્રિયા પણ શક્ય છે. એમાં ભાવ વધઘટ થાય છે પણ ખરા. કેમ કે આપણા દેશમાં લોકોનું સ્વાસ્થ્ય અને શાકભાજી એક જ ધોરણે વેચાય છે.

હવે એ તપાસો કે સારવારની કિંમતો આટલી બીધ વધી શી રીતે ગઈ? એનું કારણ છે, એનઆરઆઈ કહેવાતા દર્દીઓ! આપણને ભલે સારવારની કિંમતો વધારે લાગતી હોય પણ વિદેશથી આવી અહીં ઈલાજ કરાવતા એનઆરઆઈ દર્દીઓને એ જેતે દેશમાંથી અહીં આવી, અહીં સારવાર ચાલે એટલા દિવસ હોટલમાં રોકાઈને પણ વિદેશ જેટલો ખર્ચ નથી આવતો. એનઆરઆઈ મેડિકલ ટૂરિઝમ નામનો નવો જ બિઝનસ વિકસ્યો છે. ગુજરાતના ઘણા ખરા શહેરો, ખાસ કરીને અમદાવાદ આ ગતિવિધિનું સેંટર બન્યું છે. દેશ માટે સારી વાત છે પણ આમાં સામાન્ય નાગરિકો વગર વાંકે દંડાય છે. ભારતીય હોવા છતાં આપણે કેમ અહીં એનઆરઆઈ રેટ પર ઈલાજ કરાવીએ? વિચારવા જેવું છે.

malek.parvez@yahoo.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મેડિકલ સારવારનો વાયરસ કાબૂમાં આવશે ખરો? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/medical-treatment-virus-ka/
via Best Gujarati News