વાઈડ એન્ગલ : જયેશ ઠકરાર

વિશ્વના વિવિધ દેશોમાં ચૂંટણીમાં બહુ વૈવિધ્ય જોવા મળે છે. ભારતની સાથે વિશ્વમાં ડઝનેક દેશોમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ઈન્ડોનેશિયામાં ૧૭ એપ્રિલે ચૂંટણી પૂરી થઈ, સ્પેનમાં આજે મતદાન થઈ રહ્યું છે, મે મહિનામાં બેલ્જિયમ, ફિલિપાઈન્સ, પનામા, દક્ષિણ આફ્રિકા, જૂનમાં ડેનમાર્ક, ગ્વાટેમાલા, માલી અને ઓક્ટોબરમાં ગ્રીસ, આર્જેન્ટિના, પોર્ટુગલ, યુક્રેન, સ્વિત્ઝર્લેન્ડ, ઉરૂગ્વે જેવાં ફૂટબોલથી જાણીતા દેશોમાં ચૂંટણી થશે. ભારતીય શિખોનો પ્રભાવ ધરાવતા કેનેડા તથા કેમરૂન, બોત્સવાના મોઝામ્બિક ઉપરાંત ઓમાનમાં પણ ત્યારે જ ચૂંટણી છે. ઓમાનમાં શાહી શાસન ચાલે છે, અહીં માત્ર કન્સલ્ટેટીવ એસેમ્બલી એટલે કે સલાહકારોને ચૂંટવા માટે નામ માત્રની ચૂંટણી થવાની છે, આપણે ત્યાં જે રીતે લોકશાહી ઢબે રાજકીય પક્ષો ચૂંટણી લડે છે એવું વિશ્વના ઘણા દેશોમાં નથી. ઓમાનમાં રાજકીય પક્ષો ઉપર જ પ્રતિબંધ છે. જેની ચમકદમકથી ભારતીય સહેલાણીઓ અંજાય છે તે દુબઈ એટલે કે યુનાઈટેડ આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કતાર અને વેટીકન સીટીમાં કાયદો છે ‘નો પોલિટિકલ પાર્ટીઝ’.

વિશ્વમાં સૌપ્રથમ રાજકીય પક્ષની સ્થાપના ૧૭૯૨માં અમેરિકામાં થોમસ જેફરસન અને જેમ્સ મેડીસને કરેલી આજે તે ડેમોક્રેટીક પાર્ટી તરીકે ઓળખાય છે.

આપણે ત્યાં ચૂંટણીમાં અભદ્ર ભાષા પ્રયોગો અને ક્રિમિનલ ઉમેદવારોને જોઈ ઘણાં લોકો બોલી ઉઠે છે કે આ તે વળી કેવી લોકશાહી, પરંતુ કેટલાક શર્મનાક કિસ્સાઓને બાદ કરીએ તો હિન્દુસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પૂરા વિશ્વમાં નોંધપાત્ર ગણાય છે. ૧૯૫ દેશોમાંથી ઘણા દેશના પ્રતિનિધિઓ આ ચૂંટણી નિહાળવા આવે છે. ભારતમાં આપણે ૫૦થી ૬૦ % મતદાન થાય ત્યારે ચિંતા દર્શાવીએ છીએ, પરંતુ અમેરિકામાં પણ મતદાનની ટકાવારી ૬૦થી ૬૫ %ની વચ્ચે જ રહે છે.

ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને ફેડરલ ઈલેકશન થવાના છે. અહીં મતદાન ફરજિયાત છે. ચોક્કસ કારણ વિના જો કોઈ મતદાન ન કરે તો તે ગુનો બને છે અને ૫૦ ડોલરની પેનલ્ટી થાય છે, મતદાન ન કરનારાને નોકરી શોધવામાં પણ મુશ્કેલી થાય છે. આર્જેન્ટિનામાં ૧૮થી ૭૦ વર્ષની વયના મતદારો માટે ફરજિયાત મતદાન છે, પરંતુ જો કોઈ વોટિંગ કરવા ન માંગતું હોય તો તે ૪૮ કલાક પૂર્વે જાણ કરીને મતદાનથી દૂર રહી શકે છે. બેલ્જિયમમાં રવિવારે જ ચૂંટણી થાય છે અને મતદારે મતદાન મથકે આવવું ફરજિયાત છે. બ્રાઝિલમાં ૧૬ અને ૧૭ વર્ષના તરુણ અને ૭૦થી વધુ વયના મતદારો માટે મતદાન ફરજિયાત નથી. ઈકવેડોરમાં અશિક્ષિત મતદારો માટે મતદાન ફરજિયાત નથી. લકઝમબર્ગમાં ૭૫ વર્ષથી વધુ વયના મતદારોને રાહત આપવામાં આવી છે. કેટલાક એવા દેશો પણ છે જ્યાં મતદાન ફરજિયાત છે, પરંતુ ત્યાં મતદાન ન કરનારને કોઈ દંડ નથી થતો. બોલિવિયા, બલ્ગેરિયા, ઈજિપ્ત, ગ્રીસ, કોસ્ટા રીકા, હોન્ડુરાસ આવા દેશો છે.

ભારતમાં વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી જેવા પદો પર મહિલાઓ છે જ્યારે સાઉદી અરેબિયામાં તો છેક ૨૦૧૧માં મહિલાઓને મતદાનની છૂટ મળી છે. વેટિકન સીટીમાં માત્ર પુરુષો જ મતદાન કરી શકે છે.

સૌથી નિરાળી ચૂંટણી ઉત્તર કોરિયાની છે, જ્યાં કોઈ વિરોધ પક્ષને સ્થાન જ નથી. તાનાશાહ કિમ જોંગને ૨૦૧૪માં ૧૦૦ % મત મળેલા. આને કહેવાય ફારસ! અહીં દેશના શાસકને ચૂંટવા ચૂંટણી થતી નથી, પરંતુ કેટલા મતદારો વધ્યા અને કોણ બગાવત કરવા માંગે છે તે જાણવા ચૂંટણી યોજાય છે, આવું ઈરાકમાં પણ થયેલું. જ્યાં ૨૦૦૨માં સદામ હુસેનને ૧૦૦ % મત મળેલા. ક્યુબામાં ૨૦૦૪માં રાઉલ કાસ્ટ્રોને ૯૯.૪ % મત મળેલા. સિરીયામાં પ્રસિડેન્શીયલ રેફરેન્ડમમાં બસર અલ અસદને ૨૦૦૭માં ૯૭.૬ % મત મળેલા. તુર્કમેનિસ્તાન, ચેચેન્યા, જ્યોર્જીયા જેવાં દેશોમાં દુનિયાને ઊંધા ચશ્માં પહેરાવવાં ચૂંટણી તો થાય છે, પરંતુ એ માત્ર નાટક હોય છે.

વિશ્વના ૧૪ દેશોમાં ૨૧મી સદીના આરંભથી ઈન્ટરનેટ વોટિંગની મથામણ ચાલી રહી છે. જોકે હજુ ચાર દેશો જ તેનો આંશિક ઉપયોગ કરી રહ્યા છે. કેનેડા, ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ આ દિશામાં ધપી રહ્યા છે. જ્યારે ઈસ્ટોનિયા એકમાત્ર એવો દેશ છે જ્યાં તમામ મતદારોને ઈન્ટરનેટ વોટિંગનો વિકલ્પ મળે છે.

ભારતમાં ઈલેકટ્રોનિક વોટિંગ મશીનનો સૌ પ્રથમ પ્રયોગ કેરલની પરૂર વિધાનસભા બેઠકમાં ૧૯૮૨માં થયેલો. આજે ભારત ઉપરાંત બ્રાઝિલ, ફિલિપાઈન્સ જેવા દેશોમાં ઈવીએમથી મતદાન થાય છે. બીજી તરફ ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ જેવા દેશોમાં ઈવીએમ ઉપર બેન મુકાયો છે.

શાસકો ચૂંટવાની દુનિયામાં અજીબ રીત રસમો છે.

ઝૂમ ઈન  

અબ તો મજહબ કોઈ

ઐસા ભી ચલાયા જાયે

જિસમે ઈન્સાનકો

ઈન્સાન બનાયા જાયે

ઝૂમ આઉટ  

ચરાગોં કો ઉછાલા જા રહા હૈ

હવા પર રૌબ ડાલા જા રહા હૈ

ન હાર અપની ના જીત હોગી

મગર સિક્કા ઉછાલા જા રહા હૈ

fb/wide angle Jayesh Thakrar

fb/ jayesh thakrar wide angle

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઉમેદવાર માત્ર ૧… મતદાન ૧૦૦ ટકા… મત ન આપો તો ૫૦ ડોલર દંડ… appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/candidate-only-1-voting-100/
via Best Gujarati News