વિટામિનની ગોળીઓ ગળવાથી શક્તિ આવે?
ઝીરો લાઈન : ગીતા માણેક
“ડોક્ટર, આ વિટામિનની ગોળીઓ લેવામાં વાંધો નહીંને?” મુંબઈના એક જાણીતા ડોક્ટર અલતાફ પટેલ લખે છે કે લગભગ દર અઠવાડિયે એક પેશન્ટ તો એવો આવે જ છે જે વિટામિનની ગોળીઓ ભરેલી બાટલી ટેબલ પર મૂકીને મને આ સવાલ પૂછે છે. આ વિટામિનની ગોળી પેશન્ટના દીકરી, દીકરા, વહુ, જમાઈ, કે કોઈ સગાંવહાલાંએ અમેરિકા કે અન્ય કોઈ દેશમાંથી એવું કહીને મોકલી હોય કે આ ગોળી દિવસમાં એક કે બે વાર લો એટલે શરીર સ્વસ્થ અને શક્તિશાળી રહેશે. મેડિકલ જનરલમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ અનુસાર અમેરિકાની લગભગ અડધોઅડધ પ્રજા એક અથવા બીજા વિટામિનની ગોળીઓ ગળે છે. આ ટ્રેન્ડ હવે ભારતમાંય શરૂ થયો છે. અહીં પણ લોકો ડોક્ટરોને પૂછયાગાછયા વિના એવું માનીને વિટામિનની ગોળીઓ ગળવા માંડયા છે એ શક્તિ આપનારી હોવાને કારણે નિર્દોષ અને ફયદાકારક જ હોયને!
જો કે મેડિકલ જગતમાં પ્રતિષ્ઠિત ગણાતા મેગેઝિન એનલ્ઝ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં ડો. એફ. એફ. ઝેંગ લખે છે કે વિટામિનની ગોળી કરતાં વધુ લાભ એ વિટામિન ધરાવતા ખાદ્યપદાર્થોથી થાય છે. ન્યુટ્રિશ્યન અને ક્રોનિક બીમારીઓ વિષય પરના નિષ્ણાત આ અમેરિકન ડોક્ટર તો એટલી હદ સુધી કહે છે કે વિટામિન્સ એ, કે, મેગ્નેશિયમ, કોપર અને ઝિંકથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે અને આયુષ્ય વધે છે એવું સંશોધન થયું છે. પરંતુ આ બધા વિટામિન જો પૌષ્ટિક ખોરાકમાંથી આવે તો જ એનો ફયદો થાય છે; એ વિટામિનની ગોળીઓથી લાભ થતો નથી.
એક વિદ્વાન આયુર્વેદ નિષ્ણાત ડો. ઝેંગની વાત સાથે સહમત થાય છે એટલું જ નહીં પણ આની પાછળનો તર્ક પણ સમજાવે છે. તેઓ કહે છે કે કોઈ વ્યક્તિ પૌષ્ટિક ભોજન કરતી હોય અને છતાં તેનામાં કોઈ એક વિટામિનની ઊણપ હોય તો આધુનિક એલોપેથિક ડોક્ટરો તે વિટામિનની ગોળી લખી આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે ખોરાક અત્યારસુધી તેઓ લેતા હતા એ જ અત્યારે પણ ખાતા હોવા છતાં વિટામિનની કમી કેમ છે? તેઓ કહે છે કે આનો અર્થ એ છે કે ખોરાકમાંથી શરીરની તે ચોક્કસ વિટામિન શોષી લેવાની ક્ષમતામાં ક્યાંક અવરોધ સર્જાયો છે. આ અવરોધ દૂર કરવાને બદલે મોટાભાગના લોકો જે વિટામિનની ઊણપ હોય એની ગોળીઓ ગળવા માંડે છે. આનો ફયદો દર્દીને નહીં પણ વિટામિનની ગોળીઓ બનાવનારી કંપનીઓને નિશ્ચિત થાય છે. વિટામિનને શરીરમાં સમાહિત કરી લેવાની યંત્રણામાં જ્યાં અવરોધ સર્જાયો છે એ તો એમનો એમ જ હોવાને લીધે વિટામિનની ગોળીમાંથી જે પોષક તત્ત્વ મળે છે એ પેશાબ, મળ અથવા પસીના વાટે શરીર બહાર ફેંકી દે છે. વિટામિનને ગ્રહણ કરવાની શરીરની કાર્યક્ષમતામાં જ ગરબડ પેદા થઈ હોવાને લીધે ગોળી વાટે ગયેલું તત્ત્વ કોઈ ખપનું રહેતું નથી અને એને કચરો સમજીને શરીર દ્વારા બહાર ફેંકી દેવામાં આવે છે.
ડોક્ટર ઝેંગ મુજબ તો વ્યક્તિ દિવસનું ૧૦૦૦ મિ.ગ્રામ કેલ્શિયમ ગોળીઓ દ્વારા લે તો તે વહેલું મરણ નોતરે છે! પરંતુ આટલું જ કેલ્શિયમ પ્રાકૃતિક ખોરાક જેમ કે તાજાં ફ્ળો, સૂકોમેવો, દૂધ વગેરે દ્વારા લે તો એ કેલ્શિયમ સહેજ પણ હાનિ પહોંચાડતું નથી.
ફર્મસી એટલે કે દવાઓ વિશેના નિષ્ણાત પ્રો. ફ્લિીપ જે ગ્રેગોરી તો લખે છે કે આડેધડ લીધેલી વિટામિનની ગોળીઓ શરીર માટે સખત પ્રમાણમાં હાનિકારક પુરવાર થઈ શકે છે, ખાસ તો જ્યારે તમે ડાયાબિટિસ, હાઇપરટેન્શન, કેન્સર કે અન્ય કોઈ બીમારીથી પીડાતા હો. આ બીમારીઓને કાબૂમાં રાખવા દર્દીઓ જે દવાઓ લેતા હોય એની સાથે વિટામિનની કેટલીક ગોળીઓ લેવાથી એ શરીરમાં જોખમ પેદા કરે છે.
આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક મેડિકલ સાયન્સ બંનેના જ્ઞાતા એક વિદ્વાન કહે છે કે આપણે કેમ વિચારતા નથી કે હાથી ઘાસ ખાય છે અને છતાં સૌથી શક્તિશાળી પ્રાણી છે. ઘોડો ચણા ખાઈને સૌથી તેજ દોડે છે. તેમણે કહ્યું હતું કે શરીરમાં આયર્નની કમી હોય તો કોઈ ગોળીઓ ગળવાની જરૂર નથી. દરરોજ એક નાની વાટકી શેકેલા કાળા ચણા અને ગોળ ખાવાથી ત્રણ મહિનામાં આયર્ન અથવા હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જશે. કેલ્શિયમની કમી હોય તો દરરોજ સવાર-સાંજ થોડાક સફેદ તલ ચાવી જવાથી થોડા જ દિવસોમાં શરીરમાં એનું સ્તર નોર્મલ થઈ જશે. હકીકતમાં ફ્ળ, શાકભાજી, સૂકામેવા, દેશી ઘી, દૂધ, દહીં જેવા પ્રાકૃતિક ખાદ્યપદાર્થોમાં એ બધા જ વિટામિનો અને પોષક તત્ત્વો હોય છે જેની શરીરને આવશ્યકતા છે. પરંતુ આપણે પિત્ઝા, બર્ગર અને અન્ય ફસ્ટફૂડ તેમ જ અયોગ્ય આહાર લેતા રહીએ છીએ. વિટામિન્સની ઊણપની સાથે-સાથે શરીરની પાચકપ્રણાલીને પણ નુકસાન પહોંચાડીએ છીએ. પરિણામે શરીરને પૂરતા પોષકતત્ત્વો મળતા નથી. પછી જ્યારે એની ઊણપ સર્જાય છે તો વિટામિનની ગોળીઓ ગળતા રહીએ છીએ. મોટાભાગની વિટામિનની ગોળીઓ ફર્માસ્યુટિકલ કંપનીઓનું બેન્ક બેલેન્સ વધારે છે અને એને ખાનારાઓનું સ્વાસ્થ્ય બગાડે છે.
gitamanek@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિટામિનની ગોળીઓ ગળવાથી શક્તિ આવે? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/vitamin-pills-soothing-sh/
via Best Gujarati News
0 Comments