ચેતનવંતા શિક્ષકો શાળાનાં આભૂષણો છે
મધુવનની મહેક : ડો. સંતોષ દેવકર
“મે મહિનો શરૂ થયો એટલે ટેન્શન ચાલુ!” એક વાલીએ મનની અકળામણ બહાર કાઢી.
“નોટબુકો, પાઠય પુસ્તકો અને એડમિશન વગેરેની ચિંતા કરવામાં આખો મહિનો નીકળી જાય છે.” અન્ય એકે વાત આગળ ચલાવી.
“ખૂબ સાચી વાત છે, વળી ટયુશન ફી, સ્કૂલ ફી અને પુસ્તકોની ખરીદીમાં તો બેવડ વળી જવાય છે .” એક વાલીએ આર્થિક વાસ્તવિકતા રજૂ કરી.
“આંટીઘૂંટી એડમિશનની જાળમાં એવા જકડે છે,
કઈ રીતે ડોનેશન દેવું? ઘરમાં વાસણ ખખડે છે.”
ખભે બગલ થેલો ભેરવેલા એક વાલીએ કવિ કૃષ્ણ દવેની પંક્તિઓ લલકારી.
“કઇ શાળા સારી? તે નક્કી કરવું અઘરું છે.” એક જણે યુનિવર્સલ પ્રશ્ન રજૂ કર્યો.
“શાળા તો બધી જ સારી, માત્ર ભણાવનાર શિક્ષકો સારા હોવા જોઈએ.”
એક અનુભવી વાલીએ ખુલાસો કરતાં કહ્યું.
વેકેશનમાં પોતાના બાળકોને સાંજે બગીચામાં રમવા લઇ આવતા વાલીઓ વચ્ચે ઉપર મુજબની ચર્ચા ચાલી રહી હતી. સાંજના સમયે એક રવિવારે હું પણ બગીચામાં લટાર મારવા નીકળી પડેલો. વાલીઓની ચર્ચામાં મને રસ પડયો.
“ખરેખર, આજે ભણેલા શિક્ષકો તો મળે છે. પરંતુ પ્રેમાળ શિક્ષકોનો અભાવ છે.” એક પ્રૌઢે પાયાની વાત મૂકી.
“હું તમારી વાત સાથે સંપૂર્ણ સંમત છું. શિક્ષક માત્ર ભણાવે એ પૂરતું નથી.”
“બરાબર છે પણ માત્ર ભણાવવું એને શિક્ષણ કહેવાય?” એક ધારદાર સવાલ ઉઠયો હતો.
ભણાવવું, પરીક્ષા લેવી અને ઉપલા વર્ગમાં ચઢાવવો- શિક્ષણના આવા સંકુચિત અર્થથી ભારે નુકસાન વેઠવું પડયું છે. હજીય ગુજરાતમાં વાચન, ગણન અને લેખનના વમળો તરંગાયા કરે છે. ખરેખર તો શિક્ષણ એટલે વિદ્યાર્થીની ઇચ્છાઓ અને શક્તિઓનો વિકાસ થાય, તે પોતાની આસપાસની દુનિયા વિશે વિચારી શકે, નવું નવું શીખી શકે તે છે. સંબંધોને વિકસાવવાનું શીખવે તે એટલે કેળવણી.
“ભાઈ, શિક્ષણ વિશે તમે મુદ્દાની વાત કરી. પ્રેમથી ભણાવે તેવા શિક્ષકો વિદ્યાર્થી પ્રિય બનતા હોય છે.”
“અરે જવા દો ને ભાઇ મારું બાળક તો ઘણું તોફની છે.”
“સોરી સર, એ તોફની નથી પ્રોએક્ટિવ છે.” સૌ હસી પડયા.
બાળકો એક્ટિવ છે, પ્રોએક્ટિવ છે, તો ઘણાં તેમને ચંચળ તો વળી તોફની વગેરે જેવા વિશેષણોથી નવાજે છે. મારી દ્રષ્ટિએ બાળક ચેતનવંતુ છે. બાળક જો જડ અથવા જડ જેવું વર્તન કરે તો તેને તુરંત દવાખાને લઇ જવું પડે છે. ચેતનવંતા બાળકો શિક્ષણનો પ્રાણ છે. એક્ટિવ બાળકો, બીજા શબ્દોમાં તોફની પણ કહેવામાં આવે છે , તે હોશિયાર હોય છે. હોશિયાર બાળકો વર્ગખંડના આભૂષણ સમાન છે. વર્ગખંડ તેમની સુવાસથી મઘમઘતો હોય છે. ચેતનવંતા બાળકોને ભણાવનાર શિક્ષક પણ ચેતનવંતો, તરવરાટ વાળો અને ઉત્સાહથી ભરપૂર હોવો ઘટે. જો તે ચેતનવંતો ન હોય, ઉત્સાહી ન હોય તો બાળકો સાથે પૂરતો ન્યાય કરી ન શકે. શિક્ષણ સાથે પૂરતો ન્યાય ન કરી શકનારા શિક્ષકોએ રાજીનામું કેમ ન આપવું જોઈએ? ચેતનવંતા બાળકોને ચેતનવંતો શિક્ષક મળી જાય ત્યારે તે વર્ગ સાચા અર્થમાં સ્વર્ગ બને છે અને તે શાળા સાચા અર્થમાં ગુરુકુળ બને છે .
ચેતનવંતા શિક્ષકો સમગ્ર પંથકમાં પોતાના કાર્યની સુવાસ ફેલાવતા રહે છે. નવા પ્રયોગો, નવા પ્રકાશિત થતાં પુસ્તકો, નવી નવી રમતો, અદ્યતન શિક્ષણ પદ્ધતિ વગેરે દ્વારા પ્રયોગશીલ શિક્ષક સ્વયંને અને શાળાને અપ ટુ મોમેન્ટ રાખતો હોય છે. વર્તમાન યુગની પસાર થતી પ્રત્યેક ક્ષણ તમને પછાત રાખવા માટે ઉતાવળી છે. ચેતનવંતો શિક્ષક પોતાની સાથે સાથે બાળકોને પણ અપડેટ રાખવા મથતો જોવા મળે છે. એક વાર નોકરીએ લાગ્યા પછી પુસ્તકો તો ઠીક છાપુંય ન વાંચનારા શિક્ષકો આપણી શાળાઓમાં મળી રહે છે અને એક જ બેઠકે પુસ્તક વાંચી જનારા શિક્ષકોની ય આપણે ત્યાં કમી નથી. આવા પ્રયોગશીલ શિક્ષકોના સંપર્કથી આંતરિક ચેતના જાગૃત થઇ ઉઠે છે. જ્યારે જ્યારે આવા ઉત્સાહી શિક્ષક ને મળવાનું થાય ત્યારે મારો માહ્યલો નાચી ઊઠે છે. તે દિવસે મંદિરે જવાનું ટાળી દઉં છું. શિક્ષણ અને શિક્ષક પરની શ્રદ્ધા ટકી રહેવા માટે તેમાંથી પૂરતું બળ મળી રહે છે. આવા ચેતનવંતા શિક્ષકો શાળાના આભૂષણો છે. આ આભૂષણો જેટલા પોલિશ્ડ અને ચમકદાર હશે તેટલું તે શાળાનું શિક્ષણ રસદાર અને કસદાર બનતું રહેશે.
મિસરી
“કોઈપણ યોજનામાં જો શિક્ષકોને પોતાને આસ્થા ન હોય તો તે યોજના સફ્ળ થવાની નથી.”
– મહાત્મા ગાંધી (સેગાંવ, તા.૦૯.૧૦.૧૯૩૯)
santoshdevkar03@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચેતનવંતા શિક્ષકો શાળાનાં આભૂષણો છે appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/chetanvanta-teachers-school/
via Best Gujarati News
0 Comments