સાયન્સ મોનિટર : વિનોદ પંડયા

આજકાલની સ્માર્ટ વોચ (કાંડા ઘડિયાળ) તમારા મોબાઈલ ફોનની કેટલીક વિધિઓ સંભાળી લે. તમને ફલાણા ભાઈ ફોન કરી રહ્યા છે તો કોલ રિસિવ કરવાનું, મેસેજ મેળવવા-મોકલવાનું, મિસકોલની વિગતો જણાવવાનું કામ આ ઘડિયાળો કરે. હમણાં થોડાં વરસોથી એવી ઘડિયાળો પણ આવી છે જે તમે કેટલું ચાલ્યા, કેટલી કેલરી બાળી, હૃદયના ધબકારાની ગતિ કેટલી છે, કેટલું સાયકલિંગ કર્યું અને તમારું બ્લડ પ્રેશર કેટલું છે વગેરે બાબતોનું સતત મોનિટરિંગ કરતી રહે છે. આ ઘડિયાળો મુખ્યત્વે બ્લુ ટૂથ વડે તમારા મોબાઈલ ફોનના એપ્લિકેશન સાથે જોડાયેલી હોય છે. એવી ઘડિયાળો પણ છે જેમાં તમે કસરતનું સમયપત્રક અને તેની માત્રા નિર્ધારિત કરો ત્યારબાદ આ ઘડિયાળો તમને તેની યાદ અપાવતી રહે છે. કેટલી કસરત બાકી છે તે પણ જણાવે. કોઈ આરોગ્ય વિષયક ટીપ કે ચેતવણી આપવાની હોય તો તે પણ આપે. તમે નિર્ધારિત કાર્યક્રમોનું ચુસ્તપણે પાલન કરો તો શાબાશી આપે. પરંતુ ગઈ ૨૮ માર્ચના રોજ, નવા યુગની એપલ વોચના માલિકોને જાણ થઈ કે તેમની ઘડિયાળ હવે એક મહત્ત્વનું; હૃદયની કેટલીક જટિલ ગતિવિધિઓ મોનિટર કરતું, મેડિકલ ડિવાઈસ પણ બની છે. એ દિવસે તેઓની ઘડિયાળમાં બે નવાં ફીચર આવી પહોંચ્યાં.

એક ફીચર એ ઘડિયાળ ધારણ કરનારી વ્યક્તિના હૃદયના ધબકારા (નાડી) મોનિટર કરે છે અને તેમાં અનિયમિતતા જણાય તો ચેતવે છે. બીજું ફીચર ટૂંકા સમયના પરંતુ વિગતવાર ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ)નું કામ કરે છે. હૃદયની ઈલેક્ટ્રીકલ રિધમ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે તે ઈસીજી દ્વારા જાણી શકાય છે અને હૃદયના તબીબને કન્સલ્ટ કરીએ ત્યારે જનરલી પ્રથમ વિધિ ઈસીજીની જ કરવાની હોય છે. હૃદયના આરોગ્યનો તે અરીસો છે. હમણાં સુધી તબીબો તે માટે મોટાં કદનાં મશીનો વસાવે છે. સામાન્યપણે હૃદયની તાલમાં નહીં ધડકવાની સ્થિતિ હૃદયની તકલીફોની ચાડી ખાય છે અને આ બેતાલપણાને તબીબી ભાષામાં ‘એટ્રીયલ ફિબ્રીલેશન’ અથવા ‘એફીબ’ તરીકે ઓળખવામાં આવે છે. એક સ્માર્ટ કાંડા ઘડિયાળ ઈસીજીનું કામ કરે તો નિદાન અને સારવારનો વ્યાપ પણ ખૂબ વધી જાય છે. હવે તબીબી જગતને એ ચિંતા છે કે એક માત્ર કાંડા ઘડિયાળના નિદાનના આધારે સંભવિત દરદીને કાયદેસરના તબીબી નિદાનથી વિધિમાંથી પસાર કરવો કે કેમ? મતલબ કે આ ઘડિયાળ પર કેટલો ભરોસો રાખી શકાય? જો કે નવી ટેકનોલોજી જ્યારે જ્યારે આવી છે ત્યારે શંકાશીલોનો એક મોટો વર્ગ મેદાનમાં વિરોધ કરવા આવી ચડયો છે.

ઘડિયાળ પરનો ભરોસો સાબિત કે સ્થાપિત કરવાનું અઘરું નથી. ઘડિયાળના નિદાન સાથે તબીબનાં નિદાનો ટેલી ના થાય તો ભરોસો તૂટવાનો અને થાય તો સ્થાપિત થવાનો છે. એપલ દ્વારા ચાર લાખ વીસ હજાર હૃદયના દરદીઓને આવરી લઈને તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. બેતાલ ધડકનો અને તેના દ્વારા ખરાં કે ખોટાં નિદાનોનો ખાસ અભ્યાસ થયો હતો. એ જાણવામાં આવ્યું કે નિદાનની સચ્ચાઈ માટેની સ્થાપિત ગોલ્ડ-સ્ટાન્ડર્ડ મેથડ છે તેની સાથે સરખાવવામાં આવ્યાં તો ઘડિયાળે કરેલા ૮૪ ટકા નિદાનો મેચ અથવા ટેલી થતાં હતાં. મતલબ કે ૮૪ ટકા કિસ્સામાં ઘડિયાળ સાચી પુરવાર થઈ હતી. એપલ દ્વારા એક સંશોધન સંસ્થાને રિસર્ચ માટેનો કોન્ટ્રેક્ટ પણ અપાયો હતો. તેના અભ્યાસમાં જણાયું કે વોચ અને ફોનના એપ્લિકેશનનું અલગોરિધમ બીમારી લાગુ પડી હોવાનું (પોઝિટિવ) નિદાન કરવામાં ૯૮.૩ ટકા કિસ્સાઓમાં સાચું પડયું હતું. બીમારી લાગુ નથી પડી (નેગેટિવ) નિદાનોમાં ૯૯.૬ ટકા કિસ્સાઓમાં અલ્ગોરિધમ સાચું પડયું હતું. ચોકસાઈનું આટલું ઊંચું પ્રમાણ એપ્લિકેશનમાં શ્રદ્ધા તો જગાડશે જ. આ એપ અને અલ્ગોરિધમ વધુ અને વધુ લોકો વાપરે તેવા આશયથી ડેવલપ કરવામાં આવ્યું છે. જો કે આ બંને અભ્યાસો અથવા ટ્રાયલોમાં રેન્ડમાઈઝડ કંટ્રોલની કેટલીક પદ્ધતિઓ સમાવવામાં આવી ન હતી તેથી તબીબોને જેની જરૂર હોય છે જેવી તમામ માહિતી તબીબોને મળતી નથી.

અમેરિકાના એપલ વોચ ધારકોને આ વિકલ્પો ગયા ડિસેમ્બરથી અને બાકીની દુનિયાને માર્ચના અંતથી ઉપલબ્ધ થયા. હવે દુનિયાની જાહેર આરોગ્ય સિસ્ટમોની ચકાસણીની એરણ પર આ નવું એપ્લિકેશન વધુ ને વધુ પ્રમાણમાં મુકાશે અને તેના આધારે તે ભરોસાલાયક છે કે નહીં તે નક્કી થશે. માત્ર એપલ જ નહીં, બીજા અન્ય કન્ઝયુમર ડિવાઈસોમાં નવાં પ્રકારના એપ્લિકેશનો વિકસાવવામાં આવ્યાં છે. એફિબનું નિદાન કરે તેવું એક અન્ય એપ્લિકેશન ‘એલાઈવકોર’ના નામથી ઓળખાય છે. જેટલાં વધુ એપ આવશે તેમ તેમ સંશોધનો અને સ્પર્ધા વધશે જે આમ જનતાની તબિયત માટે સારી વાત હશે. તબીબને ત્યાં જવાની ઝંઝટ અને ખર્ચ વગર કાંડા ઘડિયાળ ઈસીજીનું કામ કરી આપે અને એફિબની હાજરી છે કે નહીં તે કોઈપણ સમયે તત્કાળ જણાવે તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે? જે વ્યક્તિઓની ઘડિયાળો અને એપ્લિકેશનો નેગેટિવ નિદાન આપશે તેમણે તબીબો પાસે જવાની જરૂર રહેશે નહીં અને જેમની ઘડિયાળો પોઝિટિવ નિદાન આપશે તેમણે તબીબો પાસે જવું પડશે. બીમારી ના હોય છતાં શંકાના આધારે નિદાન કરાવવા જતાં લોકો ઘટશે, પરંતુ સમયસર નિદાન થવાથી તબીબો પાસે જનારા દરદીઓની સંખ્યા વધશે. આ એક મોટો ફાયદો છે. આપણે જોઈએ છીએ કે ઘણા દરદીઓને હૃદય રોગનો હુમલો આવે અને અચાનક મરણ પામે ત્યારે ખબર પડે કે એમને હૃદયની બીમારી વળગી હતી. એપ્લિકેશનના આધારે આવા લોકો સમયસર તબીબ પાસે પહોંચે તો જાહેર આરોગ્ય ઘણું સુધરે. તબીબોની કામગીરીને કેટલી અસર થશે એ તો ભવિષ્ય જણાવશે. પરંતુ એક મોટું ‘પ્રતિમાન વિસ્થાપન’ (પેરેડાઈમ શિફટ) થશે તે તબીબો આજે સ્વીકારી રહ્યા છે.

એફિબ એ હૃદયની બીમારીમાં જોવા મળતું સૌથી વધુ સામાન્ય બેતાલપણું અથવા એરિપ્મીયા છે. જેમાં હૃદયનાં ઉપરનાં ખાનાંઓ સંયોજિત પદ્ધતિમાં ધબકતાં નથી. કેટલુંક લોહી એ ખાનાંઓનાં અમુક હિસ્સાઓમાં પડયું રહે છે અને ઘટ્ટ (કલોટ) બની જાય છે. એફિબની સ્થિતિવાળા દરદીને મગજનો સ્ટ્રોક અથવા પક્ષઘાત થવાની સંભાવના બીજા કરતાં પાંચ ગણી વધારે રહે છે. એફિબ લકવા ઉપરાંત હૃદયનો હુમલો અને સ્મૃતિભ્રંશનું પણ કારણ બને છે.

લોહી પાતળું કરવાની દવાઓ (બ્લડ થિનર્સ) દ્વારા તેની સફળતાપૂર્વક સારવાર થઈ શકે છે, પરંતુ તેમાં વધુ લોહી વહી જવા જેવાં કેટલાક જોખમો પણ રહેલાં છે. આથી જેમને બ્લડ થિનર્સ અપાય છે તેઓએ તે ખ્યાલ રાખવાનો રહે છે કે તેમને કશી ધારદાર ચીજની ઈજા ન થાય. વસતિના ૨ ટકા લોકોને એફિબ લાગુ પડે છે. જેમ ઉંમર વધુ તેમ તે લાગુ પડવાનું અને નુકસાન થવાનું જોખમ વધતું જાય છે. પરંતુ એવી ધારણા છે કે એપલની સ્માર્ટ વોચ ધારણ કરનારા લોકો યુવાન, શ્રીમંત અને વધુ તંદુરસ્ત હશે તેથી તેઓમાં એફિબનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળશે.

ઘણાં લોકોના હૃદયમાં એફિબની સ્થિતિ ઘડીમાં સર્જાય છે અને ઘડીમાં દૂર થઈ જાય છે. રોકાઈ રોકાઈને થાય, મટી જાય. આ કોમન ઈન્ટરમિટન્ટ (સવિરામ) એફિબને અને તેનાં પરિણામોને સમજવામાં સ્માર્ટ વોચ એપ્લિકેશન ખૂબ મદદગાર નીવડશે, કારણકે તે કાંડા સાથે સતત બંધાયેલું હોય છે. ઈસીજી મશીન સાથે સતત જોડાઈને રહી શકાતું નથી. ઘડિયાળની કેટલીક ચેલેન્જો છે, પરંતુ એફિબના એવા કેસ વધુ પકડાશે જેઓ અન્યથા ડોક્ટર પાસે ગયા ન હોત. યુવાનોમાં હૃદયની બીમારીનાં અન્ય લક્ષણો જલદીથી પકડાતાં નથી. તેથી તેઓ ડોક્ટર પાસે જતાં નથી. સ્માર્ટ વોચથી તેઓને જવાની જરૂર પડશે તે સારી બાબત છે. હેલ્થ સિસ્ટમમાં નવા ડેટાનો મોટો સમૂહ મળી રહેશે જે સંશોધનો માટે ઉપયોગી નીવડશે. ટૂંકમાં, હમણાં સુધી ઘડિયાળો માત્ર સમય બતાવતી હતી. હવે ધારણ કરનારનો સારો કે ખરાબ સમય બેઠો છે કે કેમ તે પણ બતાવે છે. સમય પૂરો થવાનો હશે તો તે પણ બતાવશે.

ozaramesh@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક કાંડા ઘડિયાળમાં આખું ઈસીજી મશીન જે માણસનો સારો કે ખરાબ સમય બતાવે છે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/one-wristwatch-all-e/
via Best Gujarati News