કન્ટેમ્પરરી : એમ. એ. ખાન

હમણાં જ યુક્રેનમાં ચૂંટણીઓ થઈ ગઈ. એમાં આવેલા ચોંકાવનારા પરિણામોએ આખા વિશ્વના રાજકારણીઓને ચિંતામાં નાંખી દીધા છે. યુક્રેન આમ તો સાવ નાનકડો દેશ છે જે ૨૦૧૩માં સામ્યવાદી રશિયાથી છૂટો પડયો છે અને મૂડીવાદી વલણ અપનાવ્યું છે. હમણાં જ ત્યાં ચૂંટણીઓ થઈ ગઈ. એમાં ત્યાંના સત્તાધારી પ્રમુખ પેટ્રો પોરોશેન્કો સામે ટીવી પર કોમેડી સીરિયલોમાં કામ કરનાર કલાકાર વોલોદિમિર ઝેલેન્સ્કી ચૂંટણીમાં ઊભો હતો. પેટ્રો પોરોશેન્કો વર્ષોથી રાજકારણમાં છે. ૨૦૧૩માં રશિયા અને સામ્યવાદ વિરોધી ચળવળ ચલાવીને લોકપ્રિયતાના ચરમ ઉપર પહોંચ્યા હતા, અને પ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. એની સામે વોલોદિમિર ઝેલેન્સ્કી કોમેડિયન અભિનેતા હોવા ઉપરાંત બિઝનેસમેન છે. કરોડોની મિલકત ધરાવે છે. એણે કોમેડી સીરિયલમાં અકસ્માત પ્રમુખ બની જતાં શિક્ષકની ભૂમિકા ભજવી હતી. બસ, રાજકારણ સાથે એનો એટલો જ નાતો હતો!

છતાં સત્તાધારી પ્રમુખને ૨૫.૩ ટકા જ મત મળ્યા અને ૭૩.૨ ટકા મત મેળવીને વોલોદિમિર ઝેલેન્સ્કી પ્રમુખ ચૂંટાઈ આવ્યો છે. વિશ્વના રાજકારણીઓ માને છે કે વોલોદિમિર ઝેલેન્સ્કી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યો એ સાબિત કરે છે કે યુક્રેનની પ્રજા શાસકો, ભ્રષ્ટાચાર અને ડૂબતા અર્થતંત્રથી એવી વાત આવી ગઈ છે કે સાવ નવા નિશાળિયાને સુકાન આપવા તૈયાર થઈ ગઈ છે. આના કરતાં જબરજસ્ત લોકપ્રિયતા સાથે ભારે બહુમતિથી ચૂંટાઈ આવેલા પ્રમુખ પેટ્રો પોરોશેન્કો પાસેથી પ્રજાને અપાર અપેક્ષાઓ હતી. પરંતુ પોરોશેન્કો સતત રશિયા સાથે અથડામણમાં જ ડૂબેલા રહ્યા. એમાં આર્થિક સામાજિક વિકાસ થવાને બદલે સતત વિનાશ અને આર્થિક અધોગતિ જ થતાં રહ્યાં

યુક્રેનની આ ચૂંટણીના પરિણામોથી વિશ્વના રાજકારણીઓ એટલા માટે ધ્રુજી ઊઠયા છે કે સત્તાધીશો અને રાજકારણીઓ પ્રત્યેનો અણગમો બની ગયેલો અસંતોષ વિશ્વના લગભગ દરેક દેશમાં પ્રવર્તી રહ્યો છે. અમેરિકાના લોકોએ રાજકારણના અનુભવી હિલેરી ક્લિન્ટનના બદલે રાજકારણનો ર પણ ન જાણતા હોય એવા ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાના સૂત્રો આપી દીધા હતા એનો આઘાત હજી શમ્યો નથી. અલબત્ત એની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ સુપ્રીમસી એટલે કેગોરાઓ જ બધાથી ચડિયાતા છે એવી માનસિકતાને પોષવાની વાતો પણ મતદારોને આકર્ષી ગઈ હતી. એ માનસિકતા વકરવાનું કારણ પણ અમેરિકાની આર્થિક બદહાલી જ છે. અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં કદી નહોતી એટલી જબરજસ્ત બેરોજગારી હતી. એનું કારણ બહારથી આવતા જાતજાતના વરણના લોકો જ છે એવી વાત લોકોના ગળે તરત ઉતરી ગઈ. આ વાત ગળે ઉતરી જ જાય છે, પછી એ અમેરિકા હોય, યુરોપ હોય કે મધ્યપૂર્વના દેશો હોય કે એશિયન દેશો હોય!

એક મત એવો પણ છે કે વિશ્વના રાજકારણમાં હવે ધનપતિઓ છવાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોદિમિર ઝેલેન્સ્કી રાજકારણમાં ભલે નવા હતા, પરંતુ બંને દેશના અતિધનવાન નાગરિકો છે. અત્યાર સુધી વિશ્વમાં એવું પ્રચલન જોવા મળતું હતું કે ઉદ્યોગપતિઓ જેતે રાજકીય પક્ષને કે ઉમેદવારને ચૂંટણી જીતાડવા માટે ભરપૂર આર્થિક મદદ કરે અને એ પક્ષ કે ઉમેદવાર જીતી જાય એ પછી એની પાસે પોતાને અનુકૂળ આવે અને પોતાની સંપત્તિમાં અનેકગણો વધારો થઈ શકે એવા કાયદા ઘડાવી લે.

આ પ્રચલનમાં બધા કામ છદ્મવેશે થતાં હોવાથી કોઈને એનો તરત અણસાર આવતો નહોતો. બધી વાત દેશના હિત અને આદર્શોના નામે ચાલી જતી હતી. પરંતુ એમાં સૌથી મોટી અડચણ એ હતી કે જીતેલો પક્ષ કે ઉમેદવાર અવારનવાર આર્થિક પીઠબળનું કામ કરવાની એમ કહીને ના પાડી દેતા હતા કે એમ કરવાથી પક્ષની (કે મારી) છબી ખરડાઈ જશે. આજથી ૧૫ વર્ષ પહેલાં સુધીનો જમાનો હજી આદર્શોની વાત પર જીવતો હતો. એટલે આદર્શોને (પ્રજા સામે) અકબંધ રાખવાનો બધા રાજકારણીઓ પ્રયાસ કરતા હતા.

હવે લગભગ બધા જ દેશોની પ્રજા જાણી ગઈ છે કે આદર્શોની વાતો પાછળ સ્વાર્થ જ છુપાયેલો હોય છે. એટલે આદર્શમાં જરાય ગૂંચવાઈ જવાને બદલે હવે પ્રજા પણ માત્ર અને માત્ર પોતાના સ્વાર્થની જ વાત કરી રહી છે. એવામાં વિશ્વના ધનકુબેરો સમજી ગયા છે કે આદર્શનો પડદો રાખવાની જરૂર નથી. પ્રજાને હવે આદર્શ નહીં આર્થિક લાભ જ જોઈએ છે. એટલે આપણે પણ રાજકીય વચેટિયાઓ રાખવાને બદલે જાતે જ રાજકારણમાં ઝંપલાવી દેવાની જરૂર છે. એ લોકો રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે અને સફળ બની રહ્યા છે.

આપણે ત્યાં પણ ચૂંટણીઓની જાહેરાત થઈ એ પછી કેટલાક તોફાની સર્જકોએ સોશિયલ મીડિયા પર એવો વિચાર વહેતો મૂક્યો હતો કે જેતે ઉદ્યોગપતિ માટે કામ કરતા નેતાઓને ચૂંટણીમાં ઉતારવાને બદલે ઉદ્યોગપતિઓએ જાતે જ ચૂંટણીમાં ઊભા રહેવાની જરૂર છે. પ્રજા જાણે જ છે કે ક્યા રાજકીય પક્ષ અથવા કયા ઉમેદવાર પાછળ કયું ઉદ્યોગગૃહ છે. તો પછી એ લોકો જ ચૂંટણી લડી લે તો ખોટું શું છે? અહીં સવાલ એક થાય કે જેને રાજકારણનો અનુભવ ન હોય એવા નેતા દેશને કઈ દિશામાં લઈ જાય? તોફાનીઓ એનો જવાબ આપે છે, અત્યારે નેતા બનવા, મુખ્યપ્રધાન બનવા કે વડાપ્રધાન બનવા માટે કઈ લાયકાત અને કયા અનુભવને આપણે ધ્યાનમાં લઈએ છીએ?

આવા તોફાનીઓને ધ્યાનમાં મૂકવાનું કે ચૂંટણી વખતે લોકોના મન જાણવા નીકળેલી અનેક ચેનલોના પ્રતિનિધિઓ સામે પ્રજાએ, ખાસ કરીને યુવાનોએ એમ કહ્યું કે વડાપ્રધાને ડઝનબંધ ભૂલો કરી હોય તો પણ એમનાથી સારો વિકલ્પ ક્યાં છે? એ દર્શાવે છે કે આપણા દેશના લોકો હજી સાવ બેદરકાર નથી બન્યા. દેશનું શું થશે એની ચિંતા એમના હૈયે ચોક્કસ છે.

makhan.cc@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રજા ટ્રમ્પ કે ઝેલેન્સ્કી જેવાઓ પર કેમ ભરોસો કરી લે છે? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/people-trump-k-zelense/
via Best Gujarati News