IPL 2019: આ કેરેબિયન ખેલાડીઓ મચાવી રહ્યા છે ધૂમ, છગ્ગાઓ ફટકારવામાં સૌથી આગળ
ઇન્ડિયન પ્રીમિયર લીગને શરૂ થયે 2 અઠવાડિયાથી વધારેનો સમય થઇ ચુક્યો છે. લીગમાં અત્યાર સુધી 24 મેચ રમાઈ ચુકી છે. આ દરમિયાન 250થી વધારે છગ્ગાઓ લાગ્યા છે. છગ્ગા લગાવવાનાં મામલે વેસ્ટઇન્ડીઝનાં 3 ખેલાડીઓ ટૉપમાં ચાલી રહ્યા છે. કોલકાતાનાં ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે એકલાએ 25 છગ્ગાઓ લગાવ્યા છે. IPLમાં કેરેબિયાઈ ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. તેમણે પોતાની બેટિંગ, બૉલિંગ, ફીલ્ડિંગ અને તાકાતથી સૌને ચોંકાવી દીધા છે.
ક્રિસ ગેલ
પંજાબ તરફથી ઑપનિંગ કરતા ક્રિસ ગેલે મુંબઈ સામે ધમાકેદાર રમત દર્શાવી. 39 વર્ષની ઉંમરે પણ ગેલ રન બનાવી રહ્યો છે અને લાંબા લાંબા છગ્ગાઓ પણ ફટકારી રહ્યો છે. તેણે મુંબઈ સામે 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી ફક્ત 36 બૉલમાં 63 રન બનાવ્યા હતા. ગેલે આ સીઝનમાં અત્યાર સુધી રમેલી 6 મેચમાં 158.15ની સ્ટ્રાઇક રેટથી 223 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા છે. ગેલે અત્યાર સુધી 2 અડધી સદી પણ ફટકારી છે.
આન્દ્રે રસેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 12મી સીઝનમાં જોઇ કોઇ નામ ચર્ચાનો વિષય છે તો તે છે કોલકાતા તરફથી રમી રહેલો આન્દ્રે રસેલ. તેણે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં 212.39ની સ્ટ્રાઇક રેટથી 257 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને 25 છગ્ગા ફટકાર્યા છે. રસેલની સરેરાશ 128.50ની છે અને તે અત્યાર સુધી 2 અડધી સદી પણ ફટકારી ચુક્યો છે. બૉલિંગમાં રસેલે પોતાની ટીમ માટે 5 વિકેટ લીધી છે.
કીરોન પોલાર્ડ
મુંબઈ તરફથી રમી રહેલા ઑલરાઉન્ડર પોલાર્ડની શરૂઆત આ સીઝનમાં સારી રહી નહોતી, પરંતુ ધીરેધીરે તેણે લય પકડી લીધી છે. રોહિત શર્માનાં ઇજાગ્રસ્ત થયા બાદ પોલાર્ડે પંજાબ સામે કેપ્ટનશિપ કરી. બેટિંગમાં ચોથા નંબરે ઉતરીને તેણે 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી માત્ર 31 બૉલમાં 83 રન બનાવી દીધા. આ પહેલા તેણે હૈદરાબાદ સામે 26 બૉલમાં 46 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તેણે રમેલી 6 મેચમાં તેણે 194.56ની સ્ટ્રાઇક રેટથી 179 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 17 છગ્ગા લગાવ્યા છે અને એક અડધી સદી ફટકારી છે.
સુનીલ નરેન
કોલકાતા તરફથી ઑપનિંગ કરતા ઑલરાઉન્ડર સુનીલ નરેનને આ વખતે કેટલીક મેચોમાં ઑપનિંગ કરવાની તક મળી નહોતી. પરંતુ તે ફરી ઑપનિંગમાં ઉતર્યો અને પોતાના અંદાજમાં બૉલર્સની ધોલાઈ કરતો જોવા મળ્યો. નરેને અત્યાર સુધી 5 મેચમાં 185.89ની સ્ટ્રાઇક રેટથી 87 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. નરેને રાજસ્થાન સામે ફક્ત 25 બૉલમાં 47 રન બનાવ્યા હતા. બૉલિંગમાં પણ નરેને 8ની ઇકૉનોમીથી 5 મેચમાં 3 વિકેટ ઝડપી છે.
અલ્ઝારી જોસેફ
આ નામ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં નવું છે પણ તે આવતાની સાથે જ છવાઈ ગયો છે. વિન્ડીઝ તરફથી એકપણ ટી-20 મેચ ના રમનારા અલ્ઝારીએ પોતાની પહેલી જ મેચમાં 3.4 ઑવરની બૉલિંગમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપીને સનસનાટી મચાવી દીધી હતી. સાથે જ બેસ્ટ બૉલિંગનો સોહેલ તનવીરનો 11 વર્ષ જુનો રેકોર્ડ પણ તેણે પોતાના નામે કર્યો. પહેલી મેચમાં તેણે પોતાની બૉલિંગથી તો બીજી મેચમાં તેણે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા. તેણે પંજાબ સામે અંતિમ સમયે રમવા આવીને 13 બૉલમાં અણનમ 15 રન બનાવ્યા અને મુંબઈને પંજાબ સામે જીત અપાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 2019: આ કેરેબિયન ખેલાડીઓ મચાવી રહ્યા છે ધૂમ, છગ્ગાઓ ફટકારવામાં સૌથી આગળ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/these-caribbean-cricketers-taking-ipl-by-storms/
via Best Gujarati News





0 Comments