કોંગ્રેસે મહેસાણા સીટ માટે આ પટેલ ઉમેદવારના નામની કરી જાહેરાત, દિલ્હીમાં આજે CECની બેઠક
મહેસાણા લોકસભા બેઠક માટે કોંગ્રેસે મોડી રાત્રે નિવૃત્ત આઈએએસ અધિકારી એ જે પટેલના નામની જાહેરાત કરી છે. એ જે પટેલ ભૂતકાળમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પણ રહી ચૂક્યા છે. તેમની રાજકીય ભૂમિકામાં તેઓ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ રહ્યા છે. તેઓ 84 ગામ પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ રહ્યા છે જ્યાં તેમણે 15 વર્ષ સુધી સેવા આપી છે.
રાહુલ ગાંધીની આગેવાનીમાં દિલ્હીમાં આજે બપોરે સીઈસીની મિટિંગ: કોંગ્રેસ એહમદ પટેલ, શક્તિસિંહ, ધાનાણીને લોકસભાની ચૂંટણી લડાવશે ? આજે ફેંસલો
લોકસભાની 13 અને વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના દિલ્હી દરબારમાં સોમવારે સાંજે છ વાગ્યે સ્ક્રિનિંગ કમિટીની મિટિંગ બોલાવાઈ હતી. આ બેઠક બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું સૂચક નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સિનિયર નેતાઓને લડાવી શકે છે. ભરૂચ બેઠક પર એહમદ પટેલને ચૂંટણી લડાવવાના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના પ્રસ્તાવ બાદ હવે ભાવનગર બેઠક પર શક્તિસિંહ ગોહિલ અને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીનું નામ મુકાયું છે. જોકે આ સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવી કે કેમ તેનો ફેંસલો મંગળવારે મળનારી સીઈસીની મિટિંગમાં રાહુલ ગાંધી કરશે.
સૂત્રો કહે છે કે, અમદાવાદ પૂર્વની બેઠક પર છેલ્લે વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા કામિનીબા રાઠોડનું નામ ઉમેરાયું છે. લોકસભાની 13 બેઠકો ઉપરાંત વિધાનસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામોને સ્ક્રિનિંગ કમિટીની મિટિંગમાં આખરી ઓપ અપાયો છે. હવે મંગળવારે સાડા ત્રણ વાગ્યે રાહુલ ગાંધીની આગેવાનીમાં સીઈસીની મિટિંગ મળશે, જેમાં ઉમેદવારોના નામ પર મંજૂરીની મ્હોર લાગશે. સૂત્રો કહે છે કે, અમરેલી બેઠક પર છેલ્લી ઘડીએ પરેશ ધાનાણીનું નામ તો મુકાયું છે પરંતુ ધાનાણી ચૂંટણી લડવા જરાયે ઈચ્છુક નથી. આ બેઠક પર જે.વી. કાકડિયાનું નામ તેમણે આગળ ધર્યું છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતની બેઠકો પર બેથી ત્રણ દાવેદારો હતા, જેને પગલે ભડકો થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કારણસર પણ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
કોંગ્રેસ હજુ વધુ ધારાસભ્યોને ચૂંટણી લડાવે તેવો વર્તારો
કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 13 લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ બાકી ૧૩ નામો જાહેર થયા નથી. અત્યાર સુધીમાં કુલ 4 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે પરંતુ છેલ્લી યાદીમાં પણ કેટલાક ધારાસભ્યના નામ હોઈ શકે છે.
ટિકિટ માટે દાવેદારોના દિલ્હીમાં અડિંગા
લોકસભાની ટિકિટને લઈ કોંગ્રેસમાં ખેંચાખેંચ ચાલી રહી છે. સોમવારે પણ છ જેટલા દાવેદારોએ દિલ્હીમાં ધામા નાંખ્યા હતા. બનાસકાંઠા બેઠક માટે યૂથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને દિલ્હીનું તેડું આવ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક માટે પણ યૂથ કોંગ્રેસના અગ્રણી, એક પૂર્વ મંત્રી સહિત છ જેટલા આગેવાનોએ દિલ્હીમાં ધામા નાંખ્યા હતા અને પોતાને ટિકિટ મળે તે માટે રજૂઆત કરી હતી.
હવે સુરેન્દ્રનગર બેઠક માટે ધારાસભ્ય બારોબાર ફોર્મ લઈ આવ્યા
સાબરકાંઠા બેઠક બાદ હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય જાહેરાત પહેલાં જ ઉમેદવારી ફોર્મ લઈ આવ્યા છે. આ વખતે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય સોમા ગાંડા પટેલ બારોબાર ફોર્મ લઈ આવ્યા છે.
તાલાલા બેઠકના સુપ્રીમના નિર્ણય પર કોંગ્રેસે ફટાકડા ફોડયા
તાલાલા બેઠકની પેટા ચૂંટણી સુપ્રીમ કોર્ટે રદ્ કરી છે. કોંગ્રેસ માટે હાલ મોટી રાહત થઈ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડી જશ્ન મનાવાયો હતો. આ તબક્કે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ પર માછલાં ધોયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કોંગ્રેસે મહેસાણા સીટ માટે આ પટેલ ઉમેદવારના નામની કરી જાહેરાત, દિલ્હીમાં આજે CECની બેઠક appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-congress-announces-candidates-for-mehsana-lok-sabha-seat/
via Best Gujarati News
0 Comments