ગોડફાધર્સ :- શીલા રાવલ

અનીસ ઈબ્રાહિમે દુબઈના અધિકારીઓને ફરિયાદ કરી કે સાલેમની ઓટોમોબાઈલ કંપનીમાં આર્થિક ગોટાળા ચાલી રહ્યા છે. આ કંપની સાલેમના ભાઈઓ સલીમ અને નઈમ ચલાવી રહ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ આ બંનેથી શરૂ થઈ હતી અને માત્ર જવાબ લખાવવાનો જ છે એમ માનીને પોલીસ પાસે ગયેલા સાલેમની ધરપકડ કરી લેવામાં આવી.

દુબઈના પોલીસ અધિકારીઓએ અબુ સાલેમની ધરપકડ કરી લીધી છે એવા સમાચાર મળતાં જ દુબઈ ખાતેના ભારતીય દૂતાવાસમાંથી અધિકારીઓ દુબઈ પોલીસના વડાની કચેરીએ પહોંચી ગયા અને દાવો કર્યો કે અબુ સાલેમ ભરતમાં અનેક ગુનાઓ હેઠળ વોન્ટડ છે, માટે એનું પ્રત્યાર્પણ કરવું. જોકે પોલીસ વડાએ મક્કમતાથી કહ્યું કે અમે લોકોએ અકિલ અહમદ આઝમીને પકડયો છે. એનો ચહેરો સંજોગવશાત તમે કહો છો એ અબુ સાલેમ સાથે મળતો આવે છે, પરંતુ અકિલ અહમદ જ અબુ સાલેમ હોવાનું પાકા પાયે પુરવાર થતું નથી.

આ વાતની અહીં સીબીઆઈને ખબર મળતાં જ સીબીઆઈએ તરત જ અબુ સાલેમને લગતા બધા જ દસ્તાવેજ દુબઈના દૂતાવાસને મોકલી આપ્યા. એ પણ પોલીસ વડા સામે રજુ કરવામાં આવ્યા. સાથે જ કહેવામાં આવ્યું કે અકિલ અહમદ આઝમી જ અબુ સાલેમ છે. એ આંતરરાષ્ટ્રીય ડોન છે અને આ નકલી નામ પર નકલી પાસપોર્ટ બનાવડાવી દેશપરદેશ રખડે છે. પરંતુ પોલીસ વડા એ વાત માનવા તૈયાર નહોતા થયા. એ પછી સીબીઆઈએ સમીરાના ફોટોગ્રાફ્સ અને તેના નકલી નામે બનાવેલા નકલી પાસપોર્ટ વગેરે મોકલીને કહ્યું કે આ જુઓ અબુ સાલમેની પત્ની સમીરા અને આ રહ્યો એનો અકિલ અહમદ આઝમીની પત્ની તરીકેનો ફોટોગ્રાફ! એ પણ એકસરખા જ છે. આ બધા પુરાવાઓ રજુ કરવા છતાં દુબઈના પોલીસ વડા એક જ વાત પર અડગ રહ્યા કે જેમને તેમણે પકડયો છે એ અકિલ અહમદ આઝમી વર્ષોથી દુબઈમાં ઓટોમોબાઈલનો બિઝનેસ કરનાર વ્યાપારી છે. એ અને અબુ સાલેમ બંને જુદી જુદી વ્યક્તિ છે.

દરમિયાન સીબીઆઈએ અધિકૃત રીતે યુનાઈટેડ આરબ અમીરાતની સરકારને અબુ સાલેમ દુબઈ પોલીસ પાસે હોવાના પુરાવાઓ સાથે એના પ્રત્યાર્પણની વિનંતિ મોકલી આપી. સાથે જ ચેતવણી પણ આપી કે તાત્કાલિક કશુંક કરવામાં નહીં આવે તો અબુ સાલેમ દેશ છોડીને ભાગી જશે. પરંતુ યુએઈની સરકારે પણ આ વાત કાને ધરી નહીં. એ સમયે કોઈને અબુ સાલેમ તથા અકિલ અહમદની ફિન્ગરપ્રિન્ટ સરખાવી જોવાનો વિચાર ન ઝબક્યો.

જેલમાં બેઠેલા અબુ સાલેમને ખબર જ હતી કે એ જામીન મેળવીને દુબઈની જેલમાંથી બહાર નીકળશે પછી એના માટે જાનનું જોખમ લટકતું રહેવાનું છે. એ દુબઈમાં સલામત રહેવાનો નથી. એટલે દુબઈના મૂળ નિવાસીના જામીન પર એ જેલમાંથી છૂટયો કે તરત જ એ સમીરા અને પોતાના પુત્રને લઈને શારજાહ પહોંચી ગયો. શારજાહમાં એ સંતાઈ રહ્યો હતો, પરંતુ અનીસ ઈબ્રાહિમને એની જાણ થઈ જતાં અનીસે દુબઈના અધિકારીઓને આ બાતમી પહોંચાડી દીધી. જોકે દુબઈના અધિકારીઓ કોઈ પગલું ભરે એ પહેલાં સમીરા અને પુત્રને શારજાહમાં જ છોડીને અબુ સાલેમ પાકિસ્તાની પાસપોર્ટ પર આફ્રિકા ભાગી ગયો.

દુબઈના અધિકારીઓના હાથમાં અબુ સાલેમ ન ઝડપાયો એ હકીકતથી ધૂંઆંપૂઆં થતો અનીસ ઈબ્રાહિમ શારજાહના એપાર્ટમેન્ટમાં પોતાના થોડાક સાથીઓને લઈને પહોંચી ગયો. ત્યાં સમીરા અને તેનો પુત્ર હતા. અબુ સાલેમ ક્યાંય નહોતો. શરૂઆતમાં અનીસના માણસોએ એપાર્ટમેન્ટની તલાશી લીધી અને અબુ સાલેમ ન મળતાં સમીરાના કહેવા મુજબ કોઈ ફોટોગ્રાફની શોધ આરંભી હતી. લાગતું હતું કે એ ફોટોગ્રાફ એમના માટે ખુબ જ મહત્ત્વનો હશે. એમને કોઈ ફોટોગ્રાફ કે અબુ સાલેમ ન મળ્યા તો એમનો ગુસ્સો બેકાબૂ બન્યો. એમણે સમીરાને ધોલધપાટ કરીને જાણવા મહેનત કરી કે અબુ સાલેમ ક્યાં ગયો છે અને ફોટો ક્યાં મૂક્યો છે?

સમીરાએ મક્કમ રહીને કહ્યું કે એ મને એના ધંધા વિષે કહેતો જ નથી. મને મારી નાંખશો તો પણ તમને શી રીતે જાણવા મળશે? મને ખરખર કશું જ ખબર નથી. આખરે ધૂંધવાયેલો અનીસ એના માણસોને લઈન જતો રહ્યો.

સમીરાના બયાન પ્રમાણે આ ઘટનાની જ્યારે દાઉદને ખબર પડી તો એણે સામેથી સમીરાને ફોન કર્યો હતો. સમીરાએ દાઉદને પણ મક્કમ રહીને જવાબ આપ્યો કે મને અબુ સાલેમના કોઈ જ ખબર નથી. એના વિષે કશું જ જાણતી નથી. એના કામધંધા વિષે કશું જાણતી નથી. પછી હિંમત કરીને એણે પૂછી લીધું, ક્યા આપ લોગ અપને ક્રિમિનલ કારોબાર કે બારે મેં અપની બીવીયોં સે બાત કરતે હૈં? આપ કિસ કિસ જગહ પર છૂપતે હો ક્યા વોહ આપ કી બીવીયાં જાનતીં હૈં?

સમીબાના આ સવાલ પર દાઉદ કશું બોલી ન શક્યો તો સમીરાના કહેવા પ્રમાણે એણે થોડી વધારે હિંમતથી પૂછયું, ક્યા આપ કે ભાઈ ઈસ બાત કો ભૂલ ગયે હૈં કિ ગેન્ગ કે કારોબાર મેં ઔરતેં ઔર બચ્ચે શામિલ નહીં હોતે. ઉન પર હાથ નહીં ઉઠાયા જાતા?

સમીરાએ કહ્યું, મારા આૃર્ય વચ્ચે દાઉદે મારા બંને સવાલો પર જરાય ઉશ્કેરાયા વગર કહ્યું, દેખિયે! મોહતરમા જો કુછ ભી હુઆ, ઉસ કે લિયે મુઝે બેહદ અફસોસ હૈ! વાકઈ મેરે ભાઈને જ્યાદતી કી હૈ! ગલત કિયા હૈ. અનીસ કી ઓર સે મૈં આપ સે માફી કી દરખાસ્ત કરતા હૂં. આપ બે ખૌફ રહીએ. આજ કે બાદ હમારા કોઈ ભી આદમી આપ તક નહીં પહૂંચેગા!

અને ખરેખર દાઉદે કહેલું પાળી બતાવ્યું. એ દિવસ પછી કોઈપણ ગેન્ગનો કોઈ પણ માણસ મારી પાસે નથી આવ્યો. એ દિવસથી મારે આ વાતે ખુબ જ શાંતિ થઈ ગઈ છે. આખરે હું આ બધા ઝંઝાવાતમાંથી બહાર નીકળી ગઈ છું.

જોકે અબુ સાલેમ જાણતો હતો કે અનીસ ઈબ્રાહીમ એનો પીછો છોડવાનો નથી. એ ત્યાં સુધી બધા જ કિમિયા અજમાવતો રહેશે જ્યાં સુધી એને ઝડપી લેવામાં સફળ ન થઈ જાય. એટલે એ થોડા મહિના આફ્રિકામાં રોકાયો અને પછી અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકા પહોંચ્યા પછી તેણે સમીરાને ફોન કરીને સુચના આપી હતી કે દીકરાને લઈને એટલાન્ટા તારી બહેન પાસે પહોંચી જા!

સમીરાએ જણાવ્યું કે જેવી હું એટલાન્ટા ઉતરી કે તરત અબુ સાલેમ મારી પાસે આવી ગયો અને અમને એણે ખરીદેલા નવા એપાર્ટમેન્ટમાં સલામત રીતે લઈ જઈને કહ્યું, અબ તુમ લોગ યહાં આરામ સે રહો. યહાં મૈંને અપના નયા ઓફિસ ભી બના લિયા હૈ. અબ કોઈ ફિક્ર નહીં.

પોલીસના રેકોર્ડ મુજબ અબુ સાલેમે એટલાન્ટામાં એક એપાર્ટમેન્ટ અને એક ઓફિસ એમ બે મિલકત ખરીદી લીધી હતી. પોતાની આ ઓફિસમાંથી એ આંતરરાષ્ટ્રીય ગુનાખોરીના કારનામા કરતો રહેતો હતો.

સમીરાએ પોતાના બયાનમાં જણાવ્યું કે અબુ સાલેમ મોટેભાગે શ્રીલંકા અને બાંગ્લાદેશના બેરોજગાર યુવાનોને જ કામે રાખતો હતો.

(ક્રમશઃ)

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ક્યા આપ લોગ અપને કારોબાર કે બારે મેં અપની બીવીયોં સે બાત કરતે હો? appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/what-to-log-up-business-k/
via Best Gujarati News