જીવદયામાં માનીએ તો છીએ, પરંતુ જાણીએ છીએ?
પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન
આપણે જીવદયામાં ખુબ માનીએ છીએ. ગાયને માતા માનીએ છીએ, છતાં શહેરોમાં અને નગરોમાં ગાયમાતા અને કૂતરાં ભૂખ્યાં રખડતાં હોય છે. જે મળે એ ખાઈ લેવા ફાંફા મારતાં હોય છે. એની સામે ઘણાબધા લોકો ગાયમાતાને રોજેરોજ રોટલો ખવડાવે છે. ઘણા પ્રાણી પ્રેમીઓ શહેરમાં ફરીફરીને કૂતરાંને બિસ્કીટ ખવડાવે છે. ઘણા કબૂતરોને ચણ નાંખે છે. ઘણા કીડિયારું પૂરતા હોય છે.
સાચી વાત એ છે કે કૂતરાં, ગાય, ભેંસ, કૂતરાં, બકરાં વગેરે પ્રાણીઓ એમના ખોરાક માટે આપણી ઉપર આધારિત છે. પરંતુ એમને બેઠાં બેઠાં ખાવાનું મળી રહે એવી સગવડ આપીને આપણે એમને ગંભીર રોગનો ભોગ બનાવીએ છીએ. એ બિચારા જીવ કશું સમજ્યા વગર આપણી દયાથી માંદા પડતા રહે છે, તરફડી તરફડીને કવેળા મૃત્યુ પામતા રહે છે. દરેક પશુ-પંખી માટે કુદરતે એવી ગોઠવણ કરી છે એમણે ખોરાક શોધવા માટે અને ખાવા માટે રઝળપાટ કરવો પડે. એથી એમના સ્નાયુઓ સરસ મજબુત રહે અને પાચનતંત્ર પણ સરસ કામ કરતું રહે. એટલા માટે જ સાચા અને સમજુ પશુપાલકો પોતાના પશુઓને ઘેરબેઠાં ખાણ આપવાને બદલે એમને ચરાવવા લઈ જાય છે.
જાગ ને જાદવા, કૃષ્ણ ગોવાળિયા; તુજ વિના ધેનમાં કોણ જાશે… એ પદ પણ એવું જ કહે છે. શ્રીકૃષ્ણ રોજ સવારે જાગીને ગાયોને ચરાવવા લઈ જતા હતા.
આ પ્રાણીઓને મદદ કરવી હોય તો ગામ કે નગર બહાર ખુલ્લા વગડામાં ચરિયાણ બનાવો. ત્યાં તમારા ખર્ચે અથવા તમારી મહેનતે દાણાની ખેતી કરો અને પંખીઓને નિરાંતે ચણવા દો, પશુઓને નિરાંતે ચરવા દો! પરંતુ જો જીવદયા માટે આવી મહેનત કરવાની થાય તો આપણી જીવદયા તરત લાચાર બની જાય છે. એટલો સમય ક્યાં છે, એવી સગવડ ક્યાં છે. આપણે એટલા ધનવાન ક્યાં છીએ?
આફ્રિકામાં આવેલા કેન્યા દેશના સાવો વેસ્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં બે વર્ષથી વરસાદ પડયો નથી. આ વિસ્તાર આમેય આપણા કચ્છ જેવો ઓછામાં ઓછા વરસાદનો વિસ્તાર છે. અહીં સતત વરસાદ ન થતાં વન્ય પશુઓ તરસના માર્યા મૃત્યુ પામે છે. બે વર્ષ પહેલાં પેટ્રિક કિલોન્ઝો વલુઆ નામના એક ખેડૂતે અનેક વન્ય જીવ મૃત્યુ પામેલા જોયા તો એનું હૃદય દ્રવી ઉઠયું. પેટ્રિક વટાણાની ખેતી કરે છે અને જેમતેમ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
પેટ્રિકને મનમાં થયું આપણે તો બોર કરીને પાણી કાઢીને જીવી લઈએ છીએ. આ બિચારા વન્ય જીવો પાણી માટે શું કરી શકે. એમને આમ મરવા ન જ દેવાય. મારે કશુંક કરવું જોઈએ! પણ અહીં વગડામાં આ પ્રાણીઓ માટે પાણી ક્યાંથી આવી શકે? શી રીતે લાવી શકે. આ પ્રાણીઓને પાંચ-પચ્ચીસ ડોલ પાણીથી તો ચાલે નહીં!
સામાન્ય માણસ કરૂણા અનુભવીને આખરે વાત કુદરત પર છોડી દે. પરંતુ પેટ્રિકને થયું, કુદરતે મારા મનમાં આ લાગણી જન્માવી છે તો મારું કર્તવ્ય છે કે હું આ પ્રાણીઓ માટે કશુંક કરું! પણ લાખ રૂપિયાનો સવાલ હતો, શું કરવું?
શહેરમાંથી પાણી લાવીને અહીં નાના નાના તળાવ ભરી શકાય! એણે તપાસ કરી તો ખબર પડી કે પાણીનું ૧૧,૦૦૦ લિટરનું એક ટેન્કર ૨૫૦ ડોલર (આશરે ૧૮,૦૦૦ રૂપિયા) માં આવે. એટલા પૈસા તો એની પાસે નહોતા. એણે નગરમાં સ્કૂલોમાં જઈને, કોલેજોમાં જઈને, વ્યાપારીઓને મળીને રજુઆત કરી. દાન માગ્યું. પૈસા ભેગા થયા તો એ ટેન્કર લઈ ઉપડયો વગડામાં. ત્યાં સરસ પથરાળ ખાડો જોઈને એમાં ટેન્કર ખાલી કરી દીધું.
બીજા દિવસે ફરી બધાને મળી મળીને દાન માગવા લાગ્યો. પૈસા ભેગા થતાં જ તેણે ટેન્કર લીધું અને ફરી ઉપડયો વગડામાં એ જ તળાવમાં ટેન્કર ખાલી કર્યું. એણે જોયું કે જાતજાતના પ્રાણીઓ ત્યાં પાણી પીવા આવી ગયા હતા. હાથી, જંગલી ભેંસો, હરણ, સાબર, ઝિબ્રા વગેરેના ટોળાં આવી ગયા હતા. હવે એણે નક્કી કર્યું કે દુકાળ પુરો ન થાય ત્યાં સુધી લોકો પાસેથી પૈસા દાન માગીને પાણીના ટેન્કર લઈને અહીં વગડામાં ખાલી કરતા જ રહેવું.
એ ખેતીના કામ સિવાયનો બધો જ સમય આસપાસની સ્કૂલ, કોલેજો, સરકારી કચેરીઓ, મોટા વ્યાપારીઓ, કંપનીઓ વગેરેમાં જઈને વન્ય જીવો આપણા માટે કેટલા મહત્ત્વના છે એની વાત કરે છે. એમના માટે આપણે કશુંક કરવું જ જોઈએ એવો આગ્રહ કરે છે અને પોતે બધાને અઠવાડિયે ચાર વખત ૧૧૦૦૦ હજાર લિટર પાણી પહોંચાડે છે એની વાત કરે છે. પછી દાન માગે છે. તેણે ગોફંડમી નામનું પેજ બનાવ્યુ છે. એના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ ફેલાઈ રહી છે. એને અમેરિકાની ચાર યુવતિઓ પણ નિયમિત દાન કરવા લાગી છે. બીજા જેને જેને ખબર પડતી જાય છે તે જોડાઈ રહ્યા છે.
પેટ્રિક કિલોન્ઝો વલુઆ વન્ય જીવોને પાણી પુરું પાડવાના આ કામમાં દર અડવાડિયે ચાર વખત ૫૦-૫૦ કિલોમીટરનો ફેરો કરે છે. એણે આવા ચાર તળાવ બનાવ્યા છે. તે કહે છે, ખબર નથી હું આ બધું ક્યાં સુધી કરી શકીશ, પરંતુ જ્યાં સુધી કરી શકું છું ત્યાં સુધી જરૂર કરતો રહીશ. પેટ્રિક પોતે એક કિડની ગુમાવી ચૂક્યો છે અને બીજી કિડનીમાં પણ તકલીફ છે, છતાં એ પોતાની સારવારમાં પૈસા વાપરતો નથી.
makhan.cc@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જીવદયામાં માનીએ તો છીએ, પરંતુ જાણીએ છીએ? appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/jivataya-believe-at-the-look-over/
via Best Gujarati News
0 Comments