વિશ્વવ્યાપી :- નમન મુનશી

સાહેબ અમને છૂટાછેડા જોઈએ છે.

જજ – કેમ?

પત્ની – અમે લગ્નથી કંટાળી ગયા છીએ

જજ – તો લગ્ન શા માટે કર્યા હતા?

પતિ – અમે એકલા રહી કંટાળી ગયા હતા

જજ – લગ્નથી કંટાળવાનું કારણ?

પત્ની – કારણ તો અમારા લગ્ન…

આ એક સમયાનુસાર જોક છે, સ્વાભાવિક જ છે, છુટા પડવા માટે પહેલા ભેગા થવું પડે, છુટાછેડા માટે લગ્ન તો કરવા જ પડે.

અમુક ડિવોર્સ આપણને આંચકો આપી જતા હોય છે, ખાસ કરીને સેલીબ્રીટીસના કે મોટા ઉદ્યોગપતિ ફેમિલીના.

આજકાલ આપણા ભારતીય ઉપખંડમાં આધુનિકતાની લહેર ઉપડી છે, આ લહેર સ્વાભાવિક રીતે જ અમેરિકા અને પશ્ચિમી દેશોની હવા ને લીધે જ છે. અમેરિકા જેવા દેશોમાં આપણા સંકુચિત માનસિકતા વાળા પ્રજાજનોનું સ્થળાંતર, કુવામાંથી સીધા સાગરમાં પહોંચતા દેડકા જેવી સ્થિતિ નિર્મિત કરે છે. નો ડાઉટ વ્યક્તિગત સ્વતંત્રતા રીતે અમેરિકા જેવો દેશ આખા વિશ્વમાં ક્યાંય નથી. પરંતુ આ જ સ્વતંત્રતાના અધિકારોએ ત્યાં સ્વચ્છન્દતાનું આવરણ ઓઢી લીધું છે. ના, આ કાંઈ અમેરિકાની સંસ્કૃતિ કે રીતિ-નીતિના છાજીયા લેવા માટે નથી લખ્યું. અમુક બાબતોમાં તે શ્રેષ્ઠ જ છે પણ મૂળે સમસ્યા તેના આંધળા અનુકરણે કરી છે. છૂટાછૂડાના મુખ્ય કારણમાં લવમેરેજ અને એરેન્જ મેરેજ વચ્ચે વાદ-વિવાદ થતો રહે છે.

આપણે છૂટાછેડાના કારણોનું પોસ્ટમોર્ટમ પણ કરવું નથી, તે વ્યક્તિગત બાબત છે કે પડયું પાનું નિભાવવું કે ઝાટકીને આઘા ખસી જવું. હિન્દુ રિવાજ મુજબ લગ્ન વિધિમાં સાત ફેરાનું વિધાન છે, જેમાં ચોથો અને સાતમો ફેરો લગ્નજીવનનો મૂળ પ્રાણ, મંત્ર છે. ચોથા ફેરામાં બન્ને સૌહાર્દપૂર્ણ તથા પરસ્પર પ્રેમ સાથે જીવન વિતાવે અને સાતમા ફેરામાં પતિ-પત્નિ પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અને શાંતિ સાથે જીવન વ્યતીત કરે. (એમ તો આ સાત ફેરામાં આખા વિશ્વના કલ્યાણની ભાવના પણ છે).

આખા વિશ્વમાં ડિવોર્સનું સૌથી ઓછું પ્રમાણ ભારતમાં છે, માત્ર એક ટકા. કેમ? પહેલો જવાબ મજબૂરી જ છે એવું નથી. સામાજિક, આર્થિક તેમજ લગ્નને સન્માન, જીવનસાથી પ્રત્યેની લાગણી, ખાસ તો સંસ્કાર મહત્વનો ભાગ ભજવે છે, લગ્ન જીવનપર્યંત ટકે તે માટે. કડવા ચોથ કે વડસાવિત્રી પૂનમ જેવા તહેવાર, સાહચર્ય દરમ્યાન નાની-મોટી ઘટનાને કારણે આવતી ખટાશને ન્યુટ્રલ કરવામાં સાકર જેવો ભાગ ભજવે છે.

આટલા ઓછા પ્રમાણ માટે સમાજના દબાણ, એરેન્જ્ડ મેરેજ સામાન્યતઃ બે ફેમિલીઓના મિલન તરીકે જોવામાં આવે છે અને તે વિવાહ – લગ્ન વચ્ચેનો ગાળો કારણભૂત છે.

ભારત પછી નંબર છે ચીલીનો, ત્યાં પ્રમાણ છે ૩ ટકા જેટલું, કોલંબિયા ૯ ટકા, મેક્સિકો ૧૫ ટકા ટર્કી ૨૨ ટકા સાથે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમાંકે છે. આ ક્રમ દર હજારે થતા ઓછામાં ઓછા ડિવોર્સના છે.

તો વધુમાં વધુ ડિવોર્સ લેતા દેશો કયા છે, તે પણ જાણી લઈએ.

લક્ઝમબર્ગઃ ૮૭ ટકા, આ યુરોપીય દેશની વસ્તી માત્ર ૫ લાખ આસપાસ છે. સ્પેન ૬૫, ફ્રાન્સ, ૫૫ રશિયા ૫૧ ટકા ડિવોર્સ રેટ ધરાવે છે. આપણા દરેકની માન્યતા કે ધારણા એવી જ હશે કે ફ્રી સેક્સ તેમજ આઝાદ વિચારસરણી ધરાવતો અમેરિકા છૂટાછેડામાં અવ્વલ જ હશે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે ધ યુ એસ આ મામલે પાંચમો નંબર પ્રાપ્ત કરે છે, ૪૬ ટકા સાથે.

અમેરિકામાં બે આધાર વર્ગીકૃત કરવામાં આવ્યા છે છુટા પડવા માટે, એટ-ફેલ્ટ જેમાં લગ્નનો અંત જ સમાધાન છે. બીજું નો-ફેલ્ટ, કોઈપણ જાતના આરોપ-પ્રત્યારોપ વગર, સ્વેચ્છાએ, છુટા પડવું.

થોભો, થોભો, અમેરિકાનું ડિવોર્સ પ્રમાણ ઓછું હોવાનું કારણ જે આપણે જોકમાં વાંચ્યું તે જ છે – લગ્ન. લોકોને લગ્નની જવાબદારીઓ ઊઠાવવાને બદલે અયોગ્ય સંબંધ રાખવાનું વધારે ગમે છે.

છૂટાછેડા શું આપે છે?

જયારે લગ્નજીવન ત્રાસદાયક હોય ત્યારે ખુશી કે આનંદ, પરંતુ કોઈ ખાસ મહત્વના કારણ વગર હોય ત્યારે દુઃખ અને પીડા જ આપે છે. બાળકોના ભવિષ્ય કે જીવનસાથીના સમગ્ર જીવનને અસર કરે, બરબાદ કરે છે, ડિવોર્સ. ગુસ્સાના આવેગમાં કહેવાતા શબ્દો જીવનભર પસ્તાવો છોડી જાય છે. છૂટાછેડા કે અણબનાવને કારણે માબાપ એકબીજા સાથે રહેતા નથી અથવા બાળકો ફ્ક્ત મા કે ફક્ત બાપ સાથે રહેતા હોય છે ત્યારે, બાળકો સારી રીતે ભણી શકતા નથી. જે છોકરાઓ ફ્ક્ત મા સાથે રહે છે તેઓ ભણતરમાં કંઈ ઉકાળી શકતા નથી, તેઓમાં આપઘાતનું પ્રમાણ વધારે હોય છે અથવા ઓ તરૂણ વયે ગુનાઓ કરી બેસે છે.

અમેરિકામાં છુટા પડવાની આઝાદી છે તો ભારતમાં ભેગા રહેવાની ભવ્યતા છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post છૂટાછેડા લેવા હોય તો પહેલાં લગ્ન કરવા પડે appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/divorce-to-be-if-initiative/
via Best Gujarati News