વિશ્વ જો રંગમંચ હોય તો સ્ત્રીઓ આખું ઓડીટોરીયમ છે
ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી
અઢારમી સદીમાં બ્રિટીશ આર્મીમાં જેમ્સ બેરી નામનો મિલીટરી સર્જન હતો. ડોક્ટર બેરી સાઉથે આફ્રિકાથી લઈને બ્રિટીશ સામ્રાજ્યના ઘણા દેશોની આર્મીમાં ડોક્ટર તરીકે ફ્રજ બજાવી. પોતાની આખી જિંદગી દરમિયાન હજારો સૈનિકોની સારવાર કરી અને હજારોના જીવ બચાવ્યા. ફ્ક્ત ઘાયલ સૈનિકો જ શું કામ, જે તે પ્રદેશના વસાહતીઓની વહારે પણ આ ડોક્ટર દોડી જતા. આફ્રિકાની અંદર આઈરીશ સર્જન દ્વારા સૌથી પહેલું સિઝેરીયન ઓપરેશન કર્યું. તે સમય હતો અઢારમી સદીનો. અડધોઅડધ ડીલીવરીઓ મા અથવા બાળક કે પછી બંનેનાં મૃત્યુમાં પરીણમતી. પરંતુ આ ઓપરેશન કુશળ સર્જન ડોક્ટર બેરીએ કરેલું એટલે તે મા અને બાળક બંને બચી ગયાં. આવા તો અનેક ચમત્કારો તે ડોક્ટરે કર્યા હશે અને બ્રિટીશ સામ્રાજ્ય તેની બહુ જ કદર કરતું. પરંતુ બ્રિટનની રાણીને ખબર નહિ હોય કે સૌથી મોટો ચમત્કાર તો ડો. બેરીના મૃત્યુ પછી થવાનો હતો. સને ૧૮૬૫ માં તેનું મૃત્યુ થયું, ત્યારે ખબર પડી કે આ ડોક્ટર તો હકીકતમાં માર્ગરેટ એન બલ્કલી છે, એક સ્ત્રી-મહિલા-નારી.
માર્ચ મહિનો પૂરો થયો અને આ મહિનામાં તહેવારો સાથે જુદા જુદા દિવસોની ઉજવણી પણ વિશ્વએ કરી. એક બાબત માર્ક કરવા જેવી એ છે કે ઇન્ટરનેશનલ વીમેન્સ ડે અને વર્લ્ડ થીએટર ડે એક જ મહિનામાં આવે છે. મહિલા દિન અને નાટકો માટે ઉજવાતા રંગમંચ દિન શું કામ એક જ મહિનામાં ગોઠવાયા હશે? ઇત્તેફક બોલે તો આ કઈ અમસ્તો જ યોગાનુયોગ નથી. માનવજાતના સબકોન્શીયસમાં હશે એ જ આખરે કેલેન્ડરમાં આવી ગયું. સ્ત્રીઓ અને નાટકો બંને પર્યાય છે એવું ભલે જગતભરના પુરુષોએ કહ્યું ન હોય, પણ અંદરખાને તો તેઓ એવું માને જ છે. અને જો તેઓ એવું ન માનતા હોય તો તેમની ભયંકર ભૂલ છે. કારણ કે ભાગ્યવિધાતાએ, સર્વશક્તિમાન એવા સર્જનહારે સ્ત્રી અને પુરુષ બનાવ્યા એમાં નાટયતત્વ સૌથી વધુ સ્ત્રીમાં જ મુક્યું. કોઈ પુરુષ આજીવન સ્ત્રીવેશમાં રહીને અનેક દેશોમાં પોતાની સેવા આપે અને આજીવન કોઈને ખબર પણ ન પડે એવી કલ્પના કરી શકો છો? એ ફ્ક્ત સ્ત્રીની તાકાત છે. વુમનહુડ રંગદેવતાની છત્રછાયામાં ઉછરે છે અને ખીલીને વિરાટ s શીતળ છાયા આપે છે.
ઘરની કોઈ પણ સ્ત્રી સામે જુઓ. પાંચ મહિનાની નાની બાળકીથી લઈને એંશી વર્ષના દાદીમા સામે નજર કરો. નાટયાત્મકતા ક્યાં વધુ જોવા મળે છે? છોકરો જન્મે તો તેના ઘોડિયાના ખોયાનો રંગ પણ બોરિંગ હોય. દીકરીનો જન્મ થયો હોય તો ખુલતા ગુલાબી રંગથી લઈને પચરંગી ઘોડિયાની એક વિશાળ રેન્જ જોવા મળે. દાદાજી હોય અને એકલા પડી ગયા હોય તો એકના એક સફેદ કપડાંમાં, રાખોડી બીડીનું પેકેટ ખિસ્સામાં લઈને ફ્રતા, ઘરના ખૂણામાં મૂંગા મૂંગા પોતાનો સમય પસાર કરશે. એ જ સ્થિતિના કોઈ દાદીમાને જુઓ. બીમાર હશે તો ય વાતો કરતા હશે, શરીરમાં શક્તિ નહિ હોય તો ય છણકા કરતા હશે, ચાલી શકાતું નહિ હોય તો ય પડોશીની પંચાત એમની પાસેથી જાણવા મળે. કયું પાત્ર તખ્તા ઉપર જોવાની વધુ મજા આવે? ઓફ કોર્સ, ધ લેડી હરસેલ્ફ્. કુદરતી રીતે જ તેમાં નાટયકલા ખીચોખીચ ભરેલી છે.
રીસાવું, રડવું, હસવું, મનાવવું, ચીડિયાપણું બતાવવું, મોહી પડવું, જીદ કરવી, નાચવું-કૂદવું, જાસુસી કરવી, નખરા કરવા, કતરાવું, તાગવું, અનુભવવું, અભિવ્યક્ત કરવું, દોષારોપણ કરવું, ખીજાવવું, પ્રેમમાં વરસી પડવું આવા બધા ઈમોશન્સ ઉપર તો શ્રેષ્ઠ પૂર્વસુરીઓ મોહી પડયા છે. મહાભારત-રામાયણ જેવા જાણીતા ઉદાહરણો છોડો, નાના-મોટા સર્જકોની રચનાઓ પણ આવી ભાવનાઓની ઇર્દગીર્દ સર્જાય છે અને આ લાગણીઓની તીવ્રતા સ્ત્રીઓમાં જ વધુ છે. એવું નથી કે પુરુષો લાગણીશીલ નથી કે તેનામાં આ બધી લાક્ષણિકતાઓ ન જોવા મળે. મુદ્દો એ છે કે જયારે રંગમંચ ઉપર કલાકાર હોય ત્યારે તે કલાકારે બહુ ઝડપથી તેના ચહેરાના હાવભાવ બદલવા પડે, ફૂટવર્કથી લઈને મેટામોર્ફેસીસ જેવી બધી જ કળાઓમાં ઝડપ દેખાડવી પડે. રીલ લાઈફ્માં એ કામ પુરુષો અને સ્ત્રીઓ સરખા સ્તર ઉપર કરતા હશે પરંતુ રીયલ લાઈફ્માં અઝીમોશાહબેગમ સ્ત્રીઓ જ મેદાન મારી જાય છે. નટીશૂન્ય નાટકો એટલે તો લુપ્ત થઇ ગયા.
જરા કલ્પના કરો કે જો સ્ત્રીઓની અંદર આ કુદરતી નાટયવિદ્યા ન હોત તો? સાડીના છેડામાં સંતાડીને પડોશમાંથી મેળવણ લઇ આવતી સ્ત્રીમાં કે સેલ્ફ્ી પાડતી વખતે મોઢું ચિત્ર-વિચિત્ર કરતી સ્ત્રીમાં જો નાટયભાવ ન હોત તો? કલ્પના કરી શકો છો? નો, વી કેન નોટ. તેમની આ ખૂબીઓએ જ જગતને સુંદર બનાવ્યું છે. સફ્ળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ નહિ તેની આ નાટયત્મકતા રહેલી હોય છે. ગાંધીજીથી લઈને આઈનસ્ટાઇન સુધી, કૃષ્ણથી લઈને શંકર સુધી, આદમથી લઈને રાજા ભરત સુધી, દરેકે દરેક પુરુષની જિંદગીમાં તેની સાથે રહેલી સ્ત્રી કે સ્ત્રીઓની નાટયાત્મકતાએ ખુબ મોટો રોલ ભજવ્યો છે. સહેજ ઝીણી આંખોથી જોઈએ તો ખ્યાલ આવે કે પળવારમાં હસતી ને ક્ષણવારમાં ખોટું લગાડતી સ્ત્રીઓએ જાણતા-અજાણતા આ પૃથ્વી નામના ગોળાને ઘર જેવા ગ્રહમાં ફેરવ્યો છે. વિરાટવાચકો, ચોક્કસપણે કહી શકાય કે કોઈ એક આદિમાનવે પૈડાની શોધ પોતાના માટે નહિ કરી હોય, પણ તેના કબીલાની સ્ત્રી એક જ ગુફમાં રહીને કંટાળી ગઈ હશે એટલે બીજી જગ્યાએ સ્થાળાંતર કરવા માટે જ તે પુરુષને પૈડું શોધવું પડયું હશે. સ્ત્રી-પુરુષ સમાન કે સ્ત્રી-સશક્તિકરણ જેવી હમ્બગ ઝુંબેશો ઉપાડતા હરખઘેલાઓએ ક્યારેય એ વિચારવાનો પ્રયત્ન જ નથી કર્યો કે સ્ત્રીઓ પાસે તો યુગોથી ખજાનો છે અને પુરુષો એના ખિસ્સાનું કાણું હમણાં સીવતા શીખ્યા છે.
આખી વાતનો ટૂંકસાર એ છે કે શું હવેનો સમય સ્ત્રીઓમાં રહેલી આ નાટયાત્મકતા ધીમે ધીમે ભૂંસી નાખશે? કોર્પોરેટ કલ્ચર, ગળાકાપ હરીફઈ, ફઈવ-જી જનરેશન શું સ્ત્રીઓ અને પુરુષોને એકસમાન કરી નાખશે? જો એવું ભયાવહ પરિણામ આવશે તો તેને વિકાસ કહેવાય કે વિનાશ?
facebook.com/abhimanyu.modi.7
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વિશ્વ જો રંગમંચ હોય તો સ્ત્રીઓ આખું ઓડીટોરીયમ છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/world-if-theater-stage-to-the-level/
via Best Gujarati News
0 Comments