સંઘર્ષથી લઈને સફળતા સુધી…
ફોકસ :- વસંત કામદાર
જાપાનનાં એક પરીવારે શેર બજારમાં ખોટુ રોકાણ કરીને પોતાની તમામ સંપત્તિ ગુમાવી દીધી. તેઓ કંગાળ અને દેવાળીયા બની ગયા. પરીવારનાં નાના દિકરાને નિશાળની ફી ભરવાનું પોષાય તેમ નહોંતુ આથી તેણે ભણવાનું છોડીને કેવળ ૯ વર્ષની ઉંમરે હિબાચી નામની એક નાનકડી દુકાનમાં મજૂરી કામ શરૂ કર્યું. આમ ને આમ દિવસો પસાર થતા ગયા અને એ છોકરો જુવાન થયો. તેને ઓસાકા ઈલેક્ટ્રીકલ લાઈટ કંપનીમાં નોકરી મળી. આ કંપનીમાં ઈલેક્ટ્રીકલ બલ્બ અને સોકેટસ બનતા હતા. એ છોકરાને ઈલેકટ્રીસીટીમાં રસ પડવા લાગ્યો…કંપનીનાં બીજા કારીગરો ક્યારે પાળી પૂરી થાય અને બધા જતા રહે તે પછી પણ ઈલેક્ટ્રીકલ બલ્બ તથા સોકેટ ઉપર જાત જાતનાં પ્રયોગો કરતો રહેતો. આમ કરતાં કરતાં એક દિવસ તેણે બલ્બ અને સોકેટની નવી અને વધારે સારી ડીઝાઈન તૈયાર કરી દીધી. એ પોતાની નવી ડીઝાઈન લઈને કંપનીનાં મેનેજર અને માલિક પાસે ગયો તો એ લોકોએ તેની ડીઝાઈનની ખામીઓ ગણાવી તેને કંપનીમાંથી કાઢી મૂક્યો. ખૂબ જ નિરાશ અને હતાશ થયેલા એ જુવાને પોતાની જાતે બલ્બ અને સોકેટનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું. તેનાં પરીવારજનો તથા મિત્રોએ તેનાં આવા નિર્ણયને અવાસ્તવિક ગણાવી તેની ઠેકડી ઉડાવી.
આ જુવાન પાસે ભણતર નહોતુ, નાણા નહોતા અને ઉચ્ચ કક્ષાનાં કોઈ સંબંધો પણ નહોતા. તેમ છતાં કેવળ અનુભવ અને સાહસિક્તા મૂડી ઉપર તેણે ૨૨ વર્ષની ઉંમરે ૧૯૧૮માં પોતાનાં ઘરનાં ભોંયરામાં એક નાની ફેકટરી શરૂ કરી. તેની સાથે તેની નવયુવાન પત્ની અને તેનો સાળો પણ જોડાયો. તેઓ કોઈ કારીગરને નોકરીએ રાખી શકે તેમ હતાં નહી આથી તેઓ જાતે જ ફેકટરીનું તમામ કામકાજ સંભાળતા. તેમણે બલ્બ અને સોકેટસ બનાવવાનું શરૂ કર્યું પણ તેમનાં નવી ડીઝાઈનનાં ઉત્પાદનોને ખરીદ કોણ? વળી એ ક્ષેત્રમાં વર્ષોથી જામી પડેલી મોટી કંપનીઓ એ નવા નિશાળીયાને માર્કેટમાં ઘૂસવા દે પણ ખરી…? થોડા મહીનાઓ સુધી ગ્રાહક નહીં મળવાનાં કારણે એ જુવાનની હાલત વધારે કફોડી બની. આખરે એક દિવસ ભારે હતાશમાં એ જુવાને ફેકટરી વેચીને ક્યાંક નોકરી ઉપર ચડી જવાનું નક્કી કર્યું.
એ જુવાન ફેકટરી વેચે એ પહેલાં જ એક ચમત્કારિક ઘટના બની. એક અજાણ્યો માણસ તેની ફેકટરીમાં આવ્યો અને તેણે તેની ડીઝાઈનનાં ભરપેટ વખાણ કર્યા એટલું જ નહીં પણ તેણે તેને ઈલેક્ટ્રીકલ પંખાઓની ૧૦૦૦ ઈન્સ્યુલેટર પ્લેટસનો તોતીંગ અને કલ્પના બહારનો ઓર્ડર આપ્યો.
આ સફળતાથી પ્રેરાઈને એ જુવાને ૧૯૨૭માં સાઈકલ સાથે જોડાતા બલ્બ બનાવવાનું શરૂ કર્યું. એ જુવાને પોતાનાં વેપારનો વિસ્તાર કરતાં લાઈટ ફિકચર્સ ઈલેકટ્રીકલ મોટર્સ તથા ઈલેક્ટ્રીકલ ઈસ્ત્રીઓની પણ ફેકટરીઓ શરૂ કરી.
૧૯૬૧માં એ જુવાને અમેરીકા અને યુરોપનો પ્રવાસ ખેડીને ત્યાંના ડીલરોને પોતાનાં ઉત્પાદનો વેચવા માટે તૈયાર કર્યા. તેનાં આ પ્રવાસનાં લીધે અમેરીકા અને યુરોપનાં બજારોમાં ટી.વી. ફ્રીઝ, કૂકર તથા માઈક્રોવેવ ઓવન જેવી જાપાનીઝ ઈલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓનો ખડકલો થવા લાગ્યો અને જાપાનને જંગી પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ મળવા લાગ્યું.
તેની કંપનીએ ૧૯૬૫માં ઓડીયો સ્પીકરની આધુનિક ટેકનોલોજી માર્કેટમાં મૂકી અને તેની સાથે ઈલેક્ટ્રોનિક મ્યુઝિકનું એક આખું વિશ્વ ઉઘડી ગયું. એ પછી તો તેનાં અત્યંત ઉચ્ચ ગુણવત્તાનાં સ્ટીરીયો કંમ્પોનન્ટસ ધરાવતા રેકોર્ડ પ્લેયર અને સી.ડી.પ્લેયર આખા જગતમાં ગુંજી ઉઠયા. એ જુવાને પશ્ચિમનાં આઈ.બી.એમ સાથે સ્પર્ધા કરી શકે એવું સંપૂર્ણ સ્વદેશી કોમ્પ્યુટર પણ વિકસાવ્યું. તેણે પોતાનાં સાળા તોશીયો લ્યુ ને પ્રોત્સાહન આપીને ‘સાનીયો’ નામની એક કંપની શરૂ કરાવી.
જાપાનનાં ઓસાકા ખાતે માત્સુશીતા ઈલેક્ટ્રીકલ ઈન્ડસ્ટ્રીઝનાં નામથી શરૂ થયેલી એ જુવાનની કંપની આજે તો એક મોટી મલ્ટીનેશનલ કંપની તરીકે આખા વિશ્વમાં સન્માનજનક સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૨માં તેની કંપની ટેલીવિઝન સેટ બનાવવામાં વિશ્વનાં ચોથા ક્રમે ઝળકી હતી. ૨૦૧૭માં ૨લાખ ૫૮ હજાર કર્મચારીઓ તેમાં કામ કરતાં હતાં અને તેનું ર્વાિષક ટર્ન ઓવર લગભગ ૩૮૦ બીલીયનને આંબી ચૂક્યું હતું. એ વર્ષે તેની સંપત્તિ અંદાજીત ૬ ટ્રીલીયનનું મૂલ્ય ધરાવતી હતી. આજે દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ દેશ છે કે જ્યાં એ જુવાનની કંપનીની પ્રોડક્ટસ ન વેચાતી હોય…એ જાપાનીઝ જુવાનનું નામ ‘કોનોસૂકે માત્સુશીતા’ અને તેણે સ્થાપેલી કંપનીનું નામ ‘પેનાસોનિક’
જાપાનની સહુથી મોટી ઈલેકટ્રોનિક કંપનીનાં સ્થાપક માત્સુશીતાને ‘ધી ગોડ ઓફ મેનેજમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. અમેરીકન પત્રકાર જોન કોટરે તેમનાં જીવન વિશે ‘માત્સુશીતા લીડરશીપ’ નામનું બેસ્ટ સેલર પુસ્તક પણ લખ્યુ છે. તેને અનેક વિશ્વ વિખ્યાત ખિતાબો પણ એનાયત કરવામાં આવ્યા છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સંઘર્ષથી લઈને સફળતા સુધી… appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/from-struggle-to-success-up-to-success/
via Best Gujarati News
0 Comments