લોકસભાની ચૂંટણીને પણ નડે છે મોંઘવારી!
સમયની આરપાર :- નરેન વઢવાણા
વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં થવા જઈ રહી છે. હાલનું ચિત્ર જોતાં તો સત્તરમી લોકસભા ચૂંટણી રૂપિયાના વરસાદ વચ્ચે યોજાશે એમ સ્પષ્ટ વર્તાય છે. અગાઉ થયેલી ચૂંટણીમાં અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. સરકાર ભલે સતત ઈનકાર કરતી રહે પણ ચૂંટણી ટાણે તેમનેય મોંઘવારી નડી જ જતી હોય છે. એટલે જ આ વખતે વધેલી મોંઘવારી પ્રમાણે ખર્ચનો આંકડો ૧ લાખ કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. અહીં દાન ક્યાંથી કેટલું આવ્યું એનાં પર ચર્ચા કરવી નકામી છે. બધાં ઉમેદવારો ચૂંટણી જીતવા માંગતા હોય છે અને એટલે જ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે. પક્ષ જે ખર્ચ કરે છે તેનાં પર કોઈ નિયંત્રણ હોતું નથી. ઉમેદવારો જેવોતેવો હિસાબ આપે છે જ્યારે શુભેચ્છકો કોઈ હિસાબ નથી દેતા. બસ, જીત્યા પછી પોતાનું કામ, ટેન્ડર, ટેક્સમાં છૂટછાટ કે કોન્ટ્રાક્ટ લઈ લે છે. આ વખતે ચૂંટણીમાં લગભગ ૯૦ કરોડ લોકો મત આપવાનાં છે. એક લોકસભા સીટ પર ૧૫ થી ૨૦ લાખ જેટલા મતદારો છે અને દરેકને કંઈને કંઈ જોઈએ છે. પરિણામે દરેક ઉમેદવારો નાનોમોટો વહીવટ કરવો પડતો હોય છે.
એક અનુમાન મુજબ ચૂંટણી ખર્ચને લઈને જે આંકડાઓ સામે આવી રહ્યાં છે તે ચોંકાવનારાં છે. ખાસ કરીને બીજે રસ્તે વહાવવામાં આવતાં નાણાં પ્રવાહનો હિસાબ લગાવવો શક્ય નથી. દેશની પ્રથમ લોકસભા ચૂંટણીમાં સરકાર અર્થાત ચૂંટણી પંચે કુલ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેની સામે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં સ્ટાફ અને અધિકારીઓનાં પગાર ઉપરાંત લગભગ ૪ હજાર કરોડ રોકડા ખર્ચાયા હતા. જેમાં ચૂંટણી સામગ્રી, મતદાન મથકો ઉભા કરવા, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી જેવાં ખર્ચાં સામેલ હતાં. એમાં સ્ટાફ અને અધિકારીઓનાં વેતન અને ભથ્થાંઓ પણ જોડી દેવામાં આવે તો આ ખર્ચ અનેકગણો વધી જાય છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ચૂંટણી પંચ લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા વર્તમાન લોકસભા ચૂંટણી પાછળ ખર્ચી ચૂક્યું છે.
આપણે ત્યાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો જે ખર્ચો કરે છે તેના પર ચર્ચા ઓછી જ થાય છે. ઘણીવાર તો ગુપ્ત રીતે થતાં ખર્ચથી જ ઉમેદવાર જીતે છે છતાં જાહેરમાં કદી તેની ચર્ચા થતી નથી. એક અંદાજ મુજબ લોકસભા ચુંટણીમાં એક ઉમેદવાર ઓછામાં ઓછા વીસ કરોડ રૂપિયા ખર્ચ કરશે, પાર્ટીનો ખર્ચ તો અલગ. હવે ચુંટણી પંચે ખર્ચની મર્યાદા ૨૮ લાખથી વધારીને ૭૦ લાખ કરી દીધી છે પણ તેને ક્યો ઉમેદવાર માનશે, અને જો માનશે તો ચુંટણી કેવી રીતે લડી શકશે તે સવાલ છે. આવું માત્ર ભારતમાં જ છે એવું નથી. યુરોપ, અમેરિકા બધે આ જ સ્થિતિ છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે તાલુકા-જિલ્લા પંચાયતની, કે પછી વિધાનસભાની, દરેક જગ્યાએ રૂપિયાનું જ રાજ ચાલે છે.
એક રિપોર્ટ મુજબ પાંચ મોટા પક્ષોને જે રૂપિયા મળ્યાં છે તેમાંના મોટાભાગનાં સોર્સ કોણ છે તે જાણી શકાયું નથી. આ રૂપિયામાંથી એક પક્ષે તો ફઈવ સ્ટાર હોટલ જેવું તેનું કાર્યાલય બનાવ્યું છે. એક પાર્ટીએ રાજકીય પક્ષોને મળતાં દાનમાં પારદર્શિતાની વાત કરી હતી, પણ સત્તામાં આવ્યા પછી બધું ભૂલી ગઈ હતી. એક પ્રાદેશિક પક્ષે તો ત્યાં સુધી કહ્યું કે અમે ચુંટણી એટલાં માટે હારી ગયાં કારણ કે અમારી પાસે રૂપિયા નહોતાં. એનો અર્થ એ થયો કે બાહુબળ નહીં માત્ર ધનબળ જ ચુંટણી જીતાડી શકે છે. સવાલ એ થાય કે આટલાં બધાં રૂપિયા આવે છે ક્યાંથી? કોણ લોકો છે જે આ પક્ષોને આટલી જંગી માત્રામાં નાણાં આપે છે? સામાન્ય રીતે રાજકીય પક્ષો સ્વૈચ્છિક દાન, ક્રાઉડ ફંડિંગ, સભ્ય અભિયાન, કૂપન વેચાણ કે પક્ષનું સાહિત્ય વેચીને અથવા કોર્પોરેટ કંપનીઓ પાસેથી દાન મેળવી રૂપિયા ભેગાં કરતી હોય છે. કંપનીઓ સીએસઆર થકી બે ટકા સુધી દાન આપતી હોય છે. જો કે એમાં પણ અનેક ઘપલાં હોય છે. પક્ષનાં કાર્યકરો ધાકધમકીથી ફંડ ઉઘરાવી જાય છે તો ક્યારેક કોર્પોરેટ્સ બીકનાં માર્યા અથવા પોતાનાં સ્વાર્થે સામેથી ટેબલ નીચેથી વ્યવહાર કરી જાય છે. ગત વર્ષે પારદર્શિતાનાં નામે સરકારે રાજકીય દાનની પ્રક્રિયામાં ત્રણ સુધારા કર્યાં હતાં. એક, હવે રાજકીય પક્ષો વિદેશી ફંડ પણ લઈ શકે છે. બીજો, કોઈપણ કંપની ગમે તેટલી રકમ કોઈપણ પક્ષને દાન કરી શકે છે.
અને ત્રીજો, કોઈપણ વ્યક્તિ કે કંપની ખાનગી રાહે ચૂંટણી બોન્ડ થકી કોઈપણ પાર્ટીને દાન દઈ શકે છે. જો કે બધાં જાણે છે કે આટલી રકમમાંથી ચુંટણી જીતી શકાતી નથી. ઉમેદવારને ચુંટણી લડવા ખર્ચની ૫૦ ટકા જેટલી રકમ અપાય છે. બાકીનાં ઉમેદવાર ખુદ ઉમેરે છે. આ સિવાય તે પોતાનાં સોર્સ પાસેથી પણ ફંડ મેળવે છે. એક સર્વે મુજબ પક્ષો દાનની ૨૫ ટકા રકમ રેડિયો, ટીવી, છાપાની જાહેરાતો પાછળ ખર્ચે છે. પેઈડ ન્યૂઝ, ફેક ન્યૂઝમાં પણ ઘણાં રૂપિયા ખર્ચવા પડે છે. પોતાની છબિ ચમકાવવા અને પાછળ પણ કરોડો નાખવા પડે છે. હવે તો ઘણાં ઉમેદવારો વિદેશી પીઆર એજન્સીઓ પણ રોકતાં થયાં છે. સ્ટાર પ્રચારકો પાછળ પણ તગડી રકમ વપરાય છે. આ સિવાય ભીડ ભેગી કરવી, તેને લાવવા-લઈ જવામાં અને ખાણીપીણી પર પણ ઘણો ખર્ચ થાય છે. પક્ષનાં ઝંડા, બેનર, પોસ્ટરો, વાહનો, ચાપાણી, દારૂ, કાર્યાલય સંચાલન, સભા અને રેલીઓ પણ ઘણાં રૂપિયા ખાય છે. બાકીનું ૩૦ ટકા દાન મતદારોને સાડી, શર્ટ, સૂટ, મંગળસૂત્ર, મોટરસાઈકલ કે કરિયાણું વહેંચવામાં નાખવું પડે છે. આ બધા એવાં વ્યવહારો છે જેમાં ચુંટણી પંચની નજર ચૂકવીને જીતનો તખ્તો ઘડાય છે. આખું વિષચક્ર એ રીતે ગોઠવાયું છે કે ચુંટણીપંચ, ઉમેદવાર કે રાજકીય પક્ષ એકેય તેની ચુંગાલમાંથી છટકી શકે તેમ નથી. પણ એ પછી તરત મોંઘવારી વધે છે, સરકારી કામકાજોનાં ટેન્ડરો ખૂલે છે. જીતનારને મદદ કરનારાં ઉદ્યોગપતિઓ પોતાનો હિસ્સો વસૂલવામાં લાગી જાય છે અને સરકારો ચુપચાપ મદદ પોતાને મદદ કરનારની મદદ કરતી રહે છે. જ્યારે મતદારોએ આવતા પાંચ વર્ષ સુધી આ બધું જોયાં કરવાનું હોય છે.
સમાપ્ત
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post લોકસભાની ચૂંટણીને પણ નડે છે મોંઘવારી! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/loksabha-election-even-nude/
via Best Gujarati News
0 Comments