વાત રાજીનામા પર પહોંચી
મેનેજમેન્ટ ગુરુ :- સરદાર
વાત એ ચાલી રહી હતી કે ૧૯૪૭ના ડિસેમ્બર મહિનાના એક જ અઠવાડિયામાં સરદાર અને નેહરુ વચ્ચે બે મુદ્દે મતભેદ ઊભા થયા. એમાંનો પહેલો મુદ્દો હતો કાશ્મીરને ૧૫૦ કાર ફાળવવાનો અને બીજો મુદ્દો હતો અજમેરના કોમી રમખાણોની તપાસનો. સરદારનું કહેવું હતું કે કાશ્મીરને મોટર કારો ફાળવતાં પહેલાં એમના (દેશી રાજ્યોના) મંત્રાલયને જણાવવું જોઈતું હતું અને અજમેર મુદ્દે સરદારનું કહેવું હતું કે એક વાર એ પોતે (સરદાર) અજમેર વિશે તપાસ કરી ચૂક્યા હતા અને મીડિયાને બયાન આપી ચૂક્યા હતા ત્યાર પછી નેહરુએ અજમેરની ફેરતપાસ માટે પોતાના માણસ (એચ.વી.આર. આયંગર)ને મોકલવાની શી જરૂર હતી.
સરદારે સ્પષ્ટ ભાષામાં નેહરુને લખ્યું: હું એટલી જ આશા વ્યક્ત કરી શકું કે (એક વાર મેં તપાસ કરાવી લીધી હોય ત્યાર પછી તમારા -નેહરુ- તરફથી ફરી થતી) આ જાતની ‘તપાસ માટેની મુલાકાત’ આ છેલ્લી જ હશે.
પત્ર મળ્યો એ જ દિવસે નેહરુએ સરદારને જવાબમાં લખ્યું…
જે પ્રકારના બનાવો બને છે તેથી અને તમારી તથા મારી વચ્ચે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે તેથી મને પોતાને પણ ઘણુ દુઃખ થાય છે. એમ લાગે છે કે આપણને એકબીજા પ્રત્યે ગમે તેટલું માન હોય પણ આપણા અભિગમો જુદા છે અને જે જુદા મુદ્દા ઊભા થયા છે તે આપણે સૌએ બહુ સંભાળપૂર્વક અને તટસ્થાથી વિચારવાના છે. જો મારે વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાનું હોય તો મારી સ્વતંત્રતા ઉપર હું નિયંત્રણ ન રહેવા દઈ શકું અને મને સંચાલકની ચોક્કસ સ્વતંત્રતા હોવી જોઈએ, નહીં તો પછી મારે નિવૃત્ત થવું વધારે સારું. હું કોઈ ઉતાવળું પગલું લેવા ઈચ્છતો નથી, તેમ તમે પણ એવું પગલું લેવા ન ઈચ્છો. એટલે આપણે, ઊભી થયેલી પરિસ્થિતિ ઉપર પૂરેપૂરો વિચાર કરવો જોઈએ જેથી આપણે જે દેશની આટલા બધાં વર્ષો સેવા કરવા મથ્યા છીએ તેના હિતમાં જ આપણે નિર્ણયો કરી શકીએ. દુર્ભાગ્યે જો તમારે કે મારે ભારત સરકાર છોડવી પડે તો એ ગૌરવ અને શુભેચ્છાથી થવું જોઈએ. મારે પક્ષે તો કહું કે હું ખુશીથી રાજીનામું આપી સત્તાની લગામ તમને સોંપી દઈશ.
નેહરુ રાજીનામું આપવાની હદે પહોંચી ગયા. સરદારે ઉઠાવેલા સવાલ-વિરોધને લીધે નેહરુને એવું લાગ્યું કે એમને અંકુશમાં રાખવામાં આવી રહ્યા છે, પરંતુ સરદાર આ વાત સાથે સહમત નહોતા. એમનું માનવું હતું કે એ નેહરુને કોઈ મર્યાદામાં બાંધી નહોતા રહ્યા.
સાથોસાથ સરદાર એ વાતે પણ સ્પષ્ટ હતા કે અજમેરમાં તપાસ માટે આયંગરને મોકલવાનું નેહરુનું પગલું યોગ્ય નહોતું જ.
આવામાં, બન્ને વચ્ચે મહત્ત્વના મુદ્દે મોટા મતભેદ હોય તો ગાડું ગબડાવ્યા કરવાનો મતલબ નથી એવું સરદારને પણ લાગ્યું. એટલે એમણે નેહરુના ૨૩ ડિસેમ્બર, ૧૯૪૭ના પત્રના જવાબમાં ૨૪ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ એક મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કર્યો. આ મુસદ્દો પછી તેમણે નેહરુને મોકલેલો કે નહીં તેની ખબર નથી, પરંતુ તેનું લખાણ જાણવા-સમજવા જેવું છેઃ
મુસદ્દો
૨૪ ડિસેમ્બર, ૧૯૪૭
તમારા ૨૩મી ડિસેમ્બરના પત્ર માટે આભાર.
અમુક મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા વલણ જુદાં હતાં એ તો આપણે બંને જાણતા હતા પણ તારતમ્યો વિશે કે અંતિમ નિર્ણયો વિશે મતભેદ નહોતો એટલે દેશના હિતમાં આપણે અત્યાર સુધી સાથે કામ કર્યું…
તમારા ગઈ કાલના પત્રમાં તમે જે વલણ લીધું છે તેમાં, મારા નમ્ર મત મુજબ, એવા મુદઓ સમાયેલા છે જેને વિશે આપણી વચ્ચે મહત્ત્વના મતભેદો છે. તમને એમ લાગતું જણાય છે કે પ્રધાન તરીકેની મારી જવાબદારીના ક્ષેત્રમાં આવતી બાબતો અંગે તમે લીધેલાં કોઈ પગલાંનાં જે સંભવિત પરિણામો હું માનતો હોઉં તે સમજાવવાનું મારું પગલું, અથવા એવી જવાબદારીની ઉપેક્ષા કરતા કે તેને અસર કરતા કોઈ પણ પગલાની યોગ્યતા કે સંગીનતા વિશે શંકા ઉઠાવવાની હિંમત કરતું (મારું) કોઈ પગલું, તમારી સ્વતંત્રતા પર અથવા તમે તમારી જવાબદારી અદા કરવા માટે જેને આવશ્યક ગણો છો તેવી તમારી મોકળાશ પર મર્યાદા કે કાપ મૂકે છે. મને ભય છે કે (તમારો) આ મત હું સ્વીકારી શક્તો નથી.
હું એ મતને વળગી રહું છું કે તમે આયંગરને મોકલ્યા તે યોગ્ય નહોતું…
સંચાલનની તમારી સ્વતંત્રતા પર કોઈ પણ રીતે મર્યાદા મૂક્વાની મને જરાયે ઈચ્છા નથી તેમ ભૂતકાળમાં પણ મેં એવું કર્યું નથી, વળી તમને કોઈ પણ રીતે ઉતાવળ કરાવવાની કે તમને મૂંઝવવાની પણ મારી ઈચ્છા નથી, પણ જ્યારે આપણને સ્પષ્ટ લાગે છે કે આપણી બંનેની જવાબદારી, સત્તા અને કાર્યનાં ક્ષેત્રોનાં મૂળભૂત પ્રશ્ન વિશે આપણી વચ્ચે મહત્ત્વનો મતભેદ હોય ત્યારે વધારે વખત ખેંચ્યે રાખવું તે આપણે બંને જે હેતુની સેવા કરવા માગીએ છીએ તેના હિતમાં નહીં હોય.
બીજા પ્રશ્ન (મને કે મારા મંત્રાલયને જણાવ્યા વિના કાશ્મીર માટે ૧૫૦ કારો ફાળવવાના ગોપાલસ્વામી દ્વારા લેવાયેલા નિર્ણય) વિશે પણ મને નથી લાગતું કે મારા અભિગમમાં વિનયની ખામી હતી, પણ મેં ગોપાલસ્વામીને લખ્યું છે તેમ, હું વધુ કંઈ નહીં કહું. તમારા રાજીનામાનો કે તમારી કામગીરીનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. એ બાબતમાં હું તમારી સાથે સંમત છું કે ગૌરવ અને શુભેચ્છા-પૂર્વક જ નિર્ણય થવો જોઈએ અને એમ કરવામાં તમને મદદ કરવા હું મારાથી બનતું બધું જ કરીશ. પણ મને ખાતરી છે કે બિનઅસરકારક સાથી તરીકે હું લાંબો વખત ચાલુ રહું એવું તમે નહીં જ ઈચ્છો. પ્રધાનોની જવાબદારી અંગેની જે મર્યાદાઓ તમે વાજબી ગણો છો, અને, ગોપાલસ્વામીના કિસ્સામાં તમે જે વલણ લીધું છે તેને આધારે જોતાં પણ, જે મર્યાદાઓમાં તમારી સૂચનાથી બીજો કોઈ પ્રધાન પણ (મારી) એ જવાબદારી પર તરાપ મારી શકે એ સ્થિતિનો સમાવેશ થાય, એ મર્યાદાઓ નીચે કામ કરવું માટે અશક્ય બની જશે.
ટૂંકમાં, નેહરુ અને સરદાર એક વાતે સહમત હતાઃ એકમેકની ‘દખલગીરી’ સાંખી શકાય તેવી નથી… પછી શું થયું? જાણો, આવતા લેખમાં. (ક્રમશઃ)
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વાત રાજીનામા પર પહોંચી appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/reaching-resign-over-reached/
via Best Gujarati News
0 Comments