લાઈવ વાયર :- મયુર પાઠક

ઇલેકશન એ પ્રોબેબિલિટીની ગેમ છે. અહીંયા તમારી હાર-જીત તમારી યોગ્યતા અને આવડત પર કાયમ નિર્ધારીત હોતી નથી. ઇલેકશનની જીત ક્યારેક તમે કેટલું ખોટું બોલી શકો છો, કેટલાં ના પળાય તેવાં વચનો આપી શકો છો અને કેટલા કાવાદાવા કરી શકો છો તેના પર પણ આધારિત હોય છે. ઇલેકશન એ બહુ પેચીદો મામલો હવે બની ગયો છે. ક્યારેક સંવેદનામાં કે ક્યારેક ગુસ્સામાં મતદારો વોટિંગ કરે છે. દેશનો સિત્તેર વર્ષનો ઇતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે મતદારોને વચનો આપીને, લાલચ આપીને શાસકોએ સત્તા મેળવ્યાનાં દાખલા સંખ્યાબંધ છે. ચૂંટણીમાં મતદાર કોને વોટ આપશે તેના પર ઘણાં બધાં પરિબળો અસર કરતાં હોય છે. મનોવૈજ્ઞાનિકોનો અભ્યાસ કહે છે કે, કયા મુદ્દાને આધારે મતદારો મત આપશે તે નક્કી કરવું એ ખૂબ અઘરું કામ છે. જો કે રાજકારણીઓ મનોવૈજ્ઞાનિકોથી પણ ચઢિયાતા છે. તેમને ખબર હોય છે કે મતદારો કેવી રીતે ફસાશે.

ચૂંટણીઓની સાથે સાથે ભ્રમિત કરનાર વચનો અને મફત વસ્તુઓની લ્હાણીની શરૂઆત આંધ્રપ્રદેશથી શરૂ થઇ હતી. ૧૯૯૦માં તેલુગુદેશમ પાર્ટીના સ્થાપક પ્રમુખ એન. ટી. રામારાવે બે રૂપિયામાં કિલો ચોખા આપવાની જાહેરાત કરીને આંધ્રપ્રદેશની સત્તા કબજે કરી લીધી હતી. તામિલનાડુ પણ મતદારોને મફતમાં વસ્તુ આપવાની હોડમાં પાછું રહ્યું નથી. તામિલનાડુની બે મોટી પાર્ટીઓ ડીએમકે અને એઆઇએડીએમકેના નેતાઓ કરૂણાનિધિ અને જયલલિતા વચ્ચે ચૂંટણી જીતવા રીતસર મતદારોને મફત વસ્તુઓ આપવાની હરીફાઇ એક જમાનામાં જામતી હતી. ૨૦૦૬ના ઔઇલેકશનમાં ડીએમકેના કરૂણાનિધિએ મફત કલર ટીવી આપવાની જાહેરાત કરીને ચૂંટણી જીતી લીધી હતી. તેની સામે જયલલિતાએ પણ ચૂંટણીસૂત્ર આપ્યું હતું કે, કરૂણાનિધિ જે તમને નહીં આપે તે અમ્મા(જયલલિતા) આપશે.

ખેડૂતોના દેવામાફી કરવાનો સિલસિલો મહારાષ્ટ્ર-યુપીની ચૂંટણીમાં શરૂ થયો અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી આ રેલો પહોંચ્યો. ૨૦૧૪માં મહારાષ્ટ્ર અને ૨૦૧૭માં યુપી વિધાનસભાની ચૂંટણી ભાજપે ખેડૂતોનું દેવું માફ કરીને જીતી હતી. આ જ ટ્રેક રેકોર્ડ પર કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જાળવ્યો અને ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી ૨૦૧૮માં સત્તા કબજે કરી લીધી.

ચૂંટણીઓ હકીકતમાં જે તે વિસ્તારનો વિકાસ કરવાના નામે લડાવી જોઇએ. પ્રદેશમાં રેલવે, રસ્તા, ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, હેલ્થ, ઇલેક્ટ્રિસિટી, પાણી જેવી સુવિધાઓ આપવાના મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઇએ. પરંતુ જ્યારે રાજકારણીઓ મત મેળવવા માટે કંઇક મફત વસ્તુ આપવાની જાહેરાત કરી દેતા હોય છે ત્યારે મતદારોને પોતાની મૂળભૂત જરૂરિયાતો અને મુશ્કેલીઓ ભૂલાઇ જતી હોય છે. સત્તાધારી પાર્ટીઓના ચૂંટણી રણનીતિ ઘડનારાઓનું માનવું છે કે રાજ્યમાં સરકારી તંત્રની ગમે તેવી ક્વોલિટી હોય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગમે તેવી હોય, વિકાસ ખાડે ગયો હોય, વીજળી અને પાણીની મુશ્કેલીઓ હોય, સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો વિપક્ષો દ્વારા થતાં હોય, આમ છતાં જ્યારે સરકાર તરફથી કોઇ વસ્તુ મફત આપવાની જાહેરાત થઇ જતી હોય છે ત્યારે આ બધી જ બાબતો મતદારો ભૂલી જતાં હોય છે. રાજકીય પાર્ટીઓની ચૂંટણીની રણનીતિ તૈયાર કરનાર રણનીતિકારોનું જો આ મંતવ્ય હોય તો તે ખરેખર તો મતદારો માટે શરમજનક બાબત છે. હકીકત પણ એ જ છે કે વર્ષોથી આવાં વચનો અને મફત વસ્તુઓ આપીને રાજકારણીઓ ચૂંટણી જીત્યા પણ છે. યુપીના ઇલેક્શનમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ આપવાની જાહેરાત કરીને ચૂંટણીમાં ડંકો વગાડયો હતો.

જ્યારે રાજકારણીઓ પ્રદેશનો વિકાસ કરવાને બદલે મતદારોને મફતની વસ્તુઓ આપવાની જાહેરાત કરતાં હોય છે ત્યારે જે તે રાજ્યની ઇકોનોમી પર શું અસર પડશે તે વાત રાજકારણીઓ નજરઅંદાજ કરતા હોય છે. પશ્ચિમ બંગાળની માથાદીઠ આવક તામિલનાડુ કરતાં ઓછી છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસે રાહતભાવે ચોખા ગરીબોને આપ્યાં, કન્યાશ્રી સ્કીમ મૂકી જે હેઠળ કુંવારી છોકરીઓને ૨૫ હજાર રૂપિયા આપવાની વાત હતી. આવી જ રીતે તામિલનાડુમાં સરકાર દ્વારા ટીવી, લેપટોપ, મિક્સર અને ગ્રાઇન્ડર, એલપીજી સ્ટવ મફત આપવામાં આવ્યાં. જેના પરિણામે બંને રાજ્યો ભયંકર આર્થિક મુશ્કેલીમાં મૂકાઇ ગયાં. ૨૦૧૬માં તામિલનાડુ સરકારનો ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આ મફતની લ્હાણીમાં થયો જ્યારે પશ્ચિમ બંગાળના દેવાનો આંક ૩ લાખ કરોડને પાર કરી ગયો. આ બધા ખર્ચાઓને પહોંચી વળાતું નથી ત્યાં વળી નવી ચૂંટણીમાં નવી જાહેરાતો થાય છે અને સરકારોનું દેવું વધતું જ જાય છે. હકીકત એ છે કે રાજકારણીઓ ઘરના પૈસા કાઢીને કયારેય જનતાને સુખ-સગવડ આપતાં નથી. તેઓ મતદારોને મફત આપવાની લાલચ આપીને મત ખરીદે છે, પણ તે ખર્ચના રૂપિયા જનતાના જ છે. આ વાત ચૂંટણીના દિવસોમાં કદાચ મતદારો ભૂલી જતાં હોય છે.

પશ્ચિમ બંગાળમાં હાલમાં ટીએમસીની સરકારે લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતવા માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં એવી જાહેરાત કરી કે ખેડૂતોનું મોત થશે તો બે લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં દેશના પાંચ કરોડ પરિવારોને દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારના કહેવા પ્રમાણે જો દેશના પાંચ કરોડ પરિવારને દર મહિને ૬૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે તો આ રકમ દેશના કુલ બજેટના ૧૩ ટકા જેટલી થઇ જાય. કોંગ્રેસની સરકાર બને તો આ રકમની વ્યવસ્થા કોંગ્રેસ કેવી રીતે કરશે ? ભાજપે પણ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે વિદેશમાં રહેલું કાળું નાણું જો ભારતમાં લાવવામાં આવે તો દરેકનાં ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થઇ શકે. ભાજપ આ મુદ્દા પર જીતી ગયું પરંતુ હજુ સુધી વિદેશમાં રહેલું કાળું નાણું દેશમાં લાવી શકાયું નથી.

દેવું માફ કરવું, કોઇ સમુદાયને અનામત આપવી, કોઇ રાજ્યને વિશેષ દરજ્જો આપવો, કોઇ સમાજને ખાસ લાભ આપવો આ બધી વાતોનો રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે ઉપયોગ કરતાં હોય છે. પરંતુ જ્યારે સત્તા હાથમાં આવે છે અને આપેલાં વચનો પૂરા કરવાનાં થાય છે ત્યારે ભયંકર હાલત સર્જાતી હોય છે. દેવા માફ કરવાથી માંડીને વિદ્યાર્થીઓને લેપટોપ કે યુવતીઓને સ્કૂટી આપવાની જાહેરાતોથી રાજ્યની કે દેશની આર્થિક હાલત કથળી જતી હોય છે. લોકોના ટેક્સના પૈસા નાગરિકોની પ્રાથમિક સુવિધા માટે વાપરવાના હોય છે તેના બદલે આ રૂપિયા રાજકારણીઓના વચન પૂરા કરવામાં વપરાય છે ત્યારે વિકાસ આપોઆપ અટકી જતો હોય છે. આઝાદીનાં ૭૦ વર્ષ પછી પણ જો ગામડામાં રસ્તા બન્યાં ના હોય, તાલુકામાં દવાખાનું ના હોય અને જિલ્લામાં કોલેજ ના હોય તો તેનાં માટે જવાબદાર કોણ છે ? કદાચ તેના માટે જવાબદાર આપણે મતદારો જ છીએ. આપણે કોલેજને બદલે ઘરે મફત આવતું લેપટોપ પસંદ કર્યું છે. ગામના રસ્તાને બદલે ઘરે મફત આવતી સ્કૂટી પસંદ કર્યું છે. અને ગામમાં દવાખાનાને બદલે આપણે જો દારૂની બોટલમાં વેચાઇ ગયાં હોઈએ તો પછી રાજકારણીઓ પાસે અપેક્ષા રાખવાનો કોઇ અર્થ નથી.

mayur.pathak@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ, લગતા હૈ નજદીક મેં ચુનાવ આયા હૈ… appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/poor-ki-thali-ma-rula-aaya/
via Best Gujarati News