ગોલ્ડન એરા : મૈત્રી દવે

૧૯૭૮નું વર્ષ એ અમિતાભ બચ્ચનનું વર્ષ હતું. આ એ સમયગાળો હતો જ્યારે બચ્ચન તેની કરિયરની હિટ ફિલ્મો આપી રહ્યો હતો. એવું વર્ષ જ્યાં બચ્ચનને જોવા લોકો પડાપડી કરતા હતા. અને એમાંય ખાસ એપ્રિલ-મે મહિનો તો બચ્ચનની પ્રસિદ્ધિનો ટોચનો મહિનો હતો, કેમ કે આ સમયમાં અમિતાભ બચ્ચનની ચાર ચાર ફિલ્મો એકસાથે એક જ મહિનામાં આવી અને આ બધી જ ફિલ્મોએ બોક્સઓફિસ ઉપર રેકોર્ડ બ્રેક કમાણી કરી. આ એવી ફિલ્મો હતી કે જે રિલીઝ થયાના લગભગ ૬ મહિના સુધી બોક્સઓફિસ ઉપર રાજ કરતી રહી. તે સમયે ડાયરેક્ટર્સ અમિતાભ બચ્ચનને લેવા પડાપડી કરતા હતા. કેમ કે શાંત અને ચોકલેટી હીરોના તે જમાનામાં બચ્ચન એંગ્રી યંગમેનના રોલમાં પરફેક્ટ લાગતો અને એટલે જ તેનો એક મૂક્કો પડે કે સામેનો વિલન ચકરી ખાઇ જાય તે જોવા ઓડિયન્સ રીતસર પડાપડી કરતી હતી. વિલન કંઇપણ કહે કે તરત વાત કરતાં પહેલાં તેને મારી જ લેવાનો એ બચ્ચનની સ્ટાઇલ હતી.

વળી ત્રિશૂળ ફિલ્મ એ સલીમ-જાવેદ, યશ ચોપરા અને અમિતાભ બચ્ચનનો સુભગ સમન્વય ધરાવતી ફિલ્મ હતી. સલીમ-જાવેદની જોડીએ ત્યારે પ્રૂવ કરી દીધું હતું કે બંનેની જોડી કમાલ કરી શકે છે.

ત્રિશૂલ ફિલ્મની વાર્તા લખાઇ એ પાછળ પણ એક મજેદાર કિસ્સો છે. એકવાર એક પાર્ટીમાં યશ ચોપરા તેમના મિત્રો સાથે વાત કરી રહ્યા હતા. અહીં વાત ભગવાન શિવના શસ્ત્રો વિશે ચાલતી હતી. અને બધાં મિત્રો ભેગા થઇને ત્રિશૂલ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એવામાં યશ ચોપરા કહે ત્રિશૂલ નામ જ કેટલું અદ્ભુત છે. આ નામમાં જ દિવ્યતા છે. યશના મિત્રોને યશની આ વાત ગમી. કહે યશ તારી વાત તો ખરી છે. ત્રિશૂલ નામ જ અદ્ભુત છે. બસ તે દિવસથી યશ ચોપરાના દિલમાં આ ટાઇટલ વસી ગયું હતું. તેણે સલીમ-જાવેદને કહ્યું દોસ્ત આ ટાઇટલ ઉપરથી ફિલ્મ બનાવવી છે. તમે બંને થઇને મને સ્ક્રિપ્ટ લખી દો. સલીમ અને જાવેદ બંનેએ આ બીડું ઝડપી લીધું. અને ફિલ્મની વાર્તા લખવાની શરૂઆત કરી દીધી. થોડા સમયમાં જ સલીમ-જાવેદની બેલડીએ ત્રિશૂલ ટાઇટલ ઉપરથી ફિલ્મ લખી દીધી. ફિલ્મની સ્ક્રિપ્ટ હાથમાં લઇને યશ ખૂબ ખુશ હતા. પણ ઘરે જઇને ફિલ્મ વાંચી કે તેમનો ઉત્સાહ પડી ભાંગ્યો. તેણે તરત બીજે દિવસે સલીમ-જાવેદને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યું યાર આ ફિલ્મમાં ટાઇટલને લગતું તો કંઇ જ નથી. તમે ફિલ્મ લખી પણ ત્રિશૂલનું કંઇક તો તેમાં આવવું જોઇએ ને!? મને તો હતું કે વાર્તા કંઇક ઓર જ હશે. જાવેદ અખ્તરે યશને સમજાવ્યું યશ આ ફિલ્મમાં ભલે પ્રત્યક્ષ રીતે ત્રિશૂલ નથી આવતું પણ ફિલ્મના ત્રણ હીરો ફિલ્મમાં એકસરખું મહત્ત્વ ધરાવે છે. અને આ જ ભાવાર્થ છે ફિલ્મના ટાઇટલનો. અહીં ત્રણમાંથી એકપણ ઓછું હશે તો ફિલ્મનું મહત્ત્વ ઘટી જશે. યશ ચોપરાના મગજમાં આ વાત બેઠી અને ફિલ્મની વાર્તાને મહોર લગાવવામાં આવી.

યશ ચોપરાના મગજમાં જેમ જેમ વાર્તા વંચાતી ગઇ, આકાર લેતી ગઇ તેમ તેમ કેરેક્ટર ફાઇનલ થતાં ગયાં. તેણે સૌ પ્રથમ સંજીવ કુમાર વાળું કેરેક્ટર દિલીપ કુમાર માટે વિચાયુંર્ હતું. યશે આ માટે પર્સનલી દિલીપ કુમારનો સંપર્ક કર્યો અને તેની ફિલ્મ ઓફર કરી. જો કે ફિલ્મની વાર્તા દિલીપને પસંદ ન આવતાં તેણે આ ફિલ્મ નકારી દીધી. અને અંતે સંજીવ કુમારના હાથમાં આ ફિલ્મ ગઇ. સંજીવ કુમાર આમ તો અમિતાભ કરતાં થોડા વર્ષો જ મોટો હતો તેમ છતાં તેણે આ રોલ સ્વીકારી લીધો. અને મજાની વાત એ હતી કે આ ફિલ્મમાં સંજીવ કુમારના દીકરાનો રોલ કરતો શશી કપૂર તો કાયદેસર સંજીવ કુમારથી મોટો હતો તેમ છતાં ફિલ્મમાં સંજીવ કુમારે શશી કપૂરના પિતાનો રોલ કર્યો હતો.

ફિલ્મમાં વિજયના રોલ માટે અમિતાભ બચ્ચન ફિક્સ હતો, કેમ કે વિજય એ પોતાના પિતા સાથે બદલો લેતા દીકરાનું કેરેક્ટર હતું, જે અમિતાભ બખૂબી નિભાવી જાણે એ વાત યશ ચોપરા જાણતો હતો. તેણે અમિતાભને આ રોલ માટે ઓફર પણ નહોતી કરી, બસ માત્ર તેને જણાવ્યું હતું કે તારે ત્રિશૂલમાં વિજયનો રોલ કરવાનો છે. અને અમિતાભે તે જ સમયે ઓકે કહી દીધું હતું. ત્રિશૂલ રિલીઝ થઇ ત્યારે અમિતાભની ચાર ફિલ્મો એક સાથે થોડા થોડા સમયના અંતરે રિલીઝ થઇ હતી, એ ફિલ્મો હતી, ડોન, કસમે વાદે, મુક્કદ્દર કા સિકંદર અને ચોથી ત્રિશૂલ. ડોનને બાદ કરતાં યોગાનુયોગ બાકીની ત્રણેય ફિલ્મોમાં અમિતાભ અને રાખીની જોડી હતી. ત્રિશૂલમાં પણ આ જોડી પડદે આવી. અલબત્ત આ ફિલ્મમાં રોમેન્ટિક સીન્સ નહિવત્ હતાં. રોમેન્ટિક ગીત પણ અમિતાભ ઉપર નહોતું ફિલ્માવેલું. તે ફિલ્મમાં અમિતાભની સાવકી બહેનનો રોલ કરતી પૂનમ ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું.

પૂનમ ઢિલ્લોનની આ ડેબ્યુ ફિલ્મ હતી. તે સમયે તે ઇન્ડસ્ટ્રીમાં આવવા સ્ટ્રગલ કરી રહી હતી. અને પૂનમના અંકલ યશ ચોપરાના મિત્ર હતાં. તેમણે પૂનમની વાત યશને કરી. યશે પૂનમનો સ્ક્રીન ટેસ્ટ લીધો અને શશી કપૂરની નાની બહેનનો રોલ તેને ઓફર કર્યો. ફિલ્મમાં પૂનમના પ્રેમીનાં રોલ માટે મિથુન ચક્રવર્તિએ પણ ઓડિશન આપ્યું હતું. બન્યું એવું કે તે સમયે મિથુન મુંબઇમાં કપડાં સીવતો હતો. તેની દુકાન તેના એરીયામાં ખાસ્સી પ્રચલિત હતી. સલીમ ખાન એકવાર મિથુનની દુકાને કપડાં સીવડાવવા ગયા. અને તેણે મિથુનને જોઇને કહ્યું છોકરા તારા ચહેરામાં એક અલગ ચાર્મ છે. તું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા પ્રયત્ન કર. મિથુન જાણતો હતો કે સલીમ ખાન કોણ છે, અને સલીમ ખાનના મોઢેથી આવી વાત નીકળે એટલે ભલભલા ગદગદીત થઇ જાય. તેણે સલીમ ખાનને કહ્યું પણ હું કોઇને ઓળખતો નથી. સલીમ ખાને તેને યશ ચોપરાનું એડ્રેસ આપ્યું અને ત્યાં મળવા જવા જણાવ્યું. મિથુન બીજે દિવસે ત્યાં મળવા પણ ગયો. જો કે મિથુનના નસીબ તે સમયે બે ડગલાં પાછળ હતાં. યશ ચોપરાએ તેને જણાવ્યું કે હું તને રોલ આપત પણ તે રોલ માટે હમણાં જ મે એક બીજા એક્ટરને સાઇન કરી લીધો છે. આમ મિથુન ત્રિશૂલમાં આવતાં આવતાં રહી ગયો અને તેને સ્થાને પૂનમ ઢીલ્લોનના પ્રેમી તરીકે સચીનને કાસ્ટ કરવામાં આવ્યો. ત્રિશૂલ ફિલ્મ મલ્ટિસ્ટારર ફિલ્મ હતી. એકસાથે એક ફિલ્મમાં વહીદા રહેમાન, સંજીવ કુમાર, શશી કપૂર, રાખી, હેમા માલિની, અમિતાભ બચ્ચન, પૂનમ ઢીલ્લોન અને સચીન જેવાં કલાકારો આ ફિલ્મમાં હતાં.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એવી ફિલ્મ જેની વાર્તા નિર્માતાને ખુબ ગમતા ટાઈટલ ઉપરથી લખવામાં આવી appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/e-movie-whose-story-nir/
via Best Gujarati News