સાયબર હુમલાથી બેન્કોને દર વર્ષે થતું નુકસાન હવે હદ વટાવે છે
ઓફબીટ :- જિજ્ઞાસા પટેલ
સાયબર હુમલા પરેશાનીનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટર માટે તે માથઆનો દુઃખાવો બની રહ્યા છે. આ સાયબર હુમલાને કારણે બેન્કોને દર વર્ષે એકડા ઉપર કેટલાં મીંડાં મૂકવા એ પણ સામાન્ય માણસને ન ફાવે એટલું બધું તો ફક્ત ભારતીય બેન્કોને જ નુકસાન જાય છે ! એક તરફ ડિજિટલ ભણી લોકોનો ઝોક વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ સાયબર હુમલા ઉપરાંત બીજી છેતરપીંડી થઇને તમારા ખાતામાંથી ઉપડી રકમ તો જુદી જ ગણવી પડે. સરવાળે બેન્કોને મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. નવા જમાના સાથે તાલ મીલાવવા માટે આર્થિક સેક્ટરે સાઇબર સુરક્ષા સઘન કરવી પડશે નહીંતર તિજોરી ખાલી થઇ જવાનું જોખમ દિનપ્રતિદિન વધી જશે.
સાયબર હુમલામાં હવે તેજી આવશે. ખાસ તો ભારત અને પાકિસ્તાનના હેકરો એક બીજા સામે હુમલા શરુ કરી રહ્યા છે, પરંતુ અહીં તો આર્થિક ક્ષેત્રે ફટકો પડી રહ્યો છે, તેની વાત અહીં કરવી છે. દુનિયાભરમાં ડિજિટલ ચલણ વધી રહ્યું છે અને તેને પગલે પગલે ડિજિટલ ડકેટી વધી રહી છે. ડિજિટલ વ્યાપ એટલો મોટો છે કે દુનિયાના કોઇ પણ છેડે બેસીને તમે બીજે ક્યાંય પણ સાયબર હુમલા કરી શકો છે, એ આઝાદી ઇન્ટરનેટની સુવિધાથી મળતા લાભો સાથેનો મોટો ગેરલાભ છે. થોડા સમય પહેલાં જ ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ઘૂસ મારીને મોટી રકમનો ચૂનો ચોપડી જવાના ત્રણ મોટા કિસ્સા થોડા સમય પહેલાં બહાર આવ્યા છે, જેમાં યુનિયન બેન્ક, સીટી યુનિયન બેન્ક, કોસ્મોસ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસમાંથી હેકરોએ કુલ ૧,૫૧૮ કરોડ રૂપિયા ગજવે ઘાલ્યા હતા.
પીડબ્લ્યૂ સી અને એસોચેમના એક અહેવાલ મુજબ સાયબર હુમલા અને ફ્રોડને કારણે મોટી બેન્કોને દર વર્ષે ૨૦ અબજ ડોલર એટલે કે ૧.૫૦ લાખ ડોલરનું નુકસાન થાય છે. દુનિયાના ફાઇનાન્સ સેક્ટરમાં છેલ્લા પાંચ વર્ષોમાં સાયબર હુમલામાં ત્રણ ગણો વધારો થયો છે. કન્સેલ્ટિંગ ફર્મ ડેલોયના મુજબ કામદારના મતે સાયબર ક્રાઇમના કિસ્સા વર્ષે ૧૦થી ૧૨ ટકાના દરે વધ્યા છે. આ કિસ્સાઓમાં પણ બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના કિસ્સા સૌથી વધુ છે. બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ જોખમ નાની બેન્કો છે. દેશમાં લગભગ ૨,૦૦૦ નાની બેન્કો છે, જેમાં સહકારી, જિલ્લા સહકારી, ક્ષેત્રિય ગ્રામીણ બેન્ક તથા સ્મોલ ફાઇનાન્સ બેન્ક સામેલ છે.
જો કે આપણે ત્યાં હજુ સાયબર સુરક્ષા અંગે બેન્કિંગ સેક્ટરને ખાસ ચિંતા હોય એમ લાગતું નથી. દેશમાં મોટી બેન્કો પોતાના ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી બજેટના ૪ ટકા હિસ્સો સાયબર સુરક્ષા પર ખર્ચ કરે છે. તો અમેરિકા અને યુરોપની બેન્ક પોતાના આઇટી બજેટના ૬થી ૧૦ ટકા હિસ્સો સાયબર સેફ્ટી અને હેકિંગના પડકારોને પહોંચી વળવાની રણનીતિ બનાવવા અને સમાધાન શોધવા પર ખર્ચ કરે છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત સહિત દુનિયામાં બેન્કોની સ્વિફ્ટ સિસ્ટમને હેક કરી બેન્કોના ડોલર એકાઉન્ટમાંથી પૈસા ગજવે ઘાલવાના કિસ્સા વધ્યા છે. આ સિસ્ટમ એક દેશની બેન્કને દુનિયાની બેન્કો સાથે જોડે છે. એક વર્ષમાં ભારતની ચાર બેન્કોની સ્વિફ્ટ સિસ્ટમમાં ઘૂસ મારીને હેકર્સ ૧,૫૧૮ કરોડ રૂપિયા ચોરી ગયા હતા !
પોનેમોન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ એન્ડ એક્સ્ચેન્જરના એક હેવાલ મુજબ દુનિયાભરમાં ફાઇનાન્સ સેક્ટરમાં સાયબર હુમલાના કિસ્સા છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ ઘણા વધ્યા છે. હેવાલ મુજબ ૨૦૧૪માં સાયબર હુમલાને કારણે દુનિયામાં ફાઇનાન્સ સેક્ટરમાં કંપની દીઠ વર્ષે નુકસાન ૯૬ કરોડ રૂપિયા થયું હતું, જે ૨૦૧૭માં વધીને ૧૩૫ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું.
જો કે ઘણી વખત આર્થિક સાયબર ચોરી પાછળ મોટી ટોળી કે હેકરો જ જવાબદાર હોય એમ માનવાને કારણ નથી. ઘણી વખત તો ઘરનો ભેદુ જ ખરો કારીગર પુરવાર થતો હોય છે. કંપનીનો કોઇ જાણકાર જ ક્યાં તો રુપિયાની લાલચે કે કંપની સામે બદલો લેવાની ભાવના સાથે હાથ મારી જતો હોય છે. સ્વાભાવિક રીતે પાસવર્ડ કે બીજી અંગત માહિતી જાણકાર કંપની છોડે ત્યારે તેનો દુરુપયોગ કરી શકે એવી સંભાવના રહેલી હોય છે. તો વળી ક્યારેક તમારા ફોનમાં પાસવર્ડ કે કાર્ડ નંબર જેવી માહિતી સંગ્રહાયેલી હોય છે, તે ફોન ચોરાઇ જવાને કારણે બીજાના હાથે લાગે તો પણ જોખમી બની જતી હોય છે. ટૂંકમાં કહીએ તો જાણકાર જ ઘણી વખત મોટું નુકશાન કરી નાંખતો હોય છે.
સાઇબર દુનિયા એવી વ્યાપી ગઇ છે કે હેકર કે વાઇરસ પણ તમારા માટે માથાનો દુઃખાવો બની શકે એમ છે. ચેતતો નર સદા સુખીની જેમ આર્થિક સેક્ટરે પણ સતત ચેતતા રહીને પોતાની સુરક્ષા કરતા રહેવું પડે એમ છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સાયબર હુમલાથી બેન્કોને દર વર્ષે થતું નુકસાન હવે હદ વટાવે છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/cyber-attack-banks-de/
via Best Gujarati News
0 Comments