આરોગ્ય :- વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણા દૈનિક આહારમાં મીઠા-નમકનું વિશેષ મહત્ત્વ છે. મીઠા વગરની રસોઈની તો કલ્પના પણ ન થઈ શકે. આયુર્વેદમાં તો પાંચ પ્રકારના મીઠાનો અને તેના ગુણધર્મોનો ઉલ્લેખ છે. આ પાંચે પ્રકારના મીઠાનો વિભિન્ન રીતે અનેક ઔષધયોગોમાં ઉપયોગ થાય છે. અહીં યોગ એટલે કોમ્બિનેશન.

આ મીઠું જો આહારમાં વધારે પડતું પ્રયોજાય તો અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. તેમજ ખૂબ જ ઓછો તથા મીઠાનો જો બિલકુલ ઉપયોગ કરવામાં ન આવે તો પણ અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ ઉપરથી કહી શકાય કે આહારમાં મીઠાનો ઉચિત ઉપયોગ જ સ્વાસ્થયપ્રદ બને છે. આધુનિકોએ સિદ્ધ કર્યું છેકે, મીઠાનો અતિ ઉપયોગ રક્તવાહિનીઓમાં કઠિનતા ઉત્પન્ન કરે છે. આ કારણને લીધે જ તેઓ હાઈબ્લડપ્રેશર, કિડની અને લોહીની વિકૃતિઓમાં તથા સોજાની તકલીફમાં મીઠું બંધ કરાવે છે. આ હકીક્ત તો ત્રણેક હજાર વર્ષ પૂર્વે લખાયેલા આયુર્વેદના ગ્રંથોમાં આપેલી જ છે. આ ઉપરથી જ કહી શકાય કે મીઠાનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ.

આપણા શરીરના ઉત્તમ સ્વાસ્થય માટે જરૂરી એવા ક્ષારોમાં મીઠાનું ખૂબ જ મહત્ત્વ છે. તમે આહારમાં ઓછા મીઠાને સહન કરી શક્શો. પરંતુ બિલકુલ મીઠા વિનાનું સહી શક્શો નહીં, અને હકીક્ત તો એ છે કે, તમે આહારમાં ગમે તેવા સારા મસાલા નાખો છતાં મીઠા વગર તે સ્વાદિષ્ટ લાગશે નહિ.

આવા નમકનાં ઔષધિય ગુણો પણ અનેક છે. આહારના પાચનમાં તે અગત્યનો ભાગ ભજવે છે. ઉચિત માત્રામાં મીઠું લેવાથી તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. તે કફને પીગાળનાર, વાતનાશક અને કબજિયાત દૂર કરનાર છે. મોઢામાં લાળનો સ્રાવ વધારનાર, શરીરના શુદ્ધ માર્ગો સ્ત્રોતોને શુદ્ધ કરનાર, સંપૂર્ણ શરીરાવયવોને શિથિલ કરનાર અને ભોજન પર રુચિ ઉપજાવનાર છે.

આ મીઠાનો જો આવશ્યક્તાથી વધારે ઉપયોગ કરવામાં આવે તો તે પિત્તપ્રકોપ કરાવે છે. જેથી અનેક પ્રકારનાં પિત્તનાં રોગો ઉત્પન્ન થાય છે. આચાર્ય ચરકના મતે મીઠાનો અધિક ઉપયોગ કરવાથી તરસ વધુ લાગે છે અને મૂર્છા ઉત્પન્ન કરે છે. ત્વચામાં દાહ અને ચીરા ઉત્પન્ન કરે છે તથા માંસપેસીઓને સૂક્વે છે. સોજો ઉત્પન્ન કરે છે અને ત્વચાને ફાડી નાંખે છે. માટે સોજામાં મીઠાની મનાઈ ફરમાવી છે. મીઠાના વધારે પડતા ઉપયોગથી દાંત ખરાબ થાય છે. પેઢા કમજોર બને છે અને દાંત જલદી પડી જાય છે. મીઠાનો અધિક ઉપયોગ પુંસત્વશક્તિ નષ્ટ કરે છે. શુક્રજંતુઓની સંખ્યા ઘટાડે છે તથા આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ પાંચ જ્ઞાનેન્દ્રિયોની શક્તિનો નાશ કરે છે. વાળ અધિક ખરે છે અને જલદી શ્વેત થાય છે. આજકાલ યુવક-યુવતીઓના વાલ જલદી સફેદ થઈ જવાનું એક કારણ મીઠાનો અધિક ઉપયોગ તો નહિ હોય ને? આમ તો મીઠાનો અધિક ઉપયોગ હાનિકારક હોવા છતાં પણ જો તેનો બિલકુલ ઉપયોગ કરવામાં ન આવે તો શરીરમાં અશક્તિ અથવા નિર્બળતા ઉત્પન્ન થાય છે. આમ નમકનો અધિક અને અલ્પ ઉપયોગ સ્વાસ્થય માટે હાનિકારક જ છે. એટલે દીર્ધ જીવન ઈચ્છનારે મીઠાનો ખૂબ જ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મીઠાનો ઉચિત ઉપયોગ સ્વાસ્થ્યપ્રદ બને છે appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/salt-fair-use-swas/
via Best Gujarati News