સિનેવર્લ્ડ :- જગદીશ પરમાર

ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ એક કલાસિકલ-પ્રશિષ્ટ ફિલ્મ ગણાય છે. ખૂબ જ સિમ્પલ સ્ટોરીલાઈનવાળી ‘આનંદ’ એક પાત્રપ્રધાન એટલે કે કેરેક્ટર સેન્ટ્રીક ફિલ્મ છે. રાજેશ ખન્નાનો સિનેમેટિક મેજિક અને ઋષિદાના અફલાતૂન દિગ્દર્શનના સાયુજ્યથી રચાયેલી ‘આનંદ’ જીવનના વાસ્તવિક અર્થબોધનો સંવેદનશીલ અનુભવ છે અને આનંદનું કિરદાર આપણને એક એવી અનુભૂતિ આપી જાય છે જે કદાચ વિશ્વ સિનેમામાં પણ અનન્ય છે. આનંદનું કિરદાર તિલસ્મી રાજેશખન્નાએ ભજવ્યું હતું અને એના વિરાટ અને અનહદ અભિનયની સામે અમિતાભ બચ્ચન પણ વામન સાબિત થાય એવું ‘આનંદ’નું કિરદાર હિન્દી સિનેમાનું એક એવું શિખર છે જેની તુલના અસંભવ છે.

આનંદ એક યુવાન છે. જેને મેડિકલ સાયન્સની ભાષામાં ઉચ્ચારણ કરવાની તકલીફ પડે એવા નામનું કેન્સર છે અને અંતિમ ચરણના આ કેન્સરના ચોક્કસ સમયવિધિ બાદ આનંદનું મૃત્યુ થઈ જવાનું છે મૃત્યુના એ નિશ્ચિત બિંદુએ મંથર ગતિએ જતા આનંદના જીવનની પ્રત્યેક ક્ષણ જીવનનો ઉલ્લાસ છે અને એટલે જ આનંદ એ વાતનું પ્રતીક છે કે જીવનનો વાસ્તવિક આલેખ ઊંચાઈ પર નિર્ભર છે, લંબાઈ પર નહીં! એ કહે પણ છે કે, ‘જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં.’ આનંદ પોતાના ઈલાજના બહાને પોતાના એક મિત્રના સંબંધે ડોક્ટર ભાસ્કર બેનર્જી-બાબૂ મોશાય- અમિતાભ બચ્ચન પાસે આવે છે, જે આનંદથી તદ્ન વિપરિત વ્યક્તિ છે પરિસ્થિતિઓનાં વાસ્તવથી વિચલિત થયેલા ડોકટર ભાસ્કર બેનર્જી પણ પોતાના બાહ્ય સ્વરૂપની ભીતરમાં એક સંસંવેદનશીલ વ્યક્તિ છે અને એટલા માટે જ એ ભીતરથી આનંદને ચાહવા લાગે છે ઓળખાણ મૈત્રીનું સ્વરૂપ ધારણ કરી પ્રગાઢ બનવા લાગે છે આનંદના વ્યક્તિત્વની સૌથી વિશિષ્ટ બાબત જ એ છે કે તેના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ આવનારી બે-પાંચ ક્ષણોમાં જ આનંદના સ્નેહના નિર્ભેળ અને નિર્મલ સ્નેહના તાંતણે બંધાઈ જાય છે.

આનંદ વાસ્તવમાં મનુષ્યનો એક સ્થાયી મનોભાવ છે, પણ આપણે આનંદને વિસરી ચૂક્યા છીએ, જિંદગીની ભાગદોડ, તણાવ અને કાર્યબોજને કારણે આપણે આનંદથી દૂર થઈ જઈએ છીએ. આનંદ એ રીતે આપણો સ્નેહી જ છે અને એના સ્નેહનો પ્રથમ અનુભવ રમેશદેવની પત્ની સીમાદેવને થાય છે એકાદ મિનિટની વાતચીતમાં જ સીમાદેવને બહેનના સંબંધથી બાંધી દે છે તો મૌનબાબાને પણ આનંદ એ વાતની પ્રતીતિ કરાવી દે છે કે જીવનની પ્રત્યેક ક્ષણને ભરપૂર જીવી લેવી,

આનંદના કિરદારની બીજી મહત્ત્વપૂર્ણ લાક્ષણિક્તા તેની વિનોદવૃત્તિ છે. તે કોઈપણ અપરિચિત વ્યક્તિને એક કલ્પનિક નામ મુરારિલાલથી બોલાવે છે અને પછી એની સાથે એક નિર્વ્યાજ અને અનૌપચારિક સંબંધ કેળવી પેલી વ્યક્તિના જીવનમાં આનંદનો થોડો રંગ ઉમેરી પેલા વ્યક્તિના જીવનની અમુક ક્ષણોને રંગોથી ભરી દેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આવાં જ એક તરકટ વખતે આનંદને ઈસાભાઈ-જોની વોકર મળી જાય છે, જે વસ્તુતઃ નાટકનો જીવ છે એ પણ મુરારિલાલ હોવાનું નાટક કરી આનંદની નાટયલીલાને ઈમ્પુવાઈઝેશન દ્વારા વધુ રસપ્રદ બનાવે છે અને ઈસાભાઈના માધ્યમથી જ ઋષિદા આનંદને જીવનની મહાન ફિલસૂફી દર્શાવનારા સંવાદ તરફ લઈ જાય છે. ‘હમ સબ રંગમંચ કી કઠપૂતલિયાં હૈં જહાંપના…’ આ સંવાદ એક દાર્શનિક ભૂમિકા રચી આપે છે જીવન અને મૃત્યુ વચ્ચેની બે બિંદુઓ વચ્ચેની આનંદપૂર્ણ અવસ્થાની!

સારવાર દરમિયાન એ સિસ્ટર-નર્સને-લલિતા પવારને પણ મમત્વનો અનુભવ કરાવે છે કે તમને સિસ્ટર નહીં, પણ મધર તરીકે બોલાવવા જોઈએ. ડોક્ટર ભાસ્કર બેનર્જી ડોક્ટર હોવા ઉપરાંત એક ચિંતક પણ છે અને એટલે જ આનંદ સાથેનું આયુજ્ય તેને જીવન પ્રત્યેના એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ આપે છે તે ડાયરી લખે છે જેમાં જીવનની સમાંતરે ચાલી રહેલા મૃત્યુનો એક ગંભીર નાદ આનંદને સ્વયંથી દૂર કરી રહ્યાનો તીવ્ર અહેસાસ કરાવે છે પણ આનંદ આવનારા મૃત્યુનો પણ ઉત્સવ જ બનાવી દે છે તે કહે છે કે મનુષ્યની સૌથી મોટી તકલીફ જ કદાચ એ છે કે તે આવનારા દુઃખને ખેંચી ખેંચીને વર્તમાનની ક્ષણે લઈ આવે છે અને એક પારભાસક દુખની ભાવિ અવસ્થાને વર્તમાનની આનંદપૂર્ણ ક્ષણને પણ અપારદર્શક બનાવી દે છે!

આનંદની એક વ્યક્તિ તરીકેની ત્રીજી લાક્ષણિક્તા ખરેખર અદ્ભૂત છે અને એ છે શોકને સ્વયંમાં કેન્દ્રીત કરી આનંદ સૌમાં વહેચવાની વૃત્તિ! કહીં દૂર જબ દિન ઢલ જાયે, શામ કી દુલ્હન બદન ચુરાયે ચૂપકે સે આયે….મુકેશના દર્દસભર આ ગીતમાં આનંદના જીવનનો વિષાદ છલકાઈ આવે છે, સ્વંયને કેન્સર હોવાને કારણે તેનાં પ્રણયજીવનનો અંત આવેલો છે ઋષિદાએ વિષાદની એ હલકી રેખાને ખૂબ જ સંવેદનશીલ ઇંગિત દ્વારા ઘટ્ટ બનાવી દીધી છે. પોતાના એ અસીમ વિષાદના પ્રત્યાઘાત સ્વરૂપે જ આનંદના ફૂવારા ઉડાડતો આનંદ જ્યારે મૃત્યુનાં દ્વારે પહોંચે છે ત્યારે શબ્દો ચમત્કૃતિ કરી એક મહાન અને રહસ્યગર્ભ કાવ્યદેહ ધારણ કરી બચ્ચનના અદ્વિતીય ધ્વનિમાં રજૂ થાય છે….મૌત તું એક કવિતા હૈ, એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો…પ્રત્યેક શબ્દ આપણને અભિધા, લક્ષણા અને વ્યંજના એટલે કે શબ્દની ત્રણેય શક્તિનો ઈન્દ્રીયાતીત અનુભવ કરાવે છે અને આ ક્ષણે જ ‘આનંદ’ એક ‘સિનેમેટિકલ પોએટ્રી’નું સ્વરૂપ ધારણ કરી એક ક્લાસિક ફિલ્મ સાબિત થઈ જાય છે. આનંદ-એક વ્યક્તિ મૃત્યુ પામે છે, મૃત્યુની નિતાંત ગર્તામાં વિલીન થઈ ગયેલા આનંદના મૃત્યુનું આક્રંદ કરી રહ્યા હોય છે એ જ ક્ષણે આનંદનો આનંદસભર અવાજ પુનઃસંભળાય છે. ‘બાબુ મોશાય…’ રેકોર્ડિંગ થયેલો સંવાદ પુનઃ સંભળાય છે. ઈસાભાઈના નાટક વખતે ભજવાયેલો સંવાદ અહીં સમગ્ર પરિસ્થિતિને નવો જ વળાંક આપી નાટયત્મક વક્રોકિત એટલે કે ડ્રામેટિક આઈરનીનું સ્વરૂપ ધારણ કરીને સમગ્ર સંવાદને એક નવાં જ સ્તર પર લઈ જાય છે, રેકર્ડ પૂરી થતાં જ પેલું ચક્ર તીવ્ર ગતિથી ઘૂમવા લાગે છે, જે સમગ્ર કથાને પ્રતીકાત્મક ઢંગથી પ્રસ્તુત કરી જવામાં આત્યંતિક રીતે સફળ થાય છે અને આ પોએમ જેવી ફિલ્મના અંતિમ શબ્દો સાંભળવા મળે છે કે…આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં…

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/anand-mara-naa-anand-dari-nah/
via Best Gujarati News