હસતાં રમતાં :- રવીન્દ્ર પારેખ

હું પોતે વડીલ છું ને મારા વડીલ કેવા હતા તેનો થોડો ખ્યાલ મને છે,પણ તે વડીલોના વડીલ કેવા હતા તે તો સહેજે ખબર નથી. મારા દાદા કેવી રમત રમતા હશે તેય નથી ખબર,પણ ગિલ્લી દંડાથી આગળ નહીં જ ગયા હોય એમ હું કલ્પી શકું છું. તેમના વખતમાં કાચના બારી બારણાં તો હશે, પણ તેઓ પોતેજ એવા કંગાળ ને ખડકાળ હતા કે કાચની બારીને ટકરાય તો કચ્ચરો જ હાથમાં આવે. હું મોટો થયો ત્યાં સુધીમાં તો મારા બાપા એટલા મોટા થઇ જ ગયેલા કે પગ દડો કે ગિલ્લી દંડા માળીયે ચડી ગયેલાં. એમના વખતમાં કેરમ કે પાનાં પણ રમાતાં નહીં જ હોય, નહિતર એકાદ પાનું તો માળીયેથી નીચે ફ્રકેને! એ બહુ બહુ તો કબડ્ડી કે ખો ખો રમતા હશે જેમાં ખર્ચોજ નહિ, ખાલી શરીર જ ખરચવાનું.

જોકે મારા વખતમાં રમતો ખાસ્સી વિકસી ગયેલી. પાનાં તો ખરાં જ. તેની ય જુદી રમતો. રમી, લાલસત્તી, તીનપત્તી, દો તીન પાંચ વગેરે. પાનાં પર કોડીઓ, ડબ્બીઓ ને પૈસા પણ રમાતાં. હું ડબ્બી સુધી ગયેલો, પણ પાસે પૈસા જ નહીં કે જુગારી થાઉં. ગરીબીએ ગુનેગાર થતા અટકાવેલો. ગિલ્લી દંડા ઉપરાંત સોયની એક રમત મારા વખતમાં વિકસેલી. કચરો વાળવાની પીંછીની એકાદ સળી ખેંચી કાઢી, તેની નીચે સોય ખોસી, તેની અણી બહાર રાખી,  દોરી બાંધી તેને પોચી જમીનમાં દૂર ફેંકો કે એ જમીનમાં ખૂંપી જાય. ત્યાં સુધી લંગડી કૂદતા જઈને જેનો દાવ હોય તેણે દાવ અપાવવાનો. કોડી, મંજા,  લખોટી, ભમરડાની રમતો પણ રમતાં. ભમરડામાં તો જે હારે તેના ભમરડા પર આર ઘોંચી ઘોંચીને એટલા ગીચ્ચા મરાતા કે ભમરડો, મરડો થયો હોય તેમ ઢીલોઢફ થઇ જતો. મને તો એ લોહીલુહાણ થઇ ગયો હોય એવી વેદના થતી. અમે પણ કબડ્ડી કે ઊભી ખો રમતા, તો રાષ્ટ્રીય તહેવારો વખતે લીંબુ-ચમચી, સંગીત ખુરશી પણ રમતા. એમાં ધમાલ થતી તો ખુરશીઓ પણ ઉછળતી જેનું અનુકરણ પછી રાજભવનોમાં થવા લાગ્યું.

એ પછી આવ્યાં બોલબેટ. સાસરે આવતી નવોઢાનું નામ બદલાતું, તેમ બોલબેટનું આધુનિક નામ ક્રિકેટ પડયું. એણે આજ સુધી વડીલો પર એકચક્રી શાસન ભોગવ્યું છે. મને ક્રિકેટ આજે ય રમવાનું ગમે છે, પણ બોલિંગ નાખ્યા પછી ઉંમરને કારણે અઠવાડિયું હાથ જે રીતે કળે છે તે પછી બોલિંગ કરવાની હિંમત નથી થતી. જ્યાં, પછી તો જેલ થઇ, તે દારૂના ફ્ડ પર મારા બાપા ને મારા હેડમાસ્તર ભગત સાહેબ ને બીજા મહોલ્લાવાસીઓ ક્રિકેટની મેચ રમવા ગયેલા ને મારા આચાર્ય ઝીરોમાં આઉટ થયેલા ત્યારે હું મનોમન ખૂબ ખુશ થયેલો કે ઝીરો મને જ નહીં, સાહેબને ય મળે છે. એ આખી ટીમમાં કોઈ પચાસની નીચે નો’તું. એ ડોસાઓ અમને મહોલ્લામાં રમવા નો’તા દેતા. એમાં વળી મહોલ્લાની ડોસીઓ પણ છાજિયાં લેતી. તમને અઘોક થાય, તમારી મા મરી જાય, તમને ગાંઠ નીકળે-ને એવી તો એટલી ગાળો ભાવિ ક્રિકેટરોને પડતી કે કાનનાં કોડિયાં થઇ જતાં.

સવારે રમતાં તો બજારે જતા ડોસાડોસીઓ સ્ટમ્પ ખેંચી કાઢી, બરાડતાં.’  ફટી મૂઆઓ હવાર હવારમાં આ હું માંઇડું છે, ભણવાગણવાને નામે અલ્લાયો ને નાચવામાંથી જ ઊંચા નથી આવતા.’ હવે એ કાકા-કાકી ને શું કહેવું? એ બધાં તો કદી સ્કૂલે ગયા જ નો’તાં ને અમને દબડાવતાં હતાં! અમે અવરજવર ઓછી હોય ત્યારે બપોરે રમવાનું ચાલુ કર્યું, ત્યાં ડોસીઓ બારણે બકરી જેવું બેં બેં કરતી,’ આ પોઈરાઓએ તો મો’લ્લો માથે લીધો! બપોરી વેળા તો જપો. જરા ઝોકું આઈવું નથી ને આ મૂઆઓનો બોલ બારણે ઠોકાયો નથી.’ અમે બપોર પછી રમવા નીકળ્યા તો  ભાભાઓને દાઝ ચડતી,’ પેલો હોનીનો પોઈરો ઉં હારી દેખાઉં છું એટલે જાણી જોઇને મને ફ્ટકો મારે છે. અઈલા ઉં તારી ભાભી થાઉ ને તું મને જ બોલ મારે. ઉં તો છોડી દેવા, પણ ભગવાન કોઈ દા’ડો છોડહે ની!’ મને એ નો’તું સમજાતું કે ભાભી મને અમથી અમથી જ ટોકતી હતી કે વાત કોઈ બીજી જ હતી!. મને મોડે મોડે એ સમજાયું કે ભાભી તો હું બોલ એને ફ્ટકારું એટલે જ મને ભાંડતી હતી. અમને સવાર, બપોર, સાંજ ટોકવામાં આવતા હતા તો સવાલ એ થતો કે આખા દા’ડામાં અમારે રમવું ક્યારે?

હવે એ વડીલોને કેમ સમજાવવા કે ક્રિકેટ ઘરમાં રમાય એવી રમત જ નથી. તો કોઈ દાંત વગરનાં અમને દાંતિયા કરતાંય કહેતાં,’ આમ મો’લ્લો બગાડો છો તે કરતાં મેદાનમાં જતાં ઓ’ તો? અ’વે એ વડીલને કેમ સમજાવું કે મહોલ્લાને ક્યાયથીય કોઈ મેદાન નો’તું. ઘરમાં કેરમ કે પાનાં રમતાં તોય વાંધો પડતો,’ તમે વાંદરાઓ, ઘરમાં જ ઠોકાઈ રે’હો તો અમે કામ કે’દાડે કરહું?  બા’ર ર્જૈને રમતાં હું થાય છે?’  હું બરાડતો,  બા’ર રમે તો કે’ય કે ઘરમાં રમો ને ઘરમાં રમે તો કે’ય કે બા’ર રમો, તો અમારે હું ઉમરામાં રમવાનું છે?’

કહેવાનું એ છે કે દરેક વડીલ બાળક હતા જ, પણ એમની સામે ઉછરતાં બાળકો સામે એ બાળકો કરતાં વધારે તોફની થઇ જાય છે. બાળક કંઈ પણ કરે, એને માટે એમની સલાહ તૈયાર જ હોય છે. છોકરી ઘરમાં હોય તો મા ભણવામાંથી ઉઠાડીને બજારે લઇ જશે ને એણેરમવા જવું હશે તો, ‘ભણાતું નથી, ભટકવા જોઈએ છે,’ જેવું બોલ્યા વગર ખાવાનું પચતું નથી. બાપા વઢે જ,’કોમ્પ્યુટરમાં પાંચ જ? અંગ્રેજીમાં ત્રણ? અઈલા ગુજરાતી ની આવડે? દહ માર્ક?’ એના કરતા તો ડોબાં ચારો, ડોબાં! ભણી રિ’યા તમે!’ હવે શું કહેવું આમને? કોમ્પ્યુટરનો ક-જાણતા ના હોય પોતે, પણ દીકરાએ તો ૧૦૦માંથી ૨૦૦ જ લાવવાના!! એ તો એમની માર્કશીટ જડતી નથી, બાકી એમણે શું ઉકાળેલું તે તો એમના બાપા જ કહી શકે…ને એમનું એમના બાપા એન્ડ સો ઓન…

હવે સ્કૂલો મેદાનો વગરની થાય છે. મેદાનો મોલમાં ફેરવાય તો બાળકો ક્યાં રમે એનો કોઈ જવાબ કોઈ પાસે હોય તો આપવો જોઈએ. તેન્ડુલકર તો જોઈએ છે, પણ તેને રમાડવામાં બધા વડીલો ‘રમત’ જ કરે છે એવું નહિ?

ravindra21111946@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post વડીલોની ‘રમત’   appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/elders-game/
via Best Gujarati News