ચંદરવો :- રાઘવજી માધડ

વાત સાંભળતા જ ભાવેણાના ભૂપ આતાભાઈ ઉફ્ર્ વખતસિંહજીની આંખો ચોંકી. તેમણે ફ્રી દીવાન ગગા ઓઝાને ચાબખા જેવો સવાલ કર્યોઃ ‘આ વાત સાચી છે કે, સાવર ગામનો મેઘવાળ લાખો ભગત સદાવ્રત ચલાવે છે…!’ સામે દીવાને ઉમેરો કરતા કહ્યું: ‘આટલું જ નથી બાપુ, એને તો સાક્ષાત ભગવાન મળ્યાનું કહેવાય છે !’ અઢારસો પાદરના ધણીના અઢારેય કરોડ રુંવાડા અવળા થઇ ગયા. મુખવટો બદલાઈ ગયો ને સળગતો સવાલ સરી પડયોઃ ‘શું કહો છો?’ પ્રત્યુતર મળે એ પહેલા નક્કી કરી લીધું કે, લાખા ભગત પાસે જઈ ભગવાન મળ્યાનું પ્રમાણ માગવું પડશે, તેણે સાબિતી આપવી પડશે !

સાવર ને કુંડલા વચ્ચે નવલી નદી ખળખળ વહે છે. નદીના કાંઠે પંખીના માળા જેવું સાવર ગામ વસ્યું છે. તેમાં લાખા નામનો ગૃહસ્થી વણકર-મેઘવાળ મનેખ વસે છે. વેજા વણી, વણાટકામ કરી ઘરગુજારો કરે છે. પણ વણાટની સાથે કબીરના જેમ પ્રભુભક્તિ પણ વણાતી રહી છે. જ્યાં રોટલાનો ટૂકડો ત્યાં પ્રભુ ઢુકડો… એ ન્યાયે શ્રમિકને દલિતવર્ગનો આ ભોળુડો ભગત, વણાટની મજુરી કરી સાધુ-સંતોને સીધુ – સામાન કે રામ રોટીનો પ્રસાદ પીરસે છે. સદાવ્રતની આ સુગંધ છેક ભાવનગરનું પાદર વળોંટી રાજદરબારમાં પહોંચી ગઈ છે. મોટા મનના રાજવીને આ વાતનો ગર્વ હોય પણ કોઈએ કાન ભંભેરણી કરીને કહ્યું કે,’બાપુ ! એક નગપગ વગર્યના માણસની નામના વધતી જાય છે. ચીભડા કરતા બી મોટું થાતું જાય છે.’ મહારાજના કાન સરવા થયા હતાં. તપી ગયેલા લોઢા પર હથોડો મારે તેમ કહ્યું હતું: ‘પાછો તે પોતાને ભગવાન મળ્યાનું કેય છે !’

આતાભાઈ સાચાને વધાવે પણ ખોટાને ખીલા ધરબી દે. પોતાના રાજમાં ઢોંગ-ધતિંગ કે અંધશ્રદ્ધા ન ફેલાય તેની પુરતી તકેદારી રાખે. ત્યાં વળી આ છેવાડાનો માણસ ભગવાન મળ્યાની વાત કરે…આતાભાઈ ધગધગા થઇ ઉઠયા ને, દિવાનને કહ્યું :’કુંડલા જાવાની તૈયારી કરો !’

ભાવેણાનરેશ લાખા ભગત પાસે ભગવાન મળ્યાનું પ્રમાણ લેવા જાવાના છે આ ખબર વાવંટોળ જેમ આખાય પરગણામાં પ્રસરી ગઈ. તેના અવળા-સવળા લેખાજોખા થાય છે. લાખા ભગત ભગવાન મળ્યાનું પ્રમાણ આપશે ક્યાંથી !? ઇ કાંય નાનીમાના ખેલ છે, નાના છોકરાંવની વાતું છે તે બતાવે ! તો વળી કોઈ અવળવાણીમાં એમ કહે-હનુમાનની જેમ છાતી ચીરીને બતાવી દેશે…લ્યો, આ ભગવાન ! જેટલા મોં એટલી વાતો થાય છે. પણ આ બધાની વચાળે એક વાત તો સૌને વિચારતા કરી દે છે કે, ભગતના ખરાપણાની તપાસ કરાવવી હોયતો ઘણા રસ્તા છે તેમાં ખુદ વખતસિંહજીબાપુને રૂબરૂ જાવાની શું જરૂર છે !? પણ કહે કોણ?

આ બાજુ ભગતને પાકા વાવડ મળી ગયા છે. બાપુ પધારે છે…ભગત સંકટ કરતા વિસામણમાં મુકાઇ ગયા. પળભર થડકારો ખમીને સઘળું હરિના હવાલે કરી દીધું:’હે હરિ, આ ગરીબ ભગતડાની લાજ તારે શિર છે.’ લાખા ભગતને નાનપણથી હરિસ્મરણની લગન લાગેલી છે.  દી’આખો વણાટકામ કરેને રાતના ટાણે એકતારો હાથમાં લઈ, અંતરના તાર હરિ સાથે જોડે. તેમાં ગંગા સતિ, દાસી જીવણ, સંત રોહીદાસની વાણી પ્રગટે. ભાંગતી રાતના ભગવા ભજનની લ્હાણ લેવા અઢારેય વરણમાંથી મનેખ ઉમટે. તેમાં નાતજાતના ભેદ ઓગળીને અંધારામાં અલોપ થઇ જાય.

નવલી નદીમાં વખતસિંહજીની બગી છબછબીયા કરવા લાગી. નગરનું મનેખ ભાવેણાભૂપના દર્શન કરવા કીડીયારાના જેમ ઉમટયું છે. હૈયેહૈયું દળાય છે. ઘણી બેન -દીકરીયું આઘે ઊભી ઓવારણાં લે છે. પણ રાજવીતો છેવાડે રહેતા શ્રમિક મેઘવાળ લાખા ભગતના ઘેર આવ્યા છે એ જાણી ભગતની સાખ ને સારપ માથે જાણે વધુ બે ફૂલડાં ખીલી ઉઠયા છે !

બાપુની બગી સીધી ભગતના ફ્ળિયામાં આવી ને ઊભી રહી. બાપુના મનમાં એક જ નિર્ધાર હતો, ભગત સાચા હોયતો આશીર્વાદ લેવા ને ખોટા હોય તો ખો ભૂલવી દેવી. સામે ભગત તો બે હાથ જોડીને કહેઃ’ઘણી ખમ્મા, આજ અમ ગરીબનું આગણું પાવન કરનાર ધણીને ઘણી ખમ્મા…પધારો બાપલા..’ કહીને નવાનક્કોર વેજા બીછાવેલ ઢોલિયે બેસાડયા.

વખતસિંહજીએ ભગત સામે જોયું. પાણકોરાનું સ્વચ્છ પહેરણ, માથે પાઘડી..ને મોં પર પથરાયેલી નરી નિર્દોષતાને પ્રસન્નતા. રાજવીએ પળના ભાગમાં ભગતને ઉપરતળથી ઓળખી લીધા. દંભ, દેખાડો કે ઢોંગ, ધતિંગનો છાંટોય ન ભાળ્યો. અંતરથી રાજીપો થયો. છતાંય કડપ દાખવીને પૂછયું:’ભગત ! પ્રભુ મળ્યાનું કહો છોતો તેનું પ્રમાણ આપો !’ ભગત પળ બેપળ રાજવી સામે જોતા રહ્યા પછી બે હાથ જોડી, થડકા વગર કહેઃ ‘બાપુ, છાતી ઠોકી કંવ છું, પ્રભુ મને મળ્યા છે…’ સામે રાજવીની મુખમુદ્રા બદલાઈ ગઈ. પણ ત્યાં જ નરમાઇથી ભગતે આગળ કહ્યું: ‘અઢારસેા પાદરનો ધણી ખુદ અમ રંકના ઘેર્ય પધારે એનાથી મોટું કયું પ્રમાણ હોય, પ્રભુ મળ્યાનું !’ લાખા ભગતની પાત્રતા અને નમ્રતા જોઈ રાજવી રાજી થયા. ‘ભગત મારો ભ્રમ ભાંગી ગયો, તમે ખરા અર્થમાં ભગત છો..જરૂર પડે, રાજના દ્વાર તમારા માટે ખુલ્લા ઔછે!’ મહારાજા વખતસિંહજી અલખના સાચા આરાધકની પામ્યાની પ્રસન્નતા સાથે વિદાય થયા.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મને પ્રભુ મળ્યાનું આ પ્રમાણ! appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/me-prabhu-melaya-a-pram/
via Best Gujarati News