પહેલાં પ્રેમી સાથે લગ્ન ના થઈ શક્યા, બીજાએ ટાઈમપાસ કર્યો, હવે ફરી પહેલો પ્રેમી જીવનમાં આવ્યો છે
યૌવનની સમસ્યા :- સોક્રેટિસ
સોક્રેટિસજી,
મારું નામ દિશા (નામ બદલ્યું છે) છે. હું એક યુવક મીત (નામ બદલ્યું છે)ને ખૂબ જ પ્રેમ કરું છું. અમે બન્ને સાતેક વર્ષથી રિલેશનમાં છીએ. જોકે ચાર વર્ષ પહેલાં અમારા લગ્ન વિશે અમે વાત કરી તો ત્યારે અમારા પરિવારોએ ના પાડી દીધી હતી. એ પછી મારી અને મીત વચ્ચે રિલેશન ઓછું થઈ ગયું. એ દરમિયાન મારા જીવનમાં બીજો એક યુવક આવ્યો અને એણે મને વાતોમાં ફસાવી મારી પરિસ્થિતિનો લાભ લીધો. એ પછી પાછળથી ફરી ગયો. એણે તો સ્પષ્ટ શબ્દોમાં મારી સાથે ટાઈમપાસ કરતો હોવાનું કહેતા મારું દિલ ભાંગી ગયું. પરંતુ એ જ સમયગાળામાં મીત ફરી મારા જીવનમાં આવ્યો. એને મેં બધી વાત કરી. એણે મને માફ કરી દીધી અને લગ્ન માટે તૈયાર થયો છે. અમારા બન્નેના પરિવાર પણ તૈયાર થયા છે. ત્યારે જ એક નવી સમસ્યા સર્જાઈ છે. મેં મારા બીજા યુવક સાથેના રિલેશન અંગે મારી એક ફ્રેન્ડને વાત કરી હતી. તેણે મને દગો દઈને એ વાત મીતના કઝીન તેનો ફ્રેન્ડ હોવાથી તેને કરી દીધી છે. હવે અમને એ ડર છે કે મીતનો કઝીન ઘરે આ વાત કરશે તો અમારી ઈજ્જત જશે અને મેરેજ પણ નહીં થાય.. મહેરબાની કરીને મને કોઈ ઉપાય બતાવો કે અમને વાંધો ના આવે.
દિશા,
તેં જે તારી સમસ્યા દર્શાવી છે તે ચિંતાજનક છે, પરંતુ તેથી ડરવાની કોઈ જરૂર નથી. તારા અને મીત વચ્ચેના સાત વર્ષના રિલેશનમાં ચાર વર્ષ બાદ બન્નેના પરિવારોએ લગ્નની ના પાડતા ઓટ આવી હતી. તું કહે છે કે રિલેશન ઓછું થઈ ગયું. પરંતુ તેં લવ હોવાનું સાત વર્ષથી રિલેશન હોવાનું જણાવીને કબૂલ્યું હતું. તો પછી તેં બીજા યુવક સાથે ફ્રેન્ડશિપ અને રિલેશન શા માટે સર્જ્યા ? તેં હાથે કરીને પેટ ચોળીને શૂળ ઊભું કેમ કર્યું ? એ બીજા યુવકે તારી પરિસ્થિતિનો લાભ લીધો એમ તું કહે છે. એટલે કે તું ખૂબ હતાશ થઈ ગઈ હતી. પરંતુ તને જો મીત સાથે લવ હતો જ તો પછી બીજા યુવક વિશે વિચારી પણ કઈ રીતે શકે ? અહીં તો તેં બીજા યુવક સાથે લવ જ શરૂ કરી દીધો અને તારા જ શબ્દોમાં કહીએ તો તેણે તારો બરોબર ફાયદો ઊઠાવ્યો ! એનો મતલબ એવો પણ થઈ શકે કે એણે તારી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હશે. પછી એણે હાથ ખંખેર્યા અને એવા સમયે મીત ફરી તારી જિંદગીમાં આવ્યો છે. એ માટે તું ભાગ્યશાળી ગણાય. એટલું જ નહીં તારું પરાક્રમ જાણવા છતાં મીત તારી સાથે મેરેજ કરવા પણ તૈયાર થયો છે. આ બાબત દર્શાવે છે કે મીત તને ખરેખર લવ કરે છે. હવે જે સમસ્યા સર્જાઈ છે તે પણ તારી નાદાનીને કારણે જ સર્જાઈ છે. તારે તારા બીજા યુવક સાથેના રિલેશનની વાત તારી ફ્રેન્ડને કરવાની શું જરૂર હતી ? ક્યારેય પોતાને ગમે ત્યારે નુકસાન પહોંચાડે, હાની કરે તેવી વાત પોતાના અંગતમાં અંગત વ્યક્તિને પણ ના કરવી જોઈએ. પરંતુ મોટા ભાગના લોકો આવી બધી વાતો પોતાના ફ્રેન્ડને કરી દેતા હોય છે. પરિણામે ગમે ત્યારે જીવનમાં આફત આવતી હોય છે. તારા કેસમાં આવું જ થયું છે. તારી ફ્રેન્ડે પણ તને દગો દીધો છે પણ એ ય નાદાનીમાં જ દીધો છે એમ માની શકાય. કદાચ તેણે તારા લવર મીતના કઝીન સાથે ફ્રેન્ડશિપ હોવાને કારણે આમ જ વાતચીતમાં કહી દીધું હશે. એણે તને હેરાન કરવા જ આવું કર્યું હોય એમ ન માની શકાય. પરંતુ એણે જે કર્યું તે ખોટું જ કર્યું છે. હવે મીતનો કઝીન આ વાત પરિવારજનોને કરે તો તમારા મેરેજમાં વિઘ્ન આવી શકે ખરું. પરંતુ અહીં સૌથી મોટો આધાર મીત પર છે. મીત ખુદ ચિંતામાં પડી ગયો છે અને પરિવારથી ડરવા માંડયો છે ત્યારે તમારા મેરેજ જ ના થાય એવું લાગે. પરંતુ હવે જ મીતે હિંમત દર્શાવવી પડશે. એ માટે તું મીતને સમજાવજે. એને કહે જે કે તે જો મક્કમ રહેશે તો તેઓનું કોઇ કંઈ નહીં બગાડી શકે. એણે તેના પરિવારજનોને ખોટું બોલીને ય કરવું પડશે. તારા અને બીજા યુવક વચ્ચે કોઈ રિલેશન ના હતું. એ તો ઓળખીતી છોકરીએ બદનામ કરવા માટે આવી વાત ફેલાવી છે અને કઝીને પણ કહ્યું છે. તેની આ વાતથી પરિવારજનો માની જ જશે. તારે પેલા બીજા યુવકથી સંભાળવાનું રહેશે. જોકે એ પછીની વાત છે. હાલ તો તમે બન્ને ચિંતામુક્ત બનીને મેરેજ માટે તૈયારી કરો. તારી પેલી ફ્રેન્ડને બોલાવી તેને સમજાવ કે તે મીતના કઝીનને આ વાત પરિવારજનોને ના કરવા દબાણ કરે. જોકે, કઝીન વાત કરે જ એવું નથી. કદાચ એ જાણીને ય અજાણ્યો બની શકે. વાત ના પણ કરે. આમ છતાં તારી ફ્રેન્ડે એને હવે એવું ઠસાવવું પડશે કે તેણે જ વાત કરી તે બરોબર ના હતી. એવું તે ગેરસમજથી સમજી બેઠી હતી. એ બન્ને વચ્ચે ફ્રેન્ડશિપ હોવાથી એવું માની લીધું હતું હા. ક્લોઝ ફ્રેન્ડશિપ હોવાનું કહ્યું હતું ખરું…! એણે કહી વાત વાળી લેવા સમજાવજે. આમ છતાં તે વાત ના કરે તો ય તમે બન્ને મક્કમ રહેશો તો વાંધો નહીં આવે… બન્નેના પરિવાર ના પાડે તો ય હવે પીછેહઠ ના કરતા. તેઓને છેલ્લે પોલીસ અને કોર્ટનો રસ્તો બતાવવા ચીમકી આપજો.. તેઓ પણ માની જ જશે.. બસ. ચિંતા ના કરો.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post પહેલાં પ્રેમી સાથે લગ્ન ના થઈ શક્યા, બીજાએ ટાઈમપાસ કર્યો, હવે ફરી પહેલો પ્રેમી જીવનમાં આવ્યો છે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/before-lover-with-marriage-no/
via Best Gujarati News
0 Comments